માનસમર્મ । હસતા શીખો, રડતા તો સમય શીખવી દેશે । મોરારિબાપુ

    ૨૯-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 
ગાંધીજી, મદનમોહન માલવિયાજી અને અન્ય લોકો બેઠા હતા. ધર્મ વિશેની ચર્ચા ચાલી રહી હતી. બધા પોતપોતાનો ધર્મ વિશેનો અભિપ્રાય આપી રહ્યા હતા, છેલ્લે ગાંધીજીએ કહ્યું કે ‘મારા માટે ધર્મ એટલે કર્તવ્યનું પાલન. અલગ અલગ લોકોનો અલગ અલગ ધર્મ છે. એક રાજાનો ધર્મ પ્રજાને સારો વહીવટ પૂરો પડવાનો છે. શિક્ષકનો ધર્મ સારું શિક્ષણ આપી ચરિત્રવાન બનાવાનો છે. સૈનિકનો ધર્મ પોતાના રાષ્ટ્રની રક્ષા કરવાનો છે. ન્યાયધીશનો ધર્મ પ્રામાણિકતાથી ન્યાય કરવાનો છે, વેપારીનો ધર્મ ગ્રાહકને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ચીજો પૂરી પાડવાનો છે.’
 
આજે સાચા ધર્મની વ્યાખ્યા ભૂલાતી જાય છે. દરેક બાબતની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આપણા પૈસાનું વળતર આપીને વસ્તુઓ આપે તો એને પ્રામાણિક કહીએ છીએ. આ તો એની ફરજ હતી. જો ઘરમાં ધર્મ ભળે તો ઘર મંદિર બની જાય છે. પ્રવાસમાં ધર્મ ભળે તો પ્રવાસ યાત્રા બની જાય છે. જો કવિતામાં ધર્મ ભળે તો ભજન બની જાય છે. ખોરાકમાં ધર્મ ભળે તો પ્રસાદી બની જાય છે. સૌરાષ્ટ્રમાં ચોવીસ કલાક જાગતા અન્નક્ષેત્રો છે. ‘ટૂકડો ત્યાં હરિ ઢૂકડો’. ભૂખ્યા ભજન ન હોય, ગોપાલા અને ભજનની ભૂખ કદી ભાંગે નહીં. ધર્મને સમજવો હોય તો ધર્મગ્રંથો વાંચવા જોઈએ અને ધર્મ, સાહિત્ય અને સંસ્કારની ત્રિવેણીમાં સ્નાન કરવું હોય તો ગોસ્વામી તુલસીદાસની રામચરિતમાનસ વાંચો. ઓશો કહે છે કે ‘હૃદયરોગનો ઈલાજ વિજ્ઞાન પાસે છે. પણ હૃદયમાં રહેલા ઈર્ષ્યા, ક્રોધ, અભિમાન વગેરે દોષોનો ઈલાજ ધર્મ પાસે છે.’
 
મન અસત્યને આશ્રય આપી શકે છે પણ હૃદય તો હંમેશા સત્યનું જ ગાન કરશે. મનમાંથી પાપ જન્મે છે અને હૃદયમાંથી પ્રેમ. હૃદય એટલે સત્ય, પ્રેમ અને કરુણાનું નિવાસ સ્થાન. ભુશુંડીએ પ્રશ્ન કર્યો કે ‘હે ગરુડજી, આખો સંસાર નિયતિના ક્રમાનુસાર કાલવશ છે તો આપ કેમ મરતા નથી ?’ ભુશુંડજી નિયતિના ક્રમમાં અપવાદ છે. ‘મહાભારત’ના ભીષ્મ અપવાદ છે. એકવાર મને પૂછવામાં આવ્યું કે ‘જેસલ તોરલની સમાધિ દર વર્ષે એકબીજાની નજીક આવી રહી છે. શું આ વાત સાચી છે ?’
 
મેં કહ્યું કે ‘એની મને ખબર નથી પરંતુ જે રેતી પર મારી કુટિયા બનાવી છે એ રોજે રોજ નીચે જઈ રહી છે. એને સરખી નહીં કરાવો તો નવમે દિવસે અહીં મારી સમાધિ થઇ જશે.’ ઓશોએ કહ્યું છે કે ‘ આઇન્સ્ટાઇન બહિર્જગતના વૈજ્ઞાનિક છે અને પતંજલિ આંતર જગતના વૈજ્ઞાનિક છે.’
 
આપણે ત્યાં ચાર શબ્દ છે, આધી,વ્યાધી,ઉપાધી અને સમાધિ. સમાધિ વિશે મારું એવું માનવું છે કે જેના જીવનમાંથી આધી, વ્યાધી અને ઉપાધી નીકળી જાય પછી જે શેષ રહે એ સમાધિ છે. પતંજલિ પ્રમાણે જોઈએ તો સમાધિના અષ્ટાંગ સૂત્ર છે. એમાં પહેલા આવે છે આસન, યમ, નિયમમાં જીવો તો વ્યાધિ આવશે જ નહીં. તમોગુણી માણસ ઉઠતો જ નથી. રજોગુણી બે મિનિટ પણ શાંતિથી બેસી શકતો નથી. સત્વગુણી એ છે જે ઉઠવાના સમયે ઉઠી જાય છે અને બેસવાના સમયે બેસી જાય છે, ચાલવાનું હોય ત્યારે ચાલવા માંડે છે. રામદેવપીર બાબાએ જીવિત સમાધિ લીધી હતી તો એ ત્રિગુણાતીત છે. ગુણને સંસ્કૃતમાં રસ્સી કે દોરી કહેવામાં આવે છે. ગુણનો અર્થ છે બાંધવું. જેમને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ બાંધી ન શકે એમાંથી જે બચે છે તે સમાધિ છે.
 
યોગમાં આંખોને નાસીકાગ્ર રાખવાની વાત છે. જ્ઞાનમાં આંખો બંધ કરવી પડે છે. ભક્તિમાં જરૂર હોય ત્યારે બાહ્ય દર્શન માટે આંખો ખૂલી રાખવામાં આવે છે. યોગ અને યોગ્ય ગુરુનું માર્ગદર્શન તમને પાર ઉતારી દે છે. પ્રત્યાહાર પાંચમું લક્ષણ છે. એનાથી આધિ મટે છે. લાલસાની લાયમાં ક્યાંય પહોંચાતું નથી. સમાધિમાં સૂતેલા સંતો વાત પણ કરી શકે છે. એ માટે સજ્જતા કેળવવી પડે. ધ્યાન અને ધારણાથી ઉપાધિનો અંત આવે છે. બેફામ સાહેબ કહે છે કે
 
 
બેફામ તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
 
- આલેખન । હરદ્વાર ગોસ્વામી । [email protected]