હંમેશાં સકારાત્મક રહો અને જીવનનો આનંદ માણો…

21 Feb 2019 14:43:37

 
 
આજે વ્યક્તિ એક અનોખા માનસિક તણાવમાં રહે છે. ટેન્શન અને પોતાના કાર્યમાં ડૂબેલો માણસ આજે દુનિયાથી વિખૂટો પડી ગયો છે. તેનામાં કાર્ય મનથી કરવાની તાલાવેલી નથી પણ તે ચિંતામાં રહીને જ કાર્ય કરતો રહે છે. જેનુ પરિણામ જોઇએ એટલું અને જોઇએ એવું મળતું નથી અને પાછો તે તણાવમાં ગરકાવ થઈ જાય છે. અંતે જેને કારણે વ્યક્તિ પોતાની સ્વાભિવકતા, પ્રસન્નતા ખોઇ બેસે છે.
 
તમને એવું લાગે છે કે ખૂબ મહેનત કરવા છતાં પણ તમને યોગ્ય પરિણામ મળી શકતું નથી? જવાબ હા હોય તો તમે નિરાશ વધુ રહેતા હશો. જ્યારે મહેનત છતાં પણ પરિણામ ન મળે ત્યારે વ્યક્તિ નિરાશામાં ડૂબી જાય છે અને પોતા અસહાય હોય તેવું અનુભવે છે.
 

હવે આનો ઉપાય શું છે?

 
જીવનનો આનંદ માણવો છે? આ રહ્યો એક શબ્દનો ઉપાય. ઉપાય સરળ છે. હંમેશા સકારાત્મક રહો. એક સનાતન સત્ય એવું છે કે વ્યક્તિ જેટલો સકારાત્મક હશે અને પોતાની ક્ષમતાઓનો સદુપયોગ કરનારો હશે તે એટલો જ આત્મવિશ્વાસી, પ્રસન્ન, ઉત્સાહી, દૂરંદેશીવાળો અને મુશ્કેલીઓ સામે ઝઝૂમનારો હશે.

ચાણક્ય કહે છે કે  

 
પોતાના પર આત્મવિશ્વાસ ન હોવો અને પોતાની પ્રતિભાને ન શોધવી અને બીજાનાં અનુભવથી પણ આપણે ન શીખી શકીએ તો યોગ્ય દિશામાં અગ્રેસર ન બની શકીએ. ચાણક્ય કહે છે કે બીજાના અનુભવથી પણ શીખવાનું રાખો, માત્ર પોતાના અનુભવથી જ શીખવાનું રાખશો તો જીવન ટૂંકુ પડશે.
 
માટે નકારાત્મકતા છોડો અને કામ પર હકારાત્મકતાથી ધ્યાન રાખો. સફળતાની સંભાવના ખૂબ વધી જાય છે. મહાન કાર્યો કરવા માટે તમારી પાસે પ્રબળ ઇચ્છાશક્તિ, દૃઢ વિશ્વાસ અને સકારાત્મક વિચારસરણી હોવી આવશ્યક છે. જેના દ્વારા તમે માર્ગમાં આવનારી બધી જ મુશ્કેલીઓને દૂર કરી શકો. કાર્યમાં સફળતા મેળવવા માટે વ્યક્તિએ વગર વિચાર્યે કોઇ કાર્યનો પ્રારંભ ન કરી દેવો પરંતુ પોતાની યોગ્યતા-ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરીને કાર્યનો પ્રારંભ કરવો.
 

આ સંદર્ભે વિચારક્રાંતીના ડૉ. પ્રણવ પંડ્યા કહે છે કે

આ માટે જરૂરી છે કે તમે એવા વ્યક્તિનાં સંપર્કમાં આવો અને સંસર્ગમાં રહો જેઓ સકારાત્મક અભિગમ ધરાવે છે અને નકારાત્મકતાથી દૂર રહેતા હોય. કારણ કે સંગતની અસર વ્યક્તિ ઉપર વધારે હોય છે. જેમને આવા લોકોનો કદાચ સંસર્ગ નથી થતો તેમણે મહાપુરુષોના જીવન પ્રસંગોને લગતું કે સન્માર્ગપ્રેરક પુસ્તકોનું વાંચન કરવું જોઇએ. કારણ કે સ્વાધ્યાય કરવો તે દરેક લોકો માટે લાભદાયક બની રહે છે, તેનાથી તમને નવા-નવા વિચારો જાણવા મળી શકે છે અને વ્યક્તિનું જ્ઞાનતંત્ર પણ વિકસે છે.
Powered By Sangraha 9.0