મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત વૈશ્વિક મહાનૂભાવો

    ૦૨-ઓક્ટોબર-૨૦૧૯   

 
દુનિયામાં જેની ઓળખ હોય તેવી ભારતની મહાન વિભૂતી કઈ? જો આનું લિસ્ટ બનાવવામાં આવે તો તેમાં ગૌત્તમ બુદ્ધ અને મહાત્માં ગાંઘી આ બે ભારતીયોનું નામ પહેલી હરોળમાં આવે જ. આ બે ભારતીયોને ભારતમાં જ નહિ દુનિયામાં સૌથી વધુ સન્માન મળ્યું છે. ૨ ઓક્ટોબરે મહાત્માં ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી આખા દેશમાં થઇ. આ આખું વર્ષ હવે ગાંધીની ૧૫૦મી જન્મજયંતી તરીકે ઉજવાશે આવા સમયે આવો જાણીએ કે માત્ર ભારતના જ લોકો નહિ પણ વિદેશની મહાન હસ્તીઓ પણ ગાંધી વિચારથી પ્રભાવિત થઈ હતી અને તેમણે આ વાત જાહેરમાં સ્વીકારી પણ છે….
 
પોતાના આદર્શો અને અહિંસાના વિચારના કારણે મહાત્માં ગાંધી દુનિયાભરમાં પ્રસિદ્ધ હતા, છે અને રહેશે. ભારત સહિત વિશ્વ આખામાં આજે પણ ગાંધીજીનું નામ લોકો સન્માન સાથે લે છે. આમાં અંગ્રેજો પણ બાકાત નથી રહ્યા. ગાંધીજીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા અંગ્રેજો સામે લાંબી લડાઈ લડી, અંગ્રેજોનો દેશ નિકાલ કરવામાં ગાંધીજીનો મહત્વનો ફાળો છે તેમ છતાં ગાંધીજીની ૨૧મી પુણ્યતિથિએ બ્રિટનમાં અંગ્રેજોએ તેમના માનમાં તેમની ડાક ટીકિટ બહાર પાડી હતી. આ તેમના પ્રત્યેનું અંગ્રેજોનું સન્માન જ છે. અંગ્રેજો જ નહિ પણ છેલ્લી સદીની ગુલામ દેશોની આઝાદીની લડાઈ કે માનવતાની કે અધિકારોની લાડાઈ વિશ્વમાં ક્યાંય પણ લડાઈ હશે તમને તે લડાઈમાં ક્યાંક ને ક્યાંક ગાંધીના વિચારોની થોડી કે વધુ અસર જોવા મળશે જ.(અપવાદ બધે હોય છે અહિં પણ હોય શકે.) આજે દુનિયાના અનેક લીડર્સ, વિચારકો એવા છે કે હતા કે જેમણે ગાંધીજીમાંથી પ્રેરણા લીધી છે. આ લીડર્સ, વિચારોકના જીવન પર ગાંધીના વિચારોનો પ્રભાવ હતો. તો આવો ગાંધીની ૧૫૦મી જન્મજંયતિ નિમિતે આ લોકોને યાદ કરીએ અને જાણીએ કે તેમણે ગાંધીજી વિષે શું કહ્યું હતુ….?
 

નેલ્સન મંડેલા જેઓ ગાંધી માર્ગે ૨૭ વર્ષ જેલમાં રહ્યા!


 
 
 
એવું કહેવાય છે કે આપણે આફ્રિકાને “ગાંધી” આપ્યા અને આફ્રિકાએ આપણને “મહાત્મા ગાંધી” પાછા આપ્યા. ગાંધીજીનો પ્રભાવ આફ્રિકાખંડમાં આમ પણ અદ્ભુત હતો. એવું કહી શકાય કે દક્ષિણ આફ્રિકાના ફ્રિડમ ફાઈટર નેલ્શન મંડેલા ખરા અર્થમાં ગાંધીના શિષ્ય હતા. દક્ષિણ આફ્રિકામાં ગોરાઓનું રાજ હતું. ગોરાઓની સંખ્યા ખૂબ ઓછી હોવા છતાં અહિ રાજ કરતા આ ગોરાઓ આફ્રિકાના મૂળ નિવાસીઓ પર ભારે જુલ્મ ગુજારતા. જુલ્મના નામે અહિ બધી હદ પાર આ ગોરાઓ કરતા. ગાંધીજી અહિં પહોંચ્યા તો તેમને આ લોકો માટે અહિં આંદોલન શરૂ કર્યું હતું. ત્યાર પછી જ અહિ આફ્રિકન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ. જેનું નેતૃત્વ આફ્રિકાના મૂળ નિવાસીઓ જેને શ્યામ કે કાળા લોકો કહેવતા તેમણે કર્યું હતું. આ સંઘર્ષ ખૂબ લાંબો ચાલ્યો જેનું નેતૃત્વ કર્યુ હતું નેલ્શન મંડેલાએ…રંગભેદની ગોરાઓની નીતિ સામે ૬૭ વર્ષ સુધી નેલ્શન મંડેલાનું આ સંગઠન અંગ્રેજો સામે સંઘર્ષ કરતું રહ્યું. પણ અંગ્રેજો ટસનામસ ન થતા મંડેલાએ સંઘર્ષને ધાર આપવા થોડી હિંસા કહી શકાય તેનો માર્ગ અપનાવ્યો. અને એ હિંસા એટલે માર ધાડ નહિ પણ માત્ર થોડી તોડફોડ અને એ પણ ગોરાઓની નહિ વસ્તુઓની. એવું કહેવાય છે કે આ છૂટ છાટ માટે મંડેલાએ પહેલા ગાંધીની માફી પણ માંગી હતી. જોકે આ તોડફોડનું નુકશાન મંડેલાને ભોગવવું પડ્યું. આંદોલન ઉગ્ર બનતું લાગતા અંગ્રેજોએ મંડેલાની તેના સાથીઓ સાથે ધરપકડ કરી અને જેલમાં પૂરી દીધા. મંડેલા ૨૭ વર્ષ સુધી જેલમાં રહ્યા. પછી આફ્રિકા કઈ રીતે આઝાદ થયુ તે ઇતિહાસ છે પણ નેલ્શન મંડેલા આફ્રિકાના ગાંધી તરીકે આજે ઓળખાય છે. ૧૯૯૪માં જ્યારે નેલ્સન મંડેલાને શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો ત્યારે તેમણે જાહેરમાં કહ્યું હતું કે “મારી સફળતાનો શ્રેય મહાત્માં ગાંધીને જાય છે. ભારત મહાત્મા ગાંધીનો દેશ છે અને દક્ષિણ આફ્રિકા તેમણે દત્તક લીધેલો દેશ છે”
 

“ગાંધીવાદી” માર્ટિન લૂથર કિંગ “જુનિયર”


 
 
 
૧૯૨૯માં અમેરિકાના એટલાન્ટામાં જન્મેલા ” માર્ટિન લૂથર કિંગ “જુનિયર” ગાંધીજીથી ખૂબ પ્રભાવિત હતા. લૂથર કિંગે અમેરિકામા નિગ્રો સમૂદાયના લોકો સામે જે ભેદભાવ થતો હતો તેની વિરુદ્ધ અહિંસક માનવાધિકાર આંદોલન ચલાવ્યું હતું. તે સમયે અમેરિકામાં રંગભેદની આગમાં સળગતું હતું એટલે સુધી કે ત્યાંની બસમાં પણ કાળા-ગોરા યાત્રીઓની સીટો પણ અલગ રાખવામાં આવતી. માર્ટિન લૂથર કિંગ “જુનિયર”ને ગમ્યું નહિ અને અમેરિકાની આ માનવાધિકાર વિરુદ્ધની કાયદા-નીતિ સામે એક પ્રચંડ આંદોલન શરૂ કર્યુ અને એ પણ અહિંસક. આ આંદોલન ૩૮૧ દિવસ ચાલ્યું. અને અંતે અમેરિકાએ સમાન નાગરિકનો કાયદો ઘડવો પડ્યો. માર્ટિન લૂથર કિંગને શાંતિનો નોબેલ આપવામાં આવ્યો જે અત્યાર સુધી સૌથી નાની ઉપરના વ્યક્તિને મળ્યાનો રેકોર્ડ છે. ટાઈમ મેગેઝિને પણ ૧૯૬૩માં માર્ટિન લૂથર કિંગને “મેન ઓફ ધી ઇયર” તરીકેનો એવોર્ડ આપ્યો. મહત્વની વાત એ છે કે કિંગ આ સફળતાને મહાત્મા ગાંધીના વિચારો સાથે સરખાવે છે. તેઓ ગાંધીજીના અહિંસક આંદોલનથી ખૂબ પ્રભાવિત હતા. માર્ટિન લૂથર કિંગ “જુનિયર”એ ગાંધીજીના આદર્શો સાથે અમેરિકામાં આ પ્રચંડ આંદોલન ચલાવ્યું હતું, અમેરિકાની ગોરી પ્રજાનો પણ તેમને સાથ મળ્યો હતો. વર્ષ ૧૯૫૯ માર્ટિન લૂથર કિંગે ગાંધીને અને તેમના વિચારને સમજવા આત્મસાત કરવા પત્ની અને કેટલાંક સહયોગી સાથે ભારતની યાત્રા કરી હતી. તે સમયે કિંગે કહ્યું હતું કે મે અનેક દેશોની યાત્ર એક પર્યટક તરીકે કરી છે પણ મે ભારતની યાત્ર તીર્થયાત્રી તરીકે કરી છે કારણ કે આ ગાંધીની જન્મ અને કર્મભૂમિ છે. તેઓ ગુજરાતમાં સાબરમતી આશ્રમમાં થોડા દિવસ રોકાયા પણ હતા. એવું કહેવાય છે કે ભારતની આ મુલાકાત પછી કિંગ પાક્કા ગાંધીવાદી બની ગયા હતા. કિંગ હંમેશાં કહેતા કે ઇશ્વરે આપણને લક્ષ્ય આપ્યું છે અને મહાત્માં ગાંધીએ આ લક્ષ્ય સુધી પહોંચવાના ઉપાય આપણને આપ્યા.
 

સાદગીથી પ્રભાવિત આલ્બર્ટ આઈન્ટાઈન

 

 
 
આઇંસ્ટાઇને બાપુ વિશે કહ્યું હતું, આવનારી પેઢીઓ આ પૃથ્વી પર હાડમાંસનો આવો કોઈ માનવી અવતર્યો હશે, તેમ માનવા ઝટ તૈયાર નહીં થાય. મહાનતાને હંમેશાં સાદગી પસંદ હોય છે અને એટલે જ ગાંધીજીની સાદગીથી અનેક મહામાનવો પ્રભાવિત થયા હતા. આમાં આલ્બર્ટ આઈન્ટાઈન પણ એક હતા. જર્મનીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને પોતાની મહત્ત્વની શોધો પર જરા પણ અહંકાર ન હતો. તેઓ એકદમ સાદગીભરેલું જીવન જીવતા હતા. એટલે જ ગાંધીજી અને આલ્બર્ટ આઈન્ટાઈન બન્ને એકબીજાના પ્રશંસક હતા. આ બન્ને મહામાનવો વચ્ચે પત્રવ્યવહાર પણ થયો છે. આલ્બર્ટ આઈન્ટાઈને ગાંધીને ઉદ્દેશીને એકવાર કહ્યું હતું કે આપણી પેઢિઓ માટે એક રોલ મોડલ આવી ગયો છે. એક પત્રમાં આઈન્ટાઈને લખ્યું છે કે “ગાંધીના વિચાર અમારા સમયના નેતાઓ માટે સૌથી જ્ઞાનવાન અને આધ્યાત્મિક દૃષ્ટિ રાખનારા છે” એમણે એ પણ કહ્યું કે મહાત્માં ગાંધી એટકે એવા વિજયી યોદ્ધા જેણે બળનો હંમેશાં વિરોધ કર્યો તેઓ બુદ્ધીમાન, દ્રઢસંકલ્પી અને નમ્ર વ્યક્તિ હતા. આઇન્સ્ટાઇનને કોઈ જ શંકા નહોતી કે ગાંધી તેમના સમયના જ નહિ, પરંતુ કોઈ પણ સમયના સૌથી મહાન નેતા હતા.
 

બરાક ઓબામાના રીયલ હીરો ગાંધીજી

 

 
 
અમેરિકાના રાષ્ટ્રપતિ પદે સતત બેવાર ચૂંટાઇ આવી ઇતિહાસ સર્જનાર બરાક ઓબામા મહાત્મા ગાંધીને પોતાના આદર્શ માને છે. બરાક ઓબામા ગાંધીજી અને માર્ટિન લ્યૂથર કિંગને પોતાના હીરો માને છે. ઓબામાના વ્યક્તિત્વ પર ગાંધીજી અને માર્ટિન લ્યૂથર કિંગની ભારે અસર રહી છે. આ બન્ને મહાન વ્યક્તિઓથી ઓબામા ભારે પ્રભાવિત છે. એક્વાર અમેરિકાની ઓબામા સરકારના સહાયક વિદેશ પ્રધાન રોબર્ટ બ્લેકે જણાવ્યું કે, પોતાના હીરોમાં મહાત્મા ગાંધી અને લ્યૂથર કિંગની ઓબામાએ વારંવાર નોંધ કરી છે. ૨૦૦૮માં ગાંધીજયંતીના દિવસે ગાંધીના વિચારો તેમજ કાર્યોથી પ્રભાવિત થઇ બરાક ઓબામાએ એક વક્તવ્ય આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે “લોકોને એકત્રિત કરીને શાંતિપુર્ણ રીતે પોતાની માંગણીઓ અને સામર્થ્યપુર્વક હકારાત્મક પરિવર્તનો લાવવાની ગાંધીજીની પ્રતિબદ્ધતા આજે પણ એટલી જ સામર્થ્યશીલ છે.” ૨૦૦૯માં એક શાળાની મુલાકાત વખતે ઓબામાને એક ૯માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ સવાલ કર્યો હતો કે જો તમે કોઇ એક વ્યક્તિ સાથે ડિનર કરવા માગંતા હોય તો કે કઈ વ્યક્તિ હશે પછી ભલે તે જીવીત હોય કે મૃત? ત્યારે ઓબામાએ જવાબ આપ્યો હતો કે તે ગાંધી હોય શકે છે. તે મારા રીયલ હીરો છે.
 

આંગ સાન સૂ કી કહે છે કે ગાંધીનું જીવન પ્રેરણાત્મક છે

 

 
 
આંગ સાન સૂ કી એટલે મ્યાંમારમાં લોકશાહીની સ્થાપના માટે સંઘર્ષ કરનાર બહાદૂર મહિલા. ૧૯૯૧માં શાંતિનું નોબેલ મેળવનારા મ્યાનમારના આંગ સાન સૂ કીની સંધર્ષની કહાની પ્રેરણાત્મક છે. મહત્વની વાત એ છે કે તેમની સંઘર્ષની વાતો સાંભળીએ તો લાગે કે તેઓ ગાંધીજીના વિચારોથી ઘણા પ્રભાવિત છે. એકવાર અમેરિકાના કોલંબિયાની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધતા સૂ કીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીના વિચારોએ મારા જીવનને ખૂબ પ્રભાવિત કર્યું છે. તેમણે વિદ્યાર્થીઓને ગાંધી વિચાર વાચવાનો આગ્રહ પણ કર્યો હતો. તેઓ સ્વીકારે છે કે ગાંધીનું વ્યક્તિત્વ અદ્ભુત છે, પ્રેરણાત્મક છે.
 

જૉન લેનનના સંગીતમાં ગાંધી વિચાર

 
એવું કહેવાય છે કે બ્રિટીસ સંગીતકાર અને ક્રાંતિકારી બીટલ્સ બેન્ડના સભ્ય જૉન લેનનના સંગીતમાં ગાંધીજીના વિચારોનો પ્રભાવ રહ્યો છે. જૉન અને તેની પત્ની યોકોએ વિશ્વમાં અહિંસાના આંદોલનને મજબૂત કરવા અનેક પ્રદર્શન પણ કર્યા જેમામ વિયેતનામ યુદ્ધ સમાપ્તિ માટે પણ તેમણે પ્રદર્શન કર્યું હતું.
 

સ્ટીવ જોબ્સ- ગાંધી ચશ્મા અને વિચાર

 

 
 
એપ્પલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ જે ચશ્મા પહેરતા તે ગાંધીજી પહેરતા એવા જ હતા. એવું કહેવાય છે કે ગાંધીજી જેવા ચશ્મા પહેરી સ્ટીવ ગાંધી પ્રત્યેનો આદર વ્યક્ત કરતા હતા અને માનતા કે તેમના વિચારોથી તે ઘણા પ્રભાવિત છે. ૧૯૯૭માં જ્યારે સ્ટીવે પોતાની જ કંપની એપ્પલમાં બીજી ઇનિંગ્સ શરૂ કરી ત્યારે તે ગાંધીના એક વિશાળ પ્રોટ્રેટ સામે ઉભા રહીને કહ્યું હતું કે “અહિં હું ક્રેજી છું જે લોકો વિચારે છે કે દુનિયાને બદલી શકાય છે તે વ્યક્તિમાનો હું એક છું” એવું માનવામાં આવે છે કે સ્ટીવના આ શબ્દો મહાત્માં ગાંધીથી પ્રેરિત હતા.
 

દલાઈ લામા એટલે ગાંધીના અનુયાયી

 

 
 
તિબેટ- તિબેટીયનોના આધ્યાત્મિક ધર્મગુરુ દલાઈ લામાએ હંમેશાં કહ્યું છે કે તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી છે. દલાઈ લામા અનેક વાર કહી ચુક્યા છે કે ગાંધી પત્યે મારા મનમાં એક અગલ ભાવ છે. ગાંધી મહાન તો હતા જ પણ તેઓ માનવીય સંવેદનાઓને ઊંડાણપૂર્વક સમજનારા ઉત્તમ વ્યક્તિ હતા. તેમના જીવને મને ખૂબ પ્રભાવિત કર્યો છે.
 

અને છેલ્લે….

 
ગાંધીજીના જીવનથી પ્રભાવિત હોય તેવા મહાનૂભાવોની યાદી બનાવો તો તે ખૂબ લાંબી બને અહિં તો માત્ર કેટલાક મહાનુભાવોનો જ ઉલ્લેખ કર્યો છે. દુનિયાના અનેક દેશોમાં ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઇને તેમની પ્રતિમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત એક રીપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં મહાત્મા ગાંધીના નામના ૧૦૧ જેટલા માર્ગ છે. ગાંધીજીના અંહિસા અને સદ્ભાવનાના સિદ્ધાંતોએ આખી દુનિયાના વિચારકો ને પ્રભાવિત કર્યા છે. જેના કારણે દુનિયાના અનેક દેશોને મહાત્માં ગાંધી પ્રત્યે આદર છે અને હંમેશાં રહેશે…