દાયકાઓ જુની માંગ બાદ, ઘણા વિલંબ બાદ જ્યારે દેશને પહેલાં લોકપાલ મળ્યા છે

    ૨૬-માર્ચ-૨૦૧૯   

 
સુપ્રિમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ પિનાકી ચંદ્ર ભારતના પહેલાં લોકપાલ પ્રાપ્ત થયા. વર્તમાન કેન્દ્ર સરકારે કાર્યકાળના આખરી દિવસોમાં આ નિમણૂક કરી વિપક્ષના હાથમાંથી એક મોટો મુદ્દો છીનવી લીધો અને મોટા હોદ્દે રહીને ભ્રષ્ટાચાર આચરનારાઓના ગળે ગાળીયો કસ્યો. વિદેશોમાં ઓમ્બડ્ઝમેન તરીકે ઓળખાતા આ હોદ્દાની રચના ઘણા સમય પહેલાં થઈ છે, ભારતમાં ૧૯૬૩માં પહેલીવાર ઉચ્ચ હોદ્દે બિરાજેલ લોકો વિરુદ્ધ ફરિયાદની સુનાવણી માટે લોકપાલ બનાવવાનો પ્રસ્તાવ રજુ થયેલ. ૧૯૬૮માં ઈન્દીરા ગાંધીના શાસનમાં લોકપાલ બીલ રજૂ થયુ, પરંતુ વડાપ્રધાન અને સાંસદોને બાકાત રખાયા. ૧૯૬૯માં બિલ પાસ થયું પરંતુ તુરંત લોકસભા ભંગને કારણે કાયદો ન બન્યો. ત્યારથી લઈને અત્યાર સુધી આઠ વખત લોકપાલ બિલ આવ્યા પરંતુ નિમણૂક શક્ય ન બની.
 
લોકપાલ વિશે લોક-જાગૃતી, મુહીમ ૨૦૧૧માં અન્ના હજારેના આંદોલન થકી આવી. એ વખતની યુ.પી.એ સરકારના ઘણાં ય મંત્રીઓ, અધિકારીઓના મોટા ભ્રષ્ટાચારો ઉજાગર થયેલાં, ૨-જી સ્પેકટ્રમ, સત્યમ, કોમનવેલ્થ, કોયલા, આદર્શ જેવા કૌભાંડોમાં યુપીએના ટોચના લોકો સંડોવાયેલા. બાબા રામદેવે ય અણ્ણાનાં આંદોલને ટેકો આપી યુપીએની સરકાર વિરુદ્ધ મોરચો માંડેલો. દેશવાસીઓમાં ભારે રોષ, ભ્રષ્ટાચાર વિરુદ્ધના અન્ના આંદોલને રોષને આકાર આપ્યો. યુ.પી.એ સરકાર પર લોકપાલ બીલને લઈને દબાણ સર્જાયુ, લોકો રસ્તા પર ઉતર્યા, મેં ભી અન્ના, તુ ભી અન્નાથી દેશનું વાતાવરણ ગુંજતું થયું, આખરે ૨૦૧૩માં લાગુ લોકપાલ અને લોકાયુક્ત એક્ટને ૧ જાન્યુઆરી-૨૦૧૪ના દિને રાષ્ટ્રપતિની મંજુરી મળી. પરંતુ વિલંબ યથાવત રહ્યો અને આજે આટલા લાંબા સમય બાદ દેશને પહેલાં લોકપાલ મળ્યા.
 
કોંગ્રેસ વિપક્ષની સૌથી મોટી પાર્ટી છતાં લોકસભાની ખૂબ ઓછી બેઠકોને કારણે લોકસભામાં વિપક્ષનો કોઈ માન્યતાપ્રાપ્ત નેતા નથી. લોકસભા પંસંદગી સમિતીમાં વિપક્ષનો નેતા જરૂરી, જે ન હોવાથી આટલો વિલંબ. વિપક્ષના નેતાને બદલે બીજા નંબરની સૌથી મોટી પાર્ટીના નેતાને સભ્ય બનાવવાનું સંશોધન પણ છેવટ સુધી લટકતું રહ્યું ને વિલંબ લંબાતો ગયો. છેવટે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સામેલ કરીને લોકપાલની નિમણૂક કરાઈ.
 
વિલંબથી અનેક ભ્રષ્ટાચારીઓ સામેના કેસ પણ લટકી પડ્યા. દેશમાં ન બનવી જોઈએ એવી ઘૃણાસ્પદ ઘટનાઓ ય અનેક બની. લોકપાલની જોગવાઈ હોત તો સી.બી.આઈની અંદરો-અંદરની લડાઈ, કાદવ ઉછાળ તથા વિશ્ર્વસનિયતા સામેના સવાલો ટાળીને ખરાં ભ્રષ્ટાચારીઓને સજા થઈ શકી હોત, છતાંય દેર આયે દુરસ્ત આયે. કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા કમર કસી છે તે લોકપાલની નિમણૂક થકી વધારે કસાસે. મોટા હોદ્દાઓના આકાશમાં વિહરતા ભ્રષ્ટાચારીઓને હવે જમીનીસ્તર પર લાવી તેમનો કોલર ખેંચી શકાશે.
 
લોકપાલની નિયુક્તિનો મુદ્દો ભારતના રાજકીય ઇતિહાસમાં એક દિશાસૂચક પ્રકરણ તરીકે લેખાશે. એ જ ધોરણે રાજ્યસ્તરે લોકાયુક્તની નિમણૂક કરવામાં આવશે તો રાજનૈતિક અને પ્રશાસન ક્ષેત્રે પથદર્શક બની રહેશે. આમ જનતામાં રાજકારણીઓ વિશે અને સરકારી અધિકારીઓ અંગે વિશ્ર્વાસની ભાવના અભિવૃદ્ધ કરવા, સ્વચ્છ-ઇમાનદાર એવમ્ સક્ષમ પ્રશાસન પ્રદાન કરવા માટે મંત્રીઓ, સચિવો વગેરેની વિરુદ્ધ પદનો દુરુપયોગ તેમજ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોનો સ્વતંત્ર અને નિષ્પક્ષતાથી નિકાલ કરવા માટે કેન્દ્ર કક્ષાએ લોકપાલની અને રાજ્યકક્ષાએ લોકાયુક્તની ભૂમિકા અસરકારક માધ્યમનું પરિબળ ગણાશે.
 
વહીવટી અધિકારીઓ-મંત્રીની સાંઠગાંઠ હોય ત્યાં સરકારની કોઈપણ પ્રકારની મંજૂરી વગર લોકપાલ તેના પર કેસ કરી શકે તે જરૂરી. લોકપાલનું કાર્યક્ષેત્રની સીમા એવી નક્કી થાય કે કારોબારી અને વિધાનપાલિકા, સરકારનાં વિવિધ વિભાગો, તળિયાથી ટોચનાં મંત્રી સુધીના લોકોનો તેમાં સમાવેશ થાય.
 
વર્તમાન કેન્દ્ર સરકાર વહીવટ ક્ષેત્રે ઘણી પારદર્શિકતા લાવી છે. હજુય દરેક ઠેકાણે એવી પારદર્શકતા આવે કે કોઈને કોઈની તરફદારી કરવાની તક ન મળે.
 
લોકપાલ સામે હવે પોતાને જ સક્ષમ સાબિત કરવાનો મોટો પડકાર છે. જો લોકપાલ પી.સી.ઘોષ અને તેમના આઠ સહયોગીઓ આ પડકારોનો સામનો યોગ્ય રીતે કરે તો તેઓ લોકોની આશાઓ પૂરી કરીને, ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં એક ઉદાહરણીય પ્રતિમાન પણ સ્થાપિત કરશે. આ પ્રતિમાન એટલાં માટે સ્થાપિત થવો જોઈએ કે વર્તમાનમાં દેશમાં ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાની અને બીજા રાજ્યોના લોકાયુકતો સામે ઉદાહરણ પ્રસ્તુત કરવાની અત્યંત આવશ્યકતા છે. લોકપાલ સંસ્થા સક્રિય થવા સાથે જ ભ્રષ્ટાચારીઓમાં ભય વ્યાપે અને ભ્રષ્ટાચારના મામલા બંધ થાય એ જરૂરી.
 
મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, ‘સાચુ સ્વરાજ્ય થોડાક લોકો દ્વારા સત્તા પ્રાપ્ત કરી લેવાથી નથી આવતું, પરંતુ જ્યારે સત્તાનો દુરુપયોગ થાય ત્યારે બધા જ લોકોમાં એનો પ્રતિકાર કરવાની ક્ષમતા જગાડીને જ પ્રાપ્ત કરી શકાય છે.’ મહાત્માની વાણીને લોકપાલ દ્વારા સાર્થક કરી શકાવી જોઈએ. લોકોમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવવાની ક્ષમતા, ન્યાય માટે વિશ્ર્વાસ જાગે. લોકપાલના અસ્તિત્વ સાથે આશાનું કિરણ પણ ફૂટવું જોઈએ કે નિરંકુશ જનપ્રતિનિધિઓ અને પ્રશાસનિક અધિકારીઓ પર કઠોર કાર્યવાહી સંભવ બનશે. દાયકાઓ જુની માંગ બાદ, ઘણા વિલંબ બાદ જ્યારે દેશને પહેલાં લોકપાલ મળ્યા છે ત્યારે એક સ્વસ્થ લોકશાહી પ્રક્રિયાના ભાગરૂપે આ સંસ્થાની કામગીરી પારદર્શક બની રહે તે જ આશા, શુભેચ્છા !