યુરોપિયન યુનિયન અમેરિકાને છોડી રશિયા ભણી ઢળશે ?

    ૦૭-ડિસેમ્બર-૨૦૧૯
કુલ દૃશ્યો |

european union_1 &nb
 
 
યુરોપિયન યુનિયનમાં ૨૮ દેશ છે ને તેમની કુલ વસતી ૫૧ કરોડ છે. જીડીપીમાં યુરોપિયન યુનિયન ચીન પછી બીજા નંબરે છે અને અમેરિકા કરતાં પણ આગળ છે. માથાદીઠ આવક પણ મહિને ૩૦૦૦ ડોલર કરતાં વધારે છે તેથી લોકો પણ સુખેથી જીવે છે.
 
 
વિશ્વના રાજકારણમાં યુરોપિયન દેશો અને અમેરિકાની દોસ્તી વરસો જૂની છે. બીજા વિશ્વયુદ્ધ પછી તો આ દોસ્તી એટલી ગાઢ થઈ કે, અમેરિકા અને યુરોપના દેશોને તમે અલગ ગણી જ ના શકો. અમેરિકાએ `નાટો' રચીને આ દોસ્તીને એકદમ પાકી કરી અને છેલ્લા સાત દાયકા કરતાં વધારે સમયથી અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશો તેના જોરે દુનિયા પર રાજ કરે છે. જો કે હવે આ દોસ્તી તૂટે એવા અણસાર છે. યુરોપની બહુમતી દેશોનું બનેલું સંગઠન યુરોપિયન યુનિયન તેના લાંબા સમયના સાથી અમેરિકાથી દૂર થઈને પોતાના અલગ અસ્તિત્વ માટે વિચારવા માંડ્યું છે એ જોતાં વિશ્વમોરચે નવાં સમીકરણો આકાર લે તેવી પૂરી શક્યતા છે. આ અણસાર ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુએલ મેંક્રોએ આપ્યો છે. યુરોપિયન યુનિયન પર અત્યારે ફ્રાન્સની આણ પ્રવર્તે છે તે જોતાં આ વાતને ગંભીરતાથી લેવી જ પડે.
 
મેંક્રોંએ વિશ્વવિખ્યાત મેગેઝિન `ધ ઇકોનોમિસ્ટ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં અમેરિકા અને યુરોપિયન યુનિયનના સંબંધો વિશે બહુ માંડીને વાત કરી છે. સાથે સાથે યુરોપિયન યુનિયન વિશે પણ તેમણે ઘણી વાતો કરી છે. આ વાતોનો ટૂંક સાર એ છે કે, અત્યાર સુધી અમેરિકા અને યુરોપના દેશોનાં હિતો એક હતાં પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી બંનેનાં હિત અલગ થતાં જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા એ પછી તેમણે અમેરિકા ફર્સ્ટ નારો આપ્યો તેના કારણે યુરોપિયન યુનિયનનાં જ નહીં પણ બીજા સાથી દેશોનાં હિતો પણ અમેરિકા માટે ગૌણ બની ગયાં છે. મેક્રોંના મતે અમેરિકા યુરોપિયન યુનિયનને બાજુ પર મૂકીને પોતાનાં હિત જ વિચારે છે તો યુરોપિયન યુનિયને પણ પોતાનાં હિતો વિશે વિચારવું જોઈએ. આ સંજોગોમાં યુરોપિયન યુનિયને હવે પોતાનાં હિતો વિશે વિચારવું જોઈએ.
 

european union_1 &nb 
 
મેક્રોંએ તો ત્યાં સુધી કહ્યું કે, યુરોપિયન યુનિયનના દેશો પોતાને આર્થિક સંગઠન તરીકે જુએ છે તેથી યુરોપનાં બીજાં હિતોની રક્ષા કરવાનું ચૂકી જાય છે. આ સ્થિતિ બદલવી પડે ને અમેરિકા પર નિર્ભર રહેવાના બદલે યુરોપિયન યુનિયનના દેશોએ પોતાની અલગ ઓળખ ઊભી કરવી પડે, પોતાનાં હિતો વિશે સભાન થવું પડે. મેક્રોંના કહેવા પ્રમાણે તો, યુરોપિયન યુનિયનનું ભવિષ્ય અનિશ્ચિત થઈ ગયું છે અને હજુ નહીં જાગીએ તો આપણા ભવિષ્ય પર આપણું કોઈ નિયંત્રણ રહેશે નહીં, બીજાં લોકો આપણા ભવિષ્યનો નિર્ણય લેતા થઈ જશે.
 
મેક્રોંએ તો `નાટો'ને પણ પતી ગયેલું અને આજના સંદર્ભમાં અપ્રસ્તુત સંગઠન ગણાવ્યું છે. આ સંગઠનમાં અમેરિકા અને બીજા દેશો મનમાની કરે છે જ્યારે યુરોપિયન યુનિયનને તો કોઈ પૂછતું જ નથી તેવો આક્ષેપ પણ તેમણે કર્યો. સીરિયા-તુર્કી સરહદેથી સૈનિકોને પાછા બોલાવવાનો નિર્ણય અમેરિકાએ એકલાએ લીધો હતો. સીરિયન કૂર્દો પર હુમલો કરવાનું નક્કી કર્યું ત્યારે પણ તુર્કીએ યુરોપિયન યુનિયનને પૂછ્યું નહોતું. અમેરિકા અને તુર્કી બંને `નાટો'ના દેશ છે છતાં આવા મહત્ત્વના નિર્ણયમાં બીજા દેશોને પૂછવામાં ન આવે ત્યારે સંગઠનનો અર્થ જ નથી એવું મેક્રોંનું કહેવું છે.
 
ગંભીર અને મહત્ત્વની બાબત એ છે કે, મેક્રોંએ અમેરિકાને બાજુ પર મૂકીને રશિયા તરફ ઢળવાનો સંકેત આપ્યો છે. મેક્રોં ઇચ્છે છે કે, યુરોપના દેશો રશિયા સાથે નવેસરથી સંબંધ વિકસાવે અને એક ધરી રચે. આ સંબંધો વિકસાવવામાં એક દાયકો કે વધારે સમય લાગે તો પણ રશિયા સાથે ગાઢ સંબંધ વિકસવવા જોઈએ. મેક્રોં તુર્કી અને રશિયાને નવી આંતરરાષ્ટીય મહાસત્તાઓ ગણાવે છે અને યુરોપિયન યુનિયન તેની અવગણના ન કરે એમ ઇચ્છે છે. તેમણે યુરોપિયન યુનિયનને એટલું મજબૂત બનાવવાની તરફેણ કરી છે કે, ચીન અને અમેરિકા જેવા દુનિયાના સૌથી તાકતવર દેશો પોતાના મતભેદો ઉકેલવા માટે યુરોપિયન યુનિયનની મદદ લે.
 

european union_1 &nb 
 
મેક્રોંના વિચારોના કારણે અમેરિકામાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચ્યો છે પણ આંતરરાષ્ટ્રીય રાજકારણના નિષ્ણાતો આ વાતોને ગંભીર માને છે. યુરોપિયન યુનિયન મેક્રોં ઇચ્છે છે એ રીતે આગળ વધે તો વિશ્વના રાજકારણમાં એક મોટી તાકાત બનીને ઊભરે એવું પણ સ્વીકારે છે. તેનું કારણ એ કે, યુરોપિયન યુનિયનના દેશો પાસે જબરદસ્ત આર્થિક તાકાત તો છે જ. યુરોપિયન યુનિયનમાં ૨૮ દેશ છે ને તેમની કુલ વસતી ૫૧ કરોડ છે. જીડીપીમાં યુરોપિયન યુનિયન ચીન પછી બીજા નંબરે છે અને અમેરિકા કરતાં પણ આગળ છે. માથાદીઠ આવક પણ મહિને ૩૦૦૦ ડોલર કરતાં વધારે છે તેથી લોકો પણ સુખેથી જીવે છે. આતંકવાદ સહિતની સમસ્યાઓ બહુ નડતી નથી એ જોતાં સલામતી પણ છે. યુરોપિયન યુનિયનના દેશો પાસે લશ્કરી તાકાત નથી પણ `નાટો' પાછળ એ લોકો અઢળખ નાણાં ખર્ચે છે એ જોતાં એ આ નાણાંનો ઉપયોગ કરીને પોતાનું લશ્કર ઊભું કરી જ શકે. યુરોપિયન યુનિયન શસ્ત્રો બનાવતું હોવા છતાં સુરક્ષાના મામલે અમેરિકા પર મદાર રાખે છે. આ સ્થિતિ બદલતાં તેને સમય લાગે પણ તેની પાસે ટેક્નોલોજી અને શસ્ત્રો બંને છે તે જોતાં અઘરું બિલકુલ નથી. હવાઈ-મિસાઇલ ડિફેન્સ, ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ તથા હવાઈ રીફ્યુઅલિંગમાં યુરોપિયન યુનિયન ઝડપથી પગભર થઈ જ શકે તેમ છે. ટૂંકમાં યુરોપિયન યુનિયન માટે અમેરિકાથી અલગ થઈને પોતાનું આગવું અસ્તિત્વ બનાવવું અઘરું નથી.
 
જો કે મેક્રોંના આ વિચાર અંગે યુરોપિયન યુનિયનમાં મતભેદો છે. ઘણાંને એવું લાગે છે કે, ફ્રાન્સને યુરોપના દાદા બનવાની ચળ ઊપડી છે તેથી મેક્રોં આ બધી વાતો કરે છે પણ આ બધી વાતો વાસ્તવિક નથી. બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી વિદાય લેવાનું છે અને જર્મની આંતરિક પ્રશ્નોમાં અટવાયેલું છે. આ સંજોગોમાં ફ્રાંસ યુરોપિયન યુનિયનનું નેતા સ્થાપિત થઈ શકે છે કેમ કે સ્પેન, ઇટાલી પણ જર્મનીની જેમ મુશ્કેલીમાં છે. આ કારણે મેક્રોંએ આ મમરો મૂક્યો છે પણ પોલાન્ડ તથા બાલ્ટિક સમુદ્રના કિનારે આવેલા યુક્રેન જેવા દેશો રશિયા સાથે કદી ના જોડાય. આ સંજોગોમાં યુરોપિયન યુનિયનને સ્વતંત્ર કરવાની વાતો વાસ્તવિક નથી. બીજી તરફ મોટો વર્ગ મેક્રોં સાથે સહમત છે અને યુરોપિયન યુનિયને પગભર થવું જોઈએ એવું કહે છે.
જોઈએ આ વિચાર વાસ્તવિક બને છે કે પછી વિચાર જ રહી જાય છે.