મતદારોને ભરમાવવા માટેના શરમજનક પ્રયોગો - મતદાર ખરીદી : લોકશાહીનું અનિષ્ટ દૂષણ

    ૧૯-એપ્રિલ-૨૦૧૯

 
 
માત્ર ભારત નહીં પણ વિશ્ર્વની કોઈ પણ લોકશાહીમાં મતદારોને ખુશ કરવા વિવિધ ગતકડાંનો ઉપયોગ થાય છે. કેટલાક ઉમેદવારો ચૂંટણીમાં યેનકેન પ્રકારેણ જીત મેળવવા માટે મતદારોને ભરમાવવાના, ખરીદવાના લોકશાહી માટે શરમજનક પ્રયોગો કરતા હોય છે.
 
વર્ષોથી કેટલાક ઉમેદવારો દ્વારા મતદારોને આકર્ષવા માટે સ્કીમો તૈયાર કરવામાં આવે છે. દરેકમાં પૈસો મહત્ત્વનો બને છે. ક્યાં તો રોકડા આપો અથવા તો એટલી જ રકમની કોઈ ગિફ્ટ આપવાનું નક્કી કરવું પડે છે.
 

માત્ર ભારતનો મતદાર લાંચિયો છે એમ નથી 

 
આમ પણ, બનતી મીઠાઈ, બનતું અખબાર અને ચૂંટણીપ્રક્રિયાની અંદરનું ગણિત અને કારીગીરી કોઈ જુવે તો ક્યારેય તે અંગે ગૌરવ મહેસૂસ ના કરે. મતદારોને આપવામાં આવતાં પ્રલોભનો સાથે ભલે કોઈ સંમત ના હોય પણ જેમને ગિફ્ટ મળે છે એ ક્યારેય તેને પાછી આપી દેતો જોવા નથી મળ્યો. માત્ર ભારતનો મતદાર લાંચિયો છે એમ નથી, અમેરિકાની ચૂંટણીઓમાં પણ મફત ચીજોનાં પ્રલોભનો અપાય છે. ગરીબ વિસ્તારો અને ઝૂંપડપટ્ટીના મત મેળવી આપતી એજન્સીઓ હોય છે, જ્યાં એકને (વચેટિયાને) સાધવામાં આવે છે, જે બધાના વોટ ખેંચી લાવે છે.
 

ઝૂંપડપટ્ટીના લોકોની  એકતા 

 
ઝૂંપડપટ્ટીના લોકોમાં એટલી એકતા હોય છે કે તેમનો નેતા જેમ કહે એમ વોટિંગ થાય છે. વિસ્તારમાં કેટલા મતદારો સોફ્ટ ટાર્ગેટ છે તેની યાદી બનાવાય છે. ત્યારબાદ પહેલા દિવસથી જ ત્યાં મફતમાં જમવાથી માંડીને પૈસા અને શરાબ સુધીની રેલમછેલ કરી દેવાય છે.
 
હાઉ ટુ વીન ઇન્ડિયન ઇલેક્શન લખનાર યુવાન શિવમ શંકર સિંહ ભાજપના ડેટા એનાલિસ્ટ તરીકે હતા.. રાજકારણને નજીકથી જોઈને તેમણે પુસ્તક લખ્યું હતું. મને આ પુસ્તક ઓપિનિયન માટે મોકલાયું હતું. મેં લખ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવ કે કરુણાનિધિ જેવા જ આવું પુસ્તક લખી શકે કે જેમણે પોતાના આખે-આખા કુટુંબને રાજકારણમાં ઘુસાડવામાં અને જીતાડવામાં સફળતા મેળવી છે.
 

વોટની સામે ગિફ્ટનો વ્યવહાર  

 
મતદારોના મત મેળવવા મફત ચીજો આપવી જોઈએ કે કેમ તે વિષય પર પાછા ફરીએ તો વોટની સામે ગિફ્ટનો વ્યવહાર છાનોછૂપો ચાલતો હતો, પરંતુ તેનો જાહેરમાં વેપલો કોઈએ કર્યો હોય તો તે તમિળનાડુના પ્રાદેશિક પક્ષો હતા. દ્રવિડ પક્ષોે જાહેરમાં મતદારોને પ્રલોભનભર્યાં વચનો આપતા હતા, તે તો ઠીક પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ ઘરવપરાશની ચીજોની યાદી આપતા હતા. ડીએમકેના સુપ્રીમો કરુણાનિધિએ મતદારોને કલર ટીવી આપવાની જાહેરાત કરી હતી તો અન્નાડીએમકેના જયલલિતાએ મતદારોને મિક્સચર આપવાની વાત કરી હતી.
 

 
 

જ્યારે મતદારોને ટીવીનું વિતરણ કર્યું 

 
કરુણાનિધિએ કલર ટીવીની સ્કીમ મૂકીને વિધાનસભાનો જંગ જીતી લીધો હતો. જ્યારે મતદારોને ટીવીનું વિતરણ કર્યું ત્યારે ઘર ખુલ્લું હોવું જોઈએ એવો ફતવો બહાર પડાયો હતો. આ ફતવાની એવી અસર પડી કે દેશમાં ચાલતા મોટા ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો બંધ થઈ ગયા હતા. કેમ કે હેવી પ્રોજેક્ટોમાં તમિળનાડુના મજૂરો કામ કરતા હોય છે.
 
આ મજૂરો મફત ટીવી મેળવવા કામ છોડીને વતનમાં આવી ગયા હતા. ત્યારે એક કલર ટીવીના ૩૦,૦૦૦ ‚પિયા ભાવ હતો. આ ટીવી ચીનની બનાવટના હતા પણ લોકોને તેનાથી સંતોષ હતો. તમિળનાડુના પ્રાદેશિક પક્ષોને આ મફત માયાજાળ રચવાની ફાવટ આવી ગઈ હતી. આ મફતની માયાજાળમાં દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસનો તમિળનાડુમાંથી સફાયો થઈ ગયો હતો. તમિળનાડુના પ્રાદેશિક પક્ષોએ મફત ચીજો આપીને મતદારોને પોતાના બનાવી દીધા હતા.
 
આ સફળતા જોઈને ઉત્તર પ્રદેશના સમાજવાદી પક્ષે મતદારોને લેપટોપ આપવાની જાહેરાત કરી હતી. ભારતના રાજકારણમાં નેગેટિવ ચીજો મોટા પ્રમાણમાં પ્રસરતી જોવા મળે છે.
 

આ વન ટાઇમ પાસવર્ડ જેવું છે 

 
મતદારોને રીઝવવા માટે અપાતી ગિફ્ટ અંગે ઘણો ઊહાપોહ થયો છે, પરંતુ સામાન્ય પ્રજા એમ માને છે કે આ રાજકારણીઓ લોકોનાં કામ તો ભાગ્યે જ કરતા હોય છે. તો પછી એકવાર તેમનાં ખિસ્સાં ખાલી થાય તેમાં વાંધો શું છે ? હકીકતે તો આ વન ટાઇમ પાસવર્ડ જેવું છે. આવી સિસ્ટમ કેટલાક ભ્રષ્ટ લોકોને એટલા માટે ફાવે છે કે ફ્રી ગિફ્ટનો પાસવર્ડ વાપરીને તે પાંચ વર્ષ માટે રાજા બની જાય છે. મતદારોને અપાતી ગિફ્ટ એ લાંચ છે એમ સુપ્રીમ કોર્ટ પણ કહી ચૂકી છે પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદાની છટકબારીઓ રાજકારણીઓ શોધી લેતા હોય છે.
 
ભારતના રાજકારણમાં વંશવાદનો વેલો ચાલુ રાખવા માટે મતદારોને ખરીદવાનો વિચાર પ્રસર્યો હતો. કરુણાનિધિ, મુુલાયમસિંહ યાદવ, લાલુ પ્રસાદ વગેરેએ કુટુંબને આગળ કરવા પૈસા વેર્યા હતા. મતદારોને ખરીદવા એ લોકશાહીનું મોટું દૂષણ છે.
 
ભારતમાં કેટલાક ભ્રષ્ટ લોકો દ્વારા મતદારોને કાં તો ડરાવવામાં આવે છે કે લલચાવવામાં આવે છે. બિહારમાં ડરાવવાનો ધંધો ચાલતો હતો તો તમિળનાડુમાં પૈસા વેરાતા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રની ઝૂંપડપટ્ટીઓમાં મત મેળવવા પૈસા વેરાતા હતા એ જગજાહેર વાત છે.
 
જો કે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે મતની વેલ્યૂ લોકસભામાં એક મત માટે અટલ બિહારી વાજપેઈની સરકાર ઊથલી પડી ત્યારે થઈ હતી. વાજપેઈ સરકાર જયલલિતાનો મત મેળવવા તેમની સામેના કેસો ડ્રોપ કરવા તૈયાર નહોતી અને સત્તા છોડવી પડી હતી. લોકશાહીનું આ ઉત્તમ ઉદાહરણ છે.
 
ટૂંકમાં ચૂંટણી જીતવી હોય તો મતદારોનો પ્રેમ જીતવો પડે છે. જીવનની મોટા ભાગની ચીજો પૈસાથી તોલાતી હોય ત્યાં મતદારની શું કિંમત ?
 

હવે સ્થિતિ બદલાઈ છે 

 
હવે સ્થિતિ બદલાઈ છે. દેશ માત્ર કોંગેસ ચલાવી શકે એ હવામાન બદલાયું છે. કેટલાક સિદ્ધાંતોથી દેશ ચાલી શકે છે. લોકો પણ મતદાન કરીને પોતાની ગમતી સરકાર લાવી શકે છે. મતદારોને ગિફ્ટ આપવાની સિસ્ટમ ઘટી છે પણ મતદારને ખોટાં વચનો આપવાની અને લોલીપોપ બતાવવાની સિસ્ટમ વધી છે.
 
તેમ છતાં દરેક ઇચ્છે છે કે પોતાનાં લોકોપયોગી કામોથી જ મતદારનાં દિલ જીતી શકાય છે. મત ખરીદવાનું દૂષણ લોકશાહી માટે નુકસાનકારક છે. મતદાનને ફરજિયાત બનાવાય તો જ મતદારોને પૈસાથી તોલવાની સિસ્ટમ અટકી શકે એમ છે.
 
- સુદર્શન ઉપાધ્યાય