સુરતથી શારજાહ વચ્ચેની ફ્લાઈટના પાઈલોટ સુરતની દિકરી છે

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૧૯

 
 
 

ગુજરાત અને સુરતવાસીઓને જૈસ્મિન પર ગર્વ છે

સુરતવાસીઓનું ડાયરેક્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પ્રવાસ કરવાનું સપનું પૂરું થવા જઇ રહ્યું છે. શનિવારે રાત્રે 11.45 કલાકે શારજાહથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવશે, જે 180 મુસાફરોને લઇને રાત્રે 12.30 કલાકે ઉપડી જશે. સુરતથી હવે ડાયરેક્ટ શારજાહ જવું શક્ય બન્યું અને મહત્વની વાત એ છે કે આ સુરતથી શારજાહ વચ્ચેની ફ્લાઈટના પાઈલોટ એક મહિલા છે અને એ પણ સુરતની દિકરી છે. નામ તેનું છે જૈસ્મિન મિસ્ત્રી. જૈસ્મિન અત્યાર સુધીમાં ૪ હજાર કરતા વધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની ઉડાન ભરી ચૂકી છે.
 

 
 
આ ઉડાન ભરી જૈસ્મિન મિસ્ત્રી ગુજરાત અને સુરત માટે એક નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. ૧૯૯૩/૯૪માં પાયલોટની ટ્રેનિંગ દરમિયાન પણ જૈસ્મિને અમદાવાદથી સુરતનો રૂટ પસંદ કર્યો હતો. આજે તે સુરતથી શારજહાની ફ્લાઈટની કેપ્ટન બની છે.
 
જૈસ્મિન બાળપણથી જ પાઇલોટ બની વિમાન ઉડાવવા માંગતી હતી. તેના માતા પિતાને તેના પર ગર્વ છે. તેઓ કહે છે કે અમારી દિકરી એક કુશળ પાયલોટ છે. તેના માતા-પિતા સુરતમાં ઘોડદોડ રોડ પર આવેલ જીવકોર નગરમાં રહે છે. જૈસ્મિનના પિતા સુરતના ઉધનામાં એન્જિનિયરીંગ લેથ ઉનિટ ચલાવતા હતા. માતા સુરતની પ્રાથમિક શિક્ષણ શાળા સમિતિ દ્વરા ચાલતી એક શાળામાં શિક્ષક હતા. હાલ તેના માતા પિતા નિવૃત છે.
 

 
 
જૈસ્મિને સુરતના ગુજરાત મિત્ર નામના છાપાને આપેલી એક મુલાકાતમાં કહે છે કે બાળપણથી જ મને પાયલોટ બનવાનો વિચાર આવતો હતો. પણ તે માટેનું પૂરતું માર્ગદર્શન મારી પાસે ન હતું. ૧૯૯૩માં એક જાહેરાત પ્રસિદ્ધ થઈ. તે જાહેરાત મુંબઈ ફ્લાઈંગ ક્લબની ટ્રેનિંગ માટેની હતી. જેમાં ૪.૫૦ લાખના ખર્ચે ટ્રેનિંગ આપવાની વાત કરવામાં આવી હતી. જોકે તે વખતે આ ખર્ચ કરવો મારા માટે અઘરો હતો. પરંતું સગાવ્હાલાની મદદથી મારા પાયલોટ બનવા તરફનું આ પહેલું પગલું ભરવામાં હું સફળ રહી. જૈસ્મિન મિસ્ત્રીના પતિ રંતુલ મિસ્ત્રી પણ પાયલોટ છે.
 
જૈસ્મિનના માતા પિતાનું કહેવું છે કે જૈસ્મિન બાળપણથી જ કોઇ પણ કામને નાનું ગણતી નહીં. ખેતરમાં દવા છાંટવી હોય કે ઝાડ પરથી કેરી તોડવી હોય કે ઘરનું કામ કરવાનું હોય તે હંમેશાં આવા કામ કરવા તત્પર રહે છે. તે આગળનું વધારે વિચારે છે. બાળપણમાં તે કાગળનું વિમાન બનાવી ઉડાવતી હતી. ત્યારથી જ ખબર પડી ગઈ હતી કે જૈસ્મિન ભવિષ્યમાં કંઇક અલગ કરી બતવશે.