માનસમર્મ । મનમંદિરના દ્વારે રોજ શીશ નમાવો । મોરારિબાપુ

    ૧૨-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
 
એકવાર સંત એકનાથના ઘરે મહેમાન આવ્યા. ઘોર અંધારી રાત અને ભારે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. મહેમાનોને આવકારીને કોરાં વસ્ત્રો આપ્યાં. પત્નીને અતિથિઓ માટે રસોઈ બનાવવાની સૂચના આપી. પત્નીએ કાનમાં કહ્યું કે ઘરમાં બળતણ હતું તે વરસાદમાં પલળી ગયાં છે.
 
એકનાથે કહ્યું કે તમે રસોડામાં જઈ ભોજનની તૈયારી કરો, હું હમણાં બળતણ લાવી આપું છું. અને થોડીવારમાં એકનાથ સૂકું બળતણ લઈ આવ્યા. થોડીવારમાં રસોઈ થઈ ગઈ. મહેમાનોએ જમી લીધા બાદ વિદાય લીધી. ત્યારે એકનાથ જમીન પર ચાદર પાથરીને આડા પડ્યા. પત્નીએ કહ્યું કે ખાટલામાં કેમ સૂતા નથી ? ત્યારે એકનાથજીએ કહ્યું કે સૂકું બળતણ ખાટલાના ચાર પાયાનું કર્યું હતું.
 
આવાં ઘર હશે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિને કશુંય થવાનું નથી. આતિથ્યની આગવી પરંપરા સૌરાષ્ટ્રની સંસ્કૃતિની ઓળખ છે. ભૂખ લાગે અને જમે તે વૃત્તિ, ભૂખ નથી છતાં સામે મનગમતી વાનગી પડી હોય તો ખાઈ લે એ વિકૃતિ અને કડકડતી ભૂખ લાગી હોય અને એ જ સમયે મહેમાન આવે અને પોતાની થાળી મહેમાનને આપી દે એ સંસ્કૃતિ. જે ઘરમાં જતાંની સાથે શાતા વળે એ સાચું ઘર. જે ઘરમાં નિંદા-કૂથલી નથી થતી એ ઘરમાં રામનો વાસ હોય છે. જે ઘરમાં જીભ શુદ્ધ છે એનો જીવ પણ અણિશુદ્ધ છે. જે આંખ ન જોવાનું જુએ એ પાંપણ પણ પાપણ છે. મકાનમાંથી ઘર બનતાં વરસો નીકળી જાય છે. આપણે કપડાં રોજ નવાં પહેરીએ છીએ તો પછી નવા વિચારો પણ પહેરવા જોઈએ. આમ તો મંદિરના અસંખ્ય પ્રકારો છે પણ મારી દૃષ્ટિથી જોઈએ તો મંદિરના ચાર પ્રકારો છે.
 
પ્રથમ પ્રકારનું મંદિર એટલે આપણાં પ્રસિદ્ધ તીર્થસ્થાનો ચાર ધામમાં આવેલાં મંદિરો ઉપરાંત જેનું વિશેષ મૂલ્ય રહ્યું છે એવાં મંદિરોને આ યાદીમાં મૂકી શકાય. કેટલાંક મંદિરોમાં જે તે દિવસનું વિશેષ મૂલ્ય હોય છે, જેમ કે જન્માષ્ટમીમાં દ્વારકાનું મહત્ત્વ, શિવરાત્રિમાં ભવનાથનું મૂલ્ય, ભાદરવી પૂનમમાં અંબાજીનું મહત્ત્વ ઇત્યાદિ. આ જાગતાં તીર્થસ્થાનો આપણી ઉજ્જવળ આસ્થાનાં પ્રતીક છે. આ પ્રથમ પ્રકારના મંદિરમાં માણસ એકવાર જાય અથવા તો બે-ચાર વાર જાય, રોજ જવું શક્ય નથી.
 
બીજું એટલે આપણા નગરમાં આવેલું મંદિર. જ્યાં આપણે રોજ જઈ શકીએ. હવેની ફાસ્ટ લાઇફમાં દિવસમાં એકવાર પણ મંદિર જઈએ તો પણ ઉત્તમ છે. મંદિર જવું એ શારીરિક કસરત નથી પણ ત્યાંનું વાતાવરણ આપણને નવી ઊર્જા આપે છે. આપણા વિસ્તારમાં એકાદ મંદિર તો હોવાનું જ. ત્યાં જતાં છ મિનિટ થાય, પણ માણસને ઘણીવાર સાઇઠ વરસ નીકળી જતાં હોય છે. યુવાનીનું ભજન વૃદ્ધાવસ્થાની તાકાત છે. પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં... ભૂપત વડોદરિયા કહે છે કે માણસ માત્ર વરસોમાં આગળ નથી વધતો, તેની અંદરની યાત્રામાં પણ તે આગળ વધે છે. જે ઘરેડમાં ગોઠવાય એ ઘરડો અને જે વૃદ્ધિ પામે એ વૃદ્ધ.
 
ત્રીજા પ્રકારનું મંદિર એટલે નિજમંદિર. આપણા ઘરમાં જ બનાવેલું મંદિર. જ્યાં સવાર-સાંજ પૂજન થતું હોય. દરેક ઘરમાં એક મંદિરનો ખૂણો હોવો જોઈએ. પહેલાંના સમયમાં ગોખલા હતા, જેમાં દેવનું સ્થાપન થતું હતું. કોઈએ પૂછેલું કે દેશમાં એટલાં બધાં મંદિર છે તો પછી ઘરમાં મંદિર બનવાની શું જરૂર છે ? એનો જવાબ એ છે કે એમ તો હવા પણ બધે છે પણ આપણે પંખા શા માટે રાખીએ છીએ. પંક્ચર પડે તો મિકેનિકને ત્યાં જ જવું પડે, સાહેબ...
 
આ ત્રણેય મંદિર એવાં છે જેનાં દર્શન માટે આપણે મંદિર સુધી જવું પડે, મંદિર આપણી પાસે આવતું નથી. વ્યક્તિ બહાર જાય તો એની સાથે આ ત્રણમાંથી એક પણ મંદિર સાથે આવતું નથી. પરંતુ માણસ જ્યાં જાય ત્યાં એક ચોથું મંદિર સતત એની સાથે આવે છે, અને એ છે મનમંદિર. એમાંથી જે અવાજ આવે છે એ હંમેશાં સાચો હોય છે. મનમંદિરમાં સૌપ્રથમ સદ્ગુણોનું સ્થાપન કરી પ્રેમની પૂજા થવી જોઈએ. કોઈના મનમંદિરને ખંડિત કરવું એ મહાપાપ છે...
 
- આલેખન - હરદ્વાર ગોસ્વામી