ટ્રમ્પ સામેની ઈમ્પીચમેન્ટ મોશન શું છે ? આ પહેલા અમેરિકાના આ બે પ્રમુખો સામે મહાભિયોગ ચાલ્યો છે

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

donald trump impeachment_
 
 
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક વિવાદો ઊભા કર્યા જ કરે છે. આ વિવાદોના કારણે અમેરિકામાં પણ ટ્રમ્પ સામે અસંતોષ છે ને તેનો લાભ લઈને વિપક્ષે ટ્રમ્પ સામે ઈમ્પીચમેન્ટ મોશન એટલે કે મહાભિયોગ દરખાસ્ત લાવવાનો નિર્ણય લીધો હતો. લાંબી પ્રક્રિયા પછી આ હિલચાલ સફળ થઈ છે અને અમેરિકી સંસદના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સના પ્રમુખ નેન્સી પેલોસીએ જાહેરાત કરી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રક્રિયા ચાલશે. નેન્સી પેલોસીએ જાહેર કર્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ તરીકે લીધેલા નિર્ણયો દ્વારા બંધારણનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત યુ.એસ. કનિદૈ સંસદની તપાસ સમિતિએ એવું તારણ કાઢ્યું છે કે, પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પદનો દુરુપયોગ કર્યો છે. તેમણે ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણીમાં રાજકીય લાભ મેળવવા માટે પદનો દુરુપયોગ કર્યો અને ટ્રમ્પે વિદેશી સરકારના કામકાજમાં દખલ કરવાનો પણ પ્રયાસ કર્યો. આ સંજોગોમાં ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રક્રિયા ચલાવવા માટે પૂરતા પુરાવા છે.
 

મહાભિયોગ શ્રી ટ્રમ્પની ખુરશીને કેટલો ખતરો ?

 
ટ્રમ્પ સામે ઈમ્પીચમેન્ટ મોશન પસાર થશે તો ટ્રમ્પ ઘરભેગા થઈ જાય એ જોતાં આ ઘટના માત્ર અમેરિકા માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે મહત્ત્વની છે. અત્યારે જે માહોલ છે તે જોતાં ટ્રમ્પ ઘરભેગા થઈ શકે ને તેમણે પ્રમુખપદથી હાથ ધોવા પડે એવું બને. અમેરિકામાં કોઈ પ્રમુખ હજુ સુધી મહાભિયોગ દરખાસ્ત પસાર થવાના કારણે ઘરભેગા થયા નથી એ જોતાં ટ્રમ્પ સામે મહાભિયોગની દરખાસ્ત પસાર થાય એ ઘટના બીજી રીતે પણ ઐતિહાસિક બને.
 
અમેરિકાના બંધારણ અનુસાર રાષ્ટ્રપતિએ દેશદ્રોહ કર્યો હોય, લાંચરુશવત લીધ હોય કે બંધારણનું ઉલ્લંઘન કર્યું હોય તે પ્રકારના બીજા ગંભીર અપરાધો બદલ મહાભિયોગની દરખાસ્ત મૂકી શકાય. અમેરિકામાં મહાભિયોગની પ્રક્રિયા નીચલું ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ શરૂ કરે છે અને ઈમ્પીચમેન્ટમાં મુકાયેલા આરોપોને સાબિત કરવા માટે ૫૧ ટકા બહુમતીની જરૂર પડે છે. મહાભિયોગ ચલાવવા માટે જરૂરી ૫૧ ટકા વોટ મળી જાય તો કેસ શરૂ થાય છે.
 
આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કરે છે. રાષ્ટ્રપતિ પોતાના બચાવમાં વકીલ રોકી શકે છે. સાંસદો જ્યૂરીની ભૂમિકામાં રહે છે. કેસના અંતમાં સાંસદોના મતદાન દ્વારા મહાભિયોગનું પરિણામ સામે આવે છે. મહાભિયોગની મંજૂરી આપવા માટે સેનેટમાં બે-તૃતીયાંશ એટલે કે ૬૭ ટકા બહુમતીની જરૂર રહે છે. મહાભિયોગના આરોપો સાબિત થાય તો પ્રમુખે રાજીનામું આપી દેવું પડે અને વાઇસ પ્રેસિડેન્ટ બાકી વધેલા કાર્યકાળ માટે પ્રમુખ બને છે.
 

donald trump impeachment_ 
 
ટ્રમ્પ સામેની ઈમ્પીચમેન્ટ મોશન પસાર થાય છે કે નહીં તે સમય કહેશે પણ તેમની સામેના આરોપો ચોક્કસ ગંભીર છે. ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની દરખાસ્ત (ઈમ્પીચમેન્ટ મોશન)ની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે અમેરિકાની સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભા (હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ)ના ચેરપર્સન નેન્સી પેલોસીએ ટ્રમ્પ સામેના આરોપો વિશે વિસ્તારથી વાત કરી હતી. તેમણે ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે, ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન પ્રમુખપદે બેસતી વખતે લીધેલા શપથ સાથે બેઈમાની કરી છે, આપણી રાષ્ટ્રીય સુરક્ષાનો ભંગ કર્યો છે અને આપણી ચૂંટણીની અખંડતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર એવો આરોપ પણ મુકાયો છે કે, તેમણે પોતાના ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી જો બાઈડનને નુકસાન પહોંચાડવા માટે વિદેશી તાકાતનો ઉપયોગ કર્યો અને પોતે પદ સંભાળતી વખતે લીધેલા શપથનો ભંગ કર્યો છે.
 
- જય પંડિત 
 
ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર જેલેસ્કી સાથે ફોન પર વાત કરતી વખતે બાઈડન વિરુદ્ધ તપાસ કરવા વારંવાર અપીલ કરી હતી અને એ રીતે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે તેવો આરોપ પણ તેમની સામે છે. ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે ડેમોક્રેટિક હરીફ જો બાઇડન અને તેમના પુત્ર સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરવા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝલેસ્કીને દબાણ કર્યું હતું. નૅન્સી પેલોસીનું કહેવું છે કે ટ્રમ્પે અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે અને પ્રમુખની જવાબદારી નક્કી થવી જોઈએ કેમ કે આ દેશમાં કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.
 

પોતાના પરના આરોપોનો ટ્રમ્પનો રદિયો

 
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવા માટે રજૂ કરાયેલા આધારને `મજાકરૂપ' ગણાવીને પોતાની સામેના આરોપોને ફગાવી દીધા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે મહાભિયોગ અંગેની તપાસ શરૂ થયા બાદ પ્રથમ પત્રકાર પરિષદમાં કહ્યું કે. કેટલાક લોકો મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છે અને પોતે યુક્રેન પર કોઈ દબાણ કર્યું નથી છતાં આ બધી વાતો ચાલે છે. ટ્રમ્પે તો બાઈડન અને તેના દીકરાને પણ ચોર ગણાવીને બંનેએ અબજો રૂપિયા વિદેશભેગા કર્યા હોવાનો આક્ષેપ પણ કર્યો. ટ્રમ્પે એ વાત જરૂર સ્વીકારી છે કે, તેમણે બાઈડન વિશે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી હતી પણ તેને ફસાવવા કશું કહ્યું નહોતું. ઝેલેસ્કીએ પણ વાતને સમર્થન આપ્યું છે પણ ટ્રમ્પે બાઈડનને ફસાવવા દબાણ કર્યું હોવાનો ઇન્કાર કર્યો છે.
 
ટ્રમ્પ આ વિવાદમાં ફસાયા તેના મૂળમાં એક વ્હીસલ બ્લોઅર છે. તેણે અમેરિકાના જાસૂસી તંત્રને ટ્રમ્પની હરકતો અંગે જાણ કરી. અમેરિકામાં જાસૂસી કરનારા સરકારી જાસૂસો પણ કશુંક અનૈતિક થાય તો તરત સરકારના વોચ ડોગને જાણ કરે છે. પ્રાથમિક તપાસ પછી અમેરિકાના જાસૂસી અધિકારીઓએ સરકારના વૉચ ડૉગને ફરિયાદ કરી હતી કે, ટ્રમ્પે એક વિદેશી નેતા સાથે જો બાઈડન અંગે વાતચીત કરી છે. પછી જાણવા મળ્યું કે, આ વિદેશી નેતા યુક્રેનના રાષ્ટપતિ વ્લોદીમીર ઝેલેસ્કી છે. ઇન્ટેલિજન્સ ઇન્સ્પેક્ટર જનરલે વ્હિસલ બ્લોઅરની ફરિયાદને તાત્કાલિક ધ્યાનમાં લેવા યોગ્ય અને વિશ્વસનીય માનીને તપાસ કરી અને રીપોર્ટ આપ્યો.
 
આ સમાચાર બહાર આવતાં વિપક્ષ મેદાનમાં આવી ગયો. ટ્રમ્પ સામે થયેલી ફરિયાદની કૉપી ડેમૉક્રેટ સાંસદોએ માગી પરંતુ વ્હાઇટ હાઉસ અને ન્યાય વિભાગે તેની કૉપી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. તેના કારણે બંને નેતાઓ વચ્ચે શું વાત થઈ હતી એ હજી સુધી સ્પષ્ટ થયું નથી પણ ડેમૉક્રેટનો આરોપ છે કે, ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ પર બાઇડન અને તેમના પુત્ર વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનું દબાણ કર્યું હતું. ઝેલેસ્કી આ વાત ના માને તો યુક્રેનને મળતી સૈન્ય મદદ રોકવાની ધમકી આપવામાં આવી હતી. ટ્રમ્પે માન્યું કે તેમણે ઝેલેસ્કી સાથે જો બાઇડન અંગે ચર્ચા કરી હતી પરંતુ તેમણે એવું પણ કહ્યું હતું કે તેમણે સૈન્ય મદદ રોકવાની ધમકી એટલા માટે આપી કારણ કે યુરોપ પણ મદદ માટે આગળ આવે.
 
આ વાતમાં સત્ય શું છે તે ખબર નથી પણ તેના કારણે ટ્રમ્પ ફસાયા છે. અમેરિકાના ઇતિહાસમાં કદી જોવા ના મળી હોય એવી સ્થિતિ પેદા થઈ છે ને પહેલી વાર અમેરિકાના કોઈ પ્રમુખને ઈમ્પીચમેન્ટ મોશન દ્વારા ઘરભેગા કરી દેવાય એવા સંજોગો ઊભા થયા છે. આ મોશનનું શું થશે તે ખબર નથી પણ ટ્રમ્પ સામે તેમના પક્ષમાં પણ અસંતોષ છે એ જોતાં આ મોશન પસાર થઈ જાય એવું પણ બને.
 

donald trump impeachment_ 
 

અમેરિકાના બે પ્રમુખો સામે મહાભિયોગ

 
અમેરિકાના ઇતિહાસમાં પ્રમુખ સામે ઈમ્પીચમેન્ટ મોશન એટલે કે મહાભિયોગની દરખાસ્ત માત્ર બે પ્રમુખ સામે જ આવી છે. અમેરિકાના ઇતિહાસમાં એન્ડ્રયુ જોન્સન પહેલા એવા પ્રમુખ હતા કે જેમણે મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો. જોન્સન અમેરિકાના ૧૭મા રાષ્ટ્રપતિ હતા. તેઓ ૧૮૬૫થી ૧૮૬૯ સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા હતા. અબ્રાહમ લિંકનની હત્યાના સમયે જોનસન અમેરિકાના ઉપપ્રમુખ હતા. લિંકનની હત્યા થતાં જોનસન પ્રમુખ બન્યા હતા. જોનસન વિરુદ્ધ ૧૮૬૮માં મહાભિયોગની દરખાસ્ત લાવવામાં આવી હતી. જોનસને પોતાના યુદ્ધ મંત્રી એડવિન સ્ટેચનને હટાવી દીધા તેના ૧૧ દિવસમાં જ તેમના વિરુદ્ધ મહાભિયોગની દરખાસ્ત લાવવામાં આવી હતી. એડવિન પ્રમુખની નીતિઓ સાથે સહમત ન હતા તેથી તેમને હટાવીને જોનસને રાષ્ટ્રનું અહિત કર્યું હોવાનો આરોપ મુકાયો હતો. જોનસન સામેની મહાભિયોગ દરખાસ્ત માત્ર એક વોટથી જ ઊડી જતાં જોનસનનું પ્રમુખપદ બચી ગયું હતું.
 
જોનસન પછી બિલ ક્લિન્ટન સામે મહાભિયોગની દરખાસ્ત લવાઈ હતી. યુએસના ૪૨મા રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને વ્હાઇટ હાઉસમાં કામ કરતી ઈન્ટર્ન મોનિકા લેવિન્સ્કી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા પણ આ સંબંધો ક્લિન્ટને છુપાવ્યા હતા. મોનિકા લેવિન્સ્કી સાથેના પ્રેમસંબંધો અંગે ક્લિન્ટન જ્યૂરી સમક્ષ ખોટું બોલ્યા હતા અને કાયદાકીય પ્રક્રિયામાં અડચણ ઊભી કરી હતી. બિલ ક્લિન્ટનને જ્યૂરીની સામે ખોટી સાક્ષી આપવા અને ન્યાયમાં વિઘ્ન નાખવાના મામલે મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો. મોનિકા લેવિન્સ્કી સાથે પ્રેમસંબંધોના મામલે તે પોતે તો ખોટું બોલ્યા જ હતા. સાથે સાથે ક્લિન્ટને મોનિકા લેવિન્સ્કીને પણ આ મામલે ખોટું બોલવાનો આગ્રહ કર્યો હતો. આ બંને આરોપસર તેમની સામે મહાભિયોગની દરખાસ્ત આવી હતી. આ મુદ્દો સેનેટમાં ગયો હતો પણ ક્લિન્ટને માફી માગી લેતાં મહાભિયોગની દરખાસ્તને બહુમતી સભ્યોનું સમર્થન ન મળતાં ક્લિન્ટન બચી ગયા હતા.