લેબેનોનનું વોટ્સએપ આંદોલન અનોખું કેમ ?

    ૦૭-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

lebanon whatsapp_1 &
 
 
લેબેનોન બહુ જાણીતો દેશ નથી પણ હમણાં લેબેનોનમાં શરૂ થયેલા એક ખાસ આંદોલનના કારણે લેબેનોન વૈશ્વિક સ્તરે ચમકી રહ્યું છે. આ આંદોલન વોટ્સએપ આંદોલન છે ને તેના કારણે લેબેનોનમાં રાજકીય તખ્તો પલટાઈ ગયો છે. આ આંદોલનનાં મૂળ ઑકટોબરમાં લેબનોન સરકારે વોટ્સએપ પર ટેક્સ નાંખ્યો તેમાં નંખાયાં. લેબેનોન અત્યારે આર્થિક મોરચે પછડાટ ખાઈ રહ્યું છે. બાકી હતું તે લેબેનોનનાં જંગલોમાં થોડા મહિના પહેલાં દાવાનળ ફાટી નિકળતાં હજારો એકરમાં પથરાયેલાં વૃક્ષો બળીને રાખ થઈ ગયાં. ઊભો પાક પણ બળી ગયો તેથી દેશ બરબાદીના આરે આવીને ઊભો રહી ગયો. અર્થતંત્રને ફરીથી બેઠું કરવા સરકારે વોટ્સએપ યુઝર પર મહિને છ ડોલરનો ટેક્સ નાખી દીધો તેમાં ભડકો થઈ ગયો.
 

આ આંદોલન સંપૂર્ણ ક્રાંતિના નાદ સાથે સર્વવ્યાપી બની ગયું છે 

 
યુવાનો રસ્તા પર આવી ગયા ને ૧૭ ઑક્ટોબરથી આંદોલન શરૂ થયું. આ આંદોલન એવું વકર્યું કે, ૨૯ ઑક્ટોબરે લેબનોનના પ્રાઇમ મિનિસ્ટર સાદ અલ હરીરીએ રાજીનામું આપી દીધું. સામાન્ય રીતે સત્તાધીશના રાજીનામા પછી આંદોલન સમાપ્ત થઈ જાય પણ તેના બદલે આંદોલન વધારે ભડક્યું ને હવે તો હાલત એ છે કે, આ આંદોલન સંપૂર્ણ ક્રાંતિના નાદ સાથે સર્વવ્યાપી બની ગયું છે. દિવસે દિવસે પ્રદર્શનકારીઓની સંખ્યા વધતી જાય છે ને આખો દેશ આંદોલનમાં જોડાઈ ગયો છે.
 

lebanon whatsapp_1 & 
 

વોટ્સએપ પર ટેક્સનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો પણ... 

 
યુવાનોને ચૂપ કરવા વોટ્સએપ પર ટેક્સનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો પણ ત્યાં લગીમાં બીજા મુદ્દા ભળી ગયા હતા. અર્થતંત્રની ખરાબ હાલત, ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવા મુદ્દા પણ ભળતાં મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ પણ આંદોલનમાં જોડાયો. વીજળી-પાણીની અછત અને મોંઘવારીનો મુદ્દો પણ ભળ્યો ને વોટ્સએપ પર ટેક્સ દૂર કરાવવા માટે શરૂ થયેલું આંદોલને વિરાટ જનઆંદોલન બની ગયું. લેબેનોનની રાજધાની બૈરૂતમાં લાખો આંદોલનકારી ધામા નાંખીને પડ્યા છે ને રાષ્ટ્રપ્રમુખ સહિત ટોચના હોદ્દા પર બેઠેલા તમામ નેતાઓનાં રાજીનામા માગી રહ્યા છે. તમામ પદાધિકારીઓના રાજીનામા પછી સરકારનું સંચાલન એક એવી સમિતિને સોંપવામાં આવે જેને રાજનીતિ સાથે કોઈ લેવાદેવા ન હોય. આ સમિતિ દેશને આર્થિક સંકટમાંથી ઉગારવાનું કામ કરે અને વીજળી-પાણી જેવી લોકોની પાયાની આવશ્યકતાઓ પૂરી કરે એવી તેમની માગણી છે.
 
આ માગણી સ્વીકારાશે તો ઈતિહાસ રચાશે. આંદોલનો પછી સામાન્ય રીતે શાસન બદલાતું હોય છે પણ શાસકો તો રાજકારણીઓ જ હોય છે. લેબેનોનમાં જે લોકોને સાચા અર્થમાં દેશની ચિંતા હશે તેવા લોકો સત્તામાં આવશે.