જે હિન્દુ અન્ય દેશોમાંથી પ્રતાડિત થઈ આવે છે તે ઘૂસણખોર નહીં શરણાર્થી છે - મા. ભૈયાજી જોશી

    ૧૯-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

bhaiyaji joshi_1 &nb
રાષ્ટીય સ્વયંસેવક સંઘના માનનીય સરકાર્યવાહ શ્રી ભૈયાજી જોશીએ સંસદમાં બન્ને સદનોમાં નાગરિકતા સંશોધન વિધેયક પારિત થયા બાદ પ્રતિક્રિયા આપી છે.
 
મા. શ્રી ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, રા. સ્વ. સંઘનો હંમેશા એ પક્ષ રહ્યો છે કે, જે હિન્દુઓ અન્ય દેશમાંથી પ્રતાડિત થઈ ભારતમાં આવે છે તેઓને ઘૂસણખોર નહીં બલકે શરણાર્થીના રૂપમાં જોવા જોઈએ અને એ જરૂરી છે કે તે શરણાર્થીઓને સન્માનજનક જીવન અને સમાન અધિકાર મળે, પરંતુ ઘણો જ સમય વીતી ચૂક્યો છે. તેઓને આ સન્માન માટે લાંબી પ્રતીક્ષા કરવી પડી છે. જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે ધાર્મિક આધારે વિભાજનની માંગણી થઈ રહી હતી. જો કે ભારતને ધાર્મિક દેશ બનાવવાની કોઈ જ ઇચ્છા ન હતી. છતાં આ મુદ્દે દેશનું વિભાજન થયું અને નેતાઓને તે સ્વીકારી લીધું હતું. જો ધાર્મિક આધારે વિભાજન ના થયું હોત તો ત્યાર બાદ બનેલી અનેક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ન બનત.
 
પાકિસ્તાન અને બાંગ્લાદેશે પોતાને ઇસ્લામિક દેશ ઘોષિત કર્યા. સમજૂતી મુજબ કહેવામાં આવ્યું હતું કે, ત્યાં રહેતી લઘુમતી સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં નહીં આવે. પરંતુ સમયે સમયે થયેલ વસ્તીગણતરી જોઈએ તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની જનસંખ્યામાં ભારે ઘટાડો થયો છે. ત્યારે સવાલ ઊઠે છે કે તે લોકો ક્યાં ગયા ? તેમાંથી અનેક ભારતમાં શરણાર્થી છે. આ દેશોમાં ઉત્પીડિત થયેલા હિન્દુઓ માટે ભારતમાં આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેઓ અહીં સન્માન અને સુરક્ષા સાથે જીવન વ્યતીત કરી શકે છે. માટે તેઓ ભારત આવ્યા. પરંતુ કાયદામાં જોગવાઈ ન હોવાને કારણે તે લોકો વર્ષો સુધી ભારતની નાગરિકતાથી વંચિત રહ્યા, ત્યારે આ શરણાર્થીઓને ભારતમાં સન્માનજનક જીવન અને મૂળભૂત અધિકારો મળે તે જરૂરી હતું. ત્યારે વર્તમાન સરકારનું આ કદમ સાહસિક છે તેનાથી હિન્દુ સહિત અલ્પસંખ્યકોને માન-સન્માન મળશે.
 
તમામ લોકોએ રાજનીતિક મજબૂરીઓથી ઉપર ઊઠી આ વિધેયકનું સ્વાગત કરવું જોઈએ. ગૃહમંત્રીએ વારંવાર કહ્યું છે કે, આ વિધેયકથી દેશના મુસ્લિમ સમુદાયને કોઈ જ ખતરો નથી અને કોઈના પણ અધિકારોનું હનન થવાનું નથી. કેટલાંક રાજ્યોમાં અશાંતિની ઘટનાઓ બની છે. પરંતુ મને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર પૂર્વોત્તરમાં અફવાઓને રોકવા અને ત્યાંના લોકોની શંકાઓનું સમાધાન કરવા યોગ્ય પગલાં લેશે.