ડુંગળીની કમાલ | અથર્કારણથી લઈ રાજકારણ સુધી ધમાલ

    ૧૦-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

onion issue_1  
 
ગરીબોની કસ્તુરી ૨૦૦ રૂપિયે કિલો થઈ ગઈ છે ત્યારે આવો દેશના અથર્કારણથી લઈ રાજકારણ સુધી ડુગળીની ધમાલને જાણીએ...
 
આપણા દેશમાં ડુંગળી હવે મોંઘવારીનું પ્રતીક બની ગઈ છે. રાજકારણમાં ડુંગળી નવું ગ્લિસરીન છે, જે સૌને રડાવે છે. ન્યૂઝ ચેનલ્સથી લઈને રાજકીય પક્ષો સુધી સૌએ ડુંગળીને રડવા સાથે જોડી દીધી છે. લાગે છે કે ડુંગળીનું કામ આજે માત્ર રડાવવાનું જ છે. ડુંગળીના ભાવ વધે એટલે દરેક ભારતીયને સરકાર પર દાઝ ચડે છે. ન્યૂઝ ચેનલ્સવાળાને ન્યૂઝ મળે છે ને રાજકીય પક્ષોને લાગે છે કે ડુંગળી સરકાર બદલી શકે છે. એટલે બધા કામે લાગી જાય છે. આજે જ્યારે ડુંગળીના ભાવ ફરી વધી ગયા છે ત્યારે આવો, ગરીબોની કસ્તૂરી, કાંદો, પ્યાજ, પલાંડું, સુકંદક, તીક્ષ્ણકંદ, કૃષ્ણાવળી જેવાં વિવિધ નામથી ઓળખાતા આ કંદમૂળના રાજકારણને સમજીએ....
 

onion issue_1   
 
 
# શું ડુંગળીનો વધતો ભાવ ખરેખર ગરીબોને રડાવી રહ્યો છે ?
 
# શું ડુંગળીનો વધતો ભાવ સરકાર ઉથલાવી શકે છે ?
 
# ડુંગળીનો વધતો જતો ભાવ સરકારની નાકામી છે કે વચેટીઆઓનો ખેલ છે ?
 
# કે પછી ન્યૂઝ ચેનલ્સવાળાઓએ પ્રચાર કરી કરી ડુંગળીને લોકોનું મોંઘવારીનું પ્રતીક બનાવી દીધી છે ?
 
# ડુંગળીના વધતો ભાવ, શું વિચક્ષણ અર્થશાસ્ત્રીઓ નિયંત્રણમાં લાવશે ?
 
ડુંગળીમાં એવું શું છે કે તેનો ભાવ વધવાથી કોઈ નેતા તેનો વિરોધ કરવા ડુંગળીનો હાર પહેરી સંસદમાં પહોંચી જાય છે ? શા માટે કોઈ વેપારી મોબાઈલ સાથે કિલો ડુંગળી ફ્રી આપી ન્યૂઝ ચેનલ્સ પર છવાઈ જાય છે ? આવા અનેક પ્રશ્ર્નો આજે આપણા મનમાં ઊભા થતા જ હશે. આવા પ્રશ્ર્નો સાથે કેટલાંક ઉદાહરણો પર ડુંગળી સાથે સંકળાયેલા છે. આવો, કેટલાંક ઉદાહરણો જોઈએ અને પછી ડુંગળીના ગણિતને સમજીએ.
 

1980ની ચૂંટણી એટલે ‘‘ઓનિયન ઇલેક્શન’’

 
1975ની કટોકટી બાદ ઇન્દિરા ગાંધીની ચૂંટણીમાં હાર થઈ હતી. આ હાર બાદ 1980માં ચૂંટણી જીતવા ઇન્દિરાએ ડુંગળીનો સહારો લીધો હતો. તે વખતે ડુંગળીને મહત્ત્વનો મુદ્દો બનાવી તેનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો હતો. પ્રચાર પણ કેવો ? વાંચો...
 
# લોકદળના નેતા સંસદમાં ડુંગળીનો હાર પહેરીને આવ્યા હતા.
 
# કોંગ્રેસના સાંસદોએ સંસદમાં ડુંગળીને હાથમાં લઈ ભાવવધારા માટે જનતા પાર્ટીની સરકારનો વિરોધ કર્યો હતો.
 
# આ જ સમયે સાંસદોએ સંસદમાં સભાપતિના ડેસ્ક પર વિરોધ કરવા ડુંગળીઓ મૂકી હતી, મહત્ત્વની વાત એ છે કે તે વખતે સભાપતિ એ ડુંગળી પોતાના ઘરે લઈ ગયા હતા.
 
# એવું કહેવાય છે કે તે વખતે સરકારના એક સાંસદે કહ્યું હતું કે ડુંગળીના ભાવ ક્યાં વધ્યા છે ? તે તો બે રૂપિયે કિલો મળે છે, ત્યારે એક સાંસદે ઊભા થઈને તે સાંસદના હાથમાં 100 રૂપિયા મૂકી દીધા હતા અને કહ્યું હતું કે 50 કિલો ડુંગળી લાવી આપો.
તે વખતે આવા અનેક કિસ્સાઓ બન્યા હતા માટે જ તે ચૂંટણીને તે સમયે પત્રકારોએ ‘‘ઓનિયન ઇલેક્શન’’ એવું નામ આપ્યું હતું. ડુંગળીના આવા પ્રચારનું પરિણામ તો જુવો. જનતા પાર્ટીને હરાવી ઇન્દિરાએ પોતાની સરકાર બનાવી હતી. એવું કહી શકાય કે કટોકટીમાં ઇન્દિરાની જે ખરાબ છબી લોકો સમક્ષ ઊપસી હતી તે ખરાબ છબી ડુંગળીએ સુધારી આપી.
 

onion issue_1   
 

1998, ડુંગળી અને રાજકારણ

 
તે વખતે કેન્દ્રમાં વાજપેયીજીની સરકાર હતી. દિલ્હીમાં સુષમા સ્વરાજ મુખ્યમંત્રી હતાં. તે સમયે પણ ડુંગળીનો ભાવ વધી જવાથી કોંગ્રેસે ડુંગળીના વધેલા ભાવને મુદ્દો બનાવી તેનો પ્રચાર કર્યો. પ્રચાર કામ કરી ગયો. કોંગ્રેસ દિલ્હીમાં જીતી ગઈ. મહત્ત્વની વાત એ છે કે 1998 પછી દિલ્હીમાં ભાજપની ફરીથી ક્યારેય સરકાર બની નથી.
 
# તે જ વખતે રાજસ્થાનમાં પણ ભાજપના ભૈરોસિંહ શેખાવતની સરકાર હતી. તેમણે પણ ડુંગળીના ભાવવધારાના મુદ્દે પોતાની સત્તા ગુમાવવી પડી હતી. પરાજય બાદ હારનો સ્વીકાર કરતાં શેખાવતજીએ કહ્યું હતું કે પ્યાજને હમેં રુલા દિયા !
 
# અત્રે ઉલ્લેખનીય છે કે તે વખતે ભાજપે ડુંગળીના ભાવધારાના મુદ્દે દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમા સત્તા ગુમાવવી પડી હતી. આથી વાજપેયીજીએ લાંબા ગાળા માટે ભાવ ન વધે એ હેતુથી નાસિકમાં ડુંગળી કેન્દ્ર અને સાચવણી કેન્દ્ર કરોડોના ખર્ચે ઊભું કર્યું હતું. પણ પછી કેન્દ્રમાં ભાજપ્ની સરકાર રહી નહીં. શરદ પવાર કૃષિમંત્રી બન્યા. તૈયાર થયેલા ડુંગળી કેન્દ્ર અને સાચવણી કેન્દ્ર પર તેમણે ધ્યાન દીધું નહીં. 2006માં નાસિકમાં ડુંગળીનો મબલખ પાક થયો. પરિણામે ખેડૂતોને સસ્તા ભાવે ડુંગળી વેચવાનો વારો આવ્યો. કૃષિમંત્રી શરદ પવારે સમયસર ટેકાનો ભાવ પણ જાહેર ન કર્યો. ખેડૂતોને જરા પણ મદદ ન મળી. આથી ઉશ્કેરાયેલા નાસિકના ખેડૂતોએ તે સમયે પવારની એક જાહેર સભામાં ડુંગળીનો મારો ચલાવ્યો હતો. પવારને સભા છોડીને ભાગવું પડ્યું હતું.
 
***
 

onion issue_1   
 

ડુંગળી અને આંકડાબાજી

 
ડુંગળીને અર્થશાસ્ત્રની ભાષામાં પણ સમજીએ. વિશ્ર્વમાં ડુંગળીનું ઉત્પાદન કરતા દેશોમાં ભારતનો ક્રમ બીજો છે. પહેલા નંબર પર ચીન આવે છે. ખાદ્ય સુરક્ષા વિભાગ (2010)ના આંકડાને જો સાચા માનીએ તો ભારતમાં દર વર્ષે 121 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે, જેમાંથી ભારતની જરૂરિયાત માત્ર 40 લાખ ટન ડુંગળીની જ છે બાકીની લગભગ 80 લાખ ટન ડુંગળી નિકાસ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન બિહાર આ બધાં જ રાજ્યોમાં ડુંગળીનો પાક લેવાય છે. ડુંગળીના ઉત્પાદનમાં સૌથી વધુ યોગદાન મહારાષ્ટ્રનું છે. ભારતના કુલ ઉત્પાદનના 30 ટકા જેટલું ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે.
 

ભાવ વધવાનાં કારણો...

 
અર્થશાસ્ત્રનો સીધોસાદો નિયમ છે. કોઈ પણ વસ્તુની માંગ વધારે હોય અને તેનો જથ્થો, પુરવઠો કે ઉત્પાદન તેની માગ કરતાં ઓછું હોય તો જે તે વસ્તુનો ભાવ વધી જાય. ઘણીવાર માંગના પ્રમાણમાં ઉત્પાદન ખૂબ વધુ હોય છતાં તે વસ્તુનો ભાવ આસમાને હોય છે. તમે કહેશો આવું કેમ ? અર્થશાસ્ત્રનો નિયમ અહીં ખોટો પડ્યો કહેવાય. સાચી વાત, પણ આ બધું થાય છે વચેટિયાઓ, કમિશનખોરો, સંગ્રહખોરો અને વેપારીઓના કારણે. હવે તો ખેડૂતો પણ આ માટે થોડા અંશે જવાબદાર છે. આ વચેટિયાઓ કરે છે શું ? આપણે ડુંગળીના ઉદાહરણથી જ સમજીએ.
 
ડુંગળીનું ઉત્પાદન જ્યારે વિપુલ માત્રામાં થાય ત્યારે આ વચેટિયાઓ, એજન્ટો, ખેડૂતો પાસેથી સસ્તા ભાવે (5-6 રૂપિયે કિલો) ડુંગળી ખરીદી લે છે. પછી તે ડુંગળીને ગોડાઉનમાં ભરી રાખી બજારમાં ડુંગળીની અછત ઊભી કરે છે. ને પછી ભાવ વધે એટલે 5-6- રૂપિયાવાળી ડુંગળી 60-70 રૂપિયામાં વેચી મબલખ રૂપિયા કમાય છે. આવું માત્ર ડુંગળીમાં જ થતું નથી. ફળ, શાકભાજી બધાંમાં થાય છે. હવે તો ખેડૂતો પણ ભાવ વધારવાની રાહ જોઈ પોતાનો તૈયાર પાક સાચવી રાખતા હોય છે. જો કે આ વચેટિયાઓ (સંગ્રહખોરો)નો આ ખેલ ગેરકાનૂની ગણાય છે. આ ખેલને તમે કાળાબજારી કહી શકો. આ ખેલને અટકાવવો જોઈએ. છતાં એવું કહેવાય છે કે આજની તારીખમાં પણ આ સંગ્રહખોરોએ કરોડો રૂપિયાનો માલ પોતાના ગોડાઉનોમાં છુપાવી રાખ્યો છે?!
 

onion issue_1   
 

ડુંગળીનો કકળાટ

 
ડુંગળી રડાવી શકે પણ તેના નામનો કકળાટ થઈ શકે ? આને કકળાટ ન કહેવાય તો બીજું શું કહેવાય ? મીડિયા પણ ડુંગળીનો ભાવ વધે ત્યારે જ કકળાટ કરે છે. થોડા વર્ષ પહેલાં જ્યારે ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા હતા ત્યારે ગુજરાતના મહુવાના તથા મહારાષ્ટ્રમાં નાસિકના ખેડૂતોએ કંટાળીને ડુંગળીઓને રોડની બન્ને બાજુ ફેંકી દીધી હતી. આ સમયે ડુંગળીના ભાવને લઈને આવો કોઈ હોબાળો મચ્યો ન હતો અને હોબાળો શા માટે મચે ? નુકસાન તો ખેડૂતોને થયું હતું !
 
બીજો કકળાટ હોટેલોવાળાએ કર્યો છે. એક છાપાના અહેવાલ પ્રમાણે કેટલીક હોટેલોએ તો ડુંગળીની વાનગી બનાવવાની જ ઘટાડી દીધી છે. ભજિયાં અને દાળવડાંના દુકાનદારો હવે છૂટથી ડુંગળી આપતા નથી. ડુંગળીની જગ્યાએ કોબીજ પધરાવી દે છે. જો કે એક વાત ધ્યાને ધરવા જેવી છે કે માત્ર ડુંગળી જ નહીં તમામ શાકભાજી, ફળ ફળાદિ આજે મોંઘાં થઈ ગયાં છે.
 

ગળી એક એવી વસ્તુ છે જેના થકી આમ આદમી મોંઘવારીને સમજી શકે છે

 
શું આ માટે સરકારે યોગ્ય નીતિ ઘડવાની જરૂર નથી ? ખેડૂતોને કનડતા વચેટિયાઓને કાબૂમાં રાખવા કેમ કોઈ નીતિ ઘડાતી નથી ? ડુંગળીથી સત્તા પરિવર્તન થાય છે એટલે બધા ડુંગળીના ભાવને લઈને રાજકારણ રમે છે, અરે 20-25 કિલો ડુંગળી પણ સસ્તા ભાવે વેચે છે પણ ભાવ ઘટાડવાનો કારગત ઉપાય કોઈ દેખાડતું નથી. પ્લાનિંગ કમિશનના એક અઘિકારીએ એક સુંદર વાત કરી હતી. તેમનું કહેવું છે કે ડુંગળી એક એવી વસ્તુ છે જેના થકી આમ આદમી મોંઘવારીને સમજી શકે છે. પોતે ડુંગળી ખરીદી શકે છે કે કેમ તે પરથી તે પોતાની હેસિયત નક્કી કરે છે. માટે જ્યારે ડુંગળીના ભાવ વધે છે ત્યારે તેની અસર બધે જ વર્તાય છે.
 

onion issue_1   
 

ડુંગળી સાચે જ રડાવે છે

 
આપ સહુને યાદ હશે કે બરાબર આજથી 15 વર્ષ અગાઉ દિલ્હી વિધાનસભાની ચૂંટણી આડે બે મહિના કરતાં પણ ઓછો સમય બાકી હતો... તે વખતે આજની જેમ જ ડુંગળીના ભાવ દેશમાં - ખાસ કરી દિલ્હી વિસ્તારમાં આસમાને પહોંચ્યા હતા. દિલ્હી વિધાનસભામાં 1993માં બહુમતી હાંસલ કરી ભાજપાએ મદનલાલ ખુરાનાને મુખ્યમંત્રી બનાવેલા. ત્યાર પછી સાહિબસિંહ વર્મા મુખ્યમંત્રી બન્યા. ભાજપા હાઈકમાન્ડે છેલ્લા મહિનાઓમાં ચૂંટણીવ્યૂહને ધ્યાનમાં રાખી, સાહિબસિંહ વર્માને સ્થાને શ્રીમતી સુષમા સ્વરાજને મુખ્યમંત્રી બનાવીને 1998ની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સુષમાજીને નેતાપદે આગળ કર્યાં. હજુ થોડા મહિનાઓ પહેલાં જ યોજાએલી લોકસભા ચૂંટણીઓમાં ભાજપા - એનડીએને બહુમતી મળતાં શ્રી અટલજી પ્રધાનમંત્રી બનેલા. આવા અનુકૂળ રાજકીય માહોલમાં સહુ રાજકીય નિરીક્ષકો માનતા હતા કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપા ફરી એક વખત બહુમતી હાંસલ કરશે. પરંતુ એ જ અરસામાં નાસિક - મહારાષ્ટ્રમાંથી ડુંગળીની સપ્લાય ભેદી રીતે અટકાવી દેવામાં આવી. સુગર કિંગ અને ડુંગળીડોન શ્રી શરદ પવાર રાજકીય આટાપાટામાં મામા શકુનિને ટક્કર મારે તેવા છે. બરાબર દિલ્હી વિધાનસભાની ચૂંટણી ટાણે જ આ રીતે દિલ્હી અને રાજધાની ક્ષેત્ર આસપાસના વિસ્તારોમાંથી ડુંગળીને અદ્શ્ય કરી દેવામાં આવી. તેથી ડુંગળીના પુરવઠામાં આવેલ જબ્બર ઘટાડાને લીધે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા.
 
આ કૃત્રિમ તંગીનો ગેરલાભ ઉઠાવી, કોંગ્રેસ પાર્ટીએ એક માત્ર અસહ્ય બનેલો ડુંગળીના ભાવવધારાને એક મુદ્દાનો રાજકીય અપપ્રચાર જારી રાખીને ભાજપાને નાકે દમ લાવી દીધેલ. પરિણામે નવેંબર 1998માં ભાજપાને ચૂંટણીમાં હાર મળી અને કોંગ્રેસનાં શ્રીમતી શીલા દીક્ષિત મુખ્યમંત્રી બન્યાં. ત્યાર પછી છેલ્લાં પંદર વર્ષ સુધી શીલા દીક્ષિત મુખ્યમંત્રી પદે ચીટકી રહ્યાં છે.
 

onion issue_1   
 

અહીં ડુંગળી હસાવે પણ છે

 
ડુંગળીના વધી રહેલા ભાવવધારાને પણ કેટલાક મજાકિયા લોકોએ હાસ્યનું સાધન બનાવી દઈ જોક્સ અને હિન્દી સિનેમાના સંવાદ રૂપે સોસિયલ નેટવર્કિંગ સાઇટસ પર ફરતા કરી દીધા છે. જોઈએ આવા જ કેટલાક સંવાદ અને જોક્સ :
 
પતિ : અરે સાંભળે છે, જો મારી મા આવી છે.
પત્ની : હે રામ ! આ ડોસી ફરી ટપકી, કોણ જાણે શું લેવા આવી હશે ?
પતિ : પણ સાંભળ તો ખરી, એ બે કિલો ડુંગળી પણ લાવી છે.
પત્ની : શું તમે પણ, મા છે, તેના દીકરાના ઘેર નહિ આવે તો ક્યાં જશે ?
 
***
 
મા (દીકરીને) : જો સાંભળ, છોકરો સારો છે અને પરિવાર પણ અમીર લાગે છે. સંબંધ હાથમાંથી જવો ના જોઈએ.
દીકરી : અરે પણ તને કેવી રીતે ખબર પડી કે એ લોકો ખૂબ જ અમીર છે ?
મા : અરે... એ લોકો જ્યારે વાત કરે છે ને ત્યારે એમના મોંમાંથી ડુંગળીની વાસ આવે છે.
 
***
 
પ્રશ્ર્ન : જૈનો કેમ પૈસાદાર હોય છે ?
જવાબ : કારણ કે તેઓ ડુંગળી ખાતા નથી.
 
***
 

ડુંગળી વિશેના કેટલાક ફિલ્મી સંવાદો

 
# યે ઢાઈ કિલો પ્યાજ જબ આદમી લેતા હૈ ના, તબ આદમી ઊઠતા નહિ, ઊઠ જાતા હે.
 
# મેરે પાસ બંગ્લા હૈ, ગાડી હૈ, બેંક બેલેન્સ હૈ, રૂપિયા-પૈસા હૈ, તુમ્હારે પાસ ક્યા હૈ...? 
મેરે પાસ પ્યાજ હૈ...
 
# મૈં આજ ભી ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા... અગર પ્યાજ હો તો અલગ બાત હૈ...
 
# 11 રાજ્યોં કી સરકારે મુઝે ઢૂંઢ રહી હૈ, પર પ્યાજ કો ખરીદના મુશ્કિલ હી નહીં... નામુમકિન હૈ...
 
# એક કિલો પ્યાજ કી કિંમત તુમ ક્યા જાનો દેવબાબુ...
 
# યે પ્યાજ મુઝે દે દે ઠાકુર...
 
# તુમ્હેં ચારો તરફસે પુલિસને ઘેર લિયા હૈ, અપ્ની સારી પ્યાજ કાનૂન કે હવાલે કર દો...