કોંગ્રેસ બ્રાન્ડ હિન્દુત્વ - શીરો ખાવા શ્રાવક થવાનો ધંધો !

    ૧૧-એપ્રિલ-૨૦૧૯

 
 

રાહુલ ગાંધીને (અને હવે તેમનાં ભગિનીને) મસ્જિદોમાં અને મઝારોમાં જઈને ઇબાદત કરવાનું છોડીને મંદિરોમાં ઘંટારવ કરવાનું વહાલું લાગવા માંડ્યું છે ?  

 
 
કેવો વિરોધાભાસ, ભારતના સૌથી જૂનામાં જૂના ગણાતા રાજકીય પક્ષ કે વિચારધારા કોંગ્રેસને પોતાના સમાજવાદી રાજ્યના સિદ્ધાંતોને નેવે મૂકીને લોકોના મત મેળવવા ૩૬૦ ડિગ્રીનું પરિવર્તન લાવવું પડે ! ભારત જેવા હિન્દુબહુલ દેશમાં વર્ષો સુધી ઉછીની લીધેલી રાજનૈતિક અને સામાજિક વિચારધારાઓના જોરે રાજ કરી ચૂકેલી કોંગ્રેસના હવે એવા દિવસો આવ્યા છે કે રાષ્ટ્રીય પ્રમુખને મંદિર મંદિર ચપ્પલ ઘસવાં પડે ? એવી તો કઈ આસમાની સુલતાની આ ‘ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી’ પર આવી ગઈ કે રાહુલ ગાંધીને (અને હવે તેમનાં ભગિનીને) મસ્જિદોમાં અને મઝારોમાં જઈને ઇબાદત કરવાનું છોડીને મંદિરોમાં ઘંટારવ કરવાનું વહાલું લાગવા માંડ્યું છે ? શું આ શીરો ખાવા શ્રાવક થવાની કસરત માત્ર છે કે ખરેખર કોંગ્રેસી નેતાઓને હિન્દુહિતમાં પોતાનું હિત દેખાવા લાગ્યું છે ? પ્રશ્ર્નો ઘણા છે. આવો, એ પૈકીના કેટલાકના ઉત્તરો મેળવવાના પ્રયાસ કરીએ.
 

કોંગ્રેસે મૂળ ભારતીય પરંપરાનો છેદ ઉડાડી દીધો

 
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ અને મહાન નેતાગણે તેની ઉજ્જ્વળ પરંપરાઓને એક હદ સુધી આગળ પણ વધારી પરંતુ અગાઉ કહ્યું તેમ ઉછીની, પારકી વિચારધારાઓને મજબૂત કરવાના ચક્કરમાં કોંગ્રેસે પોતાની એક રાજનૈતિક વિચાર તરીકેની ઓળખ ગુમાવી દીધી. ‘સોશિયલીસ્ટ સ્ટેટ’ બનાવવાના અને કોંગ્રેસને સમાજવાદી બનાવવાના ચક્કરમાં કોંગ્રેસના નેતાઓએ મૂળ ભારતીય સમાજની આદર્શ પરંપરાઓ, માન્યતાઓ અને ધર્મ-વ્યવસ્થાને છેહ દીધો. એક સબળ રાજકીય પક્ષ જેણે તથાકથિત સર્વધર્મ સમભાવના આદર્શોને ખરા અર્થમાં આ દેશમાં પ્રસરાવવાનું કાર્ય કરવાનું હતું એ પક્ષે ભારતની બહુમતી પ્રજા એટલે કે હિન્દુઓનાં હિતોની અવગણના શ‚ કરી, એક રીતે મુસ્લિમ તુષ્ટીકરણને વેગ આપ્યો. મહાત્મા ગાંધીજી જેમને આજે પણ પોતાની સ્પષ્ટ આધ્યાત્મિક અને સામાજિક વિચારધારાને કારણે સમગ્ર વિશ્ર્વમાં આદરપૂર્વક નિહાળવામાં આવે છે તેમના આદર્શો અને સિદ્ધાંતોને કોંગ્રેસના નેતાઓએ કોરાણે મૂકી દીધા અને વોટબેન્કની રાજનીતિમાં હિન્દુઓની અનદેખી કરી. મજેદાર વાત એ છે કે આજે પણ કોંગ્રેસના બંધારણમાં અપાયેલા સભ્યપદના ફોર્મ સાથે કોંગ્રેસનો ‘હેતુ’ અપાયેલો છે જે સમજવા જેવો છે અને તેમાં છુપાયેલી કોંગ્રેસની તથાકથિત ‘સમાજવાદી રાજ્ય’ની નીતિઓનો પડઘો છે. આ ફોર્મમાં લખાયું છે કે,
 
"The object of Indian national congress is the well being and advancement of the people of india and the establishment of india by peaceful and contitutional means of a socialist state board and parliamantary democracy in which there is equality of opportunity and of political, economic & social right and which aims at world peace and fellovship.'
 
 

 
  

કોંગ્રેસ પોતાની મૂળ વિચારધારા પણ ભૂલી

 
ખેર, આ રાજકીય ફિલોસોફીને ભારતમાં પ્રસરાવવાનું શ્રેય નાનાજી (ચાચા નહેરુ)ને આપીએ પણ વર્તમાનમાં આવીએ તો તેમના પ્રપૌત્ર અને પ્રપૌત્રી દ્વારા કોંગ્રેસની જ મૂળ વિચારધારાની તદ્દન વિરુદ્ધ જઈ ‘હિન્દુઓને થાબડભાણા’ કરવાની શ‚આત કરી છે. આવું માનસિક પરિવર્તન કઈ રીતે આવ્યું ! આનાં મૂળ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જોડાયેલાં છે. ગુજરાતમાંથી ભાજપને હટાવવાના ઉદ્દેશ સાથે આક્રમક પ્રચારમાં ગુજરાતમાં ઊતરેલા રાહુલ ગાંધી એન્ડ કંપનીએ સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશને શિશ નમાવ્યું. ૨૭ જેટલાં મંદિરોમાં ફર્યા અને પૂજા-અર્ચના કરી. તેમને આ સ્થળોએ (સ્વાભાવિકપણે) મળેલા પ્રતિસાદને ‘વોટની ગેરંટી’ માની લઈ તેમણે આ અભિયાન આગળ પણ ચલાવ્યું. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પુન: સત્તા પ્રાપ્ત કરવા કૈલાસ માનસરોવરનાં દર્શન અને ભગવાન કેદારનાથને પ્રણામ કરવાની તસવીરો કાળજીપૂર્વક માધ્યમોમાં વહેતી કરાઈ. મધ્યપ્રદેશમાં તો કોંગ્રેસે ગૌ આયોગને વધુ મજબૂત બનાવવાની અને ગૌમૂત્ર આધારિત ઉત્પાદનોના પ્રચાર-પ્રસારની ખાત્રી આપી ‘ભાજપના ક્ષેત્રમાં’ જવાનો પ્રયાસ કર્યો.
કોંગ્રેસના નેતાઓ દ્વારા વાસ્તવમાં હિન્દુબહુલ પ્રજા માટે તેમના આધ્યાત્મિક અને સામાજિક ઉત્કર્ષ માટે કંઈક કરવાની ખેવના હોત તો વાત ખરેખર જુદી હતી, પરંતુ માત્ર ચૂંટણીલક્ષી રાજકારણને ધ્યાનમાં લઈને રણનીતિઓ ઘડતા કોંગ્રેસના ચાણક્યો એ ભૂલી ગયા કે હિન્દુત્વ એ આ દેશની ગૌરવશાળી આધ્યાત્મિક, સામાજિક પરંપરા છે જે સદીઓથી જિવાતી આવી છે. તેને સાંકેતિક રાજનીતિ દ્વારા અપનાવવાનો દેખાડો કરવો એ લાભદાયક ઓછું અને હાનિકારક વધારે સિદ્ધ થાય. આ બાબતનું એક ઉત્તમ ઉદાહરણ એ છે કે લોકપ્રિયતાની ચરમસીમાએ બિરાજતા વડાપ્રધાન રાજીવ ગાંધીએ શાહબાનો કેસમાં લીધેલો આત્મઘાતી નિર્ણય અને રામમંદિરનાં તાળાં ખોલવાનો નિર્ણય. આ બન્ને નિર્ણયો વાસ્તવમાં તેના ખરા સ્વ‚પે અને કોંગ્રેસની મૂળ ફિલોસોફીને અનુસરીને લેવાયા હોત તો આજે આ દેશનો ઇતિહાસ અને વર્તમાન જુદાં હોત, પરંતુ લઘુમતી તુષ્ટિકરણના ચક્કરમાં કોંગ્રેસે એક મહત્ત્વની રાજકીય તક ગુમાવી દીધી જેનો સીધો લાભ ભાજપને મળ્યો.
 
 

 
 

તુષ્ટિકરણ કરી કોંગ્રેસે હિન્દુઓનો વિશ્ર્વાસ ગુમાવ્યો

 
ખેર, રાજનૈતિક ભૂલોની પરંપરાઓને ચાલુ રાખવાનું જાણે રાહુલ ગાંધીએ પ્રણ લીધું હોય તેમ તેઓ કોંગ્રેસના હિન્દુત્વને શબ્દોની રમતમાં ફસાવવાનો પ્રયત્ન પણ કરી ચૂક્યા છે. તેમના કહેવા મુજબ ‘કોંગ્રેસ હિન્દુત્વ નહીં હિન્દુઇઝમ’માં માને છે. જે વધુ સર્વસમાવેશક છે. હું તમામ ધર્મો, ભાષા, વર્ગોનો પ્રતિનિધિ છું એવા હિન્દુઇઝમમાં માનું છું, જેમાં પ્રગતિશિલ ખુલ્લા વિચારવાળું, ગુસ્સો, નફરત અને હિંસાનો વિરોધ હોય. વગેરે... વગેરે.. પણ ખાટલે મોટી ખોડ અહીંયાં જ છે. કોંગ્રેસ અધ્યક્ષ આ દેશના સૈકાઓથી સ્થાપિત હિન્દુત્વને સંઘનું ‘હિન્દુત્વ’ અને કોંગ્રેસનું ‘હિન્દુઇઝમ’ એવા ભાગલા પાડી પોતાનાં કાટલાંથી તોળવાનો પ્રયત્ન કરે છે. વાસ્તવમાં આ દેશનો નાગરિક જે હિન્દુત્વને અનુસરતો આવ્યો છે તેની મૂળભૂત પરંપરાઓથી જોજનો દૂર કોંગ્રેસ મતની રાજનીતિ માટે હવાતિયાં મારી રહી છે, જેના અનેક ઉદાહરણો પૈકીનું એક તાજું ઉદાહરણ જોઈએ.
સબરીમાલા દેવસ્થાનમાં રજસ્વલા મહિલાઓના પ્રવેશ સંદર્ભે થયેલા રાજનૈતિક વિવાદમાં કેરળનું કોંગ્રેસી યુનિટ કંઈક જુદી માન્યતાઓ ધરાવતું હતું અને ફરી કોંગ્રેસ અધ્યક્ષ ‘કેરળનાં સ્ત્રી-પુરુષો માટે આ એક લાગણીસભર મુદ્દો છે’ એમ કહીને જવાબદારી ખંખેરીને બેસી ગયા. જ્યારે જ્યારે પણ કોંગ્રેસને ઇતિહાસે હિન્દુબહુલ જનતાનો વિશ્ર્વાસ જીતવાની તક આપી છે ત્યારે ત્યારે તુષ્ટિકરણના મોહમાં કોંગ્રેસ સુવર્ણતક ગુમાવી દે છે. હવે આટલાં વર્ષો પછી જ્યારે કોંગ્રેસ ભારતની રાજનીતિમાં હાંસિયામાં ધકેલાઈ ગઈ છે ત્યારે સ્પ્રિંગની જેમ ઊછળીને પૂરી તાકાતવાન બનવા મથી રહેલી કોંગ્રેસને હિન્દુઓ યાદ આવ્યા છે. એક લાંબો સમય હિન્દુઓનાં હિતની ઉપેક્ષા કરતી રહેલી કોંગ્રેસને હવે બ્રહ્મજ્ઞાન લાધ્યું છે કે સાંકેતિક તો સાંકેતિક પણ ‘જનોઈ’ પહેર્યા વિના નહીં ચાલે. જો કે ફરી અહીં કોંગ્રેસની બે મોઢાની નીતિ તેના માટે એક મોટું વિઘ્ન સાબિત થાય છે. રામમંદિરનો જ મુદ્દો લઈએ તો કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સર્વોચ્ચ અદાલતમાં એવી દલીલ કરે છે જેનાથી રામમંદિરનો મુદ્દો ચૂંટણી પછી કોર્ટ હાથ પર લે અને એ જ કપિલ સિબ્બલ આણી મંડળી ભાજપ અને રાષ્ટ્રવાદીઓ પર આરોપ લગાવે છે કે ‘રામમંદિર વહીં બનાયેેંગે, પર તારીખ નહીં બતાયેંગે’. કોંગ્રેસની આવી બેધારી નીતિ, તેની આંતરિક ખટપટો અને હિન્દુ સમાજની લાગણીઓ સાથે રમત કરવાની યોજનાનું પરિણામ છે. શું કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ એ નહીં સમજતા હોય કે આજે સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ વાત જનતાથી છૂપી નથી રહેતી ?
 

 
 

લઘુમતી વોટબેન્કનું દબાણ પણ ખરું

 
રામમંદિર મુદ્દે કોંગ્રેસના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે તેનું તાજું ઉદાહરણ આપણે હમણાં નિહાળ્યું. ઉત્તરપ્રદેશની બોટયાત્રામાં નીકળેલાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ગંગાકિનારાનાં ગામોની યાત્રા કરી. લોકોને મળ્યાં, અયોધ્યા પણ ગયાં, પરંતુ રામલલ્લાનાં દર્શન કરવાનું ટાળ્યું. આ શું સૂચવે છે ? તેમના બંધુ એક તરફ સર્વસમાવેશક હિન્દુધર્મની વાત કરે છે અને પ્રિયંકા અયોધ્યામાં જઈને પણ રામલલ્લાનાં દર્શન કરવાની હિંમત નથી જુટાવતા. આ સ્પષ્ટપણે કોંગ્રેસ પર રહેલા લઘુમતી વોટબેન્કના મનોવૈજ્ઞાનિક દબાણનું પરિણામ છે.
 
આજે વાસ્તવિક્તા એ છે કે કોંગ્રેસ પક્ષ (ત્રણ રાજ્યોની વિધાનસભાની જીત સિવાય) પાંચ વર્ષમાં મળેલી પારાવાર નિષ્ફળતાઓને કારણે આત્મવિશ્ર્વાસ ખોઈ બેઠો છે. કોંગ્રેસની મૂળ વિચારધારા (તજ્ઞભશફહશતિં તફિંયિં)થી દૂર જવાના પ્રયત્નોના કારણે ઊભી થયેલી દ્વિધા અને મોદી-શાહની જોડી સાથે ટક્કર લેવાની તેની અક્ષમતાએ તેની હાલત ખરાબ કરી નાખી છે, જેને વર્ષો સુધી દબાવીને સમાજથી અલગ-થલગ કરવાનો કોંગ્રેસે પ્રયાસ કર્યો એ સંઘ પરિવાર અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો આજે કોંગ્રેસને તેની (અ)ક્ષમતાનો પરિચય કરાવી રહ્યા છે. કોંગ્રેસ કથિત ‘સોફ્ટ’ હિન્દુત્વ અપનાવવાના ચક્કરમાં પોતાની મૂળ ઓળખ ગુમાવી રહી છે. તેનું પણ એક તાજું ઉદાહરણ આપણી સમક્ષ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ‘ટેમ્પલ રન’ કર્યા પછી રાહુલે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પણ આ પ્રયોગ કરવાનો નિષ્ફળ અને જોખમી પ્રયાસ કર્યો. તેમણે રાજ્યની ૧૦૦ જેટલી સીટો પણ અસરકારક પ્રભુત્વ ધરાવતા લિંગાયતોને ચૂંટણી પહેલાં વિશેષ ધાર્મિક દરજ્જો આપવાની ઘોષણા કરી જેનું પરિણામ એ આવ્યું કે લિંગાયતો અને વિરશૈવો વચ્ચે તકરાર ઊભી થઈ ગઈ અને કોંગ્રેસને ભારે નુકસાન વેઠવું પડ્યું.
 
કોંગ્રેસ દ્વારા આ પ્રકારે જ્ઞાતિ, જાતિના સંઘર્ષો ઊભા કરે અને (ગુજરાતમાં પણ એવું કરવાના પ્રયાસો થયા.) વર્ગવિગ્રહ તરફ સમાજ દોરાય એવું ચૂંટણીલક્ષી રાજકારણના પ્રયાસો થાય ત્યારે એમના હાથ હેઠા જ પડે છે. કારણ કે આ દેશનો નાગરિક હવે સજગ થઈ ગયો છે. પોતાના પ્રશ્ર્નો માટે ક્યારેક વિભિન્ન સમાજો અવાજ ઉઠાવતા હશે પણ રાજકારણીઓ તેનો હવે લાભ ઉઠાવી જાય અને સમાજને તોડવાના પ્રયાસો થાય એ હવે નાગરિકો સાંખી લેતા નથી. આવા સમયે કોંગ્રેસે કાં તો ગંભીરતાપૂર્વક અને ધીરજથી ભારતના હિન્દુઓના પ્રશ્ર્નોને સમજીને તેમની સહાય માટે લાંબા ગાળાનાં આયોજનો સાથે આગળ આવવું પડશે નહીં તો થૂંકના થીગડા જેવા મતલબી તાયફા કે વચનો કોંગ્રેસની નૈયાને જલદી તળિયે પહોંચાડી દેશે. અસ્તુ.
 
- ડૉ. શિરીષ કાશીકર

(લેખક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ (NIMCJ) અમદાવાદના ડિરેકટર છે)