આપણી પાસે વૈચારિક ફાનસ છે પણ દિલમાં દીવા નથી પ્રગટતા

    ૧૯-એપ્રિલ-૨૦૧૯

 
ચરકમુનિ એકવાર સંશોધનાર્થે વનમાં ફરી રહ્યા હતા. દરેક વનસ્પતિની સાધક-બાધક તપાસ કરી રહ્યા હતા. ત્યાં જ એમની નજર એક જુદા પ્રકારના ફૂલછોડ પર પડી. એકીશ્ર્વાસે તેઓ એ તરફ ધસી ગયા. પણ અચાનક પાસે જઈ ઊભા રહી ગયા. શિષ્યે પૂછ્યું, ગુરુવર્ય, કેમ અટકી ગયા ? તો મુનિએ કહ્યું કે, આ વનવગડો નથી પણ કોઈનું ખેતર છે. એના માલિકને પૂછ્યા વગર આપણાથી આ ફૂલને અડાય પણ નહીં. શિષ્ય કહે, તમે આ સંશોધન રાજાની આજ્ઞાથી અને લોકાહિતાર્થે કરો છો, વળી તમે રાજવૈદ્ય પણ છો. પણ મુનિ ટસના મસ ન થયા. અને કહ્યું કે માલિકને પૂછ્યા વગર વસ્તુ લેવી એ ચોરી છે. શિષ્ય કહે, માલિક તો છેક સાંજે આવશે. તો મુનિ કહે કે, ભલે, આપણે સાંજ સુધી રાહ જોઈશું.
 
ચરકમુનિ આયુર્વેદના પિતા છે. એમની આ પ્રામાણિકતા જ એમને મહાન બનાવે છે. મહાન માણસો સખત પરિશ્રમી તો હોય છે જ સાથે સાથે માનવીય ગુણો પણ ભારોભાર ધરાવતા હોય છે. ભગવાન રામ પદયાત્રા કરતા ભારદ્વાજ ઋષિના આશ્રમથી નીકળીને વાલ્મીકિ ઋષિના આશ્રમ સુધી આવે છે. રામને જોઈ વાલ્મીકિ આનંદિત થઈ જાય છે. કેટલાક માણસોનું ચહેરા પાછળનું આભામંડળ અને ચહેરા આગળનું આનંદમંડળ પ્રફુલ્લિત કરનારું હોય છે. કેટલાક માણસને જોઈને થાય કે આને આપણા જીવનનું એક આખું વર્ષ આપી દઈએ અને કેટલાંક સોગિયાં મોં જોઈને થાય કે એને બે ઝાપટ મારી દઈએ. ઉત્તમ માનવીય ગુણો જ માણસને ઇતિહાસમાં અમર બનાવે છે.
 
રામ વિષે મંગલમૂર્તિ નયન નિહારી કહેવાયું હતું. તુલસીદાસે મંગલમૂર્તિની સૌપ્રથમ વ્યાખ્યા કરી છે. કોઈ પણ ઉત્તમ વ્યક્તિ માટે મંગલમૂર્તિ શબ્દનો પ્રયોગ કરી શકીએ છીએ. જેમની પાસે બેસવાથી મનના તરંગ શાન્ત થઈ જાય, મન પ્રસન્નતાની પેલે પાર વિહરવા લાગે, વિચારોમાં શુદ્ધતા આવી જાય, વાણીમાં વિવેક અને સમ્યક્ ભાવ આવી જાય તો સમજવું કે તે મંગલમૂર્તિ છે. જીવનમાં બુદ્ધપુરુષના સંગથી જીવનને નવો રંગ મળે છે. આપોઆપ ભીતરી યજ્ઞ શ‚ થઈ જાય છે. શત્રુતાનાં સમિધ એમાં ભસ્મ થઈ જાય છે. મહારાષ્ટ્રના લોકો ગણેશજી માટે મંગલમૂર્તિ શબ્દનો પ્રયોગ કરે છે. ગણેશજીને પ્રસ્થાપિત કરવામાં લોકમાન્ય ટિળકનું ઘણું મૂલ્ય છે. એમ હનુમાનજીને પ્રસ્થાપિત કરવામાં તુલસીદાસનું મૂલ્ય છે. મંદિરમાં પ્રવેશ કરીએ એટલે સૌપ્રથમ હનુમાનજી અને ગણેશજીનાં દર્શન કરવામાં આવે છે.
 
નિન્દકો આપણી આરસી છે. જ્યારે આપણી નજીકની વ્યક્તિ આપણી નિંદા કરે ત્યારે સમજવું કે સત્ય નિકટ છે. દૂરના લોકો નિંદા કરે તો સમજવું કે સત્ય દૂર છે. કોઈની ટીકા સામે ગુસ્સો કરવાને બદલે એની સત્યતા જાણવી જોઈએ. આપણા આંતરિક દુશ્મન ત્રણ છે. પ્રમાદ-આળસ, અક્રિયતા-નિરુત્સાહ અને વિવેકહીનતા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ ષડરિપુ છે. "सकल सुमंगल दायक रघुनयक"  હવે અમારાથી કશું નહીં થાય આ વિચાર જ અમંગલ છે. બહારગામ જાઓ તો નિરુત્સાહીનાં શુકન ન કરવાં. નિરુત્સાહ અમંગલ છે. જિસસ કહે છે, રોજ નવા કપડાં પહેરો. નવા કપડાં પહેરવાનો મતલબ તમારો ઉત્સાહ રોજ નવો હોવો જોઈએ. આપણે વાસી છીએ. જિસસનું એક વાક્ય મને બહુ જ પ્રિય છે. માણસ કેવળ રોટીથી નહીં જીવે, મારા પવિત્ર વચનોથી જીવશે. આપણે કેવળ રોટીથી નથી જીવતા., સંતોનાં વચનોથી જીવી રહ્યા છીએ. અને કોઈ સાધુ સાથે તમારો સંગ થઈ જાય અથવા તો એમના માર્ગદર્શનમાં આપણે જીવીએ છીએ; એની સાથે વાત કરીએ કે એ આપણા ખભા પર હાથ મૂકીને બે શબ્દ કહી દે તો પછી કોઈ ચિંતા ન કરો. સાધુ તમને લોટરી નહીં લગાવી દે પરંતુ બેટરી જ‚ર ચાર્જ કરી દેશે; ઉત્સાહથી ભરી દેશે. નિરુત્સાહી જીવન અમંગલ છે. ઉત્સાહી જીવન સુમંગલ છે. પ્રમાદી જીવન અમંગલ છે. આવો, સાથે મળીને મંગલનો મંત્ર ભણીએ...
 
- આલેખન : હરદ્વાર ગોસ્વામી