રાજ્યસભાના 250માં સત્ર નિમિત્તે GST, ત્રણ તલાક અને કલમ 370ની નાબૂદી વિશે શું બોલ્યા વડાપ્રધાન

    ૧૯-નવેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
પ્રધાનમંત્રીએ આજે (18 નવેમ્બર, 2019) ઉપલા ગૃહમાં રાજ્યસભાના 250મા સત્ર નિમિત્તે યોજાયેલી વિશેષ ચર્ચામાં વક્તવ્ય આપ્યું હતું.
 
આ ઐતિહાસિક સત્રને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં રાજ્યસભાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને આ ગૃહે પણ આજે ઇતિહાસ રચતા જોયો છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતના બંધારણના ઘડવૈયાઓએ દ્વિગૃહી કાયદા નિર્માણનું જે માળખું રચ્યું તેની પાછળની દૂરંદેશીથી આપણી લોકશાહી સુદૃઢ બની છે.
 
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યસભા ભારતની વિવિધતાની પ્રતિનિધિ છે અને ભારતના સંઘીય માળખાનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે, રાજ્યસભાનું ક્યારેય વિખંડન થતું નથી અને તેની અવિરતતા આ ગૃહને શાશ્વત બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યસભા એવા લોકોને તક આપે છે જેઓ ચૂંટણીથી દૂર રહીને દેશની સેવામાં અને તેના વિકાસમાં યોગદાન આપવા માગે છે.
 
પ્રધાનમંત્રીએ ભારતના બંધારણમાં પરિકલ્પના કરવામાં આવેલા સહકારી સંઘવાદની લાગણીને વધુ આગળ ધપાવવામાં રાજ્યસભાની ભૂમિકા પર ભાર મુક્યો હતો.
 
તેમણે કહ્યું હતું કે, રાજ્યસભાએ હંમેશા દેશના હિતમાં અવાજ ઉઠાવ્યો છે. આ સંદર્ભમાં, તેમણે GST, ત્રણ તલાક અને કલમ 370ની નાબૂદી સહિત વિવિધ મહત્વના ખરડાઓ પસાર કરવામાં રાજ્યસભાની ભૂમિકા વિશે ઉલ્લેખ કર્યો હતો.
 
રાજ્યસભાના મહત્વ અંગે શ્રી અટલ બિહાર વાજપેયીના શબ્દો યાદ કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશની પ્રગતિ માટે રાજ્યસભા ગુંજી ઉઠતું સહાયક ગૃહ હોય તે જરૂરી છે. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરને અને સંસદના ઉપલાગૃહ દ્વારા દેશની પ્રગતિ તેમજ વિકાસમાં તેમના યોગદાનને પણ યાદ કર્યાં હતાં.
 
પ્રધાનમંત્રીએ સંસદીય માપદંડોનું ચુસ્ત પાલન કરવાના અને ગૃહની કામગીરીમાં જરાય વિક્ષેપ પાડ્યા વગર પોતાના મંતવ્યો અસરકારક રીતે રજૂ કરવામાં સંસદના કેટલાક ચોક્કસ સભ્યોએ દર્શાવેલા નીતિશાસ્ત્રની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આવી પ્રથાઓ દ્વારા ઘણું બધુ શીખી શકાય છે.
 
આપણી લોકશાહીની અસરકારક કામગીરી માટે રાજ્યસભા મહત્વપૂર્ણ હોવાનું યાદ અપાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉપલાગૃહ દ્વારા આપવામાં આવતા અંકુશ અને પ્રતિઅંકુશનો અવરોધ કે વિક્ષેપ માટે દુરુઉપયોગ ન થવો જોઇએ.