ગાંધીજી અને ભગતસિંહ સમજ અને ગેરસમજ

    ૦૨-ઓક્ટોબર-૨૦૧૯

 
 
‘ગાંધી ગો બેક... ગાંધી મુર્દાબાદ’
 
આ નારા અંગ્રેજ સરકાર નહીં, ભારતીય જુવાનિયાઓ લગાવતા હતા. ગાંધીજીની ઉંમર ત્યારે સાઠી વટાવી ચૂકેલી. તો ય એમના પર એમના જ દેશમાં કાળા કપડાનાં ફૂલ ફેંકાયાં. બાદમાં ‘ગાંધી’ને શોધતા એમના ઉતારે ય કેટલાક જુવાનિયા આવ્યા જે નહેરુની સમજાવટથી વિદાય થયા.
 
આજે તો વોટ્સએપ ‘વિષવિદ્યાલય’ના અણસમજુઓ ગાંધીજી પર ગુસ્સો ઠાલવે પણ ત્યારે એવું શું થયેલું કે ગાંધીજી માટે આટલો રોષ એ જે દેશના સ્વરાજ માટે હતા, ત્યાં અચાનક હતો ? એ જાણવા માટે ત્યારે ભારતનો હિસ્સોં રહેલા કરાંચીમાં સરદાર પટેલના અધ્યક્ષસ્થાને મળનાર કોંગ્રેસ અધિવેશનમાં ત્યાં પહોંચેલા ગાંધીજીના આગમનની તારીખ જાણવી પડે.
એ હતી ૨૫ માર્ચ, ૧૯૩૧. કંઈ યાદ આવ્યું ? ભારતના ત્રણ વીર સપૂતો ભગતસિંહ, સુખદેવ, રાજગુરુની ફાંસી પછીના ૪૮ કલાક ! એટલે આ વર્ણન કર્યું એ દૃશ્ય રાજકુમાર સંતોષીની ફિલ્મમાં ય છે. ઘણા અબૂધો દેશપ્રેમી હોવા છતાં આ ક્રાંતિકારીઓની વીરગતિનો દિવસ ખોટો યાદ રાખે છે. ૧૪ ફેબ્રુઆરી, વેલેન્ટાઈન્સ ડેનો ! પણ વાસ્તવમાં તો એમને ફાંસી થઈ ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ અને એ ગાંધીજીનું ત્યારે પ્રભાવી બનેલું કદ જોતાં એમણે કેમ અટકાવી નહીં, એ મામલે આ લોકરોષ હતો !
 
લગે હાથો, ક્વિકલી ફાંસી શા માટે થઈ એ જાણી લઈએ. ૧૯૨૮માં બ્રિટિશ સરકારે ભારતની રાજકીય ગતિવિધિઓ જાણવા સાયમન કમિશન નીમ્યું હતું, જેમાં એક પણ ભારતીય ન હોવાથી ભારતમાં એનો વિરોધ હતો. એવા એક પ્રદર્શનમાં પંજાબના સ્વાતંત્ર્યસેનાની લાલા લજપતરાયને લાહોરમાં બ્રિટિશ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ જેમ્સ સ્કોટના આદેશથી લાઠી લાગી અને લાલાજીનો દેહાંત થયો. એનું વેર વાળવા યુવા ભગતસિંહે શિવરામ રાજગુરુ, સુખદેવ થાપર અને ચંદ્રશેખર આઝાદ સાથે મળીને સ્કોટને મારવાની યોજના બનાવી. એમાં ગફલતથી ખોટા સિગ્નલમાં સ્કોટને બદલે હાજર સોન્ડર્સને ગોળી લાગી. પહેલાં રાજગુરુની, પછી ભગતસિંહની. એક કોન્સ્ટેબલ પર ચંદ્રશેખર આઝાદે ગોળી ચલાવી. તારીખ : ૧૭ ડિસેમ્બર, ૧૯૨૮.
 
પછી નાટ્યાત્મક ઘટનાક્રમમાં વેશપલટો કરી ભગતસિંહ પોલીસને હાથતાળી આપતા રહ્યા અને ૮ એપ્રિલ, ૧૯૨૯ના રોજ ફ્રેન્ચ ક્રાંતિકારી ઓગસ્ટ વેઇલનની તર્જ પર કેન્દ્રીય એસેમ્બલી (ધારાસભા)માં અન્ય સાથી બટુકેશ્ર્વર દત્ત સાથે બોમ્બ ફેંક્યા. એ બોમ્બ જીવલેણ નહોતા. માત્ર ધ્યાન ખેંચવા માટે હતા. (એ ધારાગૃહના અધ્યક્ષ સરદારના મોટાભાઈ વિઠ્ઠલભાઈ હતા.) એટલે પછી અંધાધૂંધીમાં ભાગી જવાને બદલે એ ઊભા રહ્યા. ‘ઇન્કલાબ ઝિન્દાબાદ’ના નારા સાથે. પણ એ વહોરેલી ધરપકડ પછી કેસ સોન્ડર્સનો ખૂલ્યો. ઇનફેક્ટ, ગાંધીજીથી વધુ ગાળો સરકારની તરફેણમાં સાક્ષી બનેલ દગાખોર સાથે જયગોપાલને પડવી જોઈએ પણ એની નિર્ણાયક નીવડેલી જુબાની ઇતિહાસમાં વિસરાઈ ગઈ. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીથી બ્રિટિશ સરકાર કડકાઈનો દાખલો બેસાડવા માંગતી હતી. સ્વાધીનતા સેનાની અસફઅલી બટુકેશ્ર્વર દત્તના વકીલ બન્યા, એમને જન્મટીપ થઈ પણ જાતે જ પોતાનો કેસ લડતા ભગતસિંહે સોન્ડર્સની હત્યા માટે ફાંસીએ હસતાં હસતાં ચડવાનું કબૂલ રાખ્યું અને દયાની ભીખ માંગવાનો ઇનકાર કર્યો.
 

 
 

બધાએ ભગતસિંહનો બચાવ કર્યો, તો ગાંધી ક્યાં હતા ?

 
જેલમાં ભગતસિંહની ભૂખ હડતાલ દરમિયાન જવાહરલાલ નહેરુ એમને મળવા ગયા. એમનો બચાવ પણ કર્યો. લેખ લખી એમની જાંબાઝી બિરદાવી. ખૂલીને ભગતસિંહની તરફેણમાં એને ભારતીય પ્રજાના આક્રોશની અભિવ્યક્તિ કહી ને ત્યારે રાષ્ટ્રવાદી એવા મોહમ્મદ અલી ઝીણાએ પણ ભગતસિંહનો બચાવ કર્યો. એમની ફાંસી બાદ કોંગ્રેસના પેલા અધિવેશનમાં ઠરાવ પણ પસાર કરવામાં આવેલો શોકનો !
 
તો ગાંધી ક્યાં હતા ? ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ શ‚ કરેલ દાંડીકૂચ પૂરી થયા બાદ નમક સત્યાગ્રહના મીડિયા એટેન્શન પછી મોહનદાસ કરમચંદ ગાંધી તો ઇન્ટરનેશનલ હીરો બની ગયેલા ! પહેલી ગોળમેજી (રાઉન્ડ ટેબલ) કોન્ફરન્સ ગાંધીજી અને કોંગ્રેસે ભાગ ન લેતાં અંગ્રેજ સરકારની વાતચીત પડી ભાંગી. એટલે બીજી ગોળમેજી પરિષદમાં ૧૭ ફેબ્રુઆરીથી ૫ માર્ચ ગાંધીજી અને તત્કાલીન વાઇસરોય લૉર્ડ ઇર્વિન વચ્ચે મંત્રણાઓ થઈ. જે ગાંધી-ઈર્વિન કરાર કહેવાઈ. એમાં ૯૦,૦૦૦ જેટલા સત્યાગ્રહીઓ અને રાજકીય કેદીઓની સજા માફ કરાવવામાં ગાંધીજી સફળ થયા. પણ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુની ફાંસી યથાવત્ રહી !
 
એટલે અમુક વર્ગમાં ચણભણ શરૂ થઈ એવા કરારના બહિષ્કાર માટે. ગાંધીજીએ ભગતસિંહના દેશપ્રેમને એ પહેલાં પણ બિરદાવી દીધો હતો. એમણે દાવો કર્યો કે ભગતસિંહની ફાંસીની સજા રોકવા માટે મેં મારી સમજાવટની બધી શક્તિ વાપરી હતી. પણ એ ટ્રાયલ પર લખાયેલા એ. જી. નૂરાની, કુલદીપ નાયરનાં પુસ્તકો કે રામચંદ્ર ગુહા જેવા ગાંધીપ્રેમી ગણાતા ઇતિહાસકારો પણ એ ‘બધી શક્તિ’ના પુરાવા મેળવી શક્યા નથી. યાને એ રજૂઆત ગાંધીજીએ વારંવાર ચોક્કસ કરી, ફાંસીની સજાના તો પોતે આમ પણ વિરોધી રહ્યા હોવાની સ્પષ્ટતા સાથે કરી, પણ એ જરા ‘મોળી’ હતી. કડક સ્ટેન્ડ નહોતું.
અને મોડી પણ હતી ! ન્યૂઝ ક્રોનિકલ (લંડન)માં રોબર્ટ બેર્નેસે ગાંધીજી બાબતે નોંધ્યું કે ૨૧ ને ૨૨ માર્ચે, ગાંધીજીએ બે વાર નીકળવાનું મોડું કરીને વાઇસરૉય લૉર્ડ ઇર્વિન સમક્ષ ત્રણે ક્રાંતિકારીઓની ફાંસીની સજા તુરત માફ ન થાય તો મુલતવી રાખવાનો આગ્રહ કરેલો. જ્યારે ફાંસી થઈ એ ૨૩ માર્ચની સવારે પણ ગાંધીજીએ એક પર્સનલ ઇમોશનલ લેટર લૉર્ડ ઇર્વિનને લખેલો, જેમાં એમણે સ્પષ્ટ લખેલું કે ‘ભગતસિંહ અને એમના અન્ય બે સાથીઓને ફાંસી થશે, તો પ્રજાનો રોષ કદાચ બેકાબૂ થશે. બીજી ઘણી જિંદગીઓ જશે. અશાંતિ વધશે. રાજકીય હત્યાઓની માફીનો ઇતિહાસ જાણીતો છે. (અર્થાત્ એ આપી શકાય) દેહાંતદંડ એક વાર આપ્યા પછી એને ‘રિવર્સ’ કરી શકાતો નથી. (ગાંધીજીએ શબ્દ વાપરેલો : ઇર રિટ્રાઈવેબલ) તમને (વાઇસરૉયને) જરા પણ આશંકા જજમેન્ટમાં ભૂલની લાગે, તો કમ સે કમ સજા મોકૂફ રખાવો. પુન: વિચાર કરો. આ માટે જરૂર પડે તો હું રૂબરૂ મળવા આવું.’ એ પત્ર ગાંધીજીએ ‘ચેરિટી નેવર ફેઇલ્થ’ (દયાળુ કૃત્ય કદી નિષ્ફળ જતું નથી) એવું સુવાક્ય ટાંકી પૂરો કરેલો. આ એમનો વ્યક્તિગત પ્રયત્ન હતો, પણ એ જ દિવસે ફાંસીનો અમલ થઈ ગયો.
 

ગાંધીજીને ભગતસિંહની તરફેણ કરવામાં શું નડ્યું ?

 
એક થિયરી એવી છે કે ગાંધીજીના માટે ઇર્વિન તો થોડું નમતું જોખવા તૈયાર થઈ ગયેલા, પણ ત્યારના પંજાબના બધા બ્રિટિશ બ્યુરોક્રેટસે સામૂહિક રાજીનામાની ધમકી આપેલી ! ડ્યુટી પરના ઓફિસરના હત્યારાઓને છોડવામાં આવે તો લોકોમાં બ્યુરોક્રસીનો ભય જતો રહે અને બહારથી આવેલા તરીકે રાજ કરવું પછી અઘરું પડી જાય એવી એમની દલીલ હતી.
એ જે હોય તે પણ ત્યારનું ગાંધીજીનું કદ અને લોકપ્રિયતા જોતાં ગાંધીજીએ કોશિશ કરી, પણ કરવી જોઈએ એટલી ન કરી. ૨૦૧૯ વાળો વર્લ્ડ કપ ફાઈનલમાં ધોનીના રનઆઉટના બે ઇંચ ઓછા પડ્યા જેવો ખટકો લોકોને રહી ગયો, ત્યારથી ગાંધીજીની પ્રકૃતિ જિદ્દી. જેમાં એકવાર સ્પષ્ટ હોય એમાં સગા દીકરાને ય ગાંઠે નહીં, તેવી છાપ. તો આમાં એ એટલા ખુદ જ કન્વિન્સ્ડ નહોતા એવી ટીકાઓ થઈ, થતી રહે છે. એ વધુ ભારપૂર્વક સ્ટેન્ડ પાકિસ્તાનને ‚પિયા આપવા માટે ભારત સરકાર સામે પછીના બે દસકે આઝાદી બાદ પણ ઉપવાસ પર ઊતરે, એવું લઈ શક્યા હોત. પણ એમના અફેર્ટસ હાફ હાર્ટેડ રહ્યા.
કેમ ? મૃત્યુ વખતે ૨૩ વર્ષના ભગતસિંહ કોઈ રીતે રાજકીય ખતરો ય નહોતા. ગાંધીજીનું વ્યક્તિત્વ ઘણું વિરાટ હતું. ભગતસિંહની દેશભક્તિ કોંગ્રેસના નેતાઓ ભારપૂર્વક વખાણતા, તો ય સત્યનિષ્ઠ પ્રામાણિક એવા ગાંધીજીને એમની તરફેણમાં ‘તણખલા જેટલું’ કયું અંતર નડ્યું ?
 

 
 
એક બચાવ એવો આવે કે ભગતસિંહ તો સામ્યવાદના સમર્થક નાસ્તિક હતા. સમાજવાદના બ્રાન્ડ એમ્બેસેડર ગાંધીજીને વળી સામ્યવાદ તરફ ચીડ હતી. ડાબેરીઓ એમને યાંત્રિક અને હિંસક એ સમયની ઘટનાઓથી લાગ્યા હશે. લાગણી, પ્રેમ, નીતિમત્તાના પાયા પરની એમની લડત સામ્યવાદી ક્રાંતિના તરીકા કરતાં અલગ હતી. ગાંધીજી ગીતા, ગંગા, ગાયવાળા સનાતની કહી શકાય એવા હિન્દુ આસ્તિક હતા. ભજન કરતા, રામનામ લેતા. ભગવદ્ગીતાનો તો અનુવાદ જાતે કરેલો. (નામ : અનાસક્તિયોગ) ભગતસિંહને આઈકોન તરીકે સમર્થનમાં એમની આસ્તિક-ધાર્મિક સિદ્ધાંતો પરની રાજનીતિ સાથે કોન્ફિલક્ટ હતો.
 
પણ એ તો ગાંધીજીએ ઘણા વિરોધાભાસી વિચારો ધરાવતા સાથીઓ સ્વીકારેલા. તો ? એનો જવાબ ભગતસિંહ અને સાથીઓની ફાંસીના છ દિવસ પછી ૨૯ માર્ચ, ૧૯૩૧ના રોજ ‘યંગ ઇન્ડિયા’માં છપાયેલા ગાંધીજીના લેખમાં મળે છે, વાંચો :
‘ભગતસિંહ અને એમના બે સાથીઓને ફાંસી થઈ. કોંગ્રેસે એ રોકવાના ઘણા પ્રયાસો કર્યા ને સરકારે ઘણી આશાઓ આપી, પણ બધું પાણીમાં ગયું.’
 

ભગતસિંહે લખ્યું, મને તોપનાં નાળચે બાંધીને મૃત્યુદંડ સૈનિક જેમ આપવામાં આવે

 
ભગતસિંહ જીવવા માંગતા નહોતા. (એમણે વટથી ગુનાની કબૂલાત કરેલી જ) એમણે તો માફી કે અપીલની દરખાસ્ત જ ઠુકરાવી દીધેલી. ભગતસિંહ અહિંસાના પૂજારી નહોતા, પણ એમનો ધર્મ ક્રૂર હિંસા ય નહોતો. એમણે હિંસાનો આશરો એમની માતૃભૂમિની રક્ષા માટે અકળાઈને લીધો (આઉટ ઓફ હેલ્પલેસનેસ). એમના છેલ્લા પત્રમાં ભગતસિંહે ચોખ્ખુ લખેલું, મને યુદ્ધ ભડકાવવાના આરોપસર પકડવામાં આવ્યો છે, તો તોપના નાળચે બાંધીને મૃત્યુદંડ સૈનિકની જેમ આપવામાં આવે ! આ એવા નાયકો હતા, જેમણે મૃત્યુના ભયને જીતી લીધો હતો. ચાલો, આપણે હજાર વાર આ વીરોને વંદન કરીએ.
 

 
 
પણ આપણે એમના રસ્તાનું અનુસરણ ન કરી શકીએ ! આપણા દેશમાં લાખો કરોડો દુર્બળ, લાચાર, અશક્ત લોકો છે. ન્યાય માટે હત્યા કરવાની રીતરસમને જો આપણે માન્ય ગણીશું તો એક દિવસ ભયાનક ઘાતક સ્થિતિ આવીને ઊભી
રહેશે ! એ પછી અત્યાચાર, અવિચારી હિંસા શિરસ્તો બને તો એનો સૌથી વધુ ભોગ ગરીબો બનશે. હિંસાના માર્ગને સમર્થન આપી આપણે આપણાં કર્મોના ફળ ગુમાવી દઈશું.
 
માટે, ચોક્કસ આપણે આ બહાદુરોની વીરતાનાં વખાણ કરીએ, પણ એમની (ભાંગફોડ)ની પ્રવૃત્તિને સ્વીકારી ન શકીએ. આપણો સ્વધર્મ અત્યારે રોષ ગળી જઈ, અહિંસાથી અનુશાસિત બનીને ફરજ નિભાવવાનો છે.
 

બધું આપણા જેવું ગાંધીજીમાં ન જ હોય

 
વેલ, આટલી પેટછૂટી વાતમાં ગાંધીજીની અંદરના મૂળ ‘ડાઈલેમા’ (દ્વિધા)ની સમજ આવી જાય છે. એ સાધુના સિદ્ધાંતો રાજકારણમાં લઈ આવનાર જીવ હતા. એમના સિદ્ધાંતોની વિરુદ્ધ જનાર પુત્ર હરિલાલ માટે ય છૂટ ન રાખે, તો ભગતસિંહ માટે કઈ રીતે રાખે ? ચૌરીચૌરામાં પોલીસચોકી લોકોએ આવેશમાં સળગાવી, એમાં ય વર્ષો સુધી ગાંધીજીએ ત્યારે જામવા લાગેલો સત્યાગ્રહ જાતે જ પ્રાયશ્ર્ચિત્ત રૂપે બંધ રાખેલો ! આમ આ નિર્ણયમાં ભગતસિંહ માટેના પૂર્વગ્રહ કરતાં જૂની દૃઢતાનું સાતત્ય છે. ૧૯૨૨માં ચૌરીચૌરાની ઘટના બની ત્યારે ભગતસિંહ તેરેક વર્ષના હશે ! આપણે ફિલ્મોમાં ય એક્શન હોય તો જોવા ટેવાયેલી પ્રજા, એટલે જરા ફિક્કું લાગે આ સ્ટેન્ડ. પણ ગાંધીજીની દૂરંદેશી રજવાડાંઓમાં વિભાજિત ભારતને કાયદાના, સંવિધાનના લોકશાહી એક છત્ર રાજમાં આઝાદ રાખવાની હતી. આજે ય નાની-નાની વાતોમાં મારામારી મોટું રૂપ લઈ જતી હોય, તો ત્યારે એકધારા ચુસ્ત આચરણથી અહિંસાને આદરપાત્ર બનાવી રાખવી પડે. ભલે, રક્તપાત થાય પણ પછી એ આદત હોય મોટા ભાગની પ્રજાને કાયદો હાથમાં લીધા વિના જીવવાની, તો જ દેશનું તંત્ર ચાલે નહીં તો ચાલાન વસૂલ કરવા ઊભેલા ટ્રાફિક પોલીસને ય ડ્યૂટી પર મારવાના મર્ડરને બિરદાવવાવાળા ક્રિમિનલ માઇન્ડ આજે ઓનલાઈન જોવા મળે !
 
વેદિયાવેડા લાગે એવા ગાંધીજીના આ આઝાદીની ક્રાંતિ માટે અહિંસાને વળગી રહેવાની વાતનો રાજકીય ફાયદો પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદ સામે કાશ્મીરમાં તો થયો જ છે. ત્યાંના ખીણના ભારતવિરોધી સ્થાનિકો માટે બુરહાન વાની જેવા હિંસાખોરો પણ ‘હીરો’, ‘શહીદ’ (?!) ‘આઝાદીના લડવૈયા’ છે. રાજસત્તા સામે હિંસાને પ્રોત્સાહનની નીતિ ગાંધીજીએ ન રાખી, એટલે આપણે ખોંખારો ખાઈને કાશ્મીરના અલગાવવાદીઓને હથિયાર છોડી, વાતના ટેબલ પર બેસવાનું દુનિયાના ચૌટે કહી શકીએ છીએ.
 
આમ છતાં ય ગાંધીજીએ આ મામલે થોડા પ્રેક્ટિકલ બનવાની જરૂર હતી. એવું આપણને તો અંદરથી થાય જ. પણ એ ગાંધી હતા. એમની આગવી દૃઢતા હતી. બધું આપણા જેવું એમનામાં કે એમના જેવું આપણામાં ન જ હોય. એમણે તો આરંભે એમની સામે જે દેખાવો થયા, એનો ય સ્વીકાર કરીને ‘એમની વ્યથાથી નીપજેલા રોષનું હળવું અને ગૌરવભર્યું પ્રદર્શન’ કહ્યું હતું ! આવી સમતા પોતાની સામે તોફાન કરનારા સામે ફેસબૂક પર પણ રાખવી અઘરી છે !
 
‘ભગતસિંહે મને કહેલું, ચિંતા ન કરો. મને ખુમારીથી મરવા દો. તમે તમારા જનરલ (સેનાપતિ) ગાંધીના સમર્થનમાં રહો. ત્યારે તમે એક દિવસે દેશ માટે સ્વતંત્રતા મેળવી શકશો !’ આ શબ્દો કોઈ ગાંધીજનના નહીં, પણ ભગતસિંહના પિતા સરદાર કિશનસિંહના એ જ કોંગ્રેસ અધિવેશનમાં બોલાયેલા છે ! ગાંધીએ પાછળથી કહેલું જ કે હું મારો જીવ ભગતસિંહના બદલે આપી દઉં, પણ એથી હત્યા જેવી હિંસાને યોગ્ય ન ઠેરવી શકું !
 
- જય વસાવડા
 
તેમની ફેસબૂક પ્રોફાઈલ જોવા અહીં ક્લિક કરો...