કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો- જો કોંગ્રેસ જીતી તો દેશમાં કોઈ ગરીબ નહીં રહે, દેશદ્રોહ કોઈના પર નહીં લાગે, કાશ્મીર પર વાતચીત જ થશે!!!

    ૦૨-એપ્રિલ-૨૦૧૯   

 
 
લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી માટેનો કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો આવી ગયો છે. રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સાથે મળી મંગળવારે આ ઢંઢેરો પ્રેસ કોન્ફરન્સ થકી લોકો સમક્ષ મૂક્યો હતો. આ ઢંઢેરામાં ન્યાય યોજના પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેડૂતો, આંતરિક સુરક્ષા, વિદેશનીતિ, અર્થવ્યવસ્થા સંદર્ભે અનેક વચનો આપવામાં આવ્યાં છે. હવે ઢંઢેરો છે એટલે વગાડી વગાડી જાહેર કરવો જ પડે ને! ૫૪ પાનાંમાં ઘણું બધું કહેવાયું છે પણ તેમાંનાં કેટલાંક વચનો સમજવા જેવાં છે, તો આવો, સમજીએ…
 

કોંગ્રેસ આવશે તો ગરીબો માત્ર ૧૧ વર્ષમાં ધનવાન બની જશે 

 
પહેલી વાત આ ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે જો કોંગ્રેસ આવશે તો ૨૦૩૦ સુધીમાં ભારતમાંથી ગરીબી દૂર થઈ જશે. કેવી રીતે ? આંકડાની માયાજાળ રચીને કે ગરીબો માટે યોજના ઘડીને ગરીબી હટાવશે એ તો કોંગ્રેસ આવ્યા પછી જ ખબર પડે પણ હાલ ગરીબો માટે સારા સમાચાર છે. કોંગ્રેસ આવશે તો ગરીબો માત્ર ૧૧ વર્ષમાં ધનવાન બની જશે…
 

પેટ્રોલ-ડીઝલ માટે કોંગ્રેસનું એક જ સૂત્ર છે કે વેલ કમ ટૂ જીએસટી…! 

 
બીજી વાત જીએસટીની છે. કહેવાયું છે કે અમે આવીશું તો પેટ્રોલ ડીઝલને છોડીશું નહીં. તેને પણ જીએસટીના દાયરામાં લઈ જ લઈશું. બધું જીએસટીમાં આવતું હોય અને પેટ્રોલ-ડીઝલ ન આવે તેવું થોડું ચાલે? ન જ ચાલે…તો પેટ્રોલ-ડીઝલ માટે કોંગ્રેસનું એક જ સૂત્ર છે કે વેલ કમ ટૂ જીએસટી…!
 

રાષ્ટ્રદ્રોહનો કાંટો જ કાઢી નાંખશે 

 
ત્રીજી મહત્વની વાત એ છે કે મોદી સરકારમાં જેના જેના પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચાલે છે તેમના માટે રાહતના સમાચાર છે. કોંગ્રેસ આવશે તો રાષ્ટ્રદ્રોહનો કાંટો જ કાઢી નાંખશે. એટલે કે દેશવિરોધી કામ કરનારા લોકો સામે જે કેસ થાય એ રાષ્ટ્રદ્રોહનો થાય છે. આથી જો કોંગ્રેસ સત્તા પર આવશે તો આ કાયદો જ નાબૂદ કરી નાખશે. પછી જે કરવું હોય તે…..?
 

વાતચીત પર વાતચીત… 

 
ચોથી વાત જમ્મુ-કાશ્મીરની છે. ઢંઢેરામાં કહેવાયું છે કે અમારી સરકાર વખતે જે વાતચીત ચાલુ હતી તે આગળ વધશે, એટલું જ નહીં કોઇ પણ પૂર્વશરત વિના જમ્મુ-કાશ્મીર સંદર્ભે વાતચીત ચાલુ જ રહેશે. એટલે માત્ર થશે વાતચીત પર વાતચીત…
 

એક વર્ષમાં આ ૨૨ લાખ ખાલી ભરેલી જગ્યા ભરી દેશે 

 
પાંચમી વાત સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે છે. ૨૨ લાખ સરકારી નોકરી ખાલી છે. જો રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો માત્ર એક વર્ષમાં આ ૨૨ લાખ ખાલી ભરેલી જગ્યા ભરી દેશે. તો યુવા મિત્રો ચૂંટણીમાં માત્ર મતદાન કરવા પૂરતું જ ધ્યાન આપજો, સોશિયલ મીડિયા પર ગપ્પા મારવા કરતા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કવા માંડજો. અને ચિંત નહીં, કોંગ્રેસ આવે કે ન આવે એ તૈયારી કામ તો આવશે જ…કહેવાય છે ને કે, મેળવેલું જ્ઞાન વ્યર્થ જતું નથી!
 

કોંગ્રેસ આવશે તો આ અફસ્પા દૂર  

 
મણિપુરની શર્મિલા ઈરોમને તમે ઓળખો છો? ન ઓળખતા હોવ તો કહી દઉં કે તેમણે મણિપુરમાંથી સશસ્ત્ર બળ વિશેષ અધિકાર કાનૂન એટલે કે “અફસ્પા” દૂર કરવા ૧૬-૧૬ વર્ષ સુધી ભૂખ હડતાલ કરી અને ધાર્યું ન થયું તો ચૂંટણી પણ લડ્યા અને પ્રજા માટે લડનારી આ બહેનને પ્રજાએ માત્ર ૮૫ મત જ આપ્યા. હવે તે બહેન ક્યાં છે એ ખબર નથી પણ તેમના માટે આ ઢંઢેરામાં સારા સમાચાર છે. સમાચાર એ છે કે જો કોંગ્રેસ આવશે તો આ અફસ્પા દૂર કરવાનું વિચારશે…
 

૫૬ની છાતી સામે લડવા કોંગ્રેસે ૫૪ પાનાંનું આ ઢંઢેરારૂપી હથિયાર 

 
૫૬ની છાતી સામે લડવા કોંગ્રેસે ૫૪ પાનાંનું આ ઢંઢેરારૂપી હથિયાર બનાવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ મેં એકલાએ નથી બનાવ્યું, બંધ કમરામાં નથી બનાવ્યું, પણ ખુલ્લા મેદાનમાં લોકોને મળીને , તેમની પાસેથી માહિતી લઈને બનાવ્યું છે.
 

અને હા રાફેલ વિશે હવે તપાસ થશે!! 

 
અને હા રાફેલ વિષે તો રહી જ ગયું…જો કોંગ્રેસ આવશે તો તરત રાફેલ બાબતે એક કમિટીની રચના થશે અને તપાસ કરવામાં આવશે. એટલે એમ કે અત્યાર સુધી માત્ર વાતો થતી હતી. હવે રાફેલ પર સવાર થઈ સત્તા સુધી પહોંચાશે તો સત્તાવાર તપાસ કરવામાં આવશે કે થયું શું હતું!!