વિશ્વમાનવનું બેવડું વલણ : શાંતિની વાતો અને હથિયારોની ખરીદી

    ૧૯-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

weapons worlds_1 &nb
 
 
`વોર ઇઝ ધ બિગેસ્ટ બિઝનેસ'. વિશ્વમાં જો યુદ્ધો થતાં જ રહેશે તો હથિયારોના વેપાર ફૂલશે-ફાલશે. સંઘર્ષોમાં જ હથિયારોના સોદાગરોનું હિત સમાયેલું છે. સ્વીડનની સંસદે ૧૯૬૬માં સીપરીના ટૂંકા નામે ઓળખાતી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ની રચના કરી ત્યારથી આ સંસ્થા દુનિયાભરના લશ્કરી ખર્ચ અને અન્ય હથિયારોના વેપાર પર રીપોર્ટ્સ તૈયાર કરે છે. આ વર્ષના રીપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૮માં કુલ ૪૨૦ અબજ ડોલરનાં હથિયારો વેચાયાં, વિશ્વમાં હથિયારોની સૌથી મોટી દુકાન અમેરિકા. શસ્ત્રો વેચનારી ટોચની ૧૦૦ કંપનીમાં ૪૩ અમેરિકાની, આ કંપનીઓએ છેલ્લાં એક જ વર્ષમાં ૨૪૬ અબજ ડોલરનો વેપાર કર્યો, જે દુનિયાના કુલ વેચાણના ૫૯% છે.
 
લશ્કરી ખર્ચમાં વાર્ષિક ૬૪૯ અબજ ડોલરના વેપાર સાથે સમગ્ર વિશ્વમાં અમેરિકા પ્રથમ છે, ૨૫૦ અબજ ડોલરના વેચાણ સાથે ચીન બીજા સ્થાને, ૬૭.૬ અબજ ડોલર સાથે સાઉદી અરેબિયા ત્રીજા અને ભારત ૬૬.૫ અબજ ડોલરના ખર્ચ સાથે ચોથા સ્થાને છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં લશ્કરી ખર્ચમાં લગભગ ૫૦ ટકા વધારો થયો છે. ભારતે આ વર્ષે ૩ લાખ કરોડ કરતાં વધારે રકમ ડિફેન્સ બજેટ પાછળ ફાળવી છે. ભારત, પાકિસ્તાન અને ચીનમાં વધી રહેલા સરહદી તણાવને કારણે આ જરૂરી પણ ખરું. આમ છતાં હથિયારોના વેચાણના મામલે ભારતીય કંપનીઓના વેપારમાં ઘટાડો થયો છે.
 
ભારત પાકિસ્તાન વચ્ચે સ્વતંત્રતા બાદ ૧૯૪૭-૪૮, ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ ચાર મોટાં યુદ્ધોમાં ૨૨ હજારથી વધુ અને ભારત-ચીન ૧૯૬૨ યુદ્ધમાં ય ૫૫૦૦થી વધુ સૈનિકોની શહીદી અને ખાનાખરાબી ભુલાય તેમ નથી. હજુય સરહદો પર તણાવ, પાકિસ્તાનનાં છમકલાંઓ, ચીન દ્વારા પાકિસ્તાનને આર્થિક સહયોગ અને ગોલ્ડન કોરિડોર કરી ભારત વિરુદ્ધ આડકતરી જંગ, વાંરવાર ખોટી ધમકી આપતા પાકિસ્તાને એ વિચારવું જોઈએ કે હિરોસીમા પર ફેંકાયેલા બોંબની અસરો આજે પણ ત્યાં વર્તાય છે, તો પાકિસ્તાનના નાગરિકોનું શું થશે ?
 
વિશ્વના માથે સૌથી મોટો ખતરો પરમાણુ શસ્ત્રોનો છે. છેક આઈઝન હોવરના જમાનાથી અમેરિકી પ્રમુખો પરમાણુ યુદ્ધો ટાળવાની વાતો કરતા આવ્યા છે, ટ્રમ્પ પહેલાંના અમેરિકી પ્રમુખોની નીતિ રહેતી કે પરમાણુ શસ્ત્રોનો જંગી ભંડાર ઘટાડવો અને શસ્ત્રનિયંત્રણના નવા કરાર કરવા.
 
૧૯૮૭માં તત્કાલીન અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગન અને તત્કાલીન સોવિયેત સંઘના વડા મિખાઈલ ગોર્બાચોવે પરમાણુ શસ્ત્રો નહીં બનાવવા માટે ઇન્ટરમિડિએટ રેન્જ ન્યૂક્લિઅર ફોર્સિસ ટ્રીટી (આઈએનએફ) નામની એક સંધિ કરી હતી, જેથી દુનિયામાં પરમાણુ હથિયારોની હોડ ખતમ થઈ શકે. આ સંધિ અંતર્ગત બન્ને દેશો એ વાતે સહમત થયા હતા કે ૫૦૦થી ૫૫૦૦ કિલોમીટર રેન્જનાં પરમાણુ હથિયારોનું વહન કરી શકે તેવી ક્રૂઝ અને બેલાસ્ટિક મિસાઈલોનું ઉત્પાદન, તૈનાતી અને પરીક્ષણ નહીં કરે.
 
એક અનુમાન પ્રમાણે માત્ર રશિયા અને અમેરિકા પાસે જ ૧૪ હજાર જેટલાં વિવિધ પરમાણુ શસ્ત્રો છે જે સમગ્ર દુનિયાનો અનેક વખત વિનાશ કરવા માટે પૂરતાં છે. ગયા વર્ષે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિને દુનિયાની ગમે તેવી રડાર સિસ્ટમ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ચાતરી જાય તેવી હાયપરસોનિક મિસાઈલ અને અંડરવોટર ડ્રોન વિકસિત કર્યાં હોવાનો દાવો પણ કર્યો હતો. બીજી તરફ અમેરિકા સાથેની સંધિ રદ થયા બાદ ઈરાન પણ નવેસરથી શસ્ત્રો બનાવવા લાગી ગયું છે, એ જ રીતે ઉ. કોરિયા પણ ચાઇનાની મદદથી સતત શસ્ત્ર બનાવતું રહ્યું છે ને મિસાઈલ પરીક્ષણો કરવા માંડ્યુ છે અને હુમલાની ધમકીયે ખરી.
 
બીજી તરફ સિરિયામાં વર્ષોથી ઇસ્લામિક સ્ટેટ સામે ચાલી રહેલા સંઘર્ષનો તો અંત આવ્યો પરંતુ હજુ ગૃહયુદ્ધની પરિસ્થિતિ થાળે પડી નથી. પરિણામે આવા આંતરવિગ્રહોમાં અમેરિકા, યુરોપ અને રશિયા એક યા બીજી રીતે જોતરાતા રહે છે. હવે તો ચીન પણ ચંચુપાત કરીને પશ્ચિમ એશિયામાં ઈરાન અને સાઉદી અરેબિયા એકબીજા સામે ઘૂરકિયાં કર્યા કરે છે.
 
સંયુક્ત રાષ્ટ્રસંઘનું દુનિયામાં શાંતિ માટે વાર્ષિક બજેટ સાડા પાંચ અબજ ડોલર છે. દરેક દેશ બીજા દેશમાં પોતાના એમ્બેસેડરની નિમણૂક કરે છે, જે બે દેશો વચ્ચેના તણાવની સ્થિતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
 
હથિયારોનું ખરીદ-વેચાણ એ લાશોનાં ઢગલાંની પૂર્વતૈયારી જ લેખાય. ૨૦૦૬ થી ૨૦૧૭ સુધીમાં સિવિલ વોરમાં સિરિયામાં ૬ લાખ, ઈરાકમાં ૨ લાખ, યમનમાં ૯૧ હજાર અને ઈરાકમાં ૩ લાખ લોકો મૃત્યુ પામ્યા છે. માનવસંહારમાં બંદૂક, બોંબ, ટેંક, એરક્રાફ્ટ, સુરંગથી લઈને અનેક ઘાતકી હથિયારો વપરાયા છે. આખા વિશ્વનો આંકડો હચમચાવી મૂકે તેવો છે. અફઘાનિસ્તાન, સીરીયા, સુડાન, યમન, ઈરાક, સોમાલિયા, લિબિયા જેવા દેશોનાં નાગરિકો સતત ૨૪ કલાક યુદ્ધના ઓથારમાં ભયભીત હાલતમાં જીવે છે.
 
વિશ્વને આ સ્થિતિમાંથી બહાર લાવવા પ્રથમ પગલું દુનિયા પરમાણુ હથિયાર મુક્ત થાય, સ્વચાલિત હથિયારો બાબતે સીમાઓ નિર્ધારિત થાય અને ખાસ તો અવૈદ્ય હથિયારોના ખરીદ-વેચાણ માટે નવા નિયમો બને, નવી નીતિઓ દુનિયાના અગ્રેસર દેશોએ ઘડવી અને સૌએ તેનું પાલન કરવું રહ્યું. સંયુક્ત રાષ્ટસભા દ્વારા બાહ્ય - આંતરિક નિઃશસ્ત્રીકરણ, ક્ષેત્રીય નિઃસશસ્ત્રીકરણ અને સુરક્ષા, આંતરરાષ્ટીય સુરક્ષા, જનસંહારમાં તમામ હથિયારો પર પાબંદી જેવા મુદ્દાઓ પર પ્રસ્તાવો પારિત થાય છે. તેનો અમલ પણ થાય તે જરૂરી.
 
ઇતિહાસ નામના પુસ્તકમાં ચંદ્રકાન્ત બક્ષી લખે છે કે, ૧૯૦૦થી ૧૯૪૫ સુધી થયેલાં યુદ્ધોમાં ૬ કરોડ ૪૯ લાખ લોકો નાશ પામ્યા અને ૧૯૪૫થી ૧૯૭૬ સુધીમાં વિશ્વમાં ૧૨૦ યુદ્ધો લડાયાં તેમાંય કરોડો મર્યા. અર્થાત્ યુદ્ધ માત્ર મોત નોંતરે છે. હથિયારોનો આ વધતો ધંધો ભવિષ્યનો માનવસંહાર જ. નેપોલિયન કહેતો હતો કે, `યુદ્ધ એ જંગલી માણસોનો ધંધો છે.' વિશ્વના લોકો આ જંગલિયત છોડીને ભગવાન બુદ્ધના શાંતિના માર્ગે ચાલે એ જ આશા.
 
આયુધ નિર્માણના પિતામહ ગણાતા આલ્ફ્રેડ નોબેલને ય અંત સમયે અનુભવાયું હતું કે આયુધો વિશ્વમાં અશાંતિ અને મોતનું તાંડવ જ કરશે. એના પસ્તાવારૂપે એમણે ય શાંતિ માટે નોબેલ પુરસ્કાર જાહેર કર્યો અને કહ્યું, ``યુદ્ધ એ ભયાનકમાં ભયાનક ગુનો છે. હું એવા હથિયારો અને મશીનોનો આવિષ્કાર કરવા માંગુ છું જે યુદ્ધને અશક્ય બનાવી દે. શું વિશ્વનાં નેતાઓ આમાંથી પદાર્થ પાઠ ભણશે ?''