ચાલો, ગાંધીને ફરીથી શોધીએ

    ૦૪-ઓક્ટોબર-૨૦૧૯   

 
 
કેલિફોર્નિયાના ફ્રીમોન્ટની એક રેસ્ટોરાંમાં ત્રણ અજાણ્યા લાગે, પણ ઇતિહાસમાં જાણીતા માણસો બેઠા છે. અહીંથી થોડે દૂર જેમની ઑફિસ છે તે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ, ભારતના મહાત્મા ગાંધી અને અમેરિકાના માર્ટિન લ્યુથરકિંગ બેઠા છે. બહાર ધુમ્મસ છે, કશું દેખી ના શકાય એવી ‘પુઅર વિઝિબિલિટી’ને કારણે રસ્તા પર બધા પોતપોતાની લાઈટોથી ગાડીઓ હાંકી રહ્યા છે. આ ત્રણ જણ અહીં કશું શોધી રહ્યા હોય તેવી આત્મવિશ્ર્વાસભરી (કદાચ આ એમની ઓળખ પણ છે) અદાથી બેઠા છે. ફેસબુકના યુવાન માર્ક પાસે રીચાર્ડ ક્રોકેટ્ટ (Richard crockatt)નું એક પુસ્તક, Einstein and twentieth century politics (Oxford university press; 2016) હાથમાં છે.
 
માર્ક : નમસ્તે, મિ. ગાંધી, હું આઇન્સ્ટાઈનના આપના વિશેના વિચારો વાંચતો હતો એટલે મિ. કિંગને વિનંતી કરી કે આપણે મિ. ગાંધીને મળીએ તો ? એમણે હા પાડી એટલે આ મીટિંગ શક્ય બની છે, વેલકમ, સર...
 
મા.લ્યુ.કિંગ : માર્ક, તારી વાતને જરા લંબાવવી પડશે. આ મીટિંગ એટલા માટે જરૂરી હતી, કારણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું, સ્વતંત્રતાનું. તે સ્વપ્ન તારી ટુકડીએ સાકાર કરી આપ્યું, તારી ફેસબુકે એક અલાયદું વિશ્ર્વ ઊભું કર્યું છે, સ્વતંત્રતાનું, અભિવ્યક્તિની સ્વતંત્રતાનું, ત્યારે ગાંધીને યાદ કરવા પડ્યા.
 
ગાંધી : ભાઈ, માર્ક, વાત સાચી છે, મને પણ સમાચાર મળ્યા છે, સારું કહેવાય. જુદા જુદા સમાજના લોકો એક પ્લેટફોર્મ પર આવીને સંવાદ રચે એ સારું છે. તંદુરસ્ત સમાજ માટે જરૂરી છે...
 
માર્ક : મિ. ગાંધી, સાચું કહ્યું. અભિવ્યક્તિની સ્વતંત્રતાથી સામાન્ય લોકોની સર્જકતા ઊભરી આવી છે
 
કિંગ : પણ, માર્ક, આ પોસ્ટટ્રુથ એરા છે, આ યુગ ‘સત્યોપરાંત’નો યુગ છે... ત્યારે ગાંધીજીને પુછવું પડે, મિ.ગાંધી, આ સ્વતંત્રતામાં તમે શું ઉમેરવા ચાહો ?
 
ગાંધી : સત્યાગ્રહ.
 

 ઝુકરર્બર્ગ, મર્ટિન લ્યુથર કિંગ અને મહાત્મા ગાંધીજી
 
પછી તો ખબર નથી એ કોફીશોપમાં બકરીના દૂધની કોફી આવી કે ના આવી, પણ એક શબ્દ ઊડીને ચોંટી ગયો, સત્યાગ્રહ. ઘણા શબ્દો શાશ્ર્વત બનવા નિર્માતા હોય છે, એવો આ શબ્દ હતો. જ્યારે ૧૯૩૫માં આઇન્સ્ટાઈન બર્લિનથી નીકળી અમેરિકન યુનિવર્સિટી પ્રિન્સ્ટનમાં જોડાયા ત્યારે એમની દીવાલ પર ન્યૂટન, ફરાડે અને ક્લાર્ક મેક્ષવેલના ફોટા હતા. એ મહાન વૈજ્ઞાનિકના ‚મની મુલાકાત લેનારે નોંધ્યું છે કે બીજા બધાના ફોટા ઊતરી ગયા, પણ ગાંધીજીનો ફોટો રહ્યો. આજે ગાંધીજી એમની સત્યાગ્રહ અને અહિંસાની એમની મહામૂલી ભેટ માટે જગત માટે પ્રસ્તુત જ નહિ, પણ માર્ગદર્શક બની શકે એવી ભૂમિકાએ સ્મરાઈ રહ્યા છે.
 

***

 
ગાંધીજી આજે દોઢસોમી જન્મજયંતીએ એમનું એ શાશ્ર્વત સ્મિત વેરી રહ્યા છે, મહાકાળની થપાટો ખાતી ખાતી માનવજાત એક અજબગજબ મુકામે આવીને ઊભી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યંત્રપ્રજ્ઞાનું એક પાતળું જાળું જગતને વીંટળાઈ વળ્યું છે. મૂંઝવણ છે પણ શેની મૂંઝવણ છે એ શોધવા પણ મહેનત કરવી પડે એવી સંકુલ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ગાંધીને ફરીથી શોધવા પડશે. એની મૂર્તિમાં કે કોઈ પોરબંદરની ગલીમાં નહીં, પણ એમણે આપેલા કેટલાક પાયાના શાશ્ર્વત અને સનાતન ખ્યાલોમાંથી એક નવા ગાંધી શોધવા પડશે. એ ગાંધી જેનો ‘આગ્રહ સત્ય’ માટે હતો, (જે આજે ક્યાંક પ્રાગૈતિહાસિક કાળમાં પ્રાણીઓના શિકાર થતાં અને પ્રાણીઓ કણસતાં પડી રહેતાં તેવી રીતે ઘવાયેલું પડ્યું છે), એ ગાંધી જેમની અહિંસામાં ઊંડી શ્રદ્ધા હતી, (જે આજે આતંકવાદીઓથી જગતના અજાણ્યા ખૂણાઓમાં હણાઈ રહી છે).
 

***

 
આજે એ બાળક મોહનને શોધવો છે જે રાજા હરિશ્ર્ચદ્રનું નાટક જોવા બેઠો છે. એ તારામતીનાં આંસુઓ જોતાં ધ્રુસકે ધ્રુસકે રડે છે, અને પછી ચાલ્યો જાય છે, પોતાની અંદર, ખૂબ અંદર. એક ઋષિની અદાથી. અને કહે છે, પોતાની જાતને, ‘સત્ય એ જ ઈશ્ર્વર’ છે. એક વ્યક્તિ અણિશુદ્ધ એન્ટેના સાથે આવે ત્યારે એ યુગોનાં શાશ્ર્વત સત્યોને સાંભળે છે, સંભારે છે. એમણે મંગળપ્રભાતમાં લખ્યું, ‘સત એટલે અસ્તિત્વની સાચી ઓળખ.’ છેલ્લે તો બધું ઈશ્ર્વરમય દેખાય, ઈશાવસ્યમિદં સર્વં (ઈશોપનિષદ), તે જ સત્યનો સાક્ષાત્કાર.
 
ઉપનિષદના ઋષિ કોઈ દિવસ ‘હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્ય મુખમપાહિતં’ ઈશોપનિષદ બોલેલા, અને ‘સત્યં પરં ધીમહિ’નો મહા-ઉચ્ચાર પણ થયેલો. એ વાત જે બાળક મોહને સાંભળી ત્યારે નાટક જોવા બેઠેલા બાળકને ‘સૂક્ષ્મ કાન’ ફૂટેલા એ કાનવાળા મોહનને જાણવો છે, જગવવો છે. ગાંધી રીચ્યુઅલ નથી, રીઆલિટી છે, સત્ય છે, જ્યાં સત્યની શોધ છે, ત્યાં ગાંધી છે.
 

***

 
મારે મન બેરિસ્ટર મિ. ગાંધી અગત્યના છે. એ દિવસે પેલા ગોરા ટિકિટ કલેક્ટરે એમને ધક્કો મારીને ટ્રેનમાંથી ઉતારેલા એ દિવસ યાદ કરવો છે. એ પટકાયા ત્યારે મિ. ગાંધી હતા, પણ ઊભા થયા ત્યારે એમની આંખોમાં એક મહાત્માનો જન્મ થયો હતો. પાંસળીઓમાં હિંદના સ્વરાજનો પવન ફુંકાણો હતો. ઉપેક્ષા કે અપમાનની આ ક્ષણે જે સંકલ્પબળ પ્રગટ્યું તે આપણા આરાધ્ય ગાંધીની ઓળખ છે.
 
આજે પૃથ્વીનો નકશો કેમ લોહીલુહાણ છે ? આટલી બધી સગવડો ઊભી કર્યા પછી કેમ આપણે કો’ક જીવનનું જીપીએસ ખોલીને રસ્તો શોધી રહ્યા હોઈએ એમ લાગે છે ? હિંસા આતંકવાદી ફેલાવે છે એ તો એક ચરમ છે, પણ કેટકેટલાં સૂક્ષ્મ હિંસાલયો ફૂલીફાલી રહ્યાં છે. જીવને મારીએ એટલે જ હિંસા કે જીવને દૂભવીએ એટલે પણ હિંસા. આ ઘેર ઘેર જાગેલો ‘સ્ટ્રેસ’ ‘તણાવ’ શું છે ? મને લાગે છે, મહાયુદ્ધ તો થશે ત્યારે થશે, માનવતા એના કૃત્રિમ-અહંકારના કોટિ કોટિ સંઘર્ષોમાં ફસાઈ ગઈ છે. ગાંધીએ કહેલું, ‘અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે’.
 

***

 
મને પ્રવાસી ગાંધીની શોધ છે, દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા ગાંધીએ સતત પ્રવાસથી જે ભારતદર્શન કર્યું, એ મહત્ત્વનું છે. જે વાસ્તવને પિછાણે છે, એ ગાંધી છે. જે પ્રેમથી લોકોની વાત સમજવા માંગે છે. સપનાંઓ વાંચનારી આંખ જે યુગપરિવર્તક નેતૃત્વ આપી શકે એનો આવો પરિચય જગતને નહોતો. એટલે ગાંધીએ સાબરમતીને કિનારે ‘સત્યાગ્રહ આશ્રમ’ સ્થાપ્યો, ભારતના સ્વાતંત્ર્યસંગ્રામનું કાર્યાલય નહીં, કારણ એમને રસ હતો, માણસમાં. કાર્યકર્તાનું નિર્માણ કરવું, ચોક્કસ વિચારધારાને વરેલા કાર્યકર્તાઓ જ રાષ્ટ્રની ચેતનાને જગવી શકશે એવી ઊંડી શ્રદ્ધા હતી.
ગાંધીની પુનર્શોધ એટલે સનાતન મૂલ્યોનું એકવીસમી સદી માટેનું ભાવાંતર.
 
ગાંધી એટલે સંકડાશ નહીં, પણ સાધના.
ગાંધીનું સત્ય એટલે માત્ર સાચું બોલવું નહીં, પણ અસ્તિત્વની સાચી ઓળખ.
 
ગાંધીની અહિંસા એટલે બહુ બધું, પ્રેમનું નવેસરથી વાવેતર, યુદ્ધ મીણબત્તી નથી કે ઓલવી શકાય, એ તો પ્રેમનું સૌથી વરવું પ્રદૂષણ છે.
 
ગાંધી ગયા નથી, આવ્યા છે. ગાંધી મર્યા નથી, એમનો પુનર્જન્મ થવાનો છે. આપણે શોધવાના છે, જ્યાં વાણી અને વર્તનમાં એકતા હોય, જ્યાં સત્યની સાધના હોય, જ્યાં કલ્યાણનો મંત્ર અહર્નિશ દિશાઓને શણગારતો હોય, જ્યાં કરુણા અને પ્રેમ સહજ રીતે મનુષ્યની મનુષ્ય સાથેના સંબંધની કડી હોય, એ ગાંધીનું સરનામું છે. એવા ગાંધીને આજે શોધીએ...