ડૉ. બાબાસાહેબને મરણોત્તર ૩૫ વર્ષે ભારતરત્ન, સ્વાતંત્ર્યવીર સાવરકરને ક્યારે ? ભારતરત્ન

    ૦૭-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

ambekar_1  H x
 
ડૉ. બાબાસાહેબ આંબેડકરના ૬૩માં નિર્વાણદિને અવગણાયેલી વિભૂતિને યાદ કરી કેટલાક તથ્યો અને હકીકતો સાધનાના વાચકો સમક્ષ

હું માતૃભૂમિના મસ્તકે સ્વરાજ્યનો અભિષેક કરીશ : સાવરકર

 
પ્રત્યેક માણસના જીવનમાં અનેક પ્રકારના સારા-માઠા બનાવો બનતા હોય છે. તેમાંય મહાપુરુષના જીવનના અધ્યયનમાં ક્યાંક ક્યાંક સામ્યતાનાં દર્શન થતાં હોય છે. પરિણામે વિદ્વાનો તેની તુલના કરી ઉપમાઓ આપતા હોય છે, જેમ કે સમુદ્રગુપ્ત ભારતનો નેપોલિયન, મહારાષ્ટ્રમાં શિવાજીને નેપોલિયન બોનાપાર્ટ તરીકે સંબોધવામાં ગૌરવ અનુભવાય છે. પરંતુ સ્વાતંત્ર્યવીર સાવરકર અને ડૉ.બાબાસાહેબ આંબેડકર આધુનિક ભારતીય રાજકારણમાં અવગણાયેલ વિભૂતિઓ રહી છે. ઉભય વિભૂતિઓ ભારતીય સંસ્કૃતિની આકાશગંગામાં તેજસ્વી નક્ષત્રો છે. બન્ને રત્નાગીરીનાં રત્નો હતાં. સાવરકર (૧૮૮૩) અને આંબેડકરની ઉંમર વચ્ચે (૧૮૯૧) આઠેક વર્ષનો તફાવત હતો. સાવરકર જન્મજાત શ્રેષ્ઠત્વ - બ્રાહ્મણશાહીના (ચિત્તપાવન બ્રાહ્મણ) વારસદાર હતા અને પેશવાઈ જાગીરદારી ધરાવતા સાધનસંપન્ન જાગીરદાર પરિવારના સંતાન હતાં. તેમને वर्णानाम ब्राह्मणः गुरूની ગરિમા પ્રાપ્ત હતી. જ્યારે ડૉ. આંબેડકર હિન્દુ સમાજ જેનો સ્પર્શ તો શું પરંતુ જેની છાયાથી પણ છેટો રહે તેવા અકિચન - અસ્પૃશ્ય માસ્તરનું ચૌદમું સંતાન હતા. વળી તે જંગલના વાંસની જેમ ઊછર્યા. સાવરકરને શિક્ષણ સહજ પ્રાપ્ત થયું. જ્યારે આંબેડકરને તો અધ્યાપનનો અધિકાર જ નહોતો. વિનાયક દામોદર સાવરકર ઉપર ઇટાલીના રાષ્ટ્રવાદના પયગંબર ગ્યુસેપ (જોસેફ) મેઝીની (Giuseppe Mazzini ૧૮૦૫-૧૮૭૨)નો પ્રભાવ હતો. અને તેઓ મેઝિનીને ભગવાન તરીકે માનતા અને સ્વામી રામદાસ સાથે તુલના કરતા હતા. ડૉ.આંબેડકર ઉપર ભારતીય સંસ્કૃતિના ભાલતિલક સમા ભગવાન બુદ્ધનો પ્રભાવ હતો. સાવરકર સશસ્ત્ર ક્રાંતિ અને હિન્દુરાષ્ટ્રના પ્રણેતા હતા. વળી પંદર વર્ષની કુમળીવયે વિનાયક સાવરકરે અંગ્રેજ શાસન સામે સશસ્ત્ર ક્રાંતિકારીઓના સંપર્ક અને પ્રભાવને કારણે સંકલ્પ કર્યો હતો કે -
મારી માતૃભૂમિની મુક્તિ માટે હું સશસ્ત્ર યુદ્ધમાં શત્રુને હણીશ તેમજ ચાફેકરની જેમ મૃત્યુ પામીશ. અથવા મહારાજા શિવાજીની જેમ વિજય થઈ માતૃભૂમિના મસ્તકે સ્વરાજ્યનો અભિષેક કરીશ. (સાવરકર આભચરિત્ર - ભગુર - પૃ-૬૫)
 

જાતિ-પાંતિ આપણા હિન્દુ સમાજની સૌથી નિકૃષ્ટ પ્રથા છે : ડૉ. આંબેડકર

 
જ્યારે બીજી બાજુ ડૉ.આંબેડકરનો સંકલ્પ હતો - If I fail to do away the abominable thraldom an inhuman, injustice under which the class, into which I was born has been groaning, I will put an end to my life with a bullet. (D.KER., Dr. Ambedkar Life and Mission pp-521)
 
(જે સમાજમાં મારો જન્મ થયો છે તે (દલિત) સમાજ ઉપરના અમાનવીય, અન્યાયી, ઘૃણાજનક, ગુલામીવાળા અત્યાચારો નષ્ટ કરવામાં જો હું નિષ્ફળ નીવડીશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત આણીશ.)
 
આમ, જન્મ, ઉછેર અને સંકલ્પ અલગ હોવા છતાં અસ્પૃશ્યતાનિવારણ વિષયે બંને વચ્ચે ઘણું જ સામ્ય હતું. સશસ્ત્રક્રાંતિના પ્રણેતા મદનલાલ ધીંગરાએ કર્ઝન વાયલીને ૧-૭-૧૯૦૮માં ગોળીએ દીધો. તેને સહાય કરવાના આરોપસર તેમજ હત્યાના આરોપસર - રાજદ્રોહના આરોપસર બે જન્મટીપની સજા માટે ડોકે લોઢું ભરાવી આંદામાન (કાળાપાણીએ) ૧૧ વર્ષની નર્કીય યાતના - કષ્ટ ભોગવ્યાં. ત્રણ વર્ષનો કારાગૃહ (નાસિક, યરવડા) વેઠનાર સ્વાતંત્ર્યવીર સાવરકર છેલ્લે રત્નાગીરીમાં ૧૩ વર્ષ નજરબંધ રહ્યા હતા. મુંબઈ પ્રાંતની ૧૯૩૭ની સર ધનજી શાહ કપૂર અને જમનાદાસ મહેતાની (બિનકોંગ્રેસી) સરકારે ૧૯૩૭માં છેવટે સાવરકરને સંપૂર્ણ મુક્તિ આપી. તે જ વર્ષે તેમને અખિલ ભારતીય હિન્દુ મહાસભા અધ્યક્ષનો તાજ પહેરાવ્યો જ્યાં તેઓ સાત વર્ષ સુધી બિનહરીફ રહ્યા હતા. ૧૯૪૪માં તેમણે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને અધ્યક્ષપદે મૂક્યા હતા. ત્યારબાદ તેઓ હિંદના રાજકારણમાં હિન્દુ રાષ્ટ્ર માટે છવાઈ ગયા હતા. પરંતુ તેઓ અસ્પૃશ્યતાનિવારણનો વિષય કદાપિ વીસર્યા નહોતા. કાળાપાણી- આંદોમાનની સેલ્યુલર જેલમાંથી નિરાંતની પળોમાં પોતાના લઘુબંધુ ડૉ.નારાયણ સાવરકરને તા. ૯ માર્ચ, ૧૯૧૫ના પત્રમાં લખે છે -
 
જાતિ-પાંતિ આપણા હિન્દુ સમાજની સૌથી નિકૃષ્ટ પ્રથા છે. તેનાથી હિન્દુ સમાજને કાદવ-કીચડ અને વેરાન રણમાં ઘસીટવાનો ભય રહેલો છે. હિન્દુસ્તાન માટે સૌથી મોટો શાપ છે. જાતિઓને જાકારો આપી માત્ર ચાર્તુવર્ણ રાખવા તેનો કોઈ મતલબ નથી. આ અર્થહીન છે. હકીકતે આ દૂષણને (જ્ઞાતિપાંતિ) જડમૂળથી ખતમ કરવું જોઈએ.
 
આ પ્રતિજ્ઞા પછી નાસિકમાં ક્રાંતિકારી સંસ્થા (ઈ.સ. ૧૯૦૪) `અભિનવ ભારત' આરંભ કર્યો. આ બાજુ ડૉ. આંબેડકરે વિલાયતથી અપાર શિક્ષણ પ્રાપ્ત કરી ઓગસ્ટમાં ૧૯૧૭માં સ્વદેશ આવી દલિતોની મુક્તિ, સ્વાભિમાન અને અધિકારો માટેના આંદોલનનો આરંભ કરી દીધો હતો. જાન્યુ, ૧૯૧૯ સાઉથબરો સમિતિ સમક્ષ અસ્પૃશ્યોની કરુણ કેફિયતનું આવેદનપત્ર પ્રસ્તુત કરી પોતાના જાહેર જીવનનો પ્રારંભ કરી દીધો હતો અને ૧૯૨૪માં બહિષ્કૃત હિતકારિણી સંસ્થાની સ્થાપના કરી દલિતોને સૂત્ર આપ્યું શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત થાવ.
 
માર્ચ ૧૯૨૭માં તેમણે મહાડ ચવદાર તળાવ સત્યાગ્રહનું રણશિંગું ફૂંક્યું હતું. નજરબંધ રહેલા વીર સાવરકરે રત્નાગીરીથી તેનું સમર્થન કરતાં જાહેર નિવેદન કરી હિન્દુ સવર્ણ સમાજને સાફ સંભળાવી દીધું કે પોતાના ધર્મ અને રક્તમાંસના સ્વધર્મી હિન્દુ માનવીઓ (અસ્પૃશ્યો)ના સ્પર્શથી પાણી અભડાઈ જાય અને પશુના મળમૂત્રથી શુદ્ધ થાય તેવી હિન્દુઓની માન્યતા ધિક્કારને પાત્ર છે અને ગાંડપણ છે.
 
(આર્ષષ્ટા ડૉ.બાબાસાહેબ આંબેડકર પૃ-૧૫ લેખક : પી.જી.જ્યોતિકર)
 
 

ambekar_1  H x

સાવરકર દ્વારા ડૉ. આંબેડકરના કાર્યક્રમનું સમર્થન

 
બુદ્ધિવાદી સાવરકર ગાયને `ઉપયોગી પ્રાણી' માનતા અને વેદપ્રામાણ્ય (શાસ્ત્રો ઈશ્વરકૃત) તેમને સ્વીકાર્ય જ નહોતું. તેઓ વેદનિષ્ટ નહિ પરંતુ વિજ્ઞાનનિસ્ટ, પુરાણનિસ્ટ કરતાં પ્રયોગનિસ્ટ સવિશેષ હતા. ડૉ. આંબેડકર પણ આ જ વિચાર ધરાવતા હતા. તેથી તો તેમણે પણ મનુસ્મૃતિની હોળી કરી શાસ્ત્ર પ્રામાણ્ય સિદ્ધાંતને સમાપ્ત કર્યો હતો. લાહોરના જાતપ્રાંત તોડક મંડળ કાર્યક્રમને તેમણે ૧૪-૮-૨૮ એ પત્ર લખી જોરદાર સમર્થન કરી જાતિપાંતિ નષ્ટ કરવાની હિમાયત કરી હતી. માર્ચ ૧૯૩૯ નાસિક કાળારામ મંદિરપ્રવેશના ડૉ. આંબેડકરના કાર્યક્રમનું સમર્થન કરતાં તા. ૧૨-૩-૧૯૩૧ એક જાહેર નિવેદન કરી હજારો પત્રિકા મુદ્રિત કરી નાસિકના સવર્ણોમાં વહેંચી કડવાં વેણ કહી વિનંતી કરી કે હવે તો સુધરો... લાહોરના જાતપાત તોડક મંડળના કાર્યને સમંતિ પત્ર લખી બિરદાવી હતી.
 
I fully agree with the aims of JAT PAT TODAK MANDAL. The object of Suddhi Sangthan and the Removal of Untouchebility etc can be fulfilled if we break down chain of castes. ડૉ.આંબેડકરે પોતાના પાક્ષિક સમતાના તા. ૨૩-૭-૧૯૨૮ના અંકના તંત્રીસ્થાનમાં આ સંદેશ મૂક્યો હતો. તેવી જ રીતે સાવરકરના તા. ૧૪-૪-૧૯૨૮ના પત્રને પણ સમતા (પાક્ષિક)માં તા. ૨૪-૮-૧૯૨૮ના અંકમાં તંત્રીસ્થાનમાં (OUR MAN) શીર્ષક તળે પ્રશંસા સાથે પ્રસિદ્ધ કર્યો હતો. પત્રમાં સાવકરે સ્પષ્ટ લખ્યું હતું કે હિન્દુ સમાજમાંથી જાતિભેદને નષ્ટ કરવો અત્યંત આવશ્યક છે. તેનું સમર્થન પણ કોઈપણ સ્વરૂપમાં થઈ શકે જ નહિ. તે રાષ્ટ્રશક્તિને હાનિકારક છે.... હિન્દુ સમાજમાં રોટી-બેટી વ્યવહાર થવો જોઈએ તેની જોરદાર હિમાયત કરી હતી.
 
ડૉ. આંબેડકરના અસ્પૃશ્યોના અધિકાર માટેના દરેક આંદોલનને સાવરકરનું સદા સમર્થન રહ્યું હતું. તેવી જ રીતે ડૉ. આંબેડકર પણ ઘણાબધા કાર્યક્રમોમાં સાવરકર સાથે રહ્યા હતા, જેમ કે ૧૯૩૧મી વસ્તી ગણતરીમાં હિન્દુ લખાવવું, દશેરાના ઉત્સવ ઊજવવાના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. વળી સાંપ્રત ભારતીય રાજકારણમાં પણ ઘણી ઘટનાઓમાં સાથે રહ્યા હતા.
 
દ્વિતીય વિશ્વવિગ્રહ (૧૯૩૯-૧૯૪૫) સમયે કોંગ્રેસ પક્ષ ભારે અવઢવમાં હતો અને બ્રિટીશસત્તા સમક્ષ યુદ્ધવિષયક ધોરણ જાહેર કરવાની વિનંતી કરતાં ગાંધીજીએ કોંગ્રેસને સમગ્ર ભારતનું પ્રતિનિધિ કહ્યું હતું. ગાંધીજીનો આવો દાવો કોંગ્રેસ સિવાયના પક્ષોને સ્વીકાર્ય નહોતો. સાવરકરે આવા દાવાનું ખંડન કરતું જાહેર નિવેદન - પત્રિકા પ્રસિદ્ધ કરી લખ્યું કે `આ દાવો ફાસ્ટિસ્ટ માનસિકતાવાળો છે. અને તે લોકશાહી માટે પ્રાણઘાતક નીવડશે.' આ નિવેદનમાં સાત નેતાઓની સહીઓ હતી, જેમાં ન. ચિ. કેળકર, જમનાદાસ મહેતા, ચીમનલાલ સેતલવડ, સર કાવસજી જહાંગીર, સર ચંદાવરકર, સાથે ડૉ. આંબેડકરની પણ સહી ખરી જ. આ નિવેદને તે સમયના રાજકારણમાં તરખાટ મચાવ્યો હતો.(D.Keer pp.-360)
 

ambekar_1  H x  

સેક્યુલરિસ્ટો દ્વારા અવગણના

 
સાવરકરે વાઇસરૉયની કારોબારીમાં ડૉ. આંબેડકરજેવા દલિત નેતાને લેવા જોઈએ એવો જેવો પત્ર વાઇસરૉયને લખ્યો હતો અને ડૉ. આંબેડકરની નિમણૂક થતાં રાજીપો વ્યક્ત કર્યો હતો. નજરબંધીના સમયગાળામાં સાવરકરે (ભંગુર શેઠની સહાયથી રત્નાગીરીમાં દલિતો માટે પતિતપાવન મંદિરનું નિર્માણ કર્યું હતું અને તેનું ઉદઘાટન કરવા ડૉ.આંબેડકરને નિમંત્રણ પણ પાઠવ્યું હતું. જો કે ડૉ.આંબેડકર દલિતોના અલગ મંદિરના હિમાયતી ન હોવાથી તેમણે નિમંત્રણનો અસ્વીકાર કરતો પત્ર પણ લખ્યો હતો. એટલે એક અસ્પૃશ્યના હસ્તે તેનું ઉદઘાટન કરાવ્યું હતું. એપ્રિલ ૧૯૪૨માં ડૉ. આંબેડકરનો સુવર્ણ મહોત્સવ ભવ્ય રીતે ઊજવાયો. બેરિસ્ટર મુકુંદરાવ જયકરની અધ્યક્ષતામાં મુંબઈ ચોપાટી ઉપર માનવ મહોરામણ ઊમટ્યો, જેમાં વીર સાવરકરે ડૉ. આંબેડકરની મહાન સેવાઓને બિરદાવી ભવ્ય સંદેશો મોકલ્યો હતો. આમ, આ બન્ને મહાન વિભૂતિઓ વચ્ચે સવિશેષ અસ્પૃશ્યતાનિવારણ વિષયે સક્રિય - સંનિષ્ઠ સહયોગ રહ્યો હતો, તે નક્કર હકીકત છે. પરંતુ દલિત વર્ગ્ામાંનાં કેટલાંક સ્થાપિત હિતો અને સ્યુડો સેક્યુલારિસ્ટ PSEUDO SECULARIST લોકો સાવરકરની મહાન સેવાઓ વિષે ગ્ોરસમજ ફેલાવતા રહ્યા છે. તેમને અન્યાયકર્તા રહ્યા છે. આ કુપ્રવૃત્તિ વર્ષો સુધી રહી હતી. ૧૯૪૪માં સાહિત્યકાર સાવરકરની ષષ્ટિપૂર્તિ ભારે ધામધૂમથી ઊજવાઈ અને તે પણ બ્રિટીશ શાસનમાં !! સાવરકરની શતાબ્દી વખતે પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ૩૦ મે, ૧૯૮૦ના દિવસે શ્રદ્ધાંજલિ આપતાં અને આજે આ જ ઇન્દિરાના વંશજો વીર સાવરકરને ભારતરત્ન ન મળે તેના માટે છેલ્લા પાટલા સુધી લડવા તૈયાર છે.
 
નાગપુર યુનિવર્સિટીએ તેમને ડી.લીટ (D.Lit) ની માનદ પદવી એનાયત કરી ! તેવી જ રીતે સ્વતંત્ર ભારતમાં તેમની પંચોતેર વર્ષની અમૃત-મહોત્સવની ૧૯૫૮માં ભવ્ય ઉજવણી કરવામાં આવી. પૂના યુનિવર્સિટીએ તેમને D.Litની સર્વોચ્ચ પદવી એનાયત કરી સન્માનિત કર્યા. તેમનું સ્વાસ્થ્ય નબળું હોવાથી કુલપતિ પ્રાચાર્ય રેંગલર પરાંજપે સાવરકર સદને જઈ પદવી એનાયત કરી. વિધિની વિચિત્રતા કેવી કે આ જ કુલપતિએ વિદ્યાર્થી વિનાયક સાવરકરને ફર્ગ્યુસન કોલેજમાં શિક્ષા કરી હતી અને હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરી હતી. જાણે પ્રાયશ્ચિત્ત થતું હોય તેમ લાગ્યું....
 
પરંતુ ડૉ. આંબેડકર ભારતની કોઈ પણ યુનિર્વસિટીને દેખાયા જ નહીં. જ્યારે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીએ ૫ જૂન, ૧૯૫૨માં ડૉ.આંબેડકરને Doctor of Law ભારતીય સંવિધાનના શિલ્પી તરીકે નવાજી એલ.એલ.એમ.થી પદવી એનાયત કરી સન્માન કર્યું ત્યારે હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીએ ૧૯૫૩માં તેમને D.Lit ની પદવી એનાયત કરી મ્હેણું ભાંગ્યું...

ડૉ. આંબેડકરને મૃત્યુ પછી ૩૫ વરસે ભારતરત્ન અપાયો

 
સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પક્ષે પ્રપંચથી ડૉ.આંબેડકરને ૧૯૫૨ અને ૧૯૫૪માં પરાજિત કરી લોકશાહીના મંદિર સમી લોકસભામાં તેમનો પ્રવેશ અટકાવી દીધો. ડૉ. આંબેડકરના પરાજયથી આનંદિત થયેલા જવાહરલાલ નહેરુએ તા. ૧૬-૧-૧૯૫૨ના દિવસે લેડી માઉન્ટ બેટન - એડ્વીનાને લખનઉથી પત્ર લખી હરખ વ્યક્ત કરતાં લખ્યું કે My dear Edwina...... In Bombay and to large extent in Bombay province our success has been far greater than expected. AMBEDKAR HAS BEEN DROPPED OUT..... હકીકતે આ અંગ્રેજ સન્નારીને ભારતના રાજકારણમાં કે ચૂંટણી સાથે કોઈ સ્નાન-સૂતકનો સંબંધ નહોતો. ડૉ. આંબેડકરને `ભારતરત્ન' પણ મૃત્યુ પછી પાંત્રીસ વર્ષે વી.પી.સીંગની સરકારે એનાયત કર્યો અને સંસદમાં તેમનું તૈલચિત્ર મુકાયું !!
 
સાવરકરને પણ છેક સુધી છોડ્યા નથી. ગાંધીજીની હત્યામાં સંડોવ્યા. તેમાંથી તેઓ પરિશુદ્ધ રીતે પાર ઊતર્યા. તા.૧૦-૨-૧૯૪૯ના દિવસે નિષ્કલંક મુક્તિ મળી. તેમને સરઘસ આકારે કારાવાસથી લઈ સન્માન કરવાના લોકોના અભરખા અધૂરા રહ્યા. સરકારે સાવરકરને તાત્કાલિક દિલ્હી છોડવાનો હુકમ કર્યો ! મુક્તિ પછી પણ સાવરકર તેનો આનંદ માણી શક્યા નહિ. બીજા જ મહિને લઘુબંધુ ડૉ.નારાયણ સાવરકરનું અવસાન થયું. ભાઈ ગયે ભવ વીસરે તેવું થયું. વળી પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાન ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને મળવા ભારત આવ્યા. ત્યારે સૌથી પહેલાં સાવરકરની અટકાયત કરવામાં આવી. આમ અટકાયત અને કારાવાસે કાયમ તેમનો પીછો કર્યો હતો. ૧૯૪૬માં સાવરકરના સાહિત્ય પરનો પ્રતિબંધ ઉઠાવી દીધો. જ્યારે ૧૯૬૯માં ઉત્તર પ્રદેશની ઇન્ડિકેટ - કોંગ્રેસી સરકારે આંબેડકરના બે પુસ્તકો (૧) જાતિભેદ નો નાશ હો (૧૯૩૫નું લાહોરનું પ્રવચન) (૨) સન્માન માટે ધર્માંતર કરો. (૧૯૫૬નું નાગપુરનું પ્રવચન) પર પ્રતિબંધ મૂક્યો. કાનપુરના આંબેડકરી કર્મશીલ લાલસિંહ યાદવે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં. ૧૯૭૨માં અલાહાબાદ કોર્ટના ત્રણ જજોના ચુકાદાએ પ્રતિબંધ ગેરબંધારણીય જાહેર કર્યો. અંતે સરકારનો પરાજય થતાં પ્રતિબંધ ઉઠાવવો પડ્યો. (જ્યોતિ માસિક ડિસેમ્બર ૧૯૭૨ અંક : ૧૯ વર્ષ : ૧૬)
 
આમ, બન્ને વિભૂતિઓની સ્થાપિત હિતો દ્વારા સતત અવગણના થતી જ રહી હોવા છતાં સ્વાતંત્ર્યવીર સાવરકરને `હિન્દુ હૃદયસમ્રાટ' તરીકે અને ડૉ. બાબાસાહેબ આંબેડકરને `દલિતોના બેતાજ બાદશાહ' (અનઅભિષિક્ત સમ્રાટ) તરીકે જનતા બિરદાવે છે. દલિતોએ આંબેડકરને દેવસ્થાને મૂકી દીધા છે. અલબત ડૉ. આંબેડકર વીરપૂજાના વિરોધી હતા. તે મૂર્તિપૂજક નહિ પરંતુ મૂર્તિભંજક હતા. ૩૮ વર્ષની ઉંમરથી દલિતો તેમની જન્મજયંતી ઊજવતા હતા, પરંતુ ૧૯૪૨ સુધી કદાપિ તેમાં ઉપસ્થિતિ આપી નહોતી. તેવી જ રીતે વીર સાવરકરના ૧૮૫૭નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પુસ્તક ઉપર પણ પ્રતિબંધ હતો. તે સિવાય તેમણે બીજા ઘણા ગ્રંથોનું લેખન કર્યું હતું. પરંતુ જીવનના અંત સમયે તેમણે `ભારતીય ઇતિહાસનાં છ સુવર્ણપૃષ્ઠ ગ્રંથ' લખ્યો જે તેમના પરિપક્વ ચિંતનનો અદ્વિતીય આવિષ્કાર છે.

સાવરકરની અંતિમ ઇચ્છા...

 
ડૉ. આંબેડકરે પણ અસંખ્ય ગ્રંથ લખ્યા પરંતુ જીવનના અંતમાં તેમણે The Buddha and His Dhamma ગ્રંથનું લેખન કરી ભારતીય દલિત સમાજમાં ક્રાંતિની મશાલ પેટાવી હતી. અને આ ગ્રંથની પ્રસ્તાવના પ્ૂાર્ણ કરતાં તે જ રાત્રિએ
તા. ૬-૧૨-૧૯૫૬ના દિવસે પરિનિર્વાણ પામ્યા. વડાપ્રધાન નહેરુ, કોંગ્રેસ પ્રમુખ ઉછરંગરાય ઢેબર, જગજીવનરામ,
કુ. મણીબેન પટેલ સર્વે દિલ્હીના આંબેડકરના નિવાસસ્થાને સવારે પહોંચ્યાં. શ્રીમતી ડૉ.સવિતા આંબેડકર પાસેથી મૃત્યુ અંગ્ો માહિતી મેળવી આશ્ચર્ય પામ્યાં. તે જ દિવસે વડાપ્રધાન નહેરુએ પોતાનાં બહેન વિજ્યાલક્ષ્મી પંડિતને પત્ર લખ્યો.
 
My dear Nan,
 
I have just received your letter of the 3rd December. Last night was the last function connected with foreign guests. It was a banquet by the Prime Minister of Nepal. Today, therefore, I could look after my own work to some extent. Unfortunately, Dr. Ambedkar died this morning or in the course of the night. He appeared to be well last night and was working at his disk. He went to bed without any complaint whatever and did not wake up at all. This is the way one would like to die. Yours affectionately
 
Jawaharlal (selected works of Jawaharlal Nehru : Second Series, Vol.36, P.671, (1/12/1956-21/2/1957)
 
સાવરકરજીને વૃદ્ધાવસ્થા હવે ભારરૂપ લાગી. ભારત સ્વતંત્ર થયું હતું અને તેના રાજકારણમાં ઘણાં પરિવર્તનો થયાં હતાં. હવે સ્વાતંત્ર્યવીર સાવરકરને પોતાની ઉપયોગિતા જણાતી નહોતી. પરિણામે ૮૩ વર્ષની ઉમરે તેમણે એકવીસ દિવસ ઉપવાસ (મરણાંત) કરી તા. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૬૬ના દિવસે દિવંગત થયા. મુંબઈના વિદ્યુત સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર થયા. જ્યારે તેમની મરણપાલખીને ચાર કાંધ આપનારમાં એક દલિત હતો, જે તેમની અંતિમ ઇચ્છા હતી.
આમ, ઈતિહાસની આ બંને મહાનવિભૂતિઓના જીવન કર્મમાં ઘણું જ સામ્ય જોવા મળે છે. અને એટલું જ સામ્ય કથિત સેક્યુલર સરકારો દ્વારા તેમને થયેલા અન્યાયમાં પણ જોવા મળે છે. આ જમાત ડૅા. બાબાસાહેબને ચૂંટણીમાં પરાજિત કરી સંસદમાં જતા રોકે છે. મૃત્યુના છેક ૩૫ વર્ષ બાદ તેઓને ભારતરત્નને લાયક સમજે છે. આજે એ જ જમાત સ્વાતંત્ર્યવીર સાવરકરને ભારતરત્ન ન મળે તેવી ઝુંબેશ આદરી છે.
 
- ડો. અમિત જ્યોતિકર