આ જગતમાં જો કોઈ વાત અઘરી હોય તો એ છે, `સફળતા'. કશુંક મળ્યું, નાની સિદ્ધિ મળી એટલે તમે હવામાં આવી જાવ. બીજાને નાના બતાવવાની અથવા `તમને સમજ ન પડે'વાળી લાગણી થવા માંડે છે. આ સામાન્ય વાત છે, સમજવામાં સહેલી છે, અમલમાં મૂકવી અઘરી છે. બે-ત્રણ પ્રસંગો એવા બન્યા, જોયા, અનુભવ્યા એટલે એમ થયું કે આની નોંધ લેવી જોઈએ.
કોઈ ફૂલને મેક-અપ નથી કરાવવો પડતો
હમણાં લગ્નગાળો લગનસરા ચાલે છે એટલે આપણી સામાજિકતા સોળે કલાએ ખીલે છે. રોડ ઉપર કેમ નાચવાનું ? દશ વર્ષ પહેલાં આ પ્રશ્ન મને ઉદ્ભવેલો. પણ દીકરીનું લગ્ન લીધું એટલે સમજાયું કે આ નાચવું એટલે શબ્દો સિવાય સ્વાગતવું. આ નાચવું એટલે આંસુ સિવાય રડી લેવાનું. સહજ થવા માટે મહેનત કરતા હોય એ લોકો વાંદરાઓ માટે કૂદવાના ટ્યુશન ક્લાસ શરૂ કરી શકે. સહજ થવાના બ્યુટીપાર્લર નથી ખૂલ્યાં કે નથી એના ટ્યુશન ક્લાસ. કશાય મેક-અપ વિના તમારું આંતરિક સૌંદર્ય ખીલે એવી રીતે જીવવાનું. કોઈ ફૂલને મેક-અપ નથી કરાવવો પડતો અને લીમડાને સુંદર લાગવામાં એની કડવાશ વચ્ચે નથી આવતી.
તો થોડો વિચાર કરવો જોઈએ
જ્યારે હું દાહોદ જેવા આદિવાસી જિલ્લાનો પ્રભારી સચિવ હતો ત્યારે એક બાબત મને ખાસ જોવા મળી. લીમડી, ઝાલોદ અને સંતરામપુર જેવાં નાનાં નગરોમાં અનેક બ્યુટીપાર્લરો ખૂલી ગયેલાં જોવા માં. સારું છે, આદિવાસી યુવક-યુવતીઓને સારા દેખાવું છે. વ્યક્તિત્વને નિખારવાના આ બાહ્ય ઉપાયોનું કદાચ એક સ્થાન કે મહત્ત્વ હોઈ શકે. પણ આ બધાનાં મૂળમાં જે નથી તે દેખાવું છે તે મનોવૃત્તિ હોય તો થોડો વિચાર કરવો જોઈએ.
આ પ્રોટોકોલ એ ખોટો કોલ છે
હમણાં જાપાનીઝ વાર્તાકાર હારુકી મુરાકામીનો એક વાર્તાસંગ્રહ વાંચવાનું બન્યું. મેન વિધાઉટ વીમેન. આ વાર્તાઓના બધી વાર્તાઓના નાયકો એકલા છે, જો કે એમના જીવનમાં વિવિધ સ્ત્રીઓ આવે છે. એક વાર્તામાં એક બ મોટા અભિનેતા એક સ્ત્રીને ડ્રાઇવર તરીકે રાખે છે. આ સ્ત્રી કારમાલિકને એક દિવસ પૂછે કે તમે કેમ આ રંગભૂમિના કલાકાર/અદાકાર થવાનું પસંદ કર્યું ? પે'લો નાયક સરસ જવાબ આપે છે, આ શોખ છે, પણ મને નાટકમાં મજા આવે છે કારણ આ વ્યવસાયમાં બે-ત્રણ કલાક માટે ં કોઈ અન્ય વ્યક્તિ બની જાઉં છું. આ અન્ય પાત્ર બની જાઉં, એનો આનંદ, એની પરકાયાપ્રવેશની પ્રક્રિયા અને આંતરસંઘર્ષો એક સૂક્ષ્મ આનંદ આપે છે. આ લોજિક એક રીતે થોડો કટાક્ષ છે તો બીજી તરફ પોતાની જાતને સસ્પેન્શનમાં રાખવાની તાકાત માણસને એક સાક્ષીભાવની સ્વ-તાલીમ આપે છે. આ સાક્ષીભાવ જગતનાં સમીકરણો સમજવામાં અનોખી આંતરદૃષ્ટિ વિકસાવે છે. સરળતા કે સહજતા જાળવી રાખવામાં જે અગત્યનું પાસું છે, તે કશું વળગણ આપણને બદલી ન નાંખે એની તકેદારી રાખે છે. હું હંમેશા કહું છું, આ પ્રોટોકોલ એ ખોટો કોલ છે. એ તમને કૃત્રિમ બનાવવાની શરૂઆત કરે છે, તમે વાસ્તવથી ભાગવા માંડો એની સાથે જ તમારી અંદર એક કેમિકલ પ્રોસેસ થવા માંડે છે જેમાં તમે ધીરે ધીરે જે નથી તે દેખાવાનું પસંદ કરો છો. આ બાહ્યાચાર ફાવી જાય ત્યારે તમને ખબર ન પડે એવી રીતે તમારો અહંકાર મોટો અને દૂષિત થવા માંડે છે. તમે જે નથી તે દેખાવા લાગો એની કૃત્રિમતા થોડી માયાવી હોવાને કારણે એક ગ્લેમર ઊભી કરે છે. જો સત્તા કે પૈસાની / સમૃદ્ધિની અનુકૂળતા થાય તો તમારી આસપાસ એક ટોળું જમા થાય છે. આ લોકો કૃપાકાંક્ષી હોય છે અને ભાષાની ભભક અને ખોટી પ્રશંસાનો એક કિલ્લો બાંધી દે છે, આવા સમયે મોહાંધ અને માયાંધ તમે નીર-ક્ષીર વિવેક છોડીને ફસાઈ જાવ છો. તમને ઠોકર ના વાગે ત્યાં સુધી તમે પવનથી હવામાં ઊડતાં કાગળિયાંની જેમ હવામાં આવી જાવ છો, કવિ રાજેશ વ્યાસ મિસ્કીન આ ઈમેજ પર સરસ શેર લખ્યો છે.
સર્જક થવા ધાર્યું હોય અથવા એવી ભણક હોય કે મને કશુંક લખવાની અદમ્ય ઇચ્છા છે અને પદ, પ્રતિષ્ઠા કે પૈસા માટે નહીં પણ એક સાધના તરીકે કશુંક સર્જનાત્મક લખવું છે ત્યારે સહજ થવું બીજા કોઈપણ વ્યવસાય, શોખ કે કર્મશીલતા કરતાં વધારે આવશ્યક હોય છે. કરોડપતિ ફેક્ટરીનો માલિક એક લાખ સાબુ બનાવે એ કરોડો લોકો વાપરે અને દરેક સાબુ એકસરખો જ હોય પણ એક કવિની બીજી કવિતા પહેલી કવિતાથી જુદી હોવી જોઈએ. એના શબ્દમાં અને વ્યક્તિત્વમાં એક સૂક્ષ્મ પ્રકારની સર્જકતાની સુવાસ હોવી જોઈએ.
સર્જક થવું એ પાનના ગલ્લેથી પાન લેવા જેટલું સહેલું નથી
સર્જક એ આકાશનો પુત્ર છે, કારણ શબ્દની ગહન ગુફાઓ અને અઢળકનો ઇતિહાસ ત્યાં સંઘરાયેલો છે. એક કવિને મળો એટલે એક વૃક્ષ પાસેથી પસાર થયાનો અનુભવ થવો જોઈએ. જેના શબ્દમાંથી લય પ્રગટતો હોય એ એક નદીનો કિનારો બની જતો હોવો જોઈએ. પંખીના કો'ક ગીતનાં ચિત્રો એની આંખમાંથી નીતરતાં હોય એવી ભીનાશ તમે અનુભવી શકો. સર્જક થવું એ પાનના ગલ્લેથી પાન લેવા જેટલું સહેલું નથી, એ તપશ્ચર્યા છે, એ સમાજ પાસેથી શબ્દ લઈને એને શણગારતો હોય છે, એને એક બીજું સ્વરૂપ આપતો હોય છે. શબ્દ પણ જેના સહવાસથી દ્વિજત્વ અનુભવે એ સર્જકનું સરનામું છે. કુટિલતા કે કાવાદાવાથી શબ્દો ગોઠવી શકાય, સર્જકતાનું સૌંદર્ય ન પામી શકાય. ક્યારેક સહજ અને સરળ સર્જક મળી જાય તો ઉત્સવ બની જાય છે. એજન્ડા વગર, કેવળ સત્ય, શિવ અને સુંદરની ઉપાસના કરનારો અલગારી માણસ મળે તો એને સાંભળજો. એ કો'ક સંદેશ લઈને આવેલો મેઘદૂત છે. ઓલવાતા ઓગણીસની અગાશીએથી જય હો