સહદેવ : પાંડુરાજા અને માદ્રીનો ત્રિકાળ જ્ઞાની, યુદ્ધમાં શકુનિ અને તેના પુત્રનો સંહાર કરનાર મહાભારતનો શાંત યોદ્ધો

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |


 

સહદેવનો શાબ્દિક અર્થ થાય છે સહસ્ર દેવતા. દેવતા જેવું તેજ અને જ્ઞાન ધરાવતો સહદેવ પાંડુરાજાની બીજી પત્ની માદ્રીનું સંતાન હતો. મહાભારતની કથામાં આપણે જાણ્યું છે કે પાંડુરાજાને શાપ હતો કે તેઓ સ્ત્રી સાથે સહવાસ માણશે તો તત્કાળ મૃત્યુ પામશે. પાંડુરાજાનાં લગ્ન કુંતી અને માદ્રી નામની બે રાજકુમારીઓ સાથે થયેલા, એમાંથી કુંતીને વરદાન મળેલું કે પુત્રપ્રાપ્તિના મંત્ર થકી સંતાન પેદા કરી શકશે. કુંતીએ મંત્ર દ્વારા દેવોની મદદથી કર્ણ, યુધિષ્ઠિર, અર્જુન અને ભીમની પ્રાપ્તિ કરી, એટલું નહીં કુંતીએ માદ્રીને પણ પુત્રપ્રાપ્તિનો મંત્ર શીખવ્યો. માદ્રીએ અશ્ર્વિનીકુમારોની આરાધના કરીને બે પુત્રો પ્રાપ્ત કર્યા. આમ તો સંતાનો જોડિયા હતા, છતાં નકુલ મોટો અને સહદેવ નાનો ભાઈ હતો, રીતે પાંચ પાંડવોમાં સહદેવ સૌથી નાનો ભાઈ હતો.

નકુલ અને સહદેવનો જન્મ થયો ત્યારે આકાશવાણી થયેલી કે જ્ઞાની અને સૌંદર્યવાન બન્ને ભાઈઓ અશ્ર્વિનીકુમારોથી પણ વધારે શક્તિશાળી હશે. અશ્ર્વિનીકુમારોની જેમ તેઓ પશુપાલન, ખાસ કરીને અશ્ર્વસંભાળમાં અવ્વલ હતા. ઉપરાંત ચિકિત્સા, શસ્ત્રવિદ્યા અને તલવારબાજીમાં પણ તેઓ નિપુણ હતા. સહદેવ માટે કહેવાય છે કે તેઓ અજોડ રથયોદ્ધા હતા. અજ્ઞાતવાસ દરમિયાન પાંચેય પાંડવોએ જ્યારે વેશપલટો કરીને મહારાજા વિરાટના રાજ્યમાં રહેવાનું નક્કી કર્યું ત્યારે સહદેવને પશુપાલનનું જ્ઞાન હોવાથી તેણે ગાયો ચરાવવાનું કામ સ્વીકાર્યું હતું અને અજ્ઞાતવાસ દરમિયાન ગૌસેવા કરી હતી.

સહદેવની એક વિશેષતા આપણે સૌ જાણીએ છીએ અને વિશેષતા એટલે તેનું ત્રિકાળ જ્ઞાન. કહેવાય છે કે સહદેવ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, એમ ત્રણેય કાળનું જ્ઞાન ધરાવતા હતા. સહદેવને જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું, તેને લગતી અનેક દંતકથાઓ છે, જેમાંથી તેણે પિતાની આજ્ઞા મુજબ તેમના મૃત્યુ પછી તેમના દિમાગનો ભાગ ખાધો હોવાથી તેમને ત્રિકાળજ્ઞાન પ્રાપ્ત થયું હતું, એવી સહજપણે માન્યામાં આવે, એવી કથાઓ પણ સાંભળવા મળે છે.

સહદેવ ત્રિકાળજ્ઞાની હતા, પરંતુ તેમના જ્ઞાનનો લાભ ભાગ્યે તેમના મોટા ભાઈઓ દ્વારા લેવાયો હતો, એવું ચોક્કસપણે લાગે છે. પાંચેય પાંડવો અનેક વિદ્યાથી નિપુણ હતા. યુધિષ્ઠિર ધર્મરાજ તરીકે પ્રતિષ્ઠિત હતા ત્યારે તેમને સહદેવની સલાહ મુજબ ચાલવાનું સૂઝે, પણ સ્વાભાવિક છે. હા, યુધિષ્ઠિરને ક્યારેક કોઈ પ્રશ્ર્ન મૂંઝવતો હોય ત્યારે તેઓ અર્જુન કે ભીમની મદદ લેતા હશે, તેમની સાથે ચર્ચા કરતા હશે, પરંતુ સૌથી નાના ભાઈ સહદેવને પૂછવાનું તેમને યોગ્ય નહીં લાગતું હોય, એવું બનવાજોગ છે.

આપણે લાક્ષાગૃહનો પ્રસંગ જાણીએ છીએ કે જ્યારે લાક્ષાગૃહમાં ચારેકોરથી આગ લાગી ચૂકી હોય છે અને બહાર નીકળવાનો રસ્તો સૂઝતો નથી અને જીવતા બળી મરવાની સ્થિતિ આવીને ઊભી રહે છે ત્યારે ભીમ સહદેવને પૂછે છે કે બોલ, હવે શું કરીએ? ત્યારે સહદેવ વિદુરજીએ તૈયાર કરાવેલી સુરંગની વાત કરીને ભીમને ધરતી પર લાત મારવાનું કહે છે અને સુરંગ દ્વારા પાંચેય પાંડવો, કુંતા માતા અને દ્રૌપદીનો આબાદ બચાવ થાય છે. એક પ્રસંગ સિવાય મહાભારતમાં ભાગ્યે કોઈ પ્રસંગ મળે છે, જેમાં સહદેવના ત્રિકાળજ્ઞાનનો લાભ લેવામાં આવ્યો હોય.

સહદેવ ત્રિકાળજ્ઞાની હતા, પરંતુ તેમને શ્રીકૃષ્ણે શાપ આપેલો કે તને કોઈ જ્યાં સુધી પૂછે ત્યાં સુધી તારે કોઈને કશું જણાવવું નહીં. તું જો કોઈના પૂછ્યા વિના તારું જ્ઞાન જાહેર કરીશ તો તારું જ્ઞાન ખતમ થઈ જશે. આમ, બધું જાણવા છતાં કોઈને જણાવી નહીં શકવાની સ્થિતિ સહદેવ માટે અનેકવાર કપરી પુરવાર થતી હોય છે. કોઈને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીંની પીડા કેટલી આકરી હોઈ શકે, સહદેવથી વિશેષ કદાચ કોઈ કહી શકે. સહદેવ જાણતા હોય કે જુગટું રમતાં રમતાં યુધિષ્ઠિર પોતાના સહિત પાંચેયને હારી જવાના છે, એટલું નહિ દ્રૌપદીને પણ હારી જવાના છે અને ભરસભામાં દ્રૌપદીનાં ચીર ખેંચાવાનાં છે, છતાં કંઈ બોલી શકતા નથી. યુધિષ્ઠિરને દુર્યોધન-શકુનિ સામે જુગટું રમતાં અટકાવી શકતા નથી. પ્રસંગે તો ખેર સહદેવને પણ જ્ઞાન હોય કે સાક્ષાત્ શ્રીકૃષ્ણ દ્રૌપદીને ચીર પૂરીને લાજ બચાવી લેવાના છે, પરંતુ કુ‚ક્ષેત્રના યુદ્ધ દરમિયાન અશ્ર્વત્થામા જ્યારે રાતે પાંડવોની છાવણીમાં ઘૂસીને પાંચેય પાંડવોને ઊંઘતા હણી નાખવાના ઇરાદે આવે છે ત્યારે શ્રીકૃષ્ણની ચતુરાઈથી પાંડવો તો બચી જાય છે, પરંતુ પાંચેય પાંડવોનાં સંતાનોને ભરઊંઘમાં મોતને ઘાટ ઉતારી દેવાય છે. ઘટનાની જાણ હોવા છતાં સહદેવ જ્યારે કશું નહીં કરી શક્યા હોય ત્યારે તેમણે કેટલી પીડા ભોગવી હશે, એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દ્રૌપદીએ જન્મ આપેલા પોતાના પુત્ર શ્રુતકર્માના આવા કરુણ મોતની આગોતરી જાણકારી છતાં સહદેવે જ્યારે ચુપકીદી જાળવી રાખવી પડે છે ત્યારે કયા સ્તરની સ્થિતપ્રજ્ઞતા તેણે પ્રાપ્ત કરી હશે, એનો આપણે ત્યાં ભાગ્યે વિચાર કરાયો છે.

સહદેવ એક કુશળ રથયૌદ્ધા હતા. કુરુક્ષેત્રમાં અઢારમા એટલે કે અંતિમ દિવસે સહદેવ અને શકુનિના પુત્ર ઉલૂક વચ્ચે યુદ્ધ થયું, જેમાં સહદેવના હાથે ઉલૂક માર્યો ગયો. પુત્રનો મૃતદેહ જોઈને શકુનિ યુદ્ધભૂમિમાં રડવા લાગેલો અને પછી પોતાનો જીવ બચાવવા ભાગવા લાગેલો, પરંતુ સહદેવે તેની પાછળ દોડીને તેને પકડી પાડ્યો અને યુદ્ધ કરીને શકુનિનો વધ કર્યો હતો. એક દંતકથા છે કે જુગટામાં પરાજય અને અપમાન તથા દ્રૌપદી સાથેના દુર્વ્યવહારને કારણે સહદેવે પ્રતિજ્ઞા લીધી હતી કે તે શકુનિનો વધ કરીને જંપશે. યુદ્ધના અંતિમ દિવસે સહદેવે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી હતી.

મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરે નકુલ અને સહદેવને મંદ્રપ્રદેશના રાજા બનાવ્યા હતા. કહેવાય છે કે સહદેવે દક્ષિણ ભારતના સમુદ્ર તટવર્તી રાજાઓને હરાવીને દક્ષિણ ભારતમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું હતું. સહદેવને દ્રૌપદી ઉપરાંત બીજી ત્રણ પત્નીઓ હતી, વિજય, ભાનુમતી અને જરાસંધની દીકરી. સહદેવ પરથી ગ્રંથો લખાયા છે, જેમાં મુખ્ય છે - વ્યાધીસંઘવિમર્દન, અગ્નિસ્રોત, શકુન પરીક્ષા.

મહાભારતના મહાપ્રસ્થાનિત પર્વમાં જણાવાયું છે કે અંતકાળે પાંડવોએ મોક્ષની પ્રાપ્તિ માટે વેદવ્યાસની આજ્ઞાથી અર્જુનના પૌત્ર પરીક્ષિતને રાજકાજ સોંપીને હેમાળો ગાળવાનો નિર્ણય કર્યો હતો. દ્રૌપદી સહિત પાંચેય પાંડવો ભારતભરમાં ભ્રમણ કરીને હિમાલય પહોંચ્યાં હતાં. પાંડવો જીવતેજીવ સ્વર્ગ જવા માગતા હતા, પરંતુ ચાલતાં ચાલતાં સૌથી પહેલાં દ્રૌપદીએ દેહ ત્યાગ્યો હતો. આગળ જતાં પાંચ પાંડવોમાંથી દેહત્યાગ કરવામાં સૌથી પહેલો હતો સહદેવ. ભીમે આશ્ર્ચર્યથી યુધિષ્ઠિરને પૂછ્યું હતું કે સહદેવ કેમ સદેહે સ્વર્ગ પામી શક્યો? ત્યારે યુધિષ્ઠિરે કારણ સમજાવ્યું હતું કે સહદેવને પોતાના જ્ઞાન-ડહાપણનું અભિમાન હતું, તે માનતો હતો કે વિદ્વત્તા બાબતે જગતમાં કોઈ તેની તોલે આવી શકે એમ નથી. દોષને કારણે તેણે આજે મરવું પડ્યું! સહદેવ મૃત્યુ પામ્યા ત્યારે તેમની ઉંમર ૧૦૫ વર્ષ હોવાનું અનુમાન છે.

 
- સપના વ્યાસ