પાથેય - સૌથી મોટો અજ્ઞાની...

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

pathey_1  H x W
 
 
એક દિવસ એક ભગવા વસ્ત્રધારી સંત ચંપલ સીવતા વ્યક્તિના ઘરની સામે ઊભા રહ્યા. પેલો વ્યક્તિ ઘરના આંગણામાં ચંપલ સીવવામાં વ્યસ્ત હતો. ભગવાધારી સંતે કહ્યું, ભાઈ, ખૂબ જ તરસ લાગી છે, પાણી પાઈશ ! એક સંત તેના આંગણે આવી પાણી માગી રહ્યા છે તે જાેઈ ચંપલ સીવનાર વ્યક્તિ ઘેલો-ઘેલો બની ગયો, પરંતુ બીજી જ ક્ષણે તેની ઘેલછા છૂ થઈ ગઈ, કારણ કે તે કથિત અછૂત હતો. ભગવાધારીને તેના ચહેરાના હાવભાવ જાણી જતાં વાર ન લાગી. તેઓએ કહ્યું, ભાઈ, કયા વિચારમાં ખોવાઈ ગયો? તરસથી મારું ગળું સુકાઈ રહ્યું છે, મને પાણી મળશે કે નહીં ? ચંપલ સીવનાર એ વ્યક્તિએ ગળગળા સ્વરે કહ્યું, એવું નથી મહાત્મા, હું રહ્યો અછૂત. હું તમને કેવી રીતે પાણી પાઈ શકુ ? તમને પાણી પાઈ મારે પાપમાં નથી પડવું. આ સાંભળી ભગવાધારી સંત હસ્યા અને પેલા વ્યક્તિના ખભા પર હાથ રાખતાં કહ્યું, ભાઈ, તું તો પાપ-પુણ્યનો જબરો હિસાબ રાખે છે. લે હવે જો મેં તને સ્પર્શી લીધો. જો પાપ લાગશે તો મને લાગશે. શું હવે તો મને પાણી પીવડાવવામાં તને કોઈ વાંધો નથી ને ?
 
ભગવાધારી સંતે ખુદને અછૂત માનતા પેલા વ્યક્તિને સમજાવ્યું. આપણે સૌ એક જ પરમાત્માના સંતાનો છીએ. આપણે સૌ તેને એક સરખો જ પ્રેમ કરીએ છીએ અને એ પણ આપણને પ્રેમ આપવામાં ભેદભાવ કરતા નથી. ત્યારે જે ઈશ્વરના સંતાનોમાં નાના-મોટા છૂત-અછૂતનો ભેદ પાડે તે આ વિશ્વનો સૌથી મોટો અજ્ઞાની માણસ છે. જો ભાઈ, રાત થવા આવી છે, ત્યારે હવે જો શક્ય હોય તો તમારા ઘરે આ ભગવાંધારીને ભોજન કરવાની ઇચ્છા છે. એ રાત્રે પેલા ભગવાંધારી સંતે ચંપલ સીવનાર વ્યક્તિના ઘરે જ ભોજન કર્યું. એ ભગવાધારી સંત એટલે સ્વામી વિવેકાનંદજી.