ગુજરાતની જનતાનું ગુજરાતીપણું જ ગુજરાતની અસ્મિતા છે

    ૨૨-એપ્રિલ-૨૦૧૯
1 મે, 1960 એટલે ગુજરાત સ્થાપ્ના દિન. આજે ગુજરાત 59 વર્ષનું થયું. આ 59 વર્ષમાં ગુજરાતે અનેક સિધ્ધિઓના શિખરો સર કર્યા છે. ઉદ્યોગ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે ગુજરાતે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. ગુજરાતની આ 54 વર્ષની પ્રગતિમાં, વિકાસગાથામાં ગુજરાતીઓનું ખમીર, ગુજરાતના મહાનુભાવોના બલિદાન, સંસ્કારો, ગુજરાતીઓનો માતૃભૂમિપ્રેમ અને ગુજરાતના એક એકથી ચડિયાતાં જ્યોતિર્ધરોનો ફાળો છે. આ એક એકથી ચડિયાતા ગુજરાતી ધુરંધરોના કારણે જ આજે ગુજરાતની અસ્મિતા અખંડ રહી છે. તેમના પ્રકાશપુંજના કારણે આજે વિશ્ર્વમાં ગુજરાત પ્રકાશમય ઝળહળી રહ્યું છે. તો આવો ગુજરાત દિને ગુજરાતની અસ્મિતા, ગુજરાતના વિકાસમાં અને ગુજરાતનું ઘડતર કરનારા ગુજરાતીઓ અને ગુજરાત ભૂમિની વાત માંડીએ....

ગુજરાતનો ઇતિહાસ

ગુજરાત - પૌરાણિક ભૂમિ જે પશ્ર્ચિમે અરબી સમુદ્રથી જોડાયેલી છે. ઉત્તર-પૂર્વના સીમાડા અનુક્રમે રાજસ્થાન તથા મધ્યપ્રદેશ સાથે જોડાયેલા છે. પશ્ર્ચિમ અને દક્ષિણે દીવ, દમણ, દાદરા અને નગર હવેલી સાથે જોડાયેલ છે.

રાજ્યનું નામ ગુજ્જર પરથી પડ્યું. આઠમી સદીમાં જેણે આ ભૂમિ પર શાસન કર્યું હતું. પાષાણ યુગમાં ઉદ્ભવ પામેલી સાબરમતી નદી અને હિન્દુ સંસ્કૃતિની ધરોહર ધરાવતા હડપ્પ્ન અવશેષો લોથલ, રામપુર તથા અમરી વગેરે સ્થળોએ જોવા મળે છે.

ગિરનાર પર્વતમાં મળી આવેલાં શિલ્પ-સ્થાપત્યો મૌર્ય સમ્રાટ અશોકના સામ્રાજ્યની સાક્ષી પૂરે છે, જેણે શક અને હૂણોએ કબજે કરેલા વિસ્તારમાંથી ખદેડી મૂકી ગુજરાત પ્રદેશમાં સામ્રાજ્ય કર્યું હતું.

9મી સદી દરમિયાન સોલંકી યુગનો ઉદય થયો જેના શાસનકર્તાએ ગુજરાતમાં ગૌરવવંતો ઇતિહાસ બનાવ્યો. આજે જય જય ગરવી ગુજરાત, ગુણવંતી ગુજરાત એવાં શબ્દોમાં દરેક ગુજરાતીઓનું ખમીર ઝળકે છે. ત્યારબાદ સુદીર્ઘકાળ સુધી મુસ્લિમ શાસક અહેમદ પહેલો - જેણે ગુજરાત પર સૌ પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ શાસક તરીકે ઈ.સ. 1419માં અમદાવાદના શાસનની ધુરા સંભાળી. ઈ.સ. 1570માં સમ્રાટ અકબરે માળવા અને ગુજરાત પ્રાંતની શાસનધુરા સંભાળી. ઈ.સ. 1600માં ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ પ્રજા રાજ્યના દરિયાઈ સીમાડે આવીને વસી હતી.

ઈ.સ. 1818માં બ્રિટિશની ઈસ્ટ ઇન્ડિયા કંપ્નીએ સૌ પ્રથમ સુરત ખાતે તેમનો પાયો નાંખ્યો અને ટૂંકા ગાળામાં સમગ્ર પ્રાંત ઉપર તેણે શાસન જમાવ્યું. 1 મે, 1960ના રોજ ગુજરાતની સ્થાપ્ના થઈ ત્યારે એક નવુંસવું ગુજરાત ગુજરાતીઓની ઓળખ સાથે વિકાસની પાપા પગલી ભરતું હતું. ગુણવંતી ગુજરાતના સ્વપ્નદ્રષ્ટાઓની મહેનત, દ્ષ્ટિ અને બલિદાનોથી ગુજરાતની વિકાસયાત્રા સતત ઝળકતી રહી છે. ગુજરાતની સ્થાપ્ના થઈ ત્યારે અમદાવાદ હતું. 1970માં ગાંધીનગરનું નિર્માણ થયું અને ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવાયું.


 

ભૂગોળ

આઝાદી પહેલાં હાલનું ગુજરાત બે ભાગોમાં વહેંચાયેલું હતું. એક બ્રિટિશ અને બીજાં દેશી રજવાડામાં વિભાજિત સૌરાષ્ટ્રના રાજ્યો અને કચ્છના કેન્દ્રશાસિત પ્રદેશો મળીને પહેલાંનું બ્રિટિશ ગુજરાત દ્વિભાષી મુંબઈ રાજ્યમાં સમાવિષ્ટ હતું. ગુજરાત ભારતના પશ્ર્ચિમ કિનારે આવેલું છે. પશ્ર્ચિમમાં અરબી સમુદ્ર અને ઉત્તરમાં પાકિસ્તાન તથા ઉત્તરપૂર્વમાં રાજસ્થાન આવેલાં છે, જ્યારે દક્ષિણ પૂર્વમાં મધ્યપ્રદેશ અને દક્ષિણમાં મહારાષ્ટ્ર છે. રાજ્યનું ભૌગોલિક ક્ષેત્રફળ 1,96000 વર્ગ કિલોમીટર છે.

 

 

ગૌરવશાળી ગુજરાત

ગુજરાત એક એવો પ્રદેશ છે જે દેશ જ નહિ દુનિયામાં પણ અંકિત થયેલો છે. વૈશ્ર્વિક ઓળખ ધરાવતો આ પ્રદેશ પક્ષી અભયારણ્ય નળસરોવર (ભાલ નળકાંઠો), પ્રાચીન નગરો લોથલ (ભાલ પ્રદેશ) અને ધોળાવીરા (કચ્છ)થી જાણીતો છે. આવો ગુજરાત પ્રદેશ ભગવાન કૃષ્ણને પણ ઘેલો લાગ્યો અને તેઓ મથુરાથી આવી દ્વારકામાં રોકાઈ ગયા. આ છે ગુજરાતની તાકાત, ગુણવંતી ગુજરાતના ગુણ અને શાંતિપ્રિય પ્રજાનો પ્રભાવ. વેપારી તરીકે ગુજરાતીઓની દેશમાં ઓળખ કાયમ બનેલી છે. વેપાર માટે અનુકૂળ પ્રદેશ હોઈ અંગ્રેજોએ પણ સુરતમાં કોઠી નાખી હતી. આમ વેપાર-ઉદ્યોગ-રોજગાર માટે ગુજરાત હજારો વર્ષોથી જાણીતું છે. ખંભાતના દરિયાકિનારે 84 દેશોનાં વહાણો લાંગરતાં હતાં એવા ધીકતા વેપારનું પણ ગુજરાત સાક્ષી છે. આજે પણ મહાબંદર તરીકે કંડલા દેશમાં ગણમાન્ય છે. સૌથી મોટો દરિયાકનિારો અને તેમાં ચાલતો મત્સ્યઉદ્યોગ ગુજરાત અને દેશના વિકાસ માટે કડીરૂપ છે.

દેશનાં અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં એશિયાની સૌથી મોટી હાસ્પિટલ તરીકે સિવિલ હાસ્પિટલ અમદાવાદમાં આશીર્વાદરૂપ બની રહી છે. અદ્યતન હાસ્પિટલોના કારણે મેડિકલ ટૂરિઝમનો અહીં અદ્ભૂત વિકાસ થયો છે. ગીરના જંગલમાં વસતા એશિયાટિક સિંહો, હવા ખાવાનું સ્થળ સાપુતારા, ડાંગ-આહવાનાં જંગલો - અભયારણ્યો અને વનરાજીની મજા માણવા માટે ગુજરાતમાં ઈકો ટૂરીઝમનો પણ વિકાસ થવા પામ્યો.

ગુજરાતને કુદરતની દેન સમો 1600 કિલોમીટરનો દરિયાકિનારો સાંપડ્યો છે. આકાશે આંબતો ગિરનાર પર્વત, ડાંગ - આહવા - પંચમહાલની વનરાજી, સાપુતારા, વિશ્ર્વ વિખ્યાત નળસરોવર, પ્રાચીન નગરો લોથલ, હડપ્પા, મોંહેજોદડો, શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, સોમનાથ મહાદેવ, દ્વારકાપુરી, પાટણનાં પટોળાં, કચ્છી બાંધણી, જેતપુરનો સાડીઉદ્યોગ, ગુજરાતની આગવી ભાત પાડી રહ્યા છે.

 

 

આઝાદીની ચળવળના મહાનાયકો

મહાત્મા ગાંધી 1915માં ભારત પાછા ફર્યા અને દેશને ગુલામીની જંજીરોમાંથી આઝાદ કરવા બીડું ઝડપ્યું. સાબરમતી કિનારે આશ્રમની સ્થાપ્ના કરી અને પ્રતિજ્ઞા કરી કે આઝાદી લીધા વિના ઘરે પાછો નહિ ફરું.

ગુજરાતની ધરોહર સમા આપણા મહાપુરુષોએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. પોરબંદરના ગાંધીએ દેશને આઝાદ કરાવ્યો. કરમસદના સરદાર પટેલે દેશનાં 600થી વધારે રજવાડાંનું વિલીનકરણ કરાવીને એક ભારતની કલ્પ્ના સાકાર કરી. ગુલઝારીલાલ નંદા અને મોરારજી દેસાઈએ દેશનું પ્રધાનમંત્રી પદ શોભાવ્યું. નરસિંહ મહેતાએ હરિજનોના ઘરે જઈ જાતિવાદની જંજીરોને હજારો વર્ષો પહેલાં તોડી. રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, ઇન્દુલાલ યાજ્ઞિકે ગુજરાતને સેવાનો ભેખ આપ્યો. અંબુભાઈ પુરાણીએ ગુજરાતને વ્યામશાળાની ભેટ આપી.

વિક્રમ સારાભાઈ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતામહ અને વિજ્ઞાની, ધીરુભાઈ અંબાણી નવભારતના સ્વપ્નદ્રષ્ટા, જમશેદજી તાતા ભારતીય ઉદ્યોગજગતના પિતામહ બની રહ્યા.

 

 

ભાષા

દુનિયામાં બોલાતી માતૃભાષામાં ગુજરાતી 26મા ક્રમે આવે છે. ગુજરાતમાં વિદેશીઓની આવન-જાવનને લીધે ફારસી, અરબી, તુર્કી, પોર્ટુગલી અને અંગ્રેજી ભાષાનો પણ વ્યાપ વધ્યો છે. ગુજરાતમાં અંગ્રેજી ભાષાનું પ્રમાણ વધી રહ્યું છે. છતાં પણ આજે મહત્તમ લોકો ગુજરાતી અને હિન્દી ભાષા બોલે છે. વહીવટની ભાષા ગુજરાતી છે. દેશનાં અન્ય રાજ્યો, વિદેશમાં પાકિસ્તાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, કેનિયા, દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાના અન્ય પ્રદેશોમાં ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલે છે. ભગવદ ગોમંડલ ગુજરાતી ભાષાનો મહાન શબ્દકોશ છે.

શિક્ષણ

શિક્ષણ, છાત્રાલય અને સંશોધનની સગવડ સાથે ગુજરાતની શિક્ષણસંસ્થાઓ આગળ છે. સાક્ષરતાનો દર 75 ટકાથી વધી ગયો છે.

ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતમાં પ્રથમ ગુજરાત યુનિવર્સિટી 1949માં શરૂ કરવામાં આવી. આજે ગુજરાતમાં 42 યુનિવર્સિટિઓ છે. આ યુનિવર્સિટીઓ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના અભ્યાસ માટે પોતાનુ મહત્ત્વ વધારી રહી છે, જેમાં એમ. એસ. યુનિવર્સિટી વડોદરા, આણંદ, એગ્રિકલ્ચર યુનિવર્સિટી, આણંદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - રાજકોટ, ભાવનગર યુનિવર્સિટી, ઓરો યુનિવર્સિટી ઓફ હાસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટ સુરત, નિરમા યુનિવર્સિટી અમદાવાદ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગર, સેન્ટ્રલ ફોર એન્વાયરમેન્ટલ એન્ડ પ્લાનિંગ ટેક્નોલોજી યુનિવર્સિટી, ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર, ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી આ ઉપરાંત આંબેડકર ઓપ્ન યુનિવર્સિટીમાં ઘરેબેઠા અભ્યાસ કરવાની તક સાંપડે છે.

અગત્યની યુનિવર્સિટીઓમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી, અહેમેડાબાદ યુનિ. અમદાવાદનો સમાવેશ થાય છે.

ઉપસંહાર

ગુજરાતે રાજકારણથી લઈને ધર્મકારણ, શિક્ષણથી લઈને રોજગાર, સાહિત્યથી લઈને શૂરવીરતા અને રમતથી લઈને કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવી છે. ગુજરાતનો એકે એક વિસ્તાર મહામૂલા માનવીઓને સંઘરીને બેઠો છે. ગુજરાતના આ વિકાસમાં ગુજરાતનો એકે એક વિસ્તાર, એકે એક માણસ સહભાગી છે.

ગુજરાતની પ્રજાના ખમીરને કારણે જ આજે ગુજરાતનું હીર વિશ્ર્વસ્તરે ઝળકી રહ્યું છે. ગુજરાતની જનતાનું ગુજરાતીપણું જ ગુજરાતની અસ્મિતા છે.

ગુજરાતનું ગુજરાતીપણું કાયમ ટકશે અને કાયમ ગુજરાતની અસ્મિતા સૂરજ જેમ વિશ્ર્વ આખાને અજવાળતી રહેશે.