પૂ. ભાઇશ્રીના હસ્તે “શ્રી રમણભાઈ શાહ - ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કાર” શ્રી કૃષ્ણકાંત ઉનડકટને એનાયત

    ૨૪-માર્ચ-૨૦૧૯

આપણું પ્રજાતંત્ર મજબૂત છે, તેની પાછળ કર્તવ્યનિષ્ઠ પત્રકારિતા છે - પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના

 
આજે કર્ણાવતી ખાતે પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે વરિષ્ઠ પત્રકાર તથા દિવ્ય ભાસ્કરના પૂર્તિ એડિટર કૃષ્ણકાંત ઉનડકટને શ્રી રમણભાઈ શાહ - ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દિવસે અમદાવાદની ધી ગુજરાર સ્ટેટ કો. ઓપરેટીવ બેંકના ઓડિટોરિયમમાં એક ભવ્ય પુરસ્કાર અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાગવત કથાકાર પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે શ્રી કૃષ્ણકાંત ઉનડકટને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સાથેસાથે વર્ષ દરમિયાન સાધનાના પ્રચાર-પ્રસાર માટે શ્રેષ્ઠ કાર્ય કરનારા કાર્યકર્તાઓનું સન્માન પણ આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું.
 
 

 
 

પત્રકાર સત્યમ્‌ , કથાકાર શિવમ અને કલાકાર સુંદરમ્‌ના ઉપાસક - પૂ. ભાઈશ્રી

 
આ પ્રંસગે મુખ્ય અતિથિ તરીકે પધારેલા પૂ. ભાઈશ્રીએ જણાવ્યું હતું કે, ભારતના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની પરિકલ્પના સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌ પર ટકેલી છે. આ વિભાવનાને ચરિતાર્થ કરવાની જવાબદારી ત્રણ કાર એટલે કે પત્રકાર, કથાકાર અને કલાકાર પર રહેલી છે અને જો આ ત્રણેય કાર પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે તો ચોથી કાર એટલે કે સરકાર યોગ્ય રીતે કામ કરે છે.
 
તેમણે જણાવ્યું કે, પત્રકાર સત્યમ્‌, કથાકાર શિવમ્‌ અને કલાકાર સુંદરમ્‌નો ઉપાસક છે.માટે આ ત્રણેયને એકબીજા સાથે સંકલન હોવું જાઈએ. આ ત્રણેય કારે જવાબદારીપૂર્વક પોતાની સાધના કરવાની છે.
 
તેમણે જણાવ્યું કે, આપણું પ્રજાતંત્ર મજબૂત છે. તેની પાછળ કર્તવ્યનિષ્ઠ પત્રકારિતા છે. માટે લોકતંત્રને મજબૂત રાખવા મતદાન અવશ્ય કરવું. હું ગમે તેટલા વ્યસ્તતા વચ્ચે પણ મતદાન અચૂક કરું છું. તેમણે જણાવ્યું કે, મારા મતે એ લોકોને રાજનીતિની ટીકા કરવાનો અધિકાર બિલકુલ નથી જે મતદાન કરવા જતા નથી. મતદાન આપણો અધિકાર માત્ર જ નથી, આપણી જવાબદારી પણ છે માટે વિવેકપૂર્વક મતદાન અચૂક કરજો.
 

 
 

સંતના હસ્તે સન્માન મળે ત્યારે એ સન્માનમાં સંવેદના ભળે છે - કૃષ્ણકાંત ઉનડકટ

 
પુરસ્કાર વિજેતા વરિષ્ઠ પત્રકાર શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકટે જણાવ્યું હતું કે સંતના હસ્તે સન્માન મળે ત્યારે એ સન્માનમાં સંવેદના ભળે છે. પુરસ્કાર કોના નામનો છે એ મહત્વનું છે અને તે પુરસ્કાર કોના હસ્તે મળી રહ્યો છે તેનું પણ એટલું જ મહત્વ છે. પૂ. ભાઈશ્રીના હસ્તે મને શ્રી રમણભાઈ શાહ સાધના પત્રકારિતા ગૌરવ પુરસ્કાર મળે તે મારા માટે મોટી વાત છે. તેમણે જણાવ્યું કે સફરમાં મજા આવતી હોય તો મંજિલની ચિંતા હોતી નથી. હું મારી પત્રકારિતાની આ સફરને માણી રહ્યો છું. જ્યારે ખુદને વાગે અને પીડા થાય એ વેદના છે, પરંતુ બીજાને વાગે અને પીડા થાય એ સંવેદના છે. હું એ જ સંવેદનાને લખું છું. હું માત્ર મારા વાચકો માટે લખું છું, તેમની સામે પ્રામાણિક રહેવાની કોશિશ કરું છું. આ પુરસ્કાર મને મળવાથી મારી જવાબદારી વધી છે. જ્યારે કોઈ છોડને ફૂલ આવે છે ત્યારે તે થોડું નમી પડે છે. આ સન્માન મારા માટે એ ફૂલ સમાન છે. જે મને વધુ નમ્ર બનવાની પ્રેરણા આપશે.
 
આ પ્રંસગે સાધના તંત્રી-ટ્રસ્ટી શ્રી મુકેશભાઇ શાહે પ્રાસંગિક ઉદ્ બોધન તથા વિજેતા પત્રકાર કૃષ્ણકાંત ઉનડકટનો પરિચય લોકો સમક્ષ મૂક્યો હતો. પુરસ્કાર અર્પણના આ કાર્યક્રમમાં સાધનાના ટ્રસ્ટીઓ સર્વે શ્રી મુકેશભાઈ શાહ, પ્રવીણભાઈ ઓતિયા, રસિકભાઈ ખમાર, સુરેશભાઈ ગાંધી, કલ્પેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સાધનાના કાર્યકર્તાઓ અને મીડિયા જગતના લોકો હાજર રહ્યા હતા
 

 
 

‘શ્રી રમણભાઈ શાહ - સાધના પત્રકારિતા ગૌરવ પુરસ્કાર’ શરૂઆત

 
સમાજમાં રાષ્ટ્રીયતાના વિચારોનો પ્રચાર- પ્રસાર સાથે છેલ્લા ૬૧ વર્ષથી સામાજિક પત્રકારત્વના ધ્યેયને લઈને અવિરત રીતે આગળ વધતા સાધના સાપ્તાહિકે પત્રકારત્વ ક્ષેત્રે એક નવી પહેલ કરી છે. સાધના સપ્તાહિક દર વર્ષે પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરવા બદલ ‘શ્રી રમણભાઈ શાહ - સાધના પત્રકારિતા ગૌરવ પુરસ્કાર’ અર્પણ કરીને પત્રકારનું સન્માન કરે છે. જેની શરૂઆત વર્ષ ૨૦૧૪થી થઈ છે.
 

સ્વ. રમણભાઈ શાહના સ્મરણાર્થે પુરસ્કારની શરૂઆત

 
છેલ્લા ૬૧ વર્ષથી અવિરત પ્રકાશિત થતા ‘સાધના’ સાપ્તાહિકના પ્રમુખ પૂર્વ ટ્રસ્ટીશ્રી સ્વ. રમણભાઈ શાહના સ્મરણાર્થે પત્રકારિતા ક્ષેત્રે પ્રોત્સાહન માટે ૨૦૧૪થી ગુજરાતી ભાષાના પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર પત્રકારને રૂપિયા ૫૧ હજારના પુરસ્કારથી પ્રતિ વર્ષ સન્માનિત કરવામાં આવે છે.
 

સમ્માનિત પત્રકારો
 

વર્ષ ૨૦૧૪માં પહેલો પુરસ્કાર ઇન્ડિયા ટૂડેના શૈલેશભાઈ રાવલને, પછી ૨૦૧૫માં પોસિટીવ મીડિયા ઇન્સ્ટીટ્યુટના રમેશભાઈ તન્નાને તથા ૨૦૧૭માં ગુજરાતના પ્રસિદ્ધ લેખક, વક્તા જય વસાવડાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષે ૨૦૧૮નો પુરસ્કાર દિવ્ય ભાસ્કરના પૂર્તિ એડિટર કૃષ્ણકાંત ઉનડકટને એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં સાધના દ્વારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, જે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર વિદ્યુત ઠાકરને એનાયત કરવામાં આવ્યો હતો.