તમારો મત કોના તરફી છે ? નક્કી કરી શકતા નથી? તો આ પ્રંસગ વાંચો

    ૧૯-એપ્રિલ-૨૦૧૯

 
 
એક રાજા પોતાના રાજ્યની રખેવાળી માટે યોગ્ય અને વિશ્ર્વાસપાત્ર વ્યક્તિને શોધી રહ્યો હતો. તેણે પોતાની આસપાસના લોકોને પારખવાનું શરૂ કર્યું. એક તરફ રાજપરિવારનો યુવક હતો, તો બીજી તરફ એક સામાન્ય પરિવારનો યુવક. પરંતુ તે રાજપરિવારના યુવકથી વધુ હોંશિયાર હતો. રાજાના મનમાં ભારે અવઢવ ચાલી. તે પોતાના રાજગુરુ પાસે પહોંચ્યા અને કહ્યું, ‘સ્વામીજી, ખૂબ વિચાર્યું. મારી સામે બે વિકલ્પ છે. એક રાજપરિવારનો વ્યક્તિ છે, જે બાલિશ અને અણસમજુ છે. તેને રાજકારણનું ભાન જ નથી, પરંતુ તે મારો પોતાનો છે. જ્યારે અન્ય વ્યક્તિ છે એ સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે. લોકો તેની વાત સાંભળે છે. તે રાજપરિવારનો નથી છતાં રાજકાજમાં નિપુણ છે.’
 
સ્વામીજીએ કહ્યું, ‘તો પછી તમારો મત કોના તરફ છે ?’
રાજાએ કહ્યું, ‘એ જ તો નક્કી કરી શકતો નથી.’
 
આ સાંભળી સ્વામીએ કહ્યું, ‘આપણા શરીરમાં થતો રોગ પણ આપણો જ હોય છે ? છતાં તે આપણા શરીરને ક્ષીણ કરવા પર ઊતરી આવે ત્યારે આપણે તેને બહાર કાઢી ફેંકી દેતાં અચકાતા નથી. આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે જડીબુટ્ટીની જરૂર પડે છે, તે મહેલમાં નથી ઊગતી. જંગલો અને પહાડોમાં જ મળે છે.’
આ સાંભળી રાજાની આંખો ખૂલી ગઈ. તેણે પોતાના રાજ્યની રખેવાળી માટે સામાન્ય પરિવારના પરંતુ લાયક યુવાનને પસંદ કર્યો.