ભારતની બીજી એક અનોખી સિદ્ધી - પહેલા સર્જિકલ સ્ટ્રાઈક પછી એર સ્ટ્રાઈક અને હવે સ્પેસ સ્ટ્રાઈક

    ૨૭-માર્ચ-૨૦૧૯   

 
ભારતીય વૈજ્ઞાનિકોએ A-સેટ મિસાઈલથી 300 કિલોમીટરની ઉંચાઈએ લાઈવ સેટેલાઈટ તોડી પાડ્યો
 
આ ટેકનિક માત્ર અમેરિકા, રશિયા અને ચીનની પાસે જ હતી
 
ભારતે મિસાઈલથી લાઈવ સેટેલાઈટ તોડ્યો; સર્જિકલ, એર પછી હવે સ્પેસ સ્ટ્રાઈક
 
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે એક સંદેશ આપતા જણાવ્યું હતું કે, આજે 27 માર્ચ. થોડો સમય પહેલાં જ ભારતે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે આજે પોતાનું નામ અંતરિક્ષ મહાશક્તિ - સ્પેસ પાવરના રૂપે નોંધાવ્યું છે. અત્યાર સુધીમાં દુનિયાના ત્રણ દેશ અમેરિકા, રશિયા અને ચીને જ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. હવે ભારત ચોથો એવો દેશ છે જેણે આજે આ સિદ્ધિ હાંસલ કરી છે. દરેક ભારતીય માટે આ ગર્વની પળ છે થોડા સમય પહેલાં જ આપણા વિજ્ઞાનીઓ એ અંતરિક્ષમાં 300 કિ.મી. દૂર LEO એટલે કે “લો અર્થ ઓફબિટ”માં એક લાઈવ ઉપગ્રહને તોડી પાડ્યો છે. LEO તોડવાનું આ પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું. તેને એન્ટિ સેટેલાઇટ – A-Set મિસાઈલ દ્વારા તોડી પડાયું છે. માત્ર ત્રણ મિનિટમાં સફળતાપૂર્વક આ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. “મિશન શક્તિ” એ અત્યંત કઠિન મિશન હતું. જેમાં ઉચ્ચકોટિની ટેક્નોલોજીની જરૂર હતી. આપણા વિજ્ઞાનીઓ દ્વારા બધા જ નિર્ધારિત લક્ષ્ય, ઉદ્દેશ પ્રાપ્ત કરવામાં આવ્યા છે. બધા જ ભારતીયો માટે આ ગર્વની વાત છે.
 
આ પરાક્રમ ભારતમાં જ વિકસિત એન્ટિ સેટેલાઈટ – A- Set મિસાઈલ દ્વારા પૂર્વ કરવામાં આવ્યું છે. હું મિશન શક્તિ સાથે જોડાયેલા બધા જ DRDOના વિજ્ઞાનીઓ તથા અન્ય સંબંધિત કર્મીઓને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું. જેમણે આ અસાધારણ મિશનને પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે. આજે આ લોકોએ દેશનું માન વધાર્યું છે. આપણને અમારા વિજ્ઞાનીઓ પર ગર્વ છે.
 
અંતરિક્ષ આજે આપણી જીવનશૈલીનો એક હિસ્સો બની ગયું છે. આજે આપણી પાસે પર્યાપ્ત સંખ્યામાં ઉપગ્રહ ઉપલબ્ધ છે, જે અલગ-અલગ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. કૃષિ, રક્ષા, સુરક્ષા, આપદા, સંચાર, મનોરંજન, ટીવી, મોસમ, નેવિગેશન, શિક્ષણ, મેડિકલ જેવા અનેક ક્ષેત્રે આ ઉપગ્રહોનું યોગદાન છે. જેનો લાભ આપણને સૌને મળી રહ્યો છે. આજે બધી જગ્યાએ ઉપગ્રહોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. વિશ્વમાં સ્પેસ અને સેટેલાઈટનું મહત્વ વધતું જ જવાનું છે. લગભગ જીવન આ વિના અધુરું લાગશે. એવી સ્થિતિમાં આ બધા જ ઉપકરણોની સુરક્ષા કરવી પણ એટલી જ મહત્વની છે. A-set મિસાઈલ ભારતની સુરક્ષાની દૃષ્ટિએ અને ભારતની વિકાસયાત્રાની દૃષ્ટિએ દેશને એક નવી મજબૂતી આપશે. હું આજે વિશ્વ સમુદાયને ખાત્રી આપવા માગુ છું કે અમે આજે જે ક્ષમતા પ્રાપ્ત કરી છે, તે કોઈના વિરુદ્ધની નથી. આ તેજ ગતિએ આગળ વધી રહેલ હિન્દુસ્તાનની રક્ષાત્મક પહેલ છે. ભારત હંમેશા અંતરિક્ષમાં, હથિયારોની દોડની વિરુદ્ધ રહ્યું છે અને આ મિશન પછી ભારતની આ નીતિમાં કોઈ બદલાવ નહીં આવે. આજનું આ પરીક્ષણ કોઈ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાનૂન કે સંધિ કરારનું ઉલ્લંઘન કરતું નથી. અમે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ દેશના 130 કરોડ નાગરિકોની સુરક્ષા તથા તેમના કલ્યાણ માટે જ કરીએ છીએ. આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ બનાવવા માટે એક મજબૂત ભારતનું હોવું જરૂરી છે. અમારો સામરિક ઉદ્દેશ શાંતિ બનાવી રાખવાનો છે, યુદ્ધનો માહોલ બનાવવાનો નથી.
 
ભારતે અંતરિક્ષ ક્ષેત્રે જે કામ કર્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ ભારતની સુરક્ષા, ભારતનો આર્થિક વિકાસ અને ભારતની ટેક્નિકલ પ્રગતિ છે. આજનું આ “મિશન શક્તિ” આ સપનાને સુરક્ષિત કરવા તરફનું એક ઉલ્લેખનીય પગલું છે. જે આ ત્રણેય સ્તંભોની સુરક્ષા માટે જરૂરી છે. આજની સફળતાને આવનારા સમયમાં એક સુરક્ષિત રાષ્ટ્ર, સમૃદ્ધ રાષ્ટ્ર અને શાંતિપ્રિય રાષ્ટ્ર તરફ વધતા પગલાંના રૂપે જોવી જોઈએ. એ મહત્ત્વનું છે કે આપણે આગળ વધીને ભવિષ્યની આવનારી ચુનોતીઓનો સામનો કરવા તથા ભવિષ્યના પડકારોનો સામનો કરવા તથા આપણા લોકોના જીવનસ્તરમાં સકારાત્મક બદલાવ લાવવા આધુનિક ટેક્નોલોજીને સ્વીકારવી જ પડશે.
 
દરેક ભારતીય સુરક્ષિત મહેસુસ કરે તે જ અમારું લક્ષ્ય છે. મને આપણા લોકોની કર્મઠતા, પ્રતિબંધતા, સમર્પણ અને યોગ્યતા પર પૂર્ણ વિશ્વાસ છે. આપણે નિઃસંદેહ એકજૂઠ થઈને એક શક્તિશાળી અને સુરક્ષિત ભારતનું નિર્માણ કરીએ.
હું એવા ભારતની પરિકલ્પના કરું છું જે પોતાના સમયથી બે કદમ આગળનું વિચારી શકે અને તે તરફ આગલ વધવાની હિંમત પણ કરી શકે.