મમતા બેનર્જીને પણ કેમ ઓવૈસીથી ડર લાગે છે ? કારણ જાણવા જેવું છે!

    ૦૭-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

mamata banerjee and owais
 
તાજેતરમાં અચાનક જ મમતા બેનર્જીએ કહ્યું કે હૈદરાબાદના કટ્ટરવાદીઓ પશ્ચિમ બંગાળના મુસ્લિમોને ભડકાવી રહ્યા છે. ૨૦ નવેમ્બરે કૂચબિહારના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે લઘુમતી સમાજમાં કેટલાક લોકો કટ્ટરવાદી છે. આવા લોકોને સાંભળશો નહીં.
 
મુસ્લિમોના મસીહા ગણાતાં મમતા બેનર્જીના આવા નિવેદનથી લોકોમાં આશ્ચર્ય ફેલાઈ ગયું. કટ્ટર મુસ્લિમોને થાબડભાણાં કરતાં મમતા અચાનક કટ્ટરવાદ સામે કેમ થઈ ગયાં? યાદ હોય તો `સાધના'ના જ એક લેખમાં આ લેખકે લખેલું કે જ્યારે ડૉક્ટરો પર મુસ્લિમોએ હુમલો કર્યો ત્યારે કેટલાક ઉદારવાદી મુસ્લિમોએ પત્ર લખી મમતાને વિનંતી કરી હતી કે કટ્ટરવાદીઓ અને ગુંડા એવા મુસ્લિમો સામે પગલાં લો, કારણકે તેનાથી અમારી છબી ખરડાય છે. તો, પછી મમતાને અચાનક બ્રહ્મજ્ઞાન ક્યાંથી લાધ્યું ?
 
તેનું કારણ એ છે કે મમતાને ફડક પેઠી છે કે તેના ગઢમાં ગાબડાં પાડવા કોઈ આવી રહ્યું છે. ના, આ ભાજપની વાત નથી, ભાજપ તો સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસમાં માને છે અને હિન્દુત્વની વાત કરે છે. આ વાત છે ઓવૈસીની. આખું નામ અસાદુદ્દીન ઓવૈસી.
 
આના જવાબમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મમતા મને ગાળો દઈને મુસ્લિમોનું અપમાન કરી રહ્યાં છે. આ રીતે ઓવૈસી પોતાને મુસ્લિમોના પ્રતિનિધિ ગણાવવા લાગ્યા છે.
 
મમતાએ ઓવૈસીને ભાજપના દલાલ ગણાવ્યા અને કહ્યું કે ભાજપના પૈસાના જોરે તેઓ આવું કરી રહ્યા છે. આના જવાબમાં ઓવૈસીએ કહ્યું કે મારી સામે આક્ષેપો કરીને મમતા પશ્ચિમ બંગાળના મુસ્લિમોને સંદેશો આપી રહ્યા છે કે ઓવૈસીનો પક્ષ રાજ્યમાં અવગણના ન કરી શકાય તેવો પક્ષ બની ગયો છે.
 
ઓવૈસીની વાત દુર્ભાગ્યે સાચી છે. ઓવૈસીનો તેલંગાણા પૂરતો સીમિત રહેલો પક્ષ ધીરેધીરે મહારાષ્ટ, બિહાર અને હવે પશ્ચિમ બંગાળ તરફ આગળ વધવા લાગ્યો છે. તેનું કારણ એ છે કે મુસ્લિમોમાંના કેટલાક (બધા તો નહીં જ)ને લાગે છે કે કૉંગ્રેસ અને તેમાંથી જન્મેલા એનસીપી, તૃણમૂલ, જનતાદળ અને જનતાદળમાંથી જન્મેલા સમાજવાદી પક્ષ, રાજદ, જેડીએસ વગેરે પક્ષોએ સેક્યુલરિઝમ અને લઘુમતીને અન્યાયના નામે અત્યાર સુધી રાજકીય રોટલા જ શેક્યા છે. ઇફ્તાર પાર્ટી આપવી, તેમાં ટોપી પહેરીને ભોજન કરવું, બુખારી જેવા ઈમામો પાસે ફતવા બહાર પડાવવા વગેરે ટૉકનિઝિમ કરીને અને બાબરી મસ્જિદના નામે મુસ્લિમોના કટ્ટરવાદને જ પોષ્યો છે. મુસ્લિમોની રોજીરોટીની ચિંતા નથી કરી. આજે પણ મુસ્લિમોમાં એક મોટો વર્ગ છે જે ગરીબ રહી ગયો છે. સત્તા પક્ષની નજીક હોય તેવા જ નેતાઓ, વેપારીઓ તરી જાય છે અને બાકીનો વર્ગ હાથ ઘસતો રહી જાય છે.
 

ઓવૈસીની કાચબા ગતી

 
આની સામે આવા મુસ્લિમોને લાગે છે કે અસદુદ્દીન ઓવૈસી ભણેલાગણેલા છે. ઝડપી ગેંદબાજ રહી ચૂક્યા છે. વ્યવસાયે બેરિસ્ટર છે. લંડનમાં ભણેલા છે. અંગ્રેજી પણ એટલું જ ફાંકડું બોલી શકે છે. ચાર વખતના સાંસદ છે. એવું લાગે છે કે તેમનો પક્ષ ન તો યુપીએ તરફ ઢળેલો છે કે ન તો એનડીએ તરફ. આ કારણે ૨૦૧૨માં મહારાષ્ટ્રની નાંદેડ-વાઘલા નગરપાલિકામાં આ પક્ષે ૧૩ બેઠકો જીતી હતી. માર્ચ ૨૦૧૩માં કર્ણાટકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છ બેઠકો જીતી હતી. ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં સ્થાનિક ચૂંટણીમાં ૭૮ બેઠકો પર ચૂંટણી લડેલો જેમાંથી ૩૧ પર વિજયી બન્યો. ઔરંગાબાદ પરથી એક સાંસદ પણ જીત્યા છે. આ વખતની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેણે પ્રકાશ આંબેડકરના વંચિત બહુજન અઘાડી પક્ષ સાથે ગઠબંધન કર્યું હતું અને તેના બે ધારાસભ્યો ચૂંટાયા છે. તે મુસ્લિમો અને દલિતોના સમીકરણ સાથે ચાલી રહ્યો છે. હૈદરાબાદમાં તેના મેયર પણ છે. બિહારના સીમાંચલ પ્રદેશની કિશનગંજ બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં ભાજપના સ્વીટીને હરાવીને ઓવૈસીના પક્ષ એઆઈએમઆઈએમના કમરુલ હૂડા જીતી ગયા છે. આ બેઠક પર લાલુપ્રસાદના રાજદે પોતાનો કોઈ ઉમેદવાર એઆઈએમઆઈએમના સમર્થનમાં ઊભો નહોતો રાખ્યો. આ રીતે ઓવૈસીનો પક્ષ કાચબા ગતિએ આગળ વધી રહ્યો છે અને હવે મુસ્લિમોની સારી એવી સંખ્યા ધરાવતા પશ્ચિમ બંગાળ પર મીટ માંડીને બેઠો છે ત્યારે રાજકીય પક્ષો જેને મમતાબાનુ કહીને સંબોધે છે તે મુસ્લિમોમાં પ્રિય છબી ધરાવતાં મમતા બેનર્જીના પેટમાં ચૂંક ઊપડે તે સ્વાભાવિક છે.
 
સેક્યુલર પક્ષો માટે મત કટુઆ આ પક્ષ એઆઈએમઆઈએમના પૂર્વાવતારનું નામ એમઆઈએમ હતું. મજલિસે ઇત્તેહાદુલ મુસ્લેમીન. હૈદરાબાદમાં નવાબ ઉસ્માન અલી ખાનનું શાસન હતું તે સમયે નવાબ મહેમૂદ નવાઝ ખાન કિલેદારે ૧૯૨૭માં એમઆઈએમની સ્થાપના કરી. આ સંગઠનના સ્થાપક સભ્યોમાં હૈદરાબાદના રાજનેતા સૈયદ કાસીમ રિઝવી પણ હતા, જેઓ વળી પાછા રઝાકાર નામના સશસ્ત્ર હિંસક સંગઠનના નેતા હતા. એમઆઈએમને ઊભું કરવામાં આ રઝાકારોની મુખ્ય ભૂમિકા હતી. રઝાકાર અને એમઆઈએમ ગદ્દાર નવાબના સમર્થક હતા.
 
આ કાસિમ રિઝવી અને અર્ધ લશ્કરી સંગઠન રઝાકારે સ્વતંત્રતા સમયે હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણનો આકરો વિરોધ કર્યો હતો. તેઓ હૈદરાબાદ પાકિસ્તાનમાં જોડાય તેમ ઇચ્છતા હતા, કારણ કે કાફિર હિન્દુઓ દ્વારા શાસિત દેશમાં રહેવું તેમને સ્વીકાર્ય નહોતું.
 

mamata banerjee and owais 
 

તેલંગાણામાં હિન્દુઓની બધીર હાલત

 
રઝાકાર શસ્ત્રો લઈને સમૂહ બનાવીને જિહાદી સૂત્રો પોકારતાં ચોકી કરતા હતા અને તેમનો હેતુ એક જ હતો- હિન્દુ પ્રજામાં આતંક ફેલાવવો. રઝાકારોએ તો સામ્યવાદીઓ દ્વારા થયેલા સશસ્ત્ર સંગ્રામને પણ ક્રૂર રીતે કચડી નાખ્યો હતો. એટલું જ નહીં, પરંતુ ભારતમાં ભળવાની તરફેણ કરનાર શોએબુલ્લા ખાન નામના મુસ્લિમ પત્રકારની હત્યા પણ કરી હતી. તેમના આતંકના કારણે હિન્દુઓને જંગલોમાં અથવા બાજુનાં પ્રાંતોમાં ભાગી જવું પડ્યું હતું. તેમણે હિન્દુઓને ભગાડવા તેમનાં જાનવરો મારી નાખ્યાં, લૂંટ મચાવી, સ્ત્રીઓ પર બળાત્કારો કર્યા અને બાળકોની હત્યા કરી, એટલું જ નહીં, આ પિશાચ જેવા રઝાકારોએ હિન્દુ મૃતદેહોને વિકૃત કરી નાખ્યા. ગ્રામીણ તેલંગાણામાં થયેલા આ વ્યાપક હિન્દુઓના નરસંહારની નોંધ જોઈએ તેવી મળતી નથી, કારણ કે તે વખતે નવાબી શાસને તેનો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો.
 
આ જોઈને સરદાર પટેલે ઑપરેશન પૉલો શરૂ કરાવ્યું અને વીર તેમજ પરાક્રમી ભારતીય સેના સામે રઝાકારોએ ૧૮ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ શરણાગતિ સ્વીકારી લીધી. તે પછી રઝાકાર અને એમઆઈએમ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. પરંતુ (સરદારનું અવસાન ૧૯૫૦માં થયા પછી) નહેરુ પ્રભાવી કૉંગ્રેસ શાસનમાં ૧૯૫૭માં જૂના નામમાં ઑલ ઇન્ડિયા જોડીને એઆઈએમઆઈએમ નામ સાથે તેની ફરી શરૂઆત થઈ. નહેરુની કરુણ નજર હેઠળ ધરપકડ કરાયેલ મૌલાના કાસિમ રિઝવીને છોડી દેવાયા અને છૂટીને તેઓ પાકિસ્તાન ચાલ્યા ગયા પરંતુ જતાંજતાં તેઓ પક્ષનું સુકાન તે સમયના પ્રસિદ્ધ વકીલ અને અસદુદ્દીન ઓવૈસીના દાદા અબ્દુલ વાહેદ ઓવૈસીને સોંપતા ગયા. સાંપ્રદાયિક સદભાવનાનો ભંગ કરવા, સાંપ્રદાયિક નફરત ફેલાવવા, રાજ્ય અને દેશ વિરુદ્ધ મુસ્લિમોને ભડકાવવા માટે અબ્દુલ વાહેદની પોલીસે ધરપકડ કરી હતી. અબ્દુલ પછી તેમના દીકરા સલાહુદ્દીન અધ્યક્ષ બન્યા.
 
પહેલાં હૈદરાબાદ અને તેની આસપાસના વિસ્તારો પૂરતો જ આ પક્ષ સીમિત હતો. અસદુદ્દીન ઓવૈસીના પિતા સુલતાન સલાહુદ્દીન ઓવૈસી છ વખત હૈદરાબાદની બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. તે વખતે તે જૂના શહેરના પક્ષ એટલે કે હૈદરાબાદ પૂરતો સીમિત પક્ષ તરીકે જ ઓળખાતો હતો. આ ત્યાં સુધી જ ચાલ્યું જ્યાં સુધી તેમના સૌથી મોટા દીકરા અસદુદ્દીનના હાથમાં પક્ષની ધુરા ન આવી...
 

તેમનાં ભડકાઉ ભાષણો

 
૨૦૦૯માં કૉંગ્રેસ સાથે તેનું બાર વર્ષનું ગઠબંધન તૂટ્યું કેમ કે ચારમિનાર પાસે એક ઘણા જૂના ભાગ્યલક્ષ્મી મંદિરના જીર્ણોદ્ધારનો પ્રશ્ન હતો. એઆઈએમઆઈએમ કોઈ પણ હિસાબે ત્યાં કાફીરોનું પૂજાસ્થળ બનવા દેવા નહોતો માગતો.
સેક્યુલર પક્ષો કરતાંય ઓવૈસી કેમ ખતરનાક છે? અસદુદ્દીન ઓવૈસીનાં બે રૂપ છે. એક જનસભાવાળું ઉગ્ર અને આક્રમક અને બીજું સંસદ કે ટીવી ચર્ચા દરમિયાન સૌમ્ય-તર્કયુક્ત દલીલોવાળું રૂપ. અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી તો અસદુદ્દીનને પણ ચડે તેવા છે. રાજનીતિમાં પ્રવેશ માટે તેમણે એમબીબીએસનો કૉર્સ છોડી દીધો હતો ! તેઓ ૧૯૯૯માં પહેલી વાર વિધાનસભ્ય બન્યા હતા. ૨૦૦૭ના વર્ષમાં તેમણે બાંગ્લદેશી લેખિકા તસલીમા નસરીન અને સેતાનિક વર્સીસ ફેમ લેખક સલમાન રશદીને ગળું કાપીને મારી નાખવા હત્યાની ધમકી આપી હતી. વર્ષ ૨૦૧૧માં કુર્નૂલમાં એક સભા સંબોધતાં તેમણે આંધ્ર પ્રદેશ વિધાનસભાના ધારાસભ્યો માટે કાફિર અને વિધાનસભા માટે કુફ્રસ્તાન શબ્દ વાપર્યો હતો! આટલું ઓછું હોય તેમ તેમણે કહ્યું હતું કે જો પૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવ પોતાની રીતે મૃત્યુ ન પામ્યા હોત તો તેઓ પોતાના હાથે તેમને મારી નાખત.
 
તેમણે વર્ષ ૨૦૧૨માં એક અત્યંત ભડકાઉ ભાષણમાં કહ્યું હતું કે જો ૧૫ મિનિટ માટે પોલીસ હટાવી લેવામાં આવે તો અમે (મુસ્લિમો) ૧૦૦ કરોડ હિન્દુઓને ભારે પડી જશું. (અહીં શબ્દો મંદ કરી દેવામાં આવ્યા છે) તેમના આ વિધાન વખતે ઉપસ્થિત ભીડે નારા એ તદબીર અલ્લા હૂ અકબરનો સૂત્રોચ્ચાર કરેલો. તેમણે મોદીને એવો પણ પડકાર ફેંકેલો કે તેમનામાં હિંમત હોય તો હૈદરાબાદ આવીને દેખાડે. નરેન્દ્ર મોદી પૂરા વટ સાથે ત્યાં ગયા હતા અને જબરદસ્ત સભા કરીને બતાવી.
 
અકબરુદ્દીન ઓવૈસીએ ભગવાન શ્રી રામ અને તેમની માતા કૌશલ્યા વિશે પણ એવી અભદ્ર ટિપ્પણી કરી કે તે છાપી ન શકાય. આ પક્ષથી ચેતવા જેવું એટલા માટે છે કે તે દરેક પ્રદેશમાં ધીમેધીમે આગળ વધી રહ્યો છે. અકબરુદ્દીન ઓવૈસીએ સંઘ પરિવારનો ઘર વાપસીનો કાર્યક્રમ બંધ રાખવા ચેતવણી આપતાં કહેલું કે જો તે બંધ નહીં રખાય તો દેશે વધુ એક વિભાજન માટે તૈયાર રહેવું પડશે.
 
આ રીતે, દેશના વિભાજનની વાત કરતાં, પૂર્વ કાળમાં હિન્દુઓમાં આતંક મચાવનાર, લૂંટ કરનાર અને હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કાર કરનાર એવા આ પક્ષની ગાડી ધીમેધીમે અનેક પ્રદેશોમાં પગપેસારો કરી રહી છે. તાજેતરમાં તેલંગાણામાં હિન્દુ ડૉક્ટર પ્રિયંકા રેડ્ડી પર બળાત્કાર અને સળગાવીને કરાયેલ હત્યા બતાવે છે કે ઓવૈસી બંધુઓનું ઝેર કેટલું ખતરનાક છે. શ્રી રામમંદિર પર ચુકાદા બાદ સમગ્ર દેશના મોટા ભાગના મુસ્લિમ સંગઠનો અને ત્યાં સુધી કે સુન્ની વકફ બૉર્ડ, શિયા વકફ બૉર્ડ, વગેરેએ ચુકાદાને આવકાર્યો ત્યારે અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમ કોર્ટનો અનાદર કરતાં કહ્યું કે અમને પાંચ એકર જમીનની ખૈરાત સ્વીકાર્ય નથી. આ રીતે હજુ પણ તેઓ મુસ્લિમોને આ મુદ્દે ભડકાવીને રાખવા માગે છે. આ પક્ષને તાત્કાલિક પ્રતિબંધિત કરી, આ ભાઈઓ સામે યથાયોગ્ય કડક પગલાં નહીં ભરવામાં આવે તો આગામી સમયમાં શું સ્થિતિ થશે તે કલ્પતાં કંપારી આવી જાય છે.
 
- જયવંત પંડ્યા