ભારતીય સેનાના અધિકારી કાર્ય પ્રત્યે પૂર્ણ નિષ્ઠા અને સમર્પણને જ પોતાનો પુરસ્કાર માને છે

25 Nov 2019 12:28:08

 
 

અધિકારની મોટપ

 
આ ઘટના એ સમયની છે જ્યારે જનરલ પી. પી. કુમારમંગલમ્‌ સેનાધ્યક્ષ હતા. તમામ સૈન્ય અધિકારી અને કર્મચારી તેમની કામ કરવાની રીત અને સ્નેહપૂર્ણ વ્યવહારથી અત્યંત પ્રભાવિત હતા. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ તેમનું સન્માન કરતાં. તેમણે તેમનાં વિશિષ્ટ કાર્યોનાં આધારે તેમને `પરમવીર ચક્ર'થી અલંકૃત કરવાની રજૂઆત કરી. જ્યારે આ વાત કુમારમંગલમ્‌ પાસે પહોંચી તો તેમણે વિનમ્રતાથી ના પાડી દીધી.
 
ઇન્દિરા ગાંધીએ જ્યારે તેનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું, `પરમવીર ચક્ર એ જવાનો અને અધિકારીઓને આપવા જોઈએ જેઓ દેશ પર આક્રમણ દરમિયાન યુદ્ધના મેદાનમાં હથેળીમાં જીવ રાખીને માતૃભૂમિની રક્ષા માટે વીરતા પ્રદર્શિત કરે છે. અમે તો સેના મુખ્યાલયમાં સુરક્ષિત સ્થાન પર બેઠાં બેઠાં ફક્ત તેમનું માર્ગદર્શન માત્ર કરીએ છીએ. યુદ્ધસ્થળ પર તૈનાત અધિકારી અને જવાન પળે પળે મોત સામે ઝઝૂમતાં સંઘર્ષ કરે છે. તેમની વીરતાને આ સન્માન મળવું જોઈએ. હું તો બસ મારી માતૃભૂમિ માટે મારી હરસંભવ સેવાઓ સાથે જ પોતાના કર્તવ્યને પૂરું કરવાનો પ્રયાસ કરું છું. મારા માટે દેશવાસીઓને મળનારું સન્માન અને મારા સહયોગીઓ તરફથી મળતો સ્નેહ એ જ પુરસ્કાર છે. તે સિવાય મારે બીજું કઈ ન જોઈએ.
 
ઇન્દિરાજી સર્વોચ્ચ સેનાધિકારીની મોટપ જોઈને તેમના પ્રતિ શ્રદ્ધાથી ભરાઈ ઊઠ્યાં. તેમને એ વાતે ગર્વ થયો કે ભારતીય સેનાના અધિકારી કાર્ય પ્રત્યે પૂર્ણ નિષ્ઠા અને સમર્પણને જ પોતાનો પુરસ્કાર માને છે. ત્યાર બાદ દૂર રહીને જવાનોનું માર્ગદર્શન કરનાર સૈન્ય અધિકારીઓને `પરમ વિશિષ્ટ' કે `અતિ વિશિષ્ટ પદક' આપવાનો ધારો ચાલુ થયો.
Powered By Sangraha 9.0