એક સરસ બાળવાર્તા - કાગડો એટલે કાગડો

    ૨૦-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

crow_1  H x W:
 
રામજી મંદિર (ચોરા)ના પ્રાંગણમાં, ઊગેલા, ઘેઘૂર લીમડાના વૃક્ષમાં એક નટખટ કાગડો પોતાનો માળો બાંધીને રહેતો. આ કાગડો નાનાં બાળકોના હાથમાંથી ખાવાનું લઈને દૂર ઊડી જાય. બાળક રડવા લાગે. બહેનોનાં પાણી ભરેલાં બેડાં પર બેસી પાણીમાં ચાંચ બોળી પાણી એઠુ કરે. લીમડા નીચેથી પસાર થનાર વ્યક્તિના માથા પર ચરક પાડે. કાગડો પોતાના સ્વભાવ પ્રમાણે કાગડો જ હતો. પાણીના કુડાને જ્યાં લટકાવ્યું હોય ત્યાં જઈ, કુડાના કાંઠા પર બેસી હિંચકો ખવરાવે... પાણી ઢોળે.
એક દિવસ કાગડાએ વિચાર્યું. લોકો મને બ ધિક્કારે છે. મારા પર કોઈને પ્રેમ નથી. જો.... ં મોર થઈ જાઉં તો તો સૌને વહાલો વહાલો લાગું. રંગીન-ભાતીગળ મોટાં મોટાં પીંછાં મળે. મારો ગહેકાટ સૌને ગમે. કાગડાએ ડાળ સાથે ચાંચ ઘસી અને વિચાર બદલ્યો. ના, ના... મારે મોર નથી થવું... લોકો મારા પીંછાં માટે પડાપડી કરે. ભારે શરીર ઊડવામાં મદદ કરે નહીં. મજા ન આવે... મારે મોર નથી થવું.
 
કાગડો લીમડાની બીજી ડાળ પર જઈને બેઠો. વિચારવા લાગ્યો - કોયલ થાઉં તો મને મજાનો ટકો તો મળે. લોકો મારા ટકા સાંભળે અને રાજી થાય. ફરી કાગડાનો વિચાર બદલાયો ના, ના, કોયલ તો આંબાવાડીમાં સંતાઈ રહે. કોઈના આંગણામાં જવાય નહીં. આમેય કોયલ લુચ્ચું પક્ષી છે. લોકો મફતમાં ટકા સાંભળે તે ઠીક નહીં. આંબાવાડિયાની રખેવાળી કરવાની મને ગમે નહીં. ના, ના કોયલ-બોયલ મારે થવું નથી.
 
કાગડો ઊડીને લીમડાની ત્રીજી ડાળ પર બેઠો. પાંખો જરા ફફડાવી. ચાંચ ડાળ સાથે ઘસી. વિચારવા લાગ્યો. કબૂતર થવામાં આનંદ મળે. વિદ્વાનો, પ્રેમીઓ, લશ્કરના મોટા અધિકારીઓ પોતાના સંદેશાઓ કબૂતર દ્વારા રવાના કરે. શાંતિદૂત પ્રેમદૂત થવાય. ના... ના, કબૂતર થવાથી કૂવામાં ઘટરઘૂ, ઘટરઘૂ, ઘટરઘૂ કરવાનું ને ? લોકો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે, ભોળપણનો લાભ લે... ના, ના... કબૂતર થવું નથી... બસ !
 
હા, ચકલી થાઉં તો ફર... ફર... ફર... ઊડુ. લોકોના ઘરમાં તસવીર પાછળ માળો બાંધું, ચીંચીંચીં બોલું, સૌને વહાલી લાગુ. આમ ઊડુ ને તેમ ઊડુ. ઝીણું ઝીણું બોલું, સૌથી સાથે, સૌની વચ્ચે રં.
 
ના, ના ચકલી જેવડુ નાનકડુ પક્ષી થવું ગમે નહીં.
 
કાગડો વિચારવા લાગ્યો, હા, હોલો થાઉં તો કોઈના ઘરના મોભારા ઉપર બેસીને મારી ઓળખાણ આપ્યા કરું. હો.. લો હં, હો લો હં, હો લો હં ધૂધૂધૂ, ધૂધૂધૂ, ધૂ ધૂ ધૂ બોલું ને મજા કરું.
 
ના, ના હોલાને લોકો બુદ્ધિ વગરનો સમજે છે. તું તો સાવ હોલા જેવો છે. કાંઈ સમજ પડતી નથી. એમ કહેતા હોય છે. ભોળા હોવાનો અર્થ મૂર્ખ હોવાનો કરે તે સારું નહીં. સમાજમાં માન-આદર નહીં. ખરા તડકે, કોઈના છાપરે ચઢવું પડે. ના.. ના, હોલો થવું નથી.
 
કાગડો વિચારવા લાગ્યો, પોપટ થવાનું ગમે એવું છે. લોકોને વહાલો લાગું. લોકો પાળે, મરચાં, ફળ ખવડાવે, મજા આવે.
ના, ના... પાંજરામાં પુરાઈ રહેવાનું હોય તો શી મજા આવે ? પારકી ભાષા બોલવાનું મને ગમે નહીં. પોતાનો અવાજ ગુમાવવો મને પોષાય નહીં. પિંજરું એટલે પિંજરું !!! ગુલામી ! બં... ધ...ન ! ના, ના... પોપટ નથી થવું.
 
કાગડો ખડખડાટ હસવા લાગ્યો. પોતાના વિચારથી પોતાને હસવું આવ્યું. પાંખો ફફડાવી. ચાંચ લીમડાની ડાળ પર ઘસી. ફરી ખડખડાટ હસ્યો.
 
અરે ! મારા જેવી ચતુરાઈ, ચાલાકી, હોશિયારી કયા પક્ષી પાસે છે ? મારા જેવી ઉડાન કોને મળી છે ? મારા જેવો અવાજ અને ઘાટો કાળોભમ્મર વાન કોને છે? મારા જેવી બુદ્ધિ કોને છે ? અરે ! ં ઘરના આંગણામાં બોલું તો ઘરની ધણિયાણી (ગૃહિણી) મહેમાન આવશે એવી લાગણી અનુભવે છે. મારો પ્રિયતમ આવશે એમ પ્રિયતમા બોલવા લાગે.
 
સૌનો ં લાડકો છું. અરે ! ં મારી ઓળખ, અંગ્રેજી ભાષામાં આપી શકુ છું. Crow, Crow... Crow - ક્રો... ક્રો... ક્રો...
કાગડો ફરી ખડખડાટ હસ્યો. હવે મારે બીજું કાંઈ થવું નથી. કાગડો એટલે કાગડો... બસ ! કાગડો લીમડા પરથી ઊડ્યો. એક બાળકના હાથમાંથી મીઠાઈનું પડીકુ ચાંચમાં લઈ દૂર ઊડી ગયો.
 
- ભૂપતરાય ઠાકર (ઉપાસક)