કાશ્મીર અને કાશ્મીરીઓ ભારતના જ છે અને રહેશે

    ૦૨-માર્ચ-૨૦૧૯   

કાશ્મીર આપણું છે તો કાશ્મીરીઓ પણ આપણા જ છે 

 
ભારતનાં વિવિધ રાજ્યોમાં હજારોની સંખ્યામાં કાશ્મીરી યુવાનો અભ્યાસ કરે છે. પુલવામાના હુમલા બાદ કાશ્મીરી યુવાનોની સુરક્ષાનો સવાલ ઊભો થયો. ૧૪ ફેબ્રુઆરીના હુમલામાં કેટલાંક કાશ્મીરી યુવાનોની સંડોવણી, સેના સાથે દુર્વ્યવહાર અને આતંકીઓને પનાહ જેવી બાબતે આવેશમાં આવી જઈ ક્યાંક સ્થાનિક લોકોએ વિવિધ રાજ્યોમાં ભણતા કાશ્મીરી યુવાનોનો વિરોધ કર્યો. અંબાલા, બેંગલુરુ, દહેરાદૂન, મુંબઈ, દિલ્હી જેવી જગ્યાએ વિદ્યાર્થીઓને હેરાન કરવાની સામાન્ય દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ઘટી. પરંતું તુરંત જ કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યને કાશ્મીરી યુવાનોની સલામતી માટે સૂચના અપાઈ, પોલીસ સાબદી થઈ, આઈ.બી. એલર્ટ થયું અને સીઆરપીએફએ ‘સીઆરપીએફ મદદગાર કેન્દ્ર’ નામે
૨૪ x ૭ કાર્યરત હેલ્પલાઈન સેન્ટર શરૂ કર્યું. જે ફોર્સના સાતસો જવાનો એક એટેકમાં શહીદ થયા હોય, જેમાં કેટલાક કાશ્મીરી યુવાનોનો ય હાથ હોય છતાં આર્મી એમની મદદે આવે એ વાત આંખો ભીની કરવા માટે પૂરતી છે. સાથે સ્થાનિક ભારતીયો ય વ્હારે આવ્યા. મહોલ્લાના રહીશોએ યુવાનોને બચાવ્યા, દેશના અનેક યુવાનોએ ટ્વિટ કર્યું કે જે કાશ્મીરી યુવાનોને ભય લાગતો હોય તે અમારા ઘરે આવીને રહે. વરિષ્ઠ પત્રકાર રાહુલ દેવે લખ્યું, ‘કાશ્મીર આપણું છે તો કાશ્મીરીઓ પણ આપણા જ છે.’ ભારતે પોતાના જ કાશ્મીર માટે છેલ્લા વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૭૯૭૯ કરોડની નાણાકીય સહાય તથા ભૌગોલિક પરિસ્થિતિ જોતાં ૨૪૩૭ કરોડનું પેકેજ આપ્યું છે. સરકાર, મીડિયા, આર્મી અને સ્થાનિક લોકોની મદદ કરવાની ભાવનામાં એકતા, અખંડિતતા, સમરસતા અને ભાઈચારાથી સમૃદ્ધ ભારતનાં દર્શન થયાં.

 
કાશ્મીરની માતાઓ પોતાના છોકરાઓને પથ્થર મારતા રોકે

 
કાશ્મીરી યુવાનોની હેરાનગતિ સર્વથા નિંદનીય, તેમની સલામતીની આપણી જવાબદારી ખરી, પરંતુ આ સવાલ કાશ્મીરી યુવાનોની જ દેન છે. સર્વ વિદિત છે કે કાશ્મીરના કેટલાક યુવાનો આતંકવાદીઓને પોષે છે, સેના પર પથ્થરમારો કરે, સૈનિકોની કેપ ઉછાળી, ગાળો ભાંડી હથિયાર કે હાથ ન ઉઠાવવાની તેમની મજબૂરીનો ફાયદો લે છે. પુલવામા હુમલાના કાવતરાખોરોમાં ૩૫ તો કાશ્મીરના સ્થાનિકો હતા, સ્થાનિકોએ તેમને છાવર્યા અને સાચવ્યા હતા. સુરક્ષા એજન્સીઓના આંકડા મુજબ ગયા વર્ષે ઓક્ટોબર - ૨૦૧૮ સુધીમાં જમ્મુ-કાશ્મીરના ૧૬૪ નવલોહિયા યુવાનો ભારત સામે જેહાદના ઇરાદે વિવિધ આતંકી સંગઠનોમાં જોડાયા છે. એટલે જ લેફ. જનરલ ધિલ્લોને કહ્યું કે, ‘કાશ્મીરની માતાઓ પોતાના છોકરાઓને પથ્થર મારતા રોકે, આતંકી થતા રોકે ! તેમના ભવિષ્યનો વિચાર કરે.’
 

ભારત વિરોધી કૃત્યો માટે આતંકીઓના હાથા ના બનશો 

 
કાશ્મીરી યુવાનોની અને વિદ્યાર્થી સંગઠનોની ય જવાબદારી ખરી કે તેઓ ભારતને માતૃભૂમિ, કર્મભૂમિ અને ગૌરવભૂમિ ગણે તથા પુલવામાના શહીદો માટે લાગણી બતાવે, જાહેરમાં કહે કે, ‘હું હિન્દુસ્થાની છું ! અમને શહીદો માટે ભારે ખેદ છે.’ ઓમર અબ્દુલ્લાએ ઘટનાના બીજા દિવસે યુવાનોની સલામતી માટે કેન્દ્ર સરકાર સામે ધા નાંખી તેની સાથે તેમણે યુવાનોને પણ કહ્યું હોત કે, ‘વિદ્યાર્થીઓ, તમારી સલામતી ચોક્કસ થશે. પણ તમે ભારત વિરોધી કૃત્યો માટે આતંકીઓના હાથા ના બનશો.’ તો તેમની ચિંતા દેખાત. ઓમર સાથે મહેબૂબા મુક્તિ ય જોરશોરથી પાકિસ્તાન સાથે વાત કરવાનો આગ્રહ કરે છે પણ તેઓ પથ્થર મારનારા કે આતંકીના હાથા બનેલા યુવાનો સાથે એટલા જ આગ્રહપૂર્વક વાત કરી મેઈન સ્ટ્રીમમાં જોડવાનો પ્રયત્ન શા માટે નથી કરતાં ?
 

સરકાર, પોલીસ અને સમાજ ત્રણેયની જવાબદારી વધી જાય છે.  

 
દેવબંદમાંથી પકડાયેલા જૈશે-મહંમદના બે આતંકીઓમાં શાહનવાઝ કુલગામનો અને આકિબ અહમદ પુલવામાનો જ છે. તેઓ પોતાને વિદ્યાર્થીઓ કહે છે. જો આતંકીઓ વિદ્યાર્થીઓ તરીકે ઓળખ આપતા હોય તો ભારતમાં રહેનારા કાશ્મીરી વિદ્યાર્થીઓની ભૂમિકા ય સ્પષ્ટ થવી જોઈએ. તેમણે સંગઠિત થઈને પોતાની નિર્દોષતા અને ભારત તરફી વલણ જાહેર કરવું રહ્યું. બારામુલ્લામાં સેનામાં ભરતી માટે હમણાં જ કાશ્મીરી યુવાનોએ લાઇનો લગાવી, બિલાલ અહેમદ નામના એક યુવાને કહ્યું, ‘સેનામાં કામ કરવા મળે તો પરિવાર અને ભારત દેશની સેવાની તક મળી તેવું સમજીશ.’ પરંતુ અત્યાર સુધી અન્ય એક પણ કાશ્મીરી વિદ્યાર્થીએ શહીદો માટે આંસુ સાર્યું નથી. ઉલટાનું મિલિટરી પર ફરીથી પથ્થરમારો કરવાના બનાવો બન્યા છે. આ યુવાનો જમ્મુરીયત, કાશ્મીરીયત અને ઇન્સાનિયતના સિધ્ધાંતો અપનાવી સર્વત્ર શાંતિ માટે પ્રયત્ન કરે.
સુપ્રીમ કોર્ટ, કેન્દ્ર અને રાજ્ય સરકાર કાયદાકીય કામ કરે જ છે, કરવાનું જ હોય. જે કાશ્મીરી યુવાન પોતાની શૈક્ષણિક કારકિર્દી માટે ભારતનાં વિવિધ રાજ્યમાં વસ્યો છે તેને નાગરિક તરીકેના યથાયોગ્ય હકો, સુરક્ષા, સલામતી મળે તેવા પ્રયત્નો સરકાર સાથે સ્થાનિકોએ ય કરવાના હોય, કર્યા એ આવકાર્ય. કાશ્મીરમાં મુલ્લા-મૌલવીઓ દ્વારા યુવાનોની ઉશ્કેરણી, કાનભંભેરણી, જેહાદ માટે માઈન્ડ વોશ જગજાહેર છે, જો કાશ્મીરી યુવાનો અહીં હેરાન થાય તો તેમને મોકળું મેદાન મળે, એ વધારે ઉશ્કેરે અને ગેરમાર્ગે દોરે. આથી સરકાર, પોલીસ અને સમાજ ત્રણેયની જવાબદારી વધી જાય છે. આશા એટલી જ કે કાશ્મીરી યુવાનો સહયોગ કરે, ભારત પ્રત્યેની ભાવના પ્રદર્શિત કરે. પોતાના પરના નાનકડા હુમલા કે હેરાનગતિ માટે પોશ પોશ આંસુએ રડી ઝુંબેશ જગાવે છે તો જવાનો પરનો હુમલો ય યાદ કરે, એ માટે ય બે આંસુ પાડે અને ખરા હૃદયથી હિન્દુસ્થાની બનીને રહે. કાશ્મીર અને કાશ્મીરીઓ ભારતના જ છે અને રહેશે.