કુંતી : વાસુદેવના બહેન, કૃષ્ણ ભગવાનના ફુઈ

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
યદુવંશના રાજા સુરસેન તેમના પિતા હતા અને તેમનું નામ પૃથા પાડવામાં આવ્યું હતું. આમ તે શ્રીકૃષ્ણના પિતા વસુદેવની બહેન હતી. રાજા સુરસેને તેમના મિત્ર રાજા કુંતીભોજ કે જે નિ:સંતાન હતાં તેમને દત્તક આપી હતી માટે તે પાછળથી કુંતી તરીકે ઓળખાઈ. તેના આગમન પછી કુંતીભોજને બાળકો જન્મ્યાં. તે કુંતીને તેમના સદ્ભાગ્યનું કારણ માનતા અને લગ્નપર્યંત તેની સંભાળ રાખી.
 
જ્યારે કુંતી નાની હતી ત્યારે દુર્વાસા ઋષિ રાજા કુંતીભોજને ત્યાં આવી ચડ્યાં. કુંતીએ તેમની ખરા મનથી સેવાચાકરી કરી. તેની સેવાથી પ્રસન્ન થઈને દુર્વાસા મુનિએ તેને પ્રભાવશાળી મંત્ર આપ્યો. આ મંત્ર થકી તે કોઈ પણ દેવનું આહ્વાન કરી તેમના થકી સંતાન પ્રાપ્ત કરી શકે. એ વખતે કુંતી તેમને પૂછે છે, આવું વરદાન તમે મને શા માટે આપો છો ?
 
ત્યારે દુર્વાસા તેને કહે છે, ભવિષ્યમાં તે તેના માટે ઉપયોગી થશે. કુંતીને આ મંત્ર પર વિશ્ર્વાસ ન બેઠો અને તેણે તેની ખાતરી કરી. પરિણામે સૂર્યદેવ પ્રગટ થયા. તેણે સૂર્યદેવને ચાલ્યા જવા કહ્યું પણ તેમણે મંત્રના ઉદ્દેશની પૂર્તિ કર્યા વગર પાછા જવામાં અસમર્થતા બતાવી. આમ અવિવાહિત સ્થિતિમાં સૂર્યદેવ દ્વારા બાળકના જન્મ પછી કુંતીએ તે બાળકને ટોપલીમાં મૂકીને નદીમાં પધરાવી દીધો. આ બાળક પાછળથી એક સારથિ અને તેની પત્ની રાધાને મળ્યો જેમણે તેને દત્તક લીધો અને તેનું નામ કર્ણ રાખવામાં આવ્યું. આગળ જતાં તે મહાભારતમાં એક મહત્ત્વનું પાત્ર બન્યો. કર્ણના મનમાં તેની જન્મદાત્રી માતા વિષેની લાગણીઓ મહાભારતમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
 
કુંતીનાં લગ્ન હસ્તિનાપુરના રાજકુમાર પાંડુ સાથે થયાં. પાંડુએ બીજાં લગ્ન માદ્રી સાથે કર્યાં પણ સંતાનપ્રાપ્તિ ન થઈ. એક વખત શિકાર પર જતાં ભૂલથી તેમણે હરણ-હરણીનાં વેશે સંવનન કરી રહેલાં એક સાધુ અને તેની પત્નીને વીંધી નાખ્યાં. મૃત:પ્રાય સાધુએ તેને શાપ આપ્યો. ઉદ્વિગ્ન પાંડુ પોતાના પ્રાયશ્ર્ચિત્ત માટે દેશવટો ભોગવવા કુટુંબ સહિત જંગલમાં આવી રહેવા લાગ્યા. અહીં કુંતીએ તેનો ગુપ્તમંત્ર પ્રયોગ કર્યો અને તેનો ત્રણ વખત ઉપયોગ કર્યો. પ્રથમ વખત તેણે યમદેવ દ્વારા પુત્ર યુધિષ્ઠિર, બીજી વખત વાયુદેવ દ્વારા ભીમ અને ત્રીજી વખત ઇંદ્રદેવ દ્વારા અર્જુન નામનો પુત્ર મેળવ્યો. કુંતી એ આ મંત્ર માદ્રીને પણ આપ્યો. તેણે નકુળ અને સહદેવ નામે અશ્ર્વિનીકુમાર થકી જોડિયા પુત્રો મેળવ્યા. આ પાંચેય પાંડવો કહેવાયા.
પાંડુના મૃત્યુ પછી માદ્રી તેમની પાછળ સતી થઈ અને પાંચેય બાળકોના ઉછેરની જવાબદારી કુંતી પર આવી પડી. કુરુક્ષેત્રના યુદ્ધ પછી તેઓ પોતાનાં જેઠ-જેઠાણી ધૃતરાષ્ટ્ર-ગાંધારી અને દિયર વિદુર સાથે હિમાલયમાં હાડ ગાળવા ચાલ્યાં ગયાં, જ્યાં એક દાવાનળમાં તેમનું મૃત્યુ થયું.
 
મહાભારતમાં કુંતીના પાત્રનું એક સન્માનનીય સ્થાન પ્રાપ્ત છે. એક ધર્મિષ્ઠ અને વફાદાર પત્ની અને સ્વયં પર અત્યંત કાબૂ ધરાવનાર વ્યક્તિ તરીકેની તેમની ગણનાર હતી. કુંતીને દેવો દ્વારા તે ઇચ્છા તેટલા પુત્રો મેળવવાનું વરદાન હતું. તેણે વરદાનનો દુરુપયોગ ન કરતાં માત્ર ત્રણ જ પુત્રો મેળવ્યા. પાંડુની વધુ પુત્રો મેળવવાની ઘણી વિનંતીઓ છતાં કુંતી શાસ્ત્રોની એ વાતને વળગી રહ્યાં જેમાં લખ્યું છે જો સામાન્ય રીતે પ્રસૂતિ ન થાય તો ૩ પુત્રોથી વધુ ન કરવા. (અહીં કુંતીને બાળકો વરદાન રૂપે મળ્યા હતા, તેણે તેમને જન્મ આપ્યો ન હતો) અને જ્યારે પાંડુએ વિનંતી કરી ત્યારે તેણે તે મંત્ર પાંડુની બીજી પત્ની માદ્રીને આપ્યો.
 
મહાભારતનું યુદ્ધ ભીમની પ્રતિજ્ઞા સાથે નક્કી થઈ જાય છે ત્યારે કુંતી માટે માતા તરીકે મોટી મૂંઝવણ ઊભી થાય છે. તે કર્ણની શૂરવીરતાને જાણતી હોવાથી પાંડુપુત્ર અર્જુનની રક્ષા કરવાના ચોક્કસ હેતુ સાથે કર્ણને મળવા ગંગા નદીના કિનારે જાય છે. એક માતા અને વર્ષો પહેલાં ત્યજી દીધેલા પુત્ર કર્ણનું આ પ્રથમ મિલન છે. નિત્યક્રમ અનુસાર મધ્યાહ્ન સમયે કર્ણ સૂર્યને અર્ધ્ય આપે છે. ધોમધખતા તાપમાં ક્યારેય જેણે પગ માંડ્યો નથી એવી કુંતી ચૂપચાપ કર્ણની પાછળ જઈને ઊભી રહે છે.
 
મહાભારતના ઉદ્યોગપર્વમાં આ પ્રસંગને વર્ણવતાં મહર્ષિ વ્યાસ કુંતી માટે પદ્મમાળા એવો શબ્દ પ્રયોજે છે. સૂર્યના આકરો તાપ એ કુંતીના મનમાં પોતાના પહેલાં સંતાનને જન્મ બાદ તરત જ ત્યજી દેવાના કર્મના પશ્ર્ચાત્તાપનો પણ હોય એવું ઇંગિત છે.
 
‘કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે..’ જાણીતા લોકગીતમાં મહાભારતનો મહત્ત્વનો પ્રસંગ સરસ રીતે વ્યક્ત થયો છે. અઢાર દિવસ સુધી ચાલેલા મહાભારતના યુદ્ધમાં અર્જુનના વીર પુત્ર અભિમન્યુની રક્ષા માટે દાદી-માતા કુંતા તેના કાંડે રાખડી બાંધે છે. માતા કુંતી પૌત્રને પોરસ ચડાવતાં કેટલીક કાળજીભરી શિખામણ આપે છે. આના પરથી માતા કુંતાના વ્યક્તિત્વનો સુપેરે પરિચય મળે છે.
 
અહીંયાં એક બીજો પણ સંયોગ રચાતો જોવા મળે છે. કર્ણ સૂર્યનો પુત્ર છે અને કુંતી તેની માતા છે. આમ આ મિલન માત્ર માતા અને પુત્રનું નહીં પણ માતા, પુત્ર અને પિતા એમ સંબંધોનો ત્રિવેણી સંગમ છે. કુંતી આજે એના દાનવીર અને શૂરવીર પુત્ર પાસે નિજસ્વાર્થથી પ્રેરાઈને અહીં આવે છે. મહર્ષિ વેદવ્યાસે સૂર્યના તાપથી બચવા કુંતી કર્ણના ઉત્તરીયના છાંયડાનો આશરો લે છે એ વાત મૂકીને ગર્ભિત રીતે જણાવી દીધું છે કે કુંતીની મહાભારત જેવા ઘોર મહાયુદ્ધના તાપથી પાંડવોને બચાવવા માટેની મથામણના ભાગરૂપે એને કર્ણની છાયાનો આશરો લેવાનો છે એ સંદર્ભમાં પણ કલ્પી શકાય.
 
કુંતીનો અહીં આવવાનો ઉદ્દેશ જરા જુદો છે. તેને કર્ણ માટે વહાલ ઊભરાતું નથી. પરંતુ પોતાના પુત્રોની રક્ષા એ જ એનો ઉદ્દેશ છે. કુંતીની દાનતમાં ક્યાંક કશુંક ખૂટે છે એ કર્ણ બરાબર જાણે છે. તેથી પાંડવોનો જીવ બચી જાય એ વાત કુંતીના મનમાં કેન્દ્રસ્થાને છે. કર્ણ લગભગ એની એ ઇચ્છા પૂરી પણ કરે છે અને તે પોતાની માતાને પગે લાગીને વિદાય થાય છે. એ વખતે પણ કુંતી ઊણી ઊતરે છે. જતાં જતાં તે કર્ણને આવા આશીર્વાદ આપે છે :
 
अनामयं स्वस्ति
અર્થાત્
રોગરહિત રહેજે !
 
(ઉદ્યોગ. ૧૪૪; ૨૬)