હિન્દુ એકતા પર સેક્યુલર સ્ટ્રાઇક ગુજરાત વાયા મહારાષ્ટ્ર-કર્ણાટક-કેરાલા

    ૦૬-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
 
૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં હિન્દુઓની અભૂતપૂર્વ એકતાને કારણે એક તરફ હિન્દુઓમાં નવા જોશ અને ઉમંગનો સંચાર કરી દીધો હતો તો બીજી તરફ હિન્દુત્વ વિરોધીઓને હાંફળા કરી દીધા હતા. હિન્દુ એકતાના વિરોધીઓને લાગ્યું કે, હિન્દુઓની આ એકતા એક દાયકો પણ ટકી ગઈ તો ભારત અને ભારતની રાજનીતિમાંથી આપણો એકડો નીકળી જશે.
અત્યાર સુધી હિન્દુના વિરોધમાં મુસ્લિમ કે ખ્રિસ્તીને લડાવવામાં આવતા હતા. પરંતુ એના બે પરિણામ આવ્યા એક હિન્દુ સંઘર્ષશીલ બન્યો અને બીજુ પરિણામ હિન્દુ જાગ્રત અને સંગઠિત બન્યો.
 
હિન્દુ જાગરણ થતાં જ તેની અસર રાજકીય ક્ષેત્રે પડી. જેને પરિણામે મુસ્લિમ અને ખ્રિસ્તી મતો પર આધાર રાખી ચૂંટણીઓ જીતના રાષ્ટ્રીય પક્ષોનો રકાશ શરૂ થયો. આ જોતાં હવે કહેવાતા સેક્યુલર જૂથોની રણનીતિ બદલાઈ છે. હવે નવી રણનીતિમાં હિન્દુની સામે મુસ્લિમ કે ખ્રિસ્તી નહીં, પણ હિન્દુની સામે હિન્દુને જ ખડો કરી હિન્દુ તાકાતને વિભાજિત કરવાની રણનીતિ દેખાઈ રહી છે. આ નવા એજન્ડા પર દેશમાં છેલ્લા કેટલાંક વર્ષમાં હિન્દુની અને હિન્દુને લડાવવાની મેલી રમત શરૂ થઈ ગઈ છે.

૮૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા સામે અત્યારે જ કેમ વિરોધ શરૂ થયો ?

કેરલમાં શબરીમાલા મંદિરમાં અમુક વયજૂથની મહિલાઓના પ્રવેશને લઈ રીતસરનું ઘમસાણ મચ્યું છે. એક બહોળો વર્ગ છે, જે પરંપરા અને આસ્થાની દુહાઈ આપી મંદિરમાં મહિલાપ્રવેશનો વિરોધ કરી રહ્યો છે. તો બીજો પક્ષ આ આખા મુદ્દાને મહિલા સ્વતંત્ર્ય સાથે જોડી કોઈપણ ભોગે સદીઓથી ચાલી આવતી આ પરંપરાને અપવિત્ર કરવા માટે ગમે તે હદે જવા તૈયાર છે, પરંતુ શું આ ખરેખર લૈંગિક ભેદભાવનો મામલો છે કે પછી માત્ર ને માત્ર રાજનીતિ ? કારણ કે શબરીમાલા મંદિરમાં પ્રવેશના સમર્થનમાં અહીંની માર્ક્સવાદી સરકાર દ્વારા જે લાંબીલચક મહિલા સાંકળ રચાઈ હતી અને મહિલાઓને વિરોધમાં ઉતારી હતી, તેમાં મોટી સંખ્યામાં બુરખા પહેરેલી મહિલાઓ અને ચર્ચ સંગઠનો સામેલ થયાં હતાં. માર્ક્સવાદી મહિલાઓના વિરોધ પ્રદર્શનની એ તસવીરો બહાર આવ્યા બાદ દેશભરમાં તેની વ્યાપક પ્રતિક્રિયા જોવા મળે એ સ્વાભાવિક છે. હવે પ્રશ્ર્ન એ થાય છે કે, મંદિરમાં પ્રદર્શન કરી રહેલા મુસ્લિમો અને ઈસાઈઓ ભગવાન અય્યપ્પાના ભક્ત ક્યાંથી થઈ ગયા ? બન્ને મતોમાં મૂર્તિપૂજાનો ઘોર વિરોધ કરવામાં આવ્યો છે.
 

 
 
આશ્ર્ચર્ય એ વાતનું છે કે, મંદિરમાં પ્રવેશ માટે આટલી મોટી સંખ્યામાં મુસ્લિમ અને ઈસાઈ મહિલાઓ રસ્તા પર ઊતરી આવે છે, છતાં ન તો કોઈ મુલ્લાઓ કે મુસ્લિમ સંગઠનો દ્વારા આનો વિરોધ થયો કે મહિલાઓ વિરુદ્ધ ફતવો બહાર પડ્યો કે ન તો કોઈ ચર્ચ દ્વારા ઈસાઈ મહિલાઓના કૃત્યની ટીકા કે નિંદા થઈ. આ બાબત એ શંકાને વધુ બળ આપે છે કે, માનો કે ન માનો આ વિરોધ પ્રદર્શન પાછળ માત્ર કોમ્યુનિસ્ટ તાકાતોનું જ નહીં, ઇસ્લામ અને ચર્ચનું પણ ષડયંત્ર છે, કારણ કે જે રીતે શબરીમાલા મંદિરમાં અમુક વયજૂથની મહિલાઓના પ્રવેશની વિરુદ્ધમાં ખુદ કેરલની મહિલાઓ લાખોની સંખ્યામાં સડકો પર ઊતરી આવી હતી અને આ મુદ્દે સમગ્ર કેરલના હિન્દુ એક થઈ ગયા હતા. સામ્યવાદીઓને પોતાની શાખ બચાવવા માટે બીજો કોઈ રસ્તો નહોતો, માટે એક ષડયંત્રના ભાગરૂપે મુસ્લિમ ઈસાઈ મહિલાઓને સડકો પર ઉતારી દેશભરમાં હિન્દુઓને ભ્રમિત કરવાની કોશિશ કરવામાં આવી કે, સરકારના નિર્ણયને ત્યાંની હિન્દુ મહિલાઓ પણ સમર્થન કરે છે.
હિન્દુ ધર્મ જ એકમાત્ર એવો ધર્મ છે જ્યાં કોઈપણ પૂજાપદ્ધતિ મહિલા-પુરુષ વગર સંપન્ન થતી નથી. હિન્દુ ધર્મની મોટાભાગની સાધનાપદ્ધતિઓ સ્ત્રી-પુરુષ બન્ને માટે છે. મોટાભાગનાં મંદિરોમાં સ્ત્રી-પુરુષ બન્ને જઈ શકે છે, પરંતુ કેટલીક સાધનાપદ્ધતિઓ માત્ર મહિલાઓ માટે જ છે, માટે ત્યાં પુરુષોનો પ્રવેશ નિષેધ હોય છે. તેવી જ રીતે કેટલીક સાધનાપદ્ધતિ પુરુષો માટે છે, માટે ત્યાં મહિલાઓ જઈ શકતી નથી. કેરલના તિરુઅનંતપુરમ્ સ્થિત વટ્ટુકલ મંદિર, થલાવાડીનું ચક્કુલાથુકાવુ મંદિર, રાજસ્થાનનું પુષ્કરનું બ્રહ્માનું મંદિરના ગર્ભગૃહમાં પરિણીત પુરુષો પ્રવેશી શકતા નથી. બિહારના મુઝફ્ફરપુરમાં માતા મંદિરમાં પણ વર્ષમાં એક વિશેષ સમયે પુરુષો જઈ શકતા નથી. આ પરંપરાઓનો સમાજ દ્વારા સહજતાથી સ્વીકારી કરેલો છે. આમ જો કેટલાંક મંદિરોમાં પુરુષોને પ્રવેશ ન આપવાથી પુરુષો સાથે અન્યાય નથી થતો તો પછી શબરીમાલા અન્યાયનું પ્રતીક કેવી રીતે ?

ટ્રિપલ તલાક મહિલા અધિકારમાં આવતા નથી ?

જે ઈસાઈ અને મુસ્લિમ મહિલાઓ શબરીમાલામાં પ્રવેશ માટે વિરોધનો ઝંડો લઈને નીકળી પડી હતી તેઓને ખબર હોવી જોઈએ કે, ભારત સહિત વિશ્ર્વભરના દેશોમાં મહિલાઓને મસ્જિદમાં પ્રવેશની અનુમતિ નથી. મુસ્લિમ મહિલાઓ નમાઝ તો પઢી શકે પણ પઢાવી શકતી નથી. મૌલવી નથી બની શકતી કે નથી નિકાહ પઢાવી શકતી. દેશની મુંબઈની પ્રખ્યાત હાઝી અલીપીરની દરગાહ સહિત દેશની એવી અનેક દરગાહો છે જ્યાં મુસ્લિમ મહિલાઓને પ્રવેશવા દેવામાં આવતી નથી. ક્યાંય કોઈએ કર્યો છે આનો વિરોધ ? મસ્જિદોમાં નમાઝ પઢવા-પઢાવવા દેવા માટે કે દેશભરની દરગાહોમાં પ્રવેશ માટે કેટલી બુરખાબાનુઓ રસ્તા પર આવી ? યાદ કરો ટ્રિપલ તલાકનું બિલ જ્યારે સરકાર દ્વારા લાવવામાં આવ્યું ત્યારે આજ બાનુઓ શરિયત મુદ્દાખિલત હમે મંજૂર નહીં, ઇસ્લામી શરિયત હમારા એઝાઝના બેનરો સાથે સડકો પર ઉતરી આવી હતી. ત્યારે મહિલા સમાનતા અને મહિલા અધિકારો કયા બુરખામાં ભરાઈ ગયા હતા ?
 

 
 
એવું કહેવાય છે કે, શબરીમાલા મુદ્દે હિન્દુ મહિલાઓને ન્યાય અપાવવા માટે એક લાખ ઇસાઈઓેએ દેખાવોમાં ભાગ લઈ આ ચળવળને સમર્થન આપ્યું હતું. કેરલમાં એક નન પર પાદરી દ્વારા વારંવાર બળાત્કાર થાય છે. જાતીય શોષણ થાય છે. ના છૂટકે નનને જાહેરમાં પોતાની આબ‚ના લીરા ઉડાડી રાડો પાડી પાડીને કહેવું પડે છે કે, મારું જાતીય શોષણ થયું છે. મને ન્યાય આપો. એ બેબસ નનનો ચિત્કાર કેટલાં ઈસાઈ સંગઠનો, કેટલી ઈસાઈ મહિલાઓના કાને અથડાયો ? ત્યારે કેરલની કોમ્યુનિસ્ટ સરકારે કેમ મહિલાઓને આ મહિલા અત્યાચારના શોષણની વિરુદ્ધમાં સડકો પર મહિલા ચેન બનાવવાનું આહ્વાહન ન કર્યું? કેમ બુરખાબાનુઓનાં ધાડેધાડાં કેરલની સડકો પર ઊતરી ન આવ્યાં ? કેરલ સરકારને અને ત્યાંનાં ઈસાઈ સંગઠનોને અને મુસ્લિમ બાનુઓને માત્ર હિન્દુ મહિલાઓના જ અધિકાર અંગેની ચિંતા છે ? કે પછી આની પાછળ સામ્યવાદ, ચર્ચ અને ઇસ્લામનું હિન્દુઓને જ હિન્દુઓની સામે ઊભા કરી દેવાનું ષડયંત્ર ?
 
યાદ કરો શનિ શિંગણાપુરના શનિદેવના મંદિરમાં મહિલાપ્રવેશનો વિવાદ અને પોતાને મોટા મહિલા કાર્યકર્તા ગણાવતી તૃપ્તિ દેસાઈનું નાટક, મહિલા સમાનતાને નામે શનિ શિંગણાપુરને સંગ્રામપુર બનાવી દેનાર તૃપ્તિ દેસાઈ ૨૦૧૭ બાદ કેટલી વખત શનિ મંદિરના દર્શને ગયાં ? હાઝીઅલીની દરગાહમાં મુસ્લિમ મહિલાઓને પ્રવેશ આપવા મુદ્દે જ્યારે તેમને પ્રશ્ર્ન પૂછવામાં આવે છે ત્યારે તેમના ચહેરાનો રંગ લીલો કેમ થઈ જાય છે ?

હિન્દુઓને વિભાજિત કરવાનું ષડયંત્ર

આ પ્રકારના સામ્યવાદી અને હિન્દુત્વ વિરોધી તાકાતોના ગતકડામાં આવી, ફસાઈ જતાં હિન્દુઓ વિશેષ કરીને યુવાઓએ એ બાબત સમજવી રહી કે દેશમાં આ પ્રકારની આખી લોબી સક્રિય છે, એ જેમનું કામ માત્ર હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ પરંપરાને બદનામ કરી અપવિત્ર કરવાનું છે. જો એમ ન હોય તો પછી ક્યારેક શનિ શિંગણાપુર તો ક્યારેક શબરીમાલાનું રમખાણ મચાવનાર આ બ્રિગેડ ક્યારેય મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ કે હાજીઅલીની દરગાહમાં મહિલાઓના પ્રવેશને લઈ કેમ મેદાને પડતી નથી ? અરે જે ત્રિપલ તલાકનો મુદ્દો સીધેસીધો મુસ્લિમ મહિલાઓનાં હિતો સાથે જોડાયેલો છે તેને લઈને આ બ્રિગેડ એક હરફ સુધ્ધાં ઉચ્ચારતી કેમ નથી ? શું ખરેખર આ બ્રિગેડને હિન્દુ મહિલાઓ માટે લાગણી છે કે પછી આગળ જણાવ્યું તેમ કોઈપણ બહાને હિન્દુઓ સામે હિન્દુઓને ઊભા કરી દેવાનું ષડયંત્ર ? છેલ્લા કેટલાક સમયની ઘટનાઓ જુઓ. ક્યારેક મહિલા અધિકારના નામે તો ક્યારેક જાતિના નામે આપણા દેશમાં હિન્દુઓ સામે જ હિન્દુઓને લાવી દેવાના કુપ્રયાસોએ હદ વટાવી છે.
 
છેલ્લા કેટલાય સમયથી ચૂંટણીઓ આવતાં જ ક્યારેક આરક્ષણના નામ પર તો ક્યારેક જાતીય હિંસાના નામે તો ક્યારેક કોઈ ઐતિહાસિક ઘટનાના નામે હિન્દુઓને એકબીજા સાથે લડાવવાના ષડયંત્રની પરંપરા ચાલી છે. કમનસીબે આ ષડયંત્રમાં દેશવિરોધી તત્ત્વો ઘણેખરે અંશે સફળ પણ થયાં છે. આ સફળતાને કારણે દેશવિરોધી તાકાતોએ હિન્દુ-હિન્દુમાં ભેદ પડાવી સત્તા મેળવવાનું હાથવગું સાધન બનાવી લીધું છે. એક સમયે દેશમાં હિન્દુઓને બિનહિન્દુઓ સાથે સંઘર્ષ કરાવી રાજનૈતિક રોટલા શેકવાની છેક અંગ્રેજકાલીન પરંપરાનો ભરપૂર ઉપયોગ થતો, પરંતુ હિન્દુઓમાં રાષ્ટ્રવાદી સંગઠનો અને પક્ષોના પ્રયાસોથી હિન્દુઓમાં જાગૃતિ આવી અને હિન્દુ સંગઠિત થવા લાગ્યા, જેનાં પરિણામ પણ ૨૦૧૪ અને ત્યાર પછીની અનેક ચૂંટણીઓમાં જોવા મળ્યાં. પરિણામે આ બ્રિગેડને ખબર પડી ગઈ છે કે જ્યાં સુધી હિન્દુ સંગઠિત હશે ત્યાં સુધી તેમની દુકાન ચાલવાની નથી, માટે હિન્દુઓને એક-મેક સાથે ભેળવી લડાવી વિભાજિત કરો.
 
હિન્દુઓમાં ફૂટ પડાવી એકમેક સાથે લડાવી રાજ કરવાની આ પરંપરા નવી નથી. પહેલાં મુગલોએ, ત્યાર બાદ અંગ્રેજોએ અને હવે આ દેશની કથિત સેક્યુલર જમાત પણ આ જ રસ્તે ચાલી રહી છે. રાજ કરી રહી છે. ૨૦૧૪નાં પરિણામોમાં એક તારણ બહાર આવ્યું કે હિન્દુઓએ સૌપ્રથમ વખત જાતિ-પાતિના વાડાઓ ઠેકી રાષ્ટ્રવાદના નામે એક જ પક્ષને મત આપ્યા છે. ૨૦૧૪ બાદની રાજનીતિને જુઓ, અનેક રાજ્યોમાં અનામતને લઈ અલગ-અલગ આંદોલનોની પરંપરા ચાલી સવર્ણ-દલિત, દલિત-મરાઠા જેવાં હિંસક આંદોલનો ૨૦૧૪ બાદ અચાનક ફાટી નીકળ્યાં હતાં.
 
ભારતના રાજકારણની પરંપરા રહી છે કે આવાં આંદોલન અને ઝઘડાઓ કોઈ અજાણ્યા ચહેરાના નેતૃત્વમાં શરૂ થાય છે, ત્યારબાદ ચૂંટણી પહેલાં તે કોઈ પક્ષમાં જોડાઈ જાય છે કે તેને સમર્થન આપી દે છે. ૨૦૧૪ બાદ દેશભરમાં હિન્દુ એકતાની હાક વાગતી હતી, જેને લઈ સમગ્ર દેશના હિન્દુઓમાં એક ઉત્સાહનું વાતાવરણ હતું. પરંતુ દેશમાં કેટલીક હિન્દુત્વ વિરોધી તાકાતો હિન્દુઓનો એ ઉત્સાહ લાંબો સમય ન ટકવા દેવાનાં ચૂપચાપ ષડયંત્રો કરી રહી હતી. જેનો પહેલો પ્રયોગ ગુજરાતમાં થયો. પહેલાં પટેલ આંદોલન અને ત્યારબાદ ઉનાની અમાનવીય ઘટનાએ પટેલો સામે અન્ય ગુજરાતી સમાજ તો દલિતો સામે સવર્ણોને લાવી દીધા. ૨૦૧૬નો ઊનાકાંડની ઘટનાને લઈ લો, જેમાં કથિત ગૌરક્ષકો દ્વારા કેટલાંક દલિતોને બેરહેમીપૂર્વક ફટકારવાની ઘટના બને છે અને આશ્ર્ચર્યજનક રીતે આ ઘટનાના સમાચાર કોઈ સ્થાનિક ન્યૂઝ ચેનલ્સમાં આવવાને બદલે છેક હૈદરાબાદની એક ન્યૂઝ ચેલન્સમાં પ્રસારિત થાય છે અને ગણતરીના કલાકોમાં જ એ વીડિયો સમગ્ર દેશમાં લોકોના મોબાઈલમાં પહોંચી જાય છે પછી જે થયું તે સૌ કોઈ જાણે જ છે. જે ગુજરાત હિન્દુત્વની પ્રયોગશાળા ગણાતું તે ગુજરાતને જ્ઞાતિવાદની આગમાં ભડકે બાળવામાં મળેલી સફળતા બાદ હિન્દુત્વ વિરોધી ગેંગનો આત્મવિશ્ર્વાસ વધ્યો, પરિણામે મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાંવમાં જે ૨૦૦ વર્ષોમાં ન થયું તેવી અનહોની થઈ.
 
આમ તો ભીમા કોરેગાંવ પાછલા ૨૦૦ વર્ષોથી મહાર જાતિના લોકો મરાઠા સૈન્ય પરના વિજયની ઉજવણી કરતા હતા. ક્યારેય પણ નાનો અમથી કાંકરી ચારાની ઘટના પણ બની ન હતી. પરંતુ ૨૦૧૮માં આયોજનપૂર્વક અર્બન નક્સલીઓ દ્વારા અલગાર પરિષદના નામે રેલી કાઢવામાં આવી જેમાં ઉશ્કેરણીજનક ગીતો લલકારવામાં આવ્યા. પેશવાઈને કબ્રસ્તાનમાં દફનાવી દેવાના ચોપાનિયા વહેંચવામાં આવ્યા પરિણામે એકાદ-બે સ્થાનો પર મરાઠી સમાજના આદર્શ મહાપુરુષોની પ્રતિમાઓને ખંડિત કરવામાં આવી અને દલિત મરાઠા અને મરાઠાઓ વચ્ચે હિંસક અથડામણ ફાટી નીકળી. ભીમા કોરેગાંવના એ આશ્ર્ચર્યજનક જાતિ સંઘર્ષ બાદ લગભગ તમામ તપાસોમાં સામે આવ્યું છે કે, આ પ્રદર્શનો અને હુમલા પાછળ અર્બન નક્સલ ગેંગનો હાથ છે. જેમનો ઉદ્દેશ્ય જાતિવાદનો જે સંઘર્ષ અત્યાર સુધી ગ્રામીણ સ્તરે જોવા મળતો હતો, તેને દેશના શહેરો સુધી લઈ જવાનો હતો.
 

 
 
રોહિત વેમુલાની ઘટનાને લઈ લો. હૈદરાબાદની આંબેડકર યુનિવર્સિટીનો રોહિત વેમુલા નામનો આશાસ્પદ વિદ્યાર્થી કોઈ કારણસર આત્મહત્યા કરી લે છે. આજે પણ રોહિત વેમુલા દલિત હતો કે બિનદલિત તે મુદ્દે વિવાદ ચાલે છે. છતાં તેને દલિતમાં ખપાવી દેશભરની યુનિવર્સિટીઓમાં દલિત વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવે છે. તેમની સાથે આભડછેડ ભેદભાવ કરવામાં આવે છે. પરિણામે રોહિત વેમુલા જેવા વિદ્યાર્થીને આત્મહત્યા કરવા મજબૂર પડે છે. કથિત બુદ્ધિજીવીઓ વામપંથીઓએ જોરદાર અભિયાન ચલાવવામાં આવ્યું. પરિણામે અનેક યુનિવર્સિટી કેમ્પસોમાં દલિત-બિનદલિત હિન્દુઓ સામ-સામે આવી ગયા હતા. પ્રથમ ઊનાકાંડના બહાને ગુજરાત, વેમુલાના બહાને આંધ્રપ્રદેશ સહિત દેશભરના શહેરી વિસ્તારો અને ભીમા કોરેગાંવના બહાને મહારાષ્ટ્રમાં જાતિવાદી સંઘર્ષ ભડકાવવામાં આ ગેંગ કેટલેક અંશે સફળ પણ રહ્યાં છે.
 
ગત વર્ષે સાબરકાંઠાના ઢુંઢર ગામે દોઢ વર્ષની ઠાકોર સમાજની દીકરી પર ઉત્તર ભારતીય યુવાન દ્વારા બળાત્કારની ઘટના બને છે અને આ ઘટનાને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત કેટલાક તત્વો દ્વારા એટલી હદે ભડકાવવામાં આવે છે કે, રાજ્યભરમાં બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતનાં ઉત્તર ભારતીયો પર હુમલો શરૂ થાય છે. જેના પડઘા બિહાર, ઉત્તરપ્રદેશમાં પણ પડે છે. આ પ્રકારનાં બળાત્કારની ઘટનાઓ તો ૨૦૧૪ પહેલાં પણ બનતી હતી. લોકોના હિંસક વિરોધ પ્રદર્શનો પણ થતાં, પરંતુ બળાત્કારની ઘટનાને લઈ કોઈ વિશેષ પ્રદેશના લોકો પર હુમલાની ઘટના ગુજરાતમાં પ્રથમવાર બની હતી.
 
ભીમ આર્મી, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, કનૈયા કુમાર, ઉમર ખાલિદ જેવાં અનેક મહોરાં છે, જેમને સેક્યુલર જમાતે પોતાનાં હથિયાર બનાવી રાખ્યાં છે અને આ હથિયારો થકી તે પોતાની રાજનૈતિક મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવા ઘાંઘી બની છે.
આપણી સૌથી મોટી કમનસીબી એ છે કે, આપણી આંખો ત્યારે ખૂલે છે, જ્યારે આપણી વિરુદ્ધ ખૂબ મોટા ષડયંત્રનો દાવ ચાલી ગયો હોય અને આપણુ ખૂબ મોટું નુકસાન થઈ ચૂક્યું હોય ત્યારે જઈને ક્યાંક આપણે એક સમાજના રૂપમાં સંગઠિત થઈએ છીએ. જ્યાં સુધી હિન્દુત્વ પર ખુલ્લેઆમ પ્રહાર થતા નથી ત્યાં સુધી ન તો કોઈ હિન્દુત્વની લહેર ઊઠે છે કે ન તો હિન્દુ એકતા.
 

 
 
૨૦૧૯ની ચૂંટણીઓ હાથવેંતમાં છે. આવનારી ચૂંટણીઓએ ભારતનું ભવિષ્ય નક્કી કરનારી સાબિત થશે એ વાતમાં શંકાને સ્થાન નથી ત્યારે સત્તાપીપાસુ રાષ્ટ્રવિરોધી તત્ત્વો હિન્દુઓને વિભાજિત કરવા શૈતાનને પણ સારો કહેવડાવવા સુધીની હદે જશે અને તેમની આ હદને કોઈ રાજકીય પક્ષ કે સંગઠન નહીં હિન્દુ સમાજ જ હદમાં રાખી શકશે. પ્રત્યેક જાત-પાતથી પર થઈને વિચારવાનો સમય છે. એક સમાજ તરીકે આપણી વચ્ચે અનેક મતભેદો હોઈ શકે છે, પરંતુ જ્યારે દેશની વાત આવે છે, ત્યારે રાષ્ટ્રધર્મ જ આપણો ધર્મ છે અને આપણા રાષ્ટ્રને બચાવવું એ સૌની ફરજ છે. જે લોકો દેશના ટુકડા-ટુકડા કરવાનાં, હિન્દુ-હિન્દુને લડાવવાનાં, હિન્દુ સમાજને ખંડ-ખંડ કરવાનાં સ્વપ્નો સેવી રહ્યા છે તેમનાં એ સ્વપ્નોને દુ:સ્વપ્ન બનાવી દેવાનો સમય ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ છે.

કેટલાક લોકો  ભગવાન શ્રી હનુમાનજીની તસવીર પર થૂંકી રહ્યા હતા.

થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક લોકો જય ભીમનો નારા લગાવતાં ભગવાન શ્રી હનુમાનજીની તસવીર પર થૂંકી રહ્યા હતા. જૂતાં મારી રહ્યા હતા. આવા અનેક વીડિયોમાં ભીમ આર્મીના બેનર હેઠળ હિન્દુ-દેવી દેવતાઓને અપમાનિત કરવાના આવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા રહે છે. મીડિયા દ્વારા થયેલા ખુલાસામાં એ વાત જગજાહેર થઈ ચૂકી છે કે, ભીમ આર્મી એ દલિતોના અધિકારો માટે લડનારું કોઈ સામાજિક ક્રાંતિકારી સંગઠન નથી, પરંતુ રાજનૈતિક ષડયંત્રોથી જન્મેલું એક કલંક માત્ર છે, માટે બહુજન સમાજ પાર્ટીનાં માયાવતી પણ આ સંગઠનને છેટેથી જ જય ભીમ કહે છે. કેટલીક મીડિયા એજન્સીઓનું માનીએ તો ભીમ આર્મીને ખાણ માફિયા હાજી ઇકબાલ તરફથી ફંડિંગ મળે છે. એટલે સ્પષ્ટ છે કે, કટ્ટર ઇસ્લામિક શક્તિઓ હિન્દુ દલિતો ને સવર્ણ હિન્દુઓ વચ્ચે સંઘર્ષ ભડકાવી પોતાનાં ધાર્મિક રાજનૈતિક હિત સાધવામાં લાગી છે.

 મુગલ કાળમાં બાદશાહો દ્વારા કોઈ હિન્દુ મંદિર પર હુમલો

મુગલ કાળમાં બાદશાહો દ્વારા કોઈ હિન્દુ મંદિર પર હુમલો કરવો હોય તો તેના વહીવટમાં ગેરરીતિઓ થાય છે અને મંદિર વ્યભિચારનો અડ્ડો બની ગયું છે નો આરોપ લગાવી મંદિર પર હુમલો કરી તેને નેસ્તનાબૂદ કરાતું. કાશી વિશ્ર્વનાથ સહિત અનેક મંદિરો એ વાતની સાક્ષી પૂરે છે. બરોબર એ જ ઢબ વર્તમાનમાં અપનાવાઈ રહી છે. હિન્દુ ધર્મમાં એક વર્ગ થકી જ એક વર્ગનું શોષણ થઈ રહ્યુ છે. તેના અધિકારોને દબાવવામાં આવી રહ્યા છે. હિન્દુઓને હિન્દુઓના અત્યાચારોથી મુક્ત કરાવવાના બહાને હિન્દુઓને હિન્દુ સામે લાવી લડાવી મારવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. કર્ણાટકના લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવાની માંગ હોય કે પછી શબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ. તમામ ઘટનાઓ આ જ રણનૈતિક ષડયંત્ર મુજબ ચગાવવામાં આવી રહી છે.