પીવાલાયક નથી પીવાનું પાણી...!

    ૨૯-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 

આ રીપોર્ટ ચોંકાવનારો છે...

 
કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે. પાણી માટેનું યુદ્ધ તો ભાવિની વાત છે, પણ અત્યારે શુદ્ધ પાણી માટે ભારે અફરા-તફરી મચી છે. બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા તાજેતરમાં જ દેશમાં અનેક જગ્યાએ પીવાના પાણીનું પરીક્ષણ કરવામાં આવ્યું. પરિણામ, મોટાભાગનાં સ્થાનો પર પીવાનું પાણી પીવાલાયક ઠર્યું નથી. દિલ્હી, કોલકાતા અને ચેન્નઈમાં તો સ્થિતિ એટલી ખરાબ કે પરીક્ષણના ૧૧માંથી ૧૦ માપદંડોમાં પાણી ઊતરતી કક્ષાનું છે. રાંચી, હૈદરાબાદ, ભુવનેશ્વર, રાયપુર, અમરાવતી અને શિમલામાંથી લેવામાં આવેલા પાણીના નમૂના ય અનેક માપદંડોમાં ઉતરતા. ગુજરાતના ગાંધીનગર, ચંદીગઢ, ગુવાહાટી, બેંગલુરુ, લખનઉ, જમ્મુ, જયપુર, દેહરાદૂન જેવાં પાટનગરોમાં પેયજળ કોઈપણ રીતે પીવાલાયક નથી. દેશનાં ૨૧ રાજ્યોની રાજધાની ખાતે હાથ ધરાયેલા સર્વેમાં એક માત્ર મુંબઈ શહેરનું પાણી પીવાલાયક જણાયું છે. શુદ્ધતા ચકાસવા માટેના માપદંડોમાં સખતપણું, કલોરાઈડ, એમોનિયા, બોરોન અને કોલિફોર્મ, ગંદકી, ગંધ જેવી બાબતોનો સમાવેશ કરાય છે. વિકસિત શહેરોમાં આ સ્થિતિ તો અંતરિયાળ ગામોમાં શું હશે ?
 

ભૂજળનું પાણી પણ જોખમી થઇ રહ્યું છે...

 
ત્રણ વર્ષ પહેલાં આવેલા સંસ્થાના અહેવાલ અનુસાર લગભગ ૭.૬ કરોડ લોકોને તો નળનું પાણી જ નસીબ થતું નહોતું. સરકાર દ્વારા વરસો વરસ સારી સવલતો ઊભી કરાઈ છે. આમ છતાં પીવાના પાણીનું સંકટ તો ઊભું જ છે. એશિયન ડેવલપમેન્ટ બેંક પ્રમાણે વર્ષ ૨૦૩૦ સુધીમાં આપણી પાસે જરૂરિયાતના ૫૦ ટકા જ પાણી બચશે. ગત વર્ષે સંસદીય અહેવાલોમાં ય રેખાંકિત કરવામાં આવેલું કે ગ્રામીણ ભારતમાં પીવાના પાણીની નિર્ભરતા ભૂગર્ભજળ ઉપર વધુ છે. દેશમાં ૨૦ જેટલાં રાજ્યોમાં આવા ભૂજળમાં જોખમી રાસાયણો ભળેલાં હોય છે. બિહાર, ઝારખંડ, પ. બંગાળ, હરિયાણા, કર્ણાટક, છત્તીસગઢ, મણિપૂર વગેરેના ૬૮ જિલ્લામાં ભૂજળમાં આર્સેનિકનું પ્રમાણ વધું મળ્યું. પૂર્વ ભારતમાં ગંગા-બ્રહ્મપુત્રાના ક્ષેત્રો ય ખૂબ પ્રભાવિત. પાણીમાં રસાયણો ભળવાનું કારણ દોહન માટે અત્યંત ઉંડું ખોદકામ. ભૂજળદોહન, સંશોધનની કમી, બેદરકારી અને જળસંરક્ષણ જેવી સમસ્યાઓ સાથે પીવાના સ્વચ્છ પાણીનો અભાવ ભારત માટે પડકારરૂપ છે.
 

ઘર ઘર શુદ્ધ પાણી પહોંચવું જોઇએ...

 
૨૦૨૪ સુધીમાં પ્રત્યેક ગ્રામીણ પરિવારોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનું સરકારનું લક્ષ્ય છે. સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે પ્રથમ તબક્કામાં ૧૫ કરોડ પરિવારોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટેની "જલ જીવન મિશન" યોજનાં અંતર્ગત પાઈપ લાઈન દ્વારા ચોખ્ખુ પાણી અંતરિયાળ ગામો સુધી પહોંચે તે માટે ઇઝરાયેલની ગલ - મોબાઈલ પાણી શુદ્ધિકરણ જીપ અને અન્ય ટેકનોલોજીની મદદ પણ લેવાવાની છે, ગ્રામિણ વિસ્તારોમાં જલદૂતોની નિયુક્તિ ય શરૂ થઈ ગઈ છે. સ્વચ્છ પાણીની તંગીનો સીધો સંબંધ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે. સરકારે આ યોજનાને સ્વચ્છતા, પાણી બચાવો, વર્ષાજળ-સંરક્ષણ અને નદીઓની સફાઈ સાથે જોડીને દૂરંદેશી પહેલ જરૂર કરી છે.
 
શહેરોમાં શુદ્ધ પાણી માટે વોટર પ્યોરીફાયર સિસ્ટમનો ઉપયોગ થાય છે, સોસાયટીઓમાં વોટર સોફ્ટનર પ્લાન્ટ, પ્રવાસ દરમિયાન મિનરલ પેકડ બોટલનો ઉપયોગ પાણીની શુદ્ધતા અંગે પ્રશ્નાર્થો ઊભા કરે છે. એસ.ટી., રેલ્વે સ્ટેશનો વગેરે જાહેર સ્થાનો પર તો વપરાયેલી બોટલોમાં સાદુ પાણી ભરી - ફરી સીલ કરી વેચાતા હોવાના અનેક ગોરખધંધા પકડાયા, વીડિયો વાયરલ થયા છે.
 

પાણી બચાવવા દૂરદર્શિતા દાખવવી પડશે...

 
ભારત વરસાદના પાણીમાંથી માત્ર ૬ ટકા પાણી જ સંગ્રહિત કરી શકે છે. તેમાં સુધારો થાય તો પાણીની ઉપલબ્ધતા અને ગુણવત્તા વધારી શકાય. મીઠું અને શુદ્ધ પાણી પૂરું પાડતા જળસ્રોતો સુકાઈ રહ્યા છે તેને ફરી સજીવન કરવા, નદીઓને પ્રદૂષણમુક્ત કરવી, કૂવા તળાવોને ગંદકીમુક્ત કરવા, ફેકટરીઓ અને ઔધોગિક એકમો દ્વારા નદી-નાળા-તળાવોમાં ઠલવાતો રાસાયણિક અને અન્ય કચરો અટકાવવો જરૂરી છે. પાણીની પાઈપલાઈન, ઓવરહેડ ટેન્કોની સફાઈ વગેરે બાબતે વોટર પોલ્યુશન બોર્ડની અસરકારક કામગીરી અને સજાગતા જળશુદ્ધી માટે સારા પરિણામો આપનારી બની રહેશે. કાર્યમાં પારદર્શકતાનો અભાવ જણાય તો દોષિતોને કડક સજાની જાેગવાઈ જરૂરી. આવનારા વર્ષોમાં શહેરો-ગામડાઓમાં કેટલી વસ્તી હશે, કેવી લાઇફ સ્ટાઇલ હશે, પાણીની જરૂરિયાતો કેવી હશે વગેરેનાં સર્વે - સંશોધનો, ચિંતા કરીને સરકારે અત્યારથી જ નવું ઇન્ફ્રાસ્ટ્રકચર, આયોજનો ઊભા કરી, નવી ટેકનોલોજી વિકસાવીને પરિણામકારક કામગીરી કરવાની જરૂર છે.
 

આપણી પણ એક ફરજ બને છે...

 
પીવાનું શુદ્ધ પાણી પ્રાપ્ત કરવું એ દરેક મનુષ્યનો મૌલિક અધિકાર છે. જળ શુદ્ધ રહે તે માટે દેશના એકે એક નાગરિકે પ્રયત્નો કરવાની જરૂર છે. રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગથી જમીનને નુકસાન થાય છે અને ભૂગર્ભનો જળ પ્રદૂષિત બને છે. આપણા દ્વારા જાણતા-અજાણતા ફેલાતી ગંદકી, આવા પ્રદૂષણો અટકાવીએ. ફેક્ટરી દ્વારા થતી બેદરકારી અશુદ્ધ પાણી બનીને આપણને જ હાનિ પહોંચાડશે. તો આવો, આપણે સૌ સાથે મળીને પીવાના પાણીને પીવાલાયક બનાવવાની ઝુંબેશ ઉપાડીએ અને સ્વસ્થ રહીએ.