૯૮ વર્ષે અડીખમ પરેડવીર : આઝાદ હિંદની ફોજના સિપાહીનું આવું સન્માન પહેલીવાર થયુ છે

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૯

 
૭૫ વર્ષ પહેલાં નેતાજી સુભાષચંદ્ર બોઝે જે ‘આઝાદ હિંદ ફોજ’ની સ્થાપના કરી હતી તેને દેશ આઝાદ થયા પછી પહેલી વાર ગણતંત્ર દિનની પરેડમાં ભાગ લેવાનો મોકો મળ્યો. આ ફોજના સિપાહીઓમાંના એક વયોવૃદ્ધ લલતીરામ વાગોળે છે જૂનાં સંસ્મરણો...
ભારતને બ્રિટિશ હકૂમતથી આઝાદ થયે ૭૨ વર્ષ થયાં અને ૨૦૨૨માં એ આઝાદીનો અમૃત-મહોત્સવ ઊજવાશે. જોકે, અંગ્રેજોએ અધિકૃત આઝાદી આપી તેની પહેલાં ૨૧, ઑક્ટોબર, ૧૯૪૩માં ભારતના સપૂત, યોદ્ધા અને નેતા સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં આઝાદ હિંદ ફોજ (ઇન્ડિયન નેશનલ આર્મી - આઈ.એન.એ.)ની સ્થાપના કરીને ત્યાં સૌ પ્રથમ વાર દેશને આઝાદ ઘોષિત કરી પહેલવહેલો ધ્વજ ફરકાવ્યો હતો. આ મહાન ઘટનાને ૨૧, ઑક્ટોબર, ૨૦૧૮ને રવિવારના દિવસે ૭૫ વર્ષ પૂરાં થયાં ત્યારે સુભાષચંદ્ર બોઝ અને તેમની પૂરી આઝાદ હિંદ ફોજને સન્માન આપતાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઈ.એન.એ.ના અમૃત-મહોત્સવની પણ ઉજવણી કરી હતી. આમ તો દર વર્ષે વડા પ્રધાન ૧૫મી ઑગસ્ટે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવીને સ્વાતંત્ર્ય દિન ઊજવતા હોય છે, પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર ગત ઑક્ટોબર મહિનામાં વડા પ્રધાને રાષ્ટ્રીય ધ્વજ લાલ કિલ્લા પર ફરકાવીને આ ગુમનામીમાં ગરક થઈ ગયેલી આઝાદ હિંદ ફોજની ગરિમા પાછી આણવાનો પ્રયત્ન કર્યો હતો. એ વખતે ન જોયા હોય તો ૨૬મી જાન્યુઆરીએ આ વયોવૃદ્ધ જવાનને પરેડમાં ભાગ લેતા જોયા હશે. ચાલો, તેમના ભૂતકાળનાં સંસ્મરણોને વાગોળીએ.

લગ્ન થાય એ પહેલાં જ દેશસેવા માટે ભાગી છૂટ્યા

લલતીરામે ૭૩ વર્ષ બાદ આઝાદ હિંદ ફોજની ૭૫મી વર્ષગાંઠે એવો જ યુનિફોર્મ પાછો પહેર્યો હતો, જે તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝની સાથે રહેતા ત્યારે પહેર્યો હતો. નખશિખ દેશભક્ત એવા લલતીરામની જિંદગી પણ અતિ રોમાંચક અને સાહસથી ભરપૂર હતી. હરિયાણાના જૂજ્જર જિલ્લામાં મૂળ દૂબલધન ગામમાં જન્મેલા લલતીરામ વર્ષ ૧૯૪૧માં આઝાદ હિંદ ફોજમાં જોડાયા. ફોજમાં ભરતી થઈ એના થોડા દિવસો પહેલાં જ તેમની સગાઈ ચાંદકૌર નામની યુવતી સાથે થઈ હતી, પરંતુ લલતીરામના માથા પર તો આઝાદીનું ભૂત સવાર થઈ ચૂક્યું હતું. તેઓ એ અરસામાં અન્ય સૈનિકો સાથે ઘરથી લાપતા થઈ ચૂક્યા હતા. જ્યારે એ પાછા ફર્યા ત્યારે તો સગાઈને પાંચ વર્ષ થઈ ચૂક્યાં હતાં. જોકે, ચાંદકૌરે ત્યાં સુધી રાહ જોઈ હતી. ૧૯૪૬માં લલતીરામ ચાંદકૌર સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા.

બાપ તેવા બેટા

દેશભક્ત લલતીરામના પાંચે દીકરાઓ પણ તેમના જ પથ પર ચાલીને દેશ-સેવાની ભાવના સાથે લશ્કરમાં જ હતા, આટલું જ નહીં તેમની ત્રીજી પેઢીમાં ૯ પૌત્રો છે, તેમાંથી પાંચ પૌત્રો આજે પણ લશ્કરમાં સેવા આપે છે અને એક પૌત્રી પોલીસ ખાતામાં સેવા આપે છે, જ્યારે એક પૌત્ર વિપકકુમાર લલતીરામ પાસે રહીને તેમની સેવાશુશ્રૂષા કરે છે. હરિયાણાના એક જ ઘરના એક ડઝન સભ્યો લશ્કર કે પોલીસસેવામાં હોય એવું પણ કદાચ પહેલી વાર બન્યું હોય તો નવાઈ નહીં.
 

 

સુભાષચંદ્ર બોઝ પોતાના હાથેથી તેમને ખવડાવતા

૧૯૪૧થી ૧૯૪૬ આ પાંચ વર્ષો તેમણે સુભાષચંદ્ર બોઝ સાથે દેશ-વિદેશોમાં ગાળ્યા એ ખરેખર કઠિન તપશ્ર્ચર્યા જેવો સમય હતો. આ સમયગાળા દરમ્યાન તેઓ દેશ-વિદેશમાં અનેક યુદ્ધ લડ્યા. અમ્બાલા, સિંગાપુર, હોંગકોંગ, થાઈલેન્ડ, જાપાન, કોલકાતા (જગરકચા)ની જેલોમાં પણ રહ્યા. સુભાષચંદ્રના કડક આદેશોનું પાલન કર્યું. તેમના ઠપકા પણ ખાધા અને તેમના હાથેથી ભોજન પણ કર્યું. લલતીરામ કહે છે કે તેઓ નેતાજીની ઘણી જ નજીકની વ્યક્તિઓમાંના એક હતા. નેતાજી તેમનું એક બાળકની માફક ધ્યાન રાખતા, જો કોઈ ભૂલ થાય તો ખિજાતા તો ક્યારેક પ્રેમથી વાત કરીને મનાવી લેતા. કેટલીય વાર તો નેતાજીએ તેમને પોતાના હાથેથી ખવડાવ્યું હતું.

ત્રણ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થયા

રાષ્ટ્રપતિ ડો. એ પી જે અબ્દુલ કલામ દ્વારા બે વાર, પ્રણવ મુખરજી અને રામનાથ કોવિંદ દ્વારા એક-એક વાર સન્માનિત થઈ ચૂકેલા લલતીરામ ૯૮ વર્ષે પણ ખુદ ચાલીને જ સન્માન ગ્રહણ કરવા પહોંચ્યા હતા. આ ઉંમરે પણ હરિયાણા સ્વાતંત્ર્ય-સેનાનીના ચેરમેનપદે સ્વાતંત્ર્ય-સૈનિકોના પરિવારના હિત માટે કાર્ય કરી રહ્યા છે. દેશની આઝાદી બાદ પહેલી વાર એવું બન્યું છે કે હરિયાણા સ્વાતંત્ર્યસેનાની સમિતિના ચેરમેન તરીકે આઝાદ હિંદ ફોજના એક સૈનિકને નીમવામાં આવ્યા હોય અને આ માન સહુ પ્રથમ લલતીરામને મળ્યું છે.

તાળાં તોડ્યાં હતાં

આઝાદ હિંદ ફોજની સ્થાપનાના થોડા જ સમયમાં બ્રિટિશ સરકારે લલતીરામની ધરપકડ કરી, તેમને કલકત્તાની એક જેલમાં રાખ્યા હતા. આ જેલમાંથી તેમને બીજા સિપાઈઓ સાથે રેલગાડીમાં દિલ્હી લઈ જવાઈ રહ્યા હતા. અત્યંત ગુપ્ત રીતે આ કાર્યવાહી થઈ રહી હતી, પરંતુ કોણ જાણે કેમ લલતીરામના ચાહક મિત્રોને આ વાતની ખબર પડી ગઈ. તેમણે આજનું પ્રયાગરાજ (જ્યાં હાલ કુંભમેળો ચાલી રહ્યો છે) અને એ વખતના અલાહાબાદ સ્ટેશને ઊભેલી ગાડીમાં ડબ્બા બંધ કરીને લઈ જવાતા લલતીરામ અને સાથીઓને તાળાં તોડીને છોડાવ્યા હતા. દરેકને ભરપેટ ભોજન કરાવી માનસન્માન સાથે દિલ્હી રવાના કર્યા હતા. દેશદાઝની ભાવના આઝાદ હિંદ ફોજના સૈનિકોમાં તો હોય, પરંતુ તેમના બિનલશ્કરી સાથીઓએ પણ આ કામ કરીને તે વખતે અંગ્રેજોનો ખોફ વ્હોરી લીધો હતો.
 

 

જનરલ બક્ષી અને અજિત ડોભાલ નિમિત્ત બન્યા

આઝાદ હિંદ ફોજના સિપાઈઓ રાજપથ પર ગણતંત્ર દિને યોજાતી પરેડમાં ભાગ લઈ શકે તે માટે રિટાયર્ડ મેજર જનરલ ડો. જી. ડી. બક્ષીએ પણ ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમણે થોડા મહિના અગાઉ વડાપ્રધાન મોદી સમક્ષ આ બાબતે રજૂઆત કરી હતી. સરકારે બક્ષીની આ માગણીનો સ્વીકાર કર્યો હતો. આમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનું પણ યોગદાન હતું. ડૉ. બક્ષીએ કહ્યું હતું કે દેશના અસલી આ હીરોને ઘણા વખત પહેલાં જ પરેડમાં સામેલ કરી સન્માન આપવાની જ‚ર હતી. ઉલ્લેખનીય છે કે આ ૨૬ જાન્યુઆરીએ આવું સન્માન લલતીરામની સાથે તેમના બીજા ત્રણ સાથીઓને પણ મળ્યું છે, જેમાં ૯૯ વર્ષના પરમાનંદ, ૯૭ વર્ષના હીરાસિંહ અને ૯૫ વર્ષના ભાગમલ પણ સામેલ છે. સેનાના મુખ્યાલય - દિલ્હી ક્ષેત્રના ચીફ ઑફ સ્ટાફ મેજર જનરલ રાજપાલ પુનિયાએ જણાવ્યું હતું કે, ૯૫ થી ૧૦૦ વર્ષ સુધીના આ જવાનોએ પરેડમાં ભાગ લીધો એ ભારતીય લશ્કર માટે પણ ગૌરવ લેવા જેવી વાત છે.

મોડે મોડે પણ કદર થઈ ખરી

દેશ આઝાદ થયો પછી સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીઓને જાણે ભુલાવી દેવામાં આવ્યા હતા. જોકે, દેશને સ્વતંત્ર કરવામાં આઝાદ હિંદ ફોજનો મહત્ત્વનો ફાળો હતો. ૧૯૪૩માં સિંગાપુરમાં જાપાનની મદદથી આઝાદ હિંદ ફોજની સ્થાપના થઈ પછી તેણે આંદામાન અને નિકોબાર પર હુમલો કરીને ભારતનો ઝંડો પણ ફરકાવ્યો હતો. આઝાદ હિંદ ફોજના જવાનોમાંથી પ્રેરણા લઈને ભારતના નેવી સહિતના હજારો સૈનિકોએ અંગ્રેજ સરકાર સામે બળવો કર્યો હતો. બીજી બાજુ વિશ્ર્વયુદ્ધમાં બ્રિટન આર્થિક રીતે પણ ખુવાર થઈ ચૂક્યું હતું. ઘણા ઈતિહાસકારોના મતે માત્ર ગાંધીજીની અહિંસક ચળવળથી અંગ્રેજો દેશ છોડીને ભાગ્યા ન હતા. ઉપરોક્ત પરિબળોએ પણ દેશને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. જોકે નેતાજી અને આઝાદ હિંદ ફોજના ભુલાઈ ગયેલા યોગદાનને આટલાં વર્ષે પણ યાદ કરીને તેમને ઉચ્ચ સન્માન આપવામાં આવ્યું એટલે એમ કહી શકાય કે મોડે મોડે પણ કદર થઈ ખરી !
 
- પ્રથમેશ મહેતા