પાકિસ્તાનમાં કટોકટી લાદનાર મુશર્રફને ફાંસીની સજા થઈ છે ત્યારે પાકિસ્તાનના નેતાઓની સ્થિતિ જણવા જેવી છે...

    ૩૧-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |
 
musharraf_1  H
 
પાકિસ્તાનમાં કટોકટી લાદનાર મુશર્રફને ફાંસીની સજા થઈ છે જ્યારે ભારતમાં કટોકટી લાદનાર ઇન્દિરા ગાંધી ફરી વડાપ્રધાન બન્યા હતા
 
પાકિસ્તાનમાં નવો શાસક આવે તેના રાજમાં જૂના શાસકને ફાંસી, જેલની સજા અથવા દેશવટો એ શિરસ્તો બની ગયો છે. લિયાકત અલી ખાનથી મુશર્રફ સુધીનાં અનેક ઉદાહરણો છે પરંતુ જોવાની વાત એ છે કે હજારો વર્ષ ભારત સામે યુદ્ધ લડવાનાં બણગાં ફૂંકનારા ભુટ્ટો, બેનઝીર, ઝરદારી, મુશર્રફની અંતે ખૂબ જ ખરાબ સ્થિતિ થઈ, જ્યારે ભારત દિનપ્રતિદિન સશક્ત બની રહ્યું છે.
 
તાજેતરમાં પાકિસ્તાનના એક ન્યાયાલયે પૂર્વ સરમુખત્યાર અને સેનાધ્યક્ષ પરવેઝ મુશર્રફને દેશદ્રોહના કેસમાં ફાંસીની સજા સંભળાવી. તેઓ સત્તામાં હતા ત્યારે તેમના પર કટોકટી લાદવાનો આરોપ હતો. આ કેસ છ વર્ષથી અનિર્ણિત હતો.
મુશર્રફ તો દુબઈ રહે છે અને તેમની તબિયત અસ્વસ્થ જ છે પરંતુ તેમને જે સજા થઈ છે તેના પરથી એક વાત નક્કી છે કે તેઓ હવે હંમેશ માટે પાકિસ્તાન પાછા નહીં ફરી શકે. પાકિસ્તાનમાં આ વાતની નવાઈ નથી, કારણ કે ત્યાં જે નવો શાસક આવે છે તેના રાજમાં ન્યાયાલય જૂના શાસકને કાં તો ભ્રષ્ટાચાર અથવા તો દેશદ્રોહના કેસમાં સજા આપી દે છે.
 

musharraf_1  H  ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને ઝિયા-ઉલ-હક
 

ઝિયા ઉલ હકનું પણ વિમાન દુર્ઘટનામાં રહસ્યમય મૃત્યુ 

 
પાકિસ્તાનના સર્વપ્રથમ વડા પ્રધાન લિયાકત અલી ખાનની એક રાજકીય રેલીમાં હત્યા થઈ ગઈ હતી. તેમની હત્યા એક અફઘાન પશ્તુને કરી હતી. આ હત્યાનું રહસ્ય આજે પણ બહાર નથી આવ્યું. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને તેમના રાજકીય હરીફની હત્યા કરવાના આરોપસર ઝિયા ઉલ હકના શાસનમાં ફાંસીની સજા અપાઈ હતી. ફાંસી આપતા પહેલાં તેમને શારીરિક અને માનસિક રીતે ખૂબ જ યાતના આપવામાં આવી હતી. ઝિયા ઉલ હકનું પણ વિમાન દુર્ઘટનામાં રહસ્યમય મૃત્યુ થયું હતું.
 

pakistan_1  H x નવાઝ શરીફ
 

આસીફ અલી ઝરદારીને પણ ભ્રષ્ટાચારના કેસમાં જેલની સજા 

 
૧૯૮૮થી ૧૯૯૦ સુધી અને ૧૯૯૩થી ૧૯૯૬ સુધી વડાં પ્રધાન રહેનાર બેનઝીર ભુટ્ટોને ૧૯૯૯માં ભ્રષ્ટાચારના કેસમાં પાંચ વર્ષની જેલ અને તે પછી તેઓ કોઈ સરકારી હોદ્દા પર ન રહી શકે તેવી સજા મળી હતી. તેમના મિ. ૧૦ પર્સન્ટ તરીકે ઓળખાતા પતિ આસીફ અલી ઝરદારીને પણ ભ્રષ્ટાચારના કેસમાં જેલની સજા થઈ હતી. બંને દેશની બહાર રહેવા ચાલ્યાં ગયાં હતાં. ૨૦૦૭માં તેઓ પાછા આવ્યાં તો તેમની હત્યા થઈ ગઈ. નવાઝ શરીફ સત્તા પર આવ્યા તો તેમની સામે પરવેઝ મુશર્રફે બળવો કર્યો અને તેઓ સત્તામાં આવ્યા એટલે શરીફને જેલમાં પૂર્યા. તે પછી સેનાના ન્યાયાલયે તેમને અપહરણ, હત્યાના પ્રયાસ, હાઈજેકિંગ, ત્રાસવાદ અને ભ્રષ્ટાચારના કેસમાં આજીવન કેદની સજા આપેલી. તેમના વકીલની પણ હત્યા કરી નાખવામાં આવી હતી. તેમને ફાંસીની સજા મળી જ ગઈ હોત પરંતુ સાઉદી અરેબિયાની સાથે સારા સંબંધોના કારણે છેવટે તેમણે દેશવટો ભોગવવાનો નક્કી થયો.
 

હવે મુશર્રફનો પણ વારો આવ્યો છે 

 
૨૫ ફેબ્રુઆરી ૨૦૦૯એ પાકિસ્તાનના સર્વોચ્ચ ન્યાયાલયે નવાઝ શરીફ અને તેમના ભાઈ શાહબાઝ શરીફને કોઈ પણ સરકારી હોદ્દા પર રહેવા માટે નાલાયક ઠરાવ્યા. તેમ છતાં ૨૦૧૩માં તેઓ ફરી વડા પ્રધાન બની ગયા! પરંતુ ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા પછી ૨૦૧૮માં પનામા પેપર કેસમાં નવાઝ શરીફને પાકિસ્તાનના સર્વોચ્ચ ન્યાયાલયે ફરીથી કોઈ સરકારી હોદ્દા પર બેસવા પ્રતિબંધ મૂકી દીધો. તે પછી તેમને, તેમની દીકરી મરિયમ નવાઝ અને તેના પતિ સફદર અવાનને દસ વર્ષની સજા થઈ. ગત માર્ચમાં તેમને જામીન મળ્યા અને તેઓ લંડન પોતાના આરોગ્યની સારવાર માટે જઈ આવ્યા. હવે મુશર્રફનો પણ વારો આવ્યો છે.
 

ભારત સામે ત્રાસવાદનું છદ્મ યુદ્ધ છેડવાની કુટિલ યોજના 

 
અને આ બધા પાછા પોતે સત્તામાં હોય ત્યારે ભારતને ધૂળ ચાટતું કરી દેવાની શેખી મારતા રહ્યા છે. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ ૧૯૬૫માં સંયુક્ત રાષ્ટ્રોના પોતાના પ્રવચનમાં ભારત સામે હજારો વર્ષો સુધી યુદ્ધ કરવાનાં બણગાં માર્યાં હતાં! ભુટ્ટોને પાછી આ ચાવી ઝિયા ઉલ હકે ભરાવી હતી! ઝિયાએ જ પાકિસ્તાન ભારત સામે પ્રત્યક્ષ યુદ્ધ કરી શકે તેમ ન હોવાથી ભારત સામે ત્રાસવાદનું છદ્મ યુદ્ધ છેડવાની કુટિલ યોજના બનાવી હતી.
 

બેનઝીરના શાસનમાં જ તાલિબાનની રચના થઈ હતી 

 
બેનઝીર ભુટ્ટો આમ તો પ્રગતિશીલ મનાતાં હતાં, પરંતુ સત્તામાં આવ્યાં પછી કટ્ટરવાદીઓ સામે ટકી રહેવા તેમને પણ કાશ્મીર અને ભારતવિરોધી રાગ આલાપ્યા સિવાય છૂટકો નહોતો. તેમણે પણ ભારત સામે હજાર વર્ષ સુધી યુદ્ધ કરવાની શેખી મારી હતી. જમ્મુ-કાશ્મીરના તત્કાલીન રાજ્યપાલ જગમોહનના ટુકડે ટુકડા કરવાની તેમણે ધમકી આપી હતી. જગમોહનજી આજે પણ જીવિત છે! બેનઝીરના શાસનમાં જ તાલિબાનની રચના થઈ હતી. ૨૦૧૦ના વર્ષમાં બેનઝીરના પતિ આસીફ અલી ઝરદારીએ પણ તેમના સસરા અને પત્નીનો હજાર વર્ષ યુદ્ધનો રાગ આલાપ્યો હતો! કાળાં નાણાંને સફેદ કરવાના (મની લૉન્ડરિંગ)ના કેસમાં તેમને જેલની સજા થઈ હતી. હાલમાં જ તેમને તેમાં જામીન મળ્યા છે.
 

pakistan_1  H x 
 

નવાઝ શરીફના શાસનમાં જ્યારે અટલજી અને શરીફ વચ્ચે લાહોર સમજૂતી થઈ રહી હતી  

 
ભારતના બે વડા પ્રધાનો અનુક્રમે અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી દ્વારા લંબાવાયેલા દોસ્તીના હાથ સામે દોસ્તીનો હાથ લંબાવી રહેલા નવાઝ શરીફના શાસનમાં જ્યારે અટલજી અને શરીફ વચ્ચે લાહોર સમજૂતી થઈ રહી હતી તે વખતે મુશર્રફે કારગિલ યુદ્ધનું ખંજર ભોંકવાની દુષ્ટ યોજના બનાવી હતી! મુશર્રફે ૧૯૮૭માં સિયાચીનનું એક શિખર પચાવી પાડવાની યોજના બનાવી હતી જેને ભારતે નિષ્ફળ બનાવી હતી.
 

જેને તાલિબાનો કહે છે 

 
૧૯૭૯માં અફઘાનિસ્તાનમાંથી સોવિયેત સંઘને કાઢવા માટે અમેરિકાએ પાકિસ્તાનને પડખામાં લીધું હતું અને ભાડૂતી ગુંડાઓ (જેને તાલિબાનો કહે છે)ને તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. તે વખતે મુશર્રફ કર્નલ હતા. મુશર્રફે પોતે એક ઇન્ટરવ્યૂ - જેને પાકિસ્તાનના નેતા ફરહાતુત્લા બાબરે ગયા મહિને ટ્વિટર પર મૂક્યો હતો - માં કહ્યું હતું કે ૧૯૭૯માં અમે સમગ્ર વિશ્વમાંથી મુજાહિદ્દીનોને એકઠા કરેલા, તેમને શસ્ત્રો આપેલાં, તેમને પ્રશિક્ષણ પણ આપ્યું. તેઓ અમારા નાયકો (હીરો) હતા. હક્કાની અમારો હીરો હતો. લાદેન અમારો હીરો હતો. એટલું જ નહીં, કાશ્મીરમાંથી ભરતી કરીને લઈ જવાતા લોકોને પણ હીરો ગણી, તેમનો ભારે સત્કાર કરાતો. તેમને પણ પ્રશિક્ષણ આપી ત્રાસવાદી બનાવાતા.
 

કારગીલના ખલનાયકો... 

 
અટલજીની સરકાર વખતે ભારતીય ગુપ્તચર સંસ્થા રૉએ તત્કાલીન સેનાધ્યક્ષ મુશર્રફના ફૉનને ટેપ કરીને દુનિયા સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલી નાખી હતી. તેનાથી જ વિશ્વને ખબર પડી હતી કે કારગિલનાં ઊંચાં શિખરો પર મુજાહિદ્દીનના વેશમાં રહેલા ઘૂસણખોરો બીજું કોઈ નહીં, પાકિસ્તાનના સૈનિકો જ છે. મુશર્રફના વખતમાં જ ભારતની સંસદ પર ત્રાસવાદી હુમલો થયો હતો. પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ પદ પરથી ઊતરી ગયા પછી પણ મુશર્રફ ભારતવિરોધી ધમકીઓ અને નિવેદનો આપવાથી ચૂકતા નહોતા. તેમને પાકિસ્તાનના રાજકારણમાં પાછા ફરવાના પણ બહુ જ ધખારા હતા, જેના પર અત્યારે તો પૂર્ણવિરામ જ મુકાઈ ગયું છે.
 

મુશર્રફે ૨૦૦૭માં પાકિસ્તાનમાં કટોકટી લાદી હતી 

 
આ મુશર્રફ અને પાકિસ્તાનના ન્યાયતંત્ર વચ્ચે લડાઈ ચાલેલી. મુશર્રફે પાકિસ્તાન સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ઇફ્તિખાર મોહમ્મદ ચૌધરીને બરતરફ કરેલા. મુશર્રફે ૨૦૦૭માં પાકિસ્તાનમાં કટોકટી લાદી હતી. તેમણે બંધારણ સસ્પેન્ડ કરી દીધું હતું. સેના સર્વોચ્ચ ન્યાયાલયમાં પ્રવેશી અને ન્યાયાધીશોની ધરપકડ કરી હતી. તેમને તેમનાં ઘરોમાં અટકાયત કરીને રાખ્યા હતા. ખાનગી અને આંતરરાષ્ટ્રીય ચેનલો પર પ્રસારણ બંધ થઈ ગયું હતું.
 

pakistan_1  H x 
 
ભારતમાં ૧૯૭૫થી ૧૯૭૭ સુધી ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનું અત્યાચારી શાસન હતું તેની પાછળ ઇન્દિરા ગાંધીની સંસદીય ચૂંટણીમાં જીતને રાજ નારાયણે પડકારી હતી અને પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયે તેમની ચૂંટણીને નિરસ્ત કરી હતી. આ નિર્ણય કટોકટી તરફ દોરી ગયો હતો. આ જ રીતે મુશર્રફની બાબતમાં, પણ તેઓ સેનાધ્યક્ષ અને રાષ્ટ્રપ્રમુખ બંને હતા અને રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરી ચૂંટણી લડવાના હતા. તે વખતે ત્યાંના સર્વોચ્ચ ન્યાયાલયમાં તેમની વિરુદ્ધ અરજી થઈ હતી અને તેના પર નિર્ણય આપવામાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો મુદ્દત પર મુદ્દત આપતા હતા જેથી તેમની રાષ્ટ્રપ્રમુખ તરીકેની તે વખતની અવધિ પૂરી થતી હતી. આથી અકળાઈને મુશર્રફે ૩ નવેમ્બર ૨૦૦૭ના રોજ કટોકટી લાદી દીધી. જોકે આ કટોકટી ૧૫ ડિસેમ્બર ૨૦૦૭ સુધી જ ચાલી હતી, જ્યારે ભારતમાં બે વર્ષ કટોકટી ચાલી હતી.
 

૩,૫૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી 

 
પાકિસ્તાનમાં આ કટોકટી દરમિયાન વકીલો, માનવ અધિકાર કાર્યકરો, રાજકારણીઓ પર તડાપીટ બોલાવાઈ હતી. આસ્મા જહાંગીર વગેરેને જેલમાં પૂરી દેવાયેલાં. ૫ નવેમ્બર ૨૦૦૭ સુધીમાં તો ૩,૫૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાનમાં પૂર્વ સરમુખત્યાર મુશર્રફને ફાંસીની સજા સંભળાવવામાં આવી તેનાથી ભારતના લિબરલો ખુશ છે. તેઓ વિચારે છે કે પાકિસ્તાન દિનપ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ હે લિબરલો! તમે વર્તમાન સરકાર બાબતમાં વિચારતા હો, તો વર્તમાન સરકારે આવું કોઈ કામ કર્યું નથી. હા, ઇન્દિરા ગાંધીએ મુશર્રફ કરતાંય વધુ ભયંકર કટોકટી લાદેલી અને તેમાં ભયંકર અત્યાચારો અને યાતનાઓ અપાયેલાં. પરંતુ ભારતનું દુર્ભાગ્ય જુઓ કે ઇન્દિરા ગાંધીને ન તો કટોકટી માટે કોઈ ન્યાયાલયે સજા આપી, ન તો જનતાએ. ૧૯૮૦માં જનતાએ તેમને બહુમતીથી સત્તા પર બેસાડેલાં.
 
અને આજે તો કેટલા લોકો એ કટોકટી વિશે જાણતા હશે? ઇતિહાસને જે ભૂલે છે તેનું ભવિષ્ય ખરાબ હોય છે તે ઉક્તિ યાદ રાખવી જોઈએ.
 
- જયવંત પંડ્યા