...ભારત હિન્દુ રાષ્ટ્ર બને તો પાકિસ્તાન કે કટ્ટરવાદીઓ વિરોધ કરી શકે ખરા?

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |
 
india hindu rashtra_1&nbs
 

ભારતના મુસ્લિમોનું નાગરિકત્વ છીનવી લેવાનું નથી

 
દિલ્હીમાં જામિયા મિલિયા ઇસ્લામિયાના છાત્રોના હિંસક દેખાવો અને ત્યાર પછી અલીગઢ મુસ્લિમ વિદ્યાપીઠ સહિત ભારતનાં સંખ્યાબંધ શહેરોમાં ફાટી નીકળેલા છાત્ર આંદોલને નવો રંગ આપવા માંડ્યો છે. નાગરિક સંશોધન કાયદો ભારતના મુસ્લિમોનું નાગરિકત્વ છીનવી લઈ તેઓની આ દેશમાંથી હકાલપટ્ટી કરવાનું ભાજપની કેન્દ્ર સરકાર તથા રાષ્ટીય સ્વયંસેવક સંઘનું કાવત્રું છે તેવા દુષ્પ્રચારે ભારતના મુસ્લિમોને ભયભીત કરી નાંખ્યા છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત વિપક્ષ કોંગ્રેસ પણ પોતાની મુસ્લિમ વોટબેન્ક જાળવી રાખવા આ દુષ્પ્રચારને બરાબર હવા આપી રહ્યો છે. વાસ્તવમાં આ કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં થતા ધાર્મિક અત્યાચારોનો ભોગ બનેલી ત્યાંની હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી તથા ઈસાઈ જેવી બિનમુસ્લિમ લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ આપવાની છે અને ભારતના મુસ્લિમોનું નાગરિકત્વ છીનવી લેવાનું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ આ સ્પષ્ટતા સંસદ તથા સંસદ બહાર એકથી વધુ વખત કરી પણ ચૂક્યા છે, તેમ છતાં ભારતના મુસ્લિમો આ ભયમાંથી મુક્ત થઈ શકતા નથી.
 

imran khan _1   
 

ભારતના મુસ્લિમોની એક એવી કટ્ટરપંથી લોબી પણ છે જે...

 
વધુમાં ભારતના મુસ્લિમોને ભયભીત કરવામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સહિત ત્યાંનાં માધ્યમો પણ વ્યાપક ફાળો આપી રહ્યાં છે. ઇમરાન ખાન આ કાયદાનો જર્મનીના હિટલરના યદીઓ વિરુદ્ધના એજન્ડા સાથે સરખાવી ભારતના મુસ્લિમોને એવો ડર બતાવી રહ્યા છે કે જેમ હિટલરે જર્મન જાતિની સર્વોપરિતા પ્રસ્થાપિત કરવા યદીઓનો જે નરસંહાર કર્યો હતો તેનું પુનરાવર્તન ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર તથા રાષ્ટીય સ્વયંસેવક સંઘ કરવા માંગે છે ! અહીં એ પણ સ્વીકારવું રહ્યું કે ભારતના મુસ્લિમોની એક એવી કટ્ટરપંથી લોબી પણ છે જે મુસ્લિમ સમાજની આ ભયની લાગણીને સતત પ્રજ્વલિત રાખતી રહી છે. ખાસ કરીને નરેન્દ્ર મોદીની દ્વિતીય સત્તાવાપસીના છેલ્લા સાત મહિનાઓની જે ઘટનાએો બની છે. તેણે પણ આ ભયને સતત જીવંત રાખવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
 

ત્રણ તલાક, રામ મંદિર તથા નાગરિકતા કાનૂન પછી આ કટ્ટર લોબી એવો ભય જગાવતી રહી કે ...

 
ગયા મે માસથી શરૂ થયેલી નરેન્દ્ર મોદીની આ બીજી ઇનિંગમાં બનેલી ચાર ઘટનાઓએ ભારતના મુસ્લિમોની કટ્ટરપંથી લોબીને ઘણો ખોરાક પૂરો પાડ્યો છે. પ્રથમ ઘટના ત્રણ તલાક રદ કરતો કાયદો, તે પછી કાશ્મીરની કલમ ૩૭૦ તથા ૩૫એ ની નાબૂદી, ત્યાર બાદ રામમંદિરની રચનાનો માર્ગ મોકળો કરતો સર્વોચ્ચ અદાલતનો ફેંસલો અને છેલ્લી અને ચોથી ઘટના તાજેતરમાં સંસદે પસાર કરેલો નાગરિકતા સંશોધન ખરડો : ત્રણ તલાક, રામ મંદિર તથા નાગરિકતા કાનૂન પછી આ કટ્ટર લોબી એવો ભય જગાવતી રહી કે ભાજપના આ હિન્દુ એજન્ડાનું લક્ષ્યાંક ભારતના મુસ્લિમોને દ્વિતીય કક્ષાના નાગરિકો બનાવી દેવાનું છે. આ પછી છેલ્લે નાગરિકતાનો કાયદો થતાં ભારતના મુસ્લિમોની હકાલપટ્ટી કરવા માટે ભાજપ જે નાગરિક નોંધણી પત્રકની વાતો કહી રહ્યું છે કે જેના દ્વારા ભારતના મુસ્લિમોનું નાગરિકત્વ છીનવી તેઓને ઘૂસણખોર જાહેર કરવા માંગે છે તેની પૂર્વ તૈયારીરૂપ આ નાગરિકતા સંશોધન કાયદો છે તેવું ઠસાવવામાં તેઓ ઠીકઠીક સફળ થતા રહ્યા છે.
 

પાકિસ્તાનને પણ તેનો ચહેરો આયનામાં દેખાડવો રહ્યો 

 
મુસ્લિમ કટ્ટરવાદીઓ ઉપરાંત જાવેદ અખ્તર ને કલાકાર શબાના આઝમી અને નસીરુદ્દીન શાહ જેવા બુદ્ધિજીવીઓ એવી દલીલ કરી રહ્યા છે કે નાગરિકતા સંશોધન કાયદો, તમામ ભારતીયોને સમાનતા બક્ષતા ભારતના સંવિધાનની મૂળભૂત ભાવનાથી સાવ વિપરીત છે અને તેથી આ કાયદો ગેરબંધારણીય પણ છે. અલબત્ત આવી દલીલ અન્ય બિન-મુસ્લિમ બૌદ્ધિકો તથા વિપક્ષો પણ કરી રહ્યા છે અને આજ મુદ્દો આગળ કરી આ નવા કાયદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં પણ આવી રહ્યો છે. આ નવો કાયદો વાસ્તવમાં જ ગેરબંધારણીય છે કે કેમ તેનો ફેંસલો તો સર્વોચ્ચ અદાલતમાં થશે પરંતુ લોકશાહીમાં આવો વિવાદ અને વિરોધ સ્વાભાવિક છે અને તેનો સ્વીકાર પણ કરવો રહ્યો, પરંતુ આ કાયદાનો વિરોધ કરવાનો અધિકાર ભારતની કટ્ટરપંથી મુસ્લિમ લોબી તથા પાકિસ્તાનને નથી તેવું સ્પષ્ટપણે ઘોષિત કરવું રહ્યું. ભારતની બિન-સાંપ્રદાયિક રાજ્ય વ્યવસ્થા માટે મગરનાં આંસુ વહાવી રહેલી આ મુસ્લિમ કટ્ટરવાદી કોમવાદી લોબીને તેનો ખુદનો ઇતિહાસ યાદ કરવો રહ્યો. તો પાકિસ્તાનને પણ તેનો ચહેરો આયનામાં દેખાડવો રહ્યો.
 

અમારી સંકલ્પબદ્ધતા સંપૂર્ણપણે ભારતના સંવિધાન સાથે છે

 
નાગરિક સંશોધન કાયદો તથા નાગરિક નોંધણી પત્રક (એનઆરસી)ના નામે પાકિસ્તાન તથા ભારતના કેટલાક મુસ્લિમ નેતાઓ એવી કાગારોળ કરી રહ્યા છે કે ભારતને હિન્દુ રાષ્ટ બનાવતો તથા અત્યારના બિનસાંપ્રદાયિક સ્વરૂપને નષ્ટ કરવાનું નરેન્દ્ર મોદીની સરકારનું વ્યવસ્થિત ષડયંત્ર છે. વાસ્તવમાં વડાપ્રધાન તથા ગૃહપ્રધાન સહિત ભાજપના નેતાઓ વારંવાર પોતાનો મૂળમંત્ર દોહરાવતા રહ્યા છે કે અમારી સંકલ્પબદ્ધતા સંપૂર્ણપણે ભારતના સંવિધાન સાથે છે. ઉપરાંત વૈવિધ્યતામાં જ ભારતની એકતા છે. તેનું વારંવાર પુનરુચ્ચાર કરતા રહ્યા છે. ભૂમિગત વાસ્તવિકતાઓ એ પણ છે કે ભારત ક્યારેય સાંપ્રદાયિકતાના આધારિત રાષ્ટ-હિન્દુ રાષ્ટ બને તેમ નથી. આમ છતાં દલીલ ખાતર સ્વીકારી લઈએ કે ભારત હિન્દુ રાષ્ટ બનવા તરફ આગળ વધી રહ્યું છે તો પણ તે સામે પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર પાકિસ્તાન કે ભારતના કટ્ટરવાદી મુસ્લિમ નેતાઓને મળી શકે તેમ નથી.
 

તેના કોઈ વધુ પ્રમાણની જરૂર છે ખરી ?

 
પરંતુ આ દાવો પણ સાવ પોકળ છે. વાસ્તવમાં ૧૯૪૭માં ભારતના મુસ્લિમો મૌલાના આઝાદ કે સરહદના ગાંધી ગફારખાનનો માર્ગ સાચો હોત તો દેશના ભાગલા જ ન પડ્યા હોત હકીકતમાં મૌલાના આઝાદ સાથે અવિભક્ત ભારતના મુસ્લિમોએ કેવો દ્રોહ કર્યો હતો તેની વેદના વ્યક્ત કરતા શબ્દો ખુદ મૌલાનાનાં ખુદનાં ઉચ્ચારણો યાદ કરવાં રહ્યાં વિભાજન પછી દિલ્હીના હક્કાબક્કા થયેલા મુસ્લિમોએ મૌલાના આઝાદને ૨૩, ઓક્ટોબર, ૧૯૪૭ના દિવસે જુમ્મા મસ્જિદમાં શુક્રવારની નમાજ પછી સંબોધન માટે બોલાવ્યા હતા. ત્યારે મૌલાનાએ વેદના ઝરતા શબ્દોમાં જણાવ્યું કે તમને (ભારતના મુસ્લિમોને) યાદ છે ? મેં તમને ચેતવ્યા હતા. તમે મારી જીભ કાપી નાંખી. આગળ વધવા માંગતો હતો, તમે મારા પગ કાપી નાખ્યા, મેં કલમ ઉપાડી તો તમે મારો હાથ કાપી નાખ્યો. ભારતના મુસ્લિમો મૌલાના સાથે નહીં પરંતુ ઝીણા પાછળ દોડ્યા હતા. તેના કોઈ વધુ પ્રમાણની જરૂર છે ખરી ?
 
આમ પાકિસ્તાન કે ભારતના કટ્ટરપંથીઓને ભારત હિન્દુ રાષ્ટ બને તો પણ વિરોધ કરવાનો અધિકાર નથી. વાસ્તવમાં ભારત હિન્દુ રાષ્ટ ન બને તે માટે હિન્દુ સમાજનો મોટો વર્ગ સંકલ્પબદ્ધ છે.
 
- વિદ્યુત ઠાકર
(સાભાર : નવગુજરાત સમય)