તંત્રીસ્થાનેથી । હૈદરાબાદ નિર્ભયાકાંડ જેવું સમાપન, અન્ય કેસોમાં ક્યારે ?

    ૧૧-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

nirbhya edit_1  
 
 
છેલ્લા કેટલાક દિવસોમાં હૈદરાબાદની પશુ-ચિકિત્સક યુવતી, રાંચીની વિદ્યાર્થીની, વડોદરા, સુરતની માસૂમ યુવતી-બાળકીઓની ચીસો અને બળાત્કારીઓના વિકૃત ખિખિયાટાઓએ દેશને ધ્રુજાવી મૂક્યો. હૈદરાબાદની યુવતીને તો વળી રેપ કરીને સળગાવી દેવામાં આવી. બળાત્કાર-હત્યાની આ ઘૃણીત ઘટનાઓએ ફરીવાર દિલ્હીમાં સાત વર્ષ પહેલાં બનેલા નિર્ભયા કાંડની કડવી યાદ તાજી કરાવી દીધી. સંસદમાં તો સુશ્રી જયા બચ્ચને અપરાધીઓના લિંચિંગની તરફેણ કરી.
 
નિર્ભયા કાંડ પછી દેશભરના લોકો માર્ચમાં જોડાયા, જસ્ટિસ જે. એસ. વર્માની અધ્યક્ષતામાં એક સમિતિ રચી, ૨૦૧૩માં સમિતીએ આપેલા રીપોર્ટમાં અનેક ઉપાયોની હિમાયત કરી, પોલીસની કામગીરીમાં સુધારા, પરાધિક મામલાઓમાં દંડ, દોષિતોને મૃત્યુદંડ અને સમાજ, સરકાર, સામાજિક સંસ્થાઓ દ્વારા ઘણુંબધું એવું બન્યુ જેણે આશા જન્માવી કે હવે તો આ દેશમાં એક પણ નિર્ભયા કાંડ નહીં થાય. છતાં દેશના દુ:શાસનો આજે નિર્ભય બની બળાત્કારો કરી રહ્યા છે અને દેશની કોઈ યુવતી / મહિલા (નિર્ભયા) હજુ નિર્ભય બની નથી. દેશમાં દર અઢાર મિનીટે એક બળાત્કાર થાય છે. ગુજરાતમાં ય છેલ્લાં ત્રણ વર્ષમાં ગેંગરેપની ૩૦ જેટલી ઘટનાઓ ઘટી. નિર્ભયા કાંડ પછી ગુજરાતે ૭૦ કરોડ ફાળવ્યા છે કે કેન્દ્રએ ૧૦૦૦ કરોડ ફાળવ્યા, પણ એ ફળદાયી ત્યારે જ નીવડે જ્યારે નારીની સલામતી અને સુરક્ષા વધે.
 
બળાત્કારનાં રાક્ષસી કૃત્યોને પગલે ફરીવાર મહિલાની સુરક્ષા માટે રુધિર અધીર બન્યું છે, દેશમાં મીણબત્તીઓ મશાલ બની છે પણ ગુનેગારો સામે લાલબત્તી થાય એવી કોઈ કડક જોગવાઈ દેખાતી નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ મુજબ ૨૦૧૭માં દેશમાં કુલ ૩.૫૯ લાખ, ૨૦૧૬માં ૩.૩૮ લાખ અને ૨૦૧૫માં ૩.૨ લાખ બળાત્કારના કેસો નોંધાયા છે, જે વધતી બળાત્કારની ઘટનાઓ તરફ આંગળી ચીંધે છે.
 
૨૦૧૭ના આંકડાઓ મુજબ ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ૫૬ હજાર, મહારાષ્ટ્રમાં ૩૨ હજાર અને ત્રીજા ક્રમે પશ્ચિમ બંગ્ાાળમાં ૩૦ હજાર નિર્દોષ યુવતીઓ પર બળાત્કારના કેસ નોંધાયા છે. રીપોર્ટ મુજબ ચોંકાવનાંરું એ કે ૯૩.૧ ટકા કેસમાં પીડિતાની જાણીતી વ્યક્તિ, અર્થાત્ નજીકના સગા, મિત્રો, ઓનલાઈન મિત્ર, પૂર્વ પતિ, પતિના મિત્રો, પાડોશી, સંબંધી, સહ-કર્મચારી, ઉપરી અધિકારીઓએ જ લાજ લૂંટી હતી. અન્ય જઘન્ય અપરાધોમાં કુમળી બાળકીઓથી માંડીને એકલદોકલ ફરતી યુવતીઓ પરના બળાત્કાર અને પછી તેમને જીવતી સળગાવી મૂકવાના કિસ્સામાં હેવાનિયતે બંડ પોકાર્યું છે.
 

nirbhya edit_1   
 
આ આંકડાઓ અને સમાજમાં બનતી અન્ય કેટલીક ઘટનાઓનો અભ્યાસ માનસિક રીતે બીમાર અને વિકૃત સમાજ તરફ અંગુલીનિર્દેશ કરે છે. સમાજ એ હદે વિકૃત બની ગયો છે કે તેલંગણાની યુવતી પર થયેલા રેપનો વીડિયો જાેવા માટે ૮૦ લાખ લોકોએ ગૂગલની પોર્ન સાઈટ્સ પર સર્ચ કર્યું. આ એંસી લાખ પણ પેલા બળાત્કારીઓથી જરાય ઊતરતા ન જ ગણાય.
ગ્રામ્ય વિસ્તારોમાં યૌનશોષણના કેસો પોલીસ સુધી પહોંચતા જ નથી, સ્થાનિક સ્તરે પંચાયતો દ્વારા જ સામાન્ય દંડ કરી રફેદફે કરી દેવાય છેે, તેથી તેવા વિસ્તારોમાં ઉત્પીડનના કિસ્સાઓ વધ્યા છે. યૌનશોષણના અપરાધીઓને સજા મળવાનો દર ખૂબ જ ઓછો, માત્ર ૧૯ ટકા જ હોવાને કારણે બળાત્કારના મામલા વધી રહ્યા છે. જામીન પર છૂટી જવાની સગવડ કે પુરાવાના અભાવે ગુનેગાર બચી જાય તે જ અપરાધીઓની હિંમત વધારે છે.
 
અન્ય દેશોમાં આવી ઘટનાઓનું પ્રમાણ ઓછું જ હોય. સાઉદી અરેબિયામાં ગુનેગાર દોષી સાબિત થતાં જ માથું તલવારથી કલમ કરાય, યુએઈ - ઈરાનમાં ફાંસીએ લટકાવાય, ચીનમાં ફાયરિંગ સ્કવૅર્ડને સોંપી મારી નંખાય અને અફઘાનિસ્તાનમાં માથામાં ગોળી મરાય. પરંતુ ભારતમાં ગુનેગારોને ચીકન બિરિયાની આપીને જેલમાં વરસો સુધી જલસા કરાવાય અને પીડિતાના સંબંધીઓને બળાત્કાર થયો છે તેવું સાબિત કરવા દોડાવાય છે.
 
તેલંગણાની ઘટના બાદ લોકજુવાળ ખૂબ ઊમટ્યો, લોકોએ ઠેર ઠેર બળાત્કારીઓને જાહેરમાં ફાંસી અથવા લિંગોચ્છેદનની માંગણી કરી. દરમિયાન ઉત્તર પ્રદેશ ઉન્નાવમાં બળાત્કારના અપરાધીઓએ જામીન પર છૂટી એક ઓર નિર્ભયાને સળગાવી મૂકી. દેશ આખો સ્તબ્ધ, શરમ અનુભવી રહ્યો છે. કમનસીબે ઉન્નાવ પીડીતા પણ લાખ પ્રયત્ન છતાં મોતને ભેટી. ન્યાયિક રીતે ય તેનાં હત્યારાઓનો શ્વાસ ગુંગળાવો જ જોઈએ. માત્ર આશ્વાસન હૈદરાબાદમાં. ખૂબ હિંમતવાન વી. સી. સજ્જનાર કમિશનર પ્રમાણે, ચારે આરોપીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા. રાજનીતિજ્ઞો અને માનવ અધિકાર પંચો જરૂર સવાલો પૂછશે, પરંતુ ઉત્તર પ્રદેશના મંત્રી સુરેન્દ્રનારાયણસિંહ જેટલા સંવેદનહીન કે બેજવાબદાર નહીં હોય. ઉન્નાવ કેસ બાબતના તેમના નિવેદનો ``રામ પણ ગેરંટી ન આપી શકે'' તે અભદ્ર, અસમતોલ, અસહ્ય છે. રામ કે યોગી કોણ તેમને પદાર્થપાઠ ભણાવશે ?
હૈદરાબાદ એન્કાઉન્ટરમાં તો સમગ્ર દેશે રાહત અનુભવી. મહિલાઓ, બોલિવૂડ સ્ટાર્સ, મહિલા સાંસદો વગેરે સર્વાધિક લોકો પોલીસને અભિનંદન પાઠવ્યાં, કેટલીક વ્યક્તિઓ / સંસ્થાઓએ તેમને સ્વૈચ્છિક ઇનામો ય જાહેર કર્યાં.
 
કડકમાં કડક કાયદાઓ તથા બળાત્કારીઓને રાષ્ટપ્રમુખ કોવિંદની સૂચના મુજબ દયાની અરજીનો અધિકાર પણ ન હોય, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં માત્ર બે માસમાં તેનો ચુકાદો વગેરે લાવવા જ રહ્યા. જલ્લાદને ય કામ વગર પગાર જોઈતો નથી. સાથે જે કુટુબમાં આવો નિર્લજ્જ અપરાધી હોય તેમની મા-બહેન-માસી-કાકી-ભાભી વગેરે બધી જ કુટુબની મહિલાઓએ તેનો સંપૂર્ણ બહિષ્કાર કરવો રહ્યો, તો જ બળાત્કારીઓની માનસિકતા પર વાર થાય. પુરુષોએ અને ખાસ કરીને પરંપરાથી ચાલતી પંચાયતોએ ય ખૂબ કડક વલણ દાખવી દીકરીઓને સુરક્ષા પૂરી પાડવી. પોલીસ, ન્યાયતંત્ર, સરકાર કે અધિકારીઓ કર્તવ્યપાલનમાં / કાયદાપાલનમાં સહેજ પણ ઊણા ન ઊતરે તો જ મહિલાઓમાં સુરક્ષિત રહેવાનો ભાવ આવશે. મહિલા સંગઠનોને ય આ બાબતમાં રાષ્ટ સેવિકા સમિતિ, મહિલા સમન્વય કે હિન્દુ જાગરણ મંચની જેમ જાગૃત રહી સુરક્ષા આધારિત ટ્રેનિંગ કેમ્પસ ચલાવવા તે સશક્તિકરણનો જ ભાગ. અન્યથા મહિલાઓ ભારતમાં સૌથી વધુ અસુરક્ષિત છે તેવો ભાવ વિશ્વભરમાં બની રહ્યો છે. બિનનિવાસી ભારતીયો કે અન્ય પ્રજા અહીં આવતાં ખચકાય તો નવાઈ નહીં.
 
ભારતમાં જ સોશિયલ મીડિયામાં રેપની ઘટના વખોડતા ક્રિએટિવ્સ, સંપૂર્ણ ભારતીય સમાજને હલકટ ચિતરે તેમ રીપબ્લિક ઓફ ઇન્ડિયામાંથી ``રેપ-પબ્લિક ઓફ ઇન્ડિયા'' લખાઈ બહોળો નામોશી ભર્યો પ્રચાર થઈ રહ્યો છે. તેને ખાળવા બધા જ બળાત્કાર કેસોના ઝડપી ન્યાયપૂર્ણ, સમાજની ઇચ્છા પ્રમાણેના નિકાલ આવે તે અત્યંત જરૂરી છે.
 
યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ
 
ભારતીય સનાતન પરંપરામાં નારી માટે બાળકી, કુમારિકા, તરુણી, યુવતીથી માંડીને અનેક સન્માનનીય નામો છે. શક્તિનું પ્રતીક, દેવી, અન્નપૂર્ણા, લક્ષ્મી તેનાં પૂજનીય નામો છે. સંત, કથાકાર, મહારાજ, પુરાણી, સમસ્ત સાધુગણ વગેરે તેમનાં વક્તવ્યો, પ્રવચનોમાં સાંપ્રત પરિસ્થિતિમાં આબાલ-વૃદ્ધ સ મહિલાઓને આદરભાવથી જુએ અને વ્યવહાર કરે, તે અંગે ક્રાંતિકારી અભિગમ દાખવી સમાજ સુધારવો રહ્યો. તેને કદી ``નિર્ભયા'' નામથી સંબોધવી ન પડે તેવા સંકલ્પબદ્ધ સમાજની રચના તે અગ્રીમતા.