શ્રી મનોહર પારીકરે વડોદરા ખાતે કહેલો એક અદ્ભુત પ્રસંગ

    ૧૮-માર્ચ-૨૦૧૯

મનોહર પર્રિકર ભારતના કોઈ રાજ્યના મુખ્યમંત્રી બનનારા પહેલા એવા વ્યક્તિ હતા જેમણે IIT ગ્રેજ્યુએશન કર્યુ હતુ. તેઓ શરૂઆતમાં સ્કૂટર ચલાવીને ઓફિસે જતા.
 
ગંભીર બીમારીને કારણે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર (Manohar Parrikar) નું આજે નિધન થઈ ગયુ છે. તેઓ 63 વર્ષના હતા. ગઈ ફેબ્રુઆરીમાં બીમારીની જાણ થયા પછી તેમણે ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કના હોસ્પિટલમાં સારવાર કરાવી. પરંતુ છેવટે 17 માર્ચના રોજ તેઓ જીવનની જંગ હારી ગયા. આવા સમયે આવો તેમને તેમણે જ કહેલા એક પ્રંસગ થકી યાદ કરીએ…
 
દિવંગત મુખ્યમંત્રી શ્રી મનોહર પારીકર નાની ઉંમરમાં હજારો વર્ષ આગળનું વિઝન ધરાવતા હતા. તેનું એક જ્વલંત ઉદાહરણ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ વડોદરામાં ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહેલા આ પ્રસંગમાં મળે છે.
 
તેઓ એ કહેલું કે, ‘હું ગોવાના પર્રા ગાંમનો રહેવાસી છું. તેથી અમે પારીકર તરીકે ઓળખાઈએ છીએ. મારું ગામ તરબૂચોની ખેતી માટે પ્રસિદ્ધ છે. મારા બાળપણનો એક પ્રસંગ છે. અમારા ગામના એક ખેડૂત દર વર્ષે મે મહિનામાં પાકની મોસમના અંતમાં તરબૂચ ખાવાની હરિફાઈ રાખતા. બાળકો જેટલા તરબૂચ ખાઈ શકે તેટલા ખાવાની છૂટ હતી. એ તરબૂચ ખૂબ મોટી સાઈઝના રહેતા. થોડાક વર્ષો બાદ હું મુંબઈના આઈઆઈટીમાં એન્જિનિયરીંગ કરવા આવ્યો અને પૂરા સાડા છ વર્ષો બાદ મારા ગામમાં પાછો ગયો. સૌથી પહેલાં હું મોટા તરબૂચની શોધમાં નીકળ્યો. પરંતુ હવે જે તરબૂચ હતા તે ખૂબ નાની સાઈઝના હતા.
 
હું વર્ષો પહેલાં હરિફાઈ યોજતા હતા તે ખેડૂતના ઘરે ગયો. હવે તેમનો દીકરો ખેતી કરતો હતો. તે પણ હરિફાઈ રાખતો પરંતુ તેમાં ખૂબ ફેર હતો. જૂના ખેડૂત હરિફાઈ વખતે બાળકોને કહેતા કે તરબૂચના બીજ દાંતથી દબાવી દેતા નહીં અને એક તરફ ભેગા કરજો. આવું કરીને તે ખેડૂત એ બીજનો ઉપયોગ નવો પાક ઉગાડવામાં કરતાં. ખરેખર અમને ખબર પણ નહોતી કે અમે વગર વેતને તેના બાળક શ્રમિકો બની ગયા હતા. તે ખેડૂત પોતાના સૌથી મોટા સારી જાતના તરબૂચો જ બાળકોને ખવડાવતા અને તેના બીજ કઢાવી નવા પાક માટે ઉપયોગ કરતા. પરંતુ ખેડૂતના દીકરાએ વધારે પૈસા કમાવવા સૌથી મોટા અને સારા તરબૂચો વેચવાના શ‚ કર્યા અને હરિફાઈમાં બાળકોને ખાવા માટે નાના તરબૂચો આપવા લાગ્યો. આથી ધીમે ધીમે તરબૂચો નાના થતા ગયા અને માત્ર છ વર્ષમાં જ પર્રા ગામમાંથી મોટી જાતના તરબૂચો ખતમ થઈ ગયા. મનુષ્યોમાં નવી પેઢી ૨૫ વર્ષે બદલાય છે. પરંતુ કદાચ આપણને એ સમજવામાં ૨૦૦ વર્ષ લાગી જશે કે આપણે આપણા બાળકોને શિક્ષણ આપવામાં ક્યાં ભૂલ કરી છે ?’