જેમના સ્મરણાર્થે આ પુરસ્કારની શરૂઆત થઈ તેવા શ્રી રમણભાઈ શાહના તપસ્વી જીવનની એક યાત્રા...

    ૨૩-માર્ચ-૨૦૧૯   

 

સ્વ. રમણભાઈ શાહના સ્મરણાર્થે આ પુરસ્કારની શરૂઆત થઈ છે. આવો જાણીએ તેમના તપસ્વી જીવન વિષે

 
છેલ્લા ૬૧ વર્ષથી અવિરત પ્રકાશિત થતા ‘સાધના’ સાપ્તાહિકના પ્રમુખ પૂર્વ ટ્રસ્ટીશ્રી સ્વ. રમણભાઈ શાહના સ્મરણાર્થે પત્રકારિતા ક્ષેત્રે પ્રોત્સાહન માટે ૨૦૧૪થી ગુજરાતી ભાષાના પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર પત્રકારને રૂપિયા ૫૧ હજારના પુરસ્કારથી પ્રતિ વર્ષ સન્માનિત કરવામાં આવે છે. આવો જાણીએ તેમના તપસ્વી જીવન વિષે
 
જીવન અને જીવની ક્ષણેક્ષણ રાષ્ટ્ર અને મા-ભોમની સેવા માટે વિતાવનારા આ મુઠ્ઠી ઊંચેરા માનવી; તપસ્વી જીવન જીવ્યા છે. તેમનું સમર્પિત જીવન સૌને પ્રેરણા પૂરી પાડે એવું દ્રષ્ટાંતરૂપ છે.
 
છેલ્લા છ જેટલા દાયકાઓથી તેઓ ‘સાધના’ને પોતાનું જીવનકર્મ સમજીને તપ કરી રહ્યાં હતા. ગત ઓકટોબર માસમાં જ તેઓશ્રીએ 89 વર્ષની જૈફવયે ‘સાધના’માંથી સ્વૈછિક નિવૃત્તિ લીધી. ઘણા લોકો પરસેવો પાડે છે. ઘણા લોકો જાત નીચોવે છે. તો વળી ઘણા લોકો જીવન નીચોવી નાંખે છે. પણ રમણભાઈ શાહ એવું વિરલ વ્યક્તિત્વ છે; જેમણે પોતાનું રોમે રોમ નીચોવીને માતૃભૂમિ ભારતમાતાની સેવાનું કાર્ય કર્યુ. સંઘ, ‘સાવધાન’ અને ‘સાધના’ના ત્રિવેણી સંગમમાંથી પસાર થતું એમનું કર્મઠ જીવન એક કઠીન સાધનાથી જરાય કમ નહોતુ. અને એટલે જ એમણે એમની જીવન કથાનું નામ ‘જીવનસાધના’ રાખ્યું છે. જીવન સાધનાનું લોકાર્પણ 17 ઓકટોબર - 13માં સંઘના પ.પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતના કરકમળ દ્વારા થયું હતું.
 
***
 
23મી સપ્ટેમ્બર, 1925ના ધનભાગી દિવસે, મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં વસઈ ડાભલાથી 6 કિલોમીટર દૂર આવેલા ઉદલપુર ગામમાં શ્રી રમણભાઈનો જન્મ થયો. એમના પિતાશ્રીનું નામ મણિલાલ અને માતાનુ નામ ચંપાબા. કુલ પાંચ ભાઈ બહેનોમાં રમણભાઈ સૌથી મોટા. બીજા નંબરે પોપટભાઈ, પછી રતીભાઈ, પછી બહેન સવિતા બહેન તથા છેલ્લે સૌથી નાના ભાઈ હિંમતભાઈ.
 
ચાર ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ઉદલપુર ગામમાં પૂરું કર્યુ અને પાંચમાં ધોરણથી જ્ઞાતિની વિસનગર બોર્ડિંગ સ્કૂલમાં જોડાયા. એ પછી ભાવનગર અને હિંમતનગરમાં ઉચ્ચ અભ્યાસ કર્યો. શિક્ષકની નોકરી લીધી. એ પછી અનેક ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન થયા અને આચાર્ય પદેથી નિવૃત્ત થયા.
 
માતા ચંપાબા ખૂબ ધાર્મિક પ્રકૃતિના અને પિતાજી પણ સત્યના આગ્રહી. માતા પિતાનો સંસ્કાર વારસો પુત્રમાં પણ પુરો ઉતર્યો. નાનપણથી જ સમાજસેવા અને દેશસેવા તસો-તસ સાથે ભળી ગયેલી.
 
ઈ.સ 1942માં મેટ્રીકના અભ્યાસ દરમિયાન દેશસેવા સાથે એમનો સીધો સંબંધ જોડાયો. આ જ વર્ષે મહાત્મા ગાંધીજીએ ‘અંગ્રેજો હિન્દ છોડોનું આંદોલન’ ચલાવેલું.
 
રમણભાઈમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના પહેલેથી જ હતી. હૃદયમાં અંગારો સળગી રહ્યો હતો. પણ એના પર સમયની રાખ બાઝી ગઈ હતી. આ ઘટનાએ એ રાખને ઉરાડી મુકી અને રમણભાઈ સ્વાતંત્ર્ય આંદોલનમાં જુસ્સાભેર જોડાઈ ગયા.
 

સંઘ એમના જીવનનો ધબકાર અને શાખા એમનો શ્ર્વાસ બની ગયા. 

 
પણ જીવનમાં શકવર્તી વળાંક આવ્યો સન ઈ.સ 1942માં મહેસાણામાં રા.સ્વ.સંઘની શાખાના શ્રીગણેશ થયા. એ વખતે એમને ખુદને ખબર નહોતી કે આ સંઘ શાખાની સ્થાપ્ના એમના જીવનમાં આગળ ઉપર ખૂબ મહત્ત્વની બની રહેવાની હતી. સંઘ એમના જીવનનો ધબકાર અને શાખા એમનો શ્ર્વાસ બની ગયા. જિંદગીનો રાહ નિશ્ર્ચિત થઈ ચૂક્યો હતો અને રમણભાઈ એના પર મજબૂત ડગ માંડી ચૂક્યા હતા.
 
નાગપુરથી પ્રચાર પ્રમુખ મા. બાબાસાહેબ આપ્ટે તથા મા. મધુકરરાવજી ભાગવત (હાલના પૂ. સરસંઘચાલક મોહનરાવજી ભાગવતના પિતાશ્રી) એ વખતે મહેસાણા આવેલા. રમણભાઈ શાહનો એક મિત્ર શ્રીકૃષ્ણ સાધુ એ વખતે તેમને એ બેઠકમાં લઈ ગયેલો. બસ ત્યારથી રમણભાઈ શાહનો સંઘ સાથે અતૂટ નાતો જોડાઈ ગયો. તેઓ સંઘ સાથે જોડાયા અને પછી ધીમે ધીમે પૂર્ણરૂપે સંઘમય બની ગયા.
 
શ્રી રમણભાઈએ ભણવાની સાથે સાથે સંઘની રાષ્ટ્રપ્રેમની અનેકવિધ પ્રવૃત્તિઓ પણ શરૂ કરી. 1943માં વડોદરામાં પહેલો સંઘ શિક્ષા વર્ગ યોજાયો અને એ જ વખતે રમણભાઈએ આજીવન સંઘકાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી. અને એ પ્રતિજ્ઞા 89 વર્ષની વયે પણ પાળતા રહ્યાં હતાં.
 

મેં કોઈ ભુલ કરી નથી. સંઘકાર્ય એ રાષ્ટ્રીય કાર્ય છે. હું માફી નહીં માંગું. જે કરવું હોય એ કરી લો.’ 

 
સંઘની સાથે સાથે અનેક સારા-નરસા પ્રસંગોનો પણ તેમણે સામનો કર્યો છે. ઈ.સ. 1948માં પૂ. ગાંધીજીની નિર્ઘૃણ્ણ હત્યા થઈ. કેટલાંક રાજકીય આશયવાળા લોકોએ સંઘ વિરુદ્ધ તર્કવિહોણી સ્વાર્થી અફવાઓ ફેલાવી અને સંઘ પર પ્રતિબંધ આવ્યો.
ગુજરાતમાંથી સૌ પ્રથમ રમણભાઈ શાહની ધરપકડ થઈ. માફી માગીને છૂટી શકાય તેમ હતું. પણ આ છાતીકઢા માણસે માફી માગવાનો સાફ ઈન્કાર કરી દીધો અને કહી દીધું, ‘મેં કોઈ ભુલ કરી નથી. સંઘકાર્ય એ રાષ્ટ્રીય કાર્ય છે. હું માફી નહીં માંગું. જે કરવું હોય એ કરી લો.’
 

સાવધાનથી સાધના સુધી... 

 
આ જ વર્ષે તેમના લગ્ન પણ નક્કી થયા હતા. લગ્નની તારીખ નજીક હતી અને ધરપકડ થઈ હતી. અગાઉ બે વખત લગ્નની તારીખ કેન્સલ થઈ ચૂકી હતી. આ વખતે માફી માગી છૂટે તો જ લગ્નની તારીખ જળવાઈ શકે તેમ હતી. પણ તેમણે માફી ના માંગી અને લગ્ન કેન્સલ કરાવ્યા. ત્યારબાદ કાયદેસર રીતે છુટ્યા બાદ જ કાન્તાબહેન સાથે લગ્ન કર્યા હતા.
રમણભાઈના જીવનમાં સંઘ જેટલું મહત્ત્વ ધરાવે છે એટલું જ મહત્ત્વ ‘સાવધાન’ અને ‘સાધના’ પણ ધરાવે છે. ઈ.સ. 1948માં વડોદરાના પ્રચારક બાપુરાવજી લેલેની પ્રેરણાથી ‘સાવધાન’ નામનું એક સામયિક શરૂ કરવામાં આવ્યું હતું. તેની તમામ જવાબદારી રમણભાઈ શાહને સોંપવામાં આવી અને 26મી નવેમ્બર, 1948ના દિવસથી વડોદરાથી ‘સાવધાન’ સાપ્તાહિકની શરૂઆત થઈ.
 
કેટલાક સમય બાદ સંજોગોવશાત્ ‘સાવધાન’ બંધ કરવું પડ્યું અને પ્રાંતપ્રચારક મા. વકીલ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી ઈ.સ 1956માં વિજ્યાદશમીના મંગળ દિવસે ‘સાધના’ સાપ્તાહિકની શરૂઆત થઈ. સલાપસ રોડ પર આવેલ મન્સુરી બિલ્ડિંંગમાત્ર એક ટેબલ અને ખૂરશીના સરંજામથી તેમણે સાધનાની શરૂઆત કરી. ત્યાંથી ધીમે ધીમે પ્રગતિ કરતા કરતા ઓપેરા હાઉસ અને આજે અમદાવાદના હાર્દ સમા આશ્રમ રોડ પર ચાર હજાર સ્કવેર ફુટનું વિશાળ અને અદ્યતન ‘સાધના’ કાર્યાલય છે. રમણભાઈના અણથક પુરુષાર્થને કારણે સાધના આજે પ્રગતિના પંથે છે.
 
‘સાધના’ને છ છ દાયકાઓ સુધી અડિખમ રાખવામાં શ્રી રમણભાઈ શાહનું પ્રદાન ખૂબ મોટું છે. આ છ દાયકાઓમાં અનેક મુશ્કેલીઓ આવી. કટાકટીનો કાળો પંજો વિંઝાયો, ‘સાધના’ના તંત્રી-સંપાદકોને જેલ થઈ, પણ રમણભાઈ શાહ કદી ઝુકયા નથી. આ છ દાયકાની સુવર્ણ સફરમાં માત્ર એક જ વખત ‘સાધના’ પ્રગટ નથી થઈ શક્યું. એ સિવાય કટોકટી વખતે જીવનું અને જીવનનું જોખમ વહોરીને પણ રમણભાઈ શાહે હિંમત પૂર્વક સાધના પ્રકાશિત કર્યુ છે અને સમાજને રાહ બતાવવાનો અખબારી ધર્મ યશસ્વીરીતે નિભાવ્યો છે. એ સાથે સાધના પુસ્તક પ્રકાશન, બાલભારતી તથા સાધના મુદ્રણાલય જેવા અન્ય સાહસો પણ થયા અને રમણભાઈએ એને સફળતા પૂર્વક પાર પાડ્યા. રમણભાઈ 58 વર્ષ સુધી સાધના સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા. સાધના માટે તેઓ હકારાત્મકતાનો પ્રેરણાસ્ત્રોત હતા.
 

સાંસારિક જીવન

 
સંઘ અને સાધના સાથે સાથે સાંસારિક જીવનની વાત કરીએ તો રમણભાઈનું સાંસારિક જીવન પણ અનેક ચડાવ અને ઉતારો વચ્ચે વિત્યુ છે. સંઘકાર્યને સાથે ને સાથે રાખીને જ એમણે સાંસારિક જીવનની ગોઠવણી કરી છે. લગ્ન બાદ ખાડિયાની એક હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા, પછીથી સાણંદમાં અને ત્યારબાદ ઘીકાંટાની મોડેલ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા. માણેક ચોકમાં ભાડાના મકાનમાં સંસાર શરૂ કર્યો. ઘરે સંધના પ્રચારકો, કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોની આવન જાવન ચાલું હતી. રમણભાઈનો પગાર ટૂંકો પણ દિલ ખૂબ વિશાળ. સાંસારિક જીવન દરમિયાન બે પુત્રો જીતેન્દ્રભાઈ અને અજીતભાઈ તથા એક પુત્રી ઈલાબહેનનો જન્મ થયો. સંતાનોમાં પણ તેમણે દેશભક્તિ અને સમાજ સેવાના બીજ રોપ્યા. ભણાવ્યા ગણાવ્યા અને સમાજમાં ઉંચા સ્થાને બેસાડ્યા પણ ખરા.
 
ઉપરાંત રમણભાઈ સાધના ટ્રસ્ટ, હિન્દુસ્થાન સમાચાર જેવી અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકેની યશસ્વી જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.
 
મિત્રો, લાંબી ઉંમર જીવવાની મોટી કિંમત ચૂકવવી પડે છે. સંઘર્ષ કરવો પડે છે અને એ સંઘર્ષ એમણે કર્યો છે. તેઓ આજ દિન સુધી કદી અંગત સ્વાર્થ માટે નથી જીવ્યા, પણ ભૂમિના પરમાર્થ માટે જ જીવ્યા છે. એમના તમામ તસને જીવનની તમામ કસોટીએ પાર ઉતરનારા અને દેશ માટે રાષ્ટ્ર સેવા માટે જીવન સમર્પિત કરનારા આ મુઠ્ઠી ઊંચેરા માનવ છેવટે સહજ મોક્ષને પણ પામી ગયા. સમાજમાં નિસ્વાર્થ સેવા અને પરિવારમાં સંસ્કારની સરવાણી વહાવીને, રમણભાઈ શાહે વર્ષ ૨૦૧૪માં આપણી વચ્ચેથી વિદાઈ લીધી.
 
ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, ‘મરે છે તે દેહ છે, દેહની અંદર રહેલો દેહી એટલે કે આત્મા તો અમર છે. દેહનો જન્મ થાય છે, તેને બાળપણ, યૌવન અને ઘડપણ આવે છે અને મોત પણ આવે છે. આત્માને કાંઈ ઘડપણ કે મોત આવતું નથી. એ નથી જન્મતો કે નથી મરતો. ત્રણે કાળે એ છે અને છે અને છે જ.’