નકુલ : પાંચ પાંડવોમાંનો એક ભાઈ, શ્રેષ્ઠ તલવારબાજ, ભરવરસાદમાં પણ ભીંજાયા વગર ઘોડેસવારી કરી જાણનાર

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |


 

નકુલ પાંડુપત્ની માદ્રીના જોડિયા પુત્રોમાં મોટા પુત્ર છે. પાંડુને મળેલા શાપથી પુત્રપ્રાપ્તિ માટે અશક્ત બનેલ પાંડુએ પ્રથમ કુંતીને પુત્રપ્રાપ્તિ મંત્ર થકી સંતાન ઉત્પન્ન કરવાનું કહ્યું. દરમિયાન માદ્રી પણ માતૃત્વથી વંચિત રહે તે માટે પાંડુએ કુંતીને માદ્રીને પણ મંત્ર શીખવવાનો આગ્રહ કર્યો ત્યારે કુંતીએ કહ્યું, મને મળેલ મંત્ર હું કોઈને શીખવી તો શકું, પરંતુ હું મંત્ર ઉચ્ચારું અને માદ્રી ઇચ્છિત દેવતાનું સ્મરણ કરે તો તે માતા રૂ‚રથી બની શકે. માદ્રી રાજી થતાં મનમાં વિચારે ચડી ગઈ કે, આખરે એવા કયા દેવતા છે. જે સૌથી શક્તિશાળી, સૌથી સુંદર અને જ્ઞાની હોય. વિચારોની ગૂંચવણમાં માદ્રીના મનમાં બે અશ્ર્વિની કુમારોની તસવીર તરવા લાગી પરંતુ તે દેવતા હતા, અર્ધદેવતા હતા.

 માદ્રી તેમના વિશે વિચારતી હતી ત્યાં કુંતીએ મંત્ર ઉચ્ચાર્યો અને બન્ને અશ્ર્વિનીકુમારો માદ્રી સમક્ષ પ્રગટ થઈ ગયા અને ફળસ્વરૂપ માદ્રીને બે જોડિયા બાળકો મળ્યા. તેમાંના મોટા પુત્ર એટલે નકુલ. અશ્ર્વનો મતલબ ઘોડો થાય છે અને બન્ને અશ્ર્વિની કુમારો દિવ્ય ઘોડેસવાર હતા. તેથી તેમના સંસ્કાર નકુલમાં ઊતર્યા. નકુલનો અર્થ પરમ વિદ્વાન થાય છે. મહાભારતમાં નકુલ પાંચેય પાંડવોમાં સૌથી સુંદર હતો. માટે તેની તુલના કામદેવ સાથે થાય છે. પિતા અશ્ર્વિનકુમારની જેમ નકુલ પણ ધર્મ-નીતિ અને ચિકિત્સા ક્ષેત્રમાં પારંગત હતા. અશ્ર્વિની કુમારો મૂળ પશુચિકિત્સક હતા. પરિણામે નકુલ અશ્ર્વવિદ્યામાં પારંગત થયા હતા અને પશુઓની ભાષાના જાણકાર હતા.
 
અજ્ઞાતવાસ દરમિયાન નકુલે વેશપલટો કરી ગ્રાંથિક નામે મહારાજા વિરાટની અશ્ર્વશાળામાં ઘોડાઓની દેખભાળ રાખવાનું કામ સંભાળ્યું. નકુલ માટે એમ કહેવાય છે કે તે તલવારબાજીમાં એટલા પારંગત હતા કે ભારે વરસાદમાં પણ તે જ્યારે ઘોડેસવારી કરતા તો તલવારથી વરસાદના ટીપાને કાપી નાખતા અને એક ટીપું શરીરને સ્પર્શવા દેતા નહીં. નકુલને દ્રૌપદી થકી શતાનિક નામનો પૂત્ર થયો હતો. તો કરેણુમતિ નામની એક અન્ય પત્ની થકી નિરમિત્ર નામનો પુત્ર થયો હતો.
 
પોતે સૌથી રૂપવાન હોવાના અભિમાનને કારણે પાંડવોના મહાપ્રયાણ દરમિયાન તે માર્ગમાં ઢળી પડ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો.
 
- મહેશ પંડ્યા