કલાકારનું આંતરિક સૌંદર્ય

    ૨૭-એપ્રિલ-૨૦૧૯


 

જૂના જમાનાના રાજદરબારોમાં અનેક કસબીઓ, કલાકારો તેમની કલાનું પ્રદર્શન કરતા ને સન્માન પામતા એ જમાનાની વાત છે. એક બહુ‚પીએ રાજવી પાસે કલા પ્રદર્શનની મંજૂરી માગી અને ત્રણેક દિવસનો સમય માગ્યો. બીજા દિવસે સવારે ગામના ગોંદરે એક ટેકરી પર જટાધારી જોગી પ્રગટ થયા. અદ્ભુત અને પ્રભાવી વ્યક્તિત્વ. મૌન પાળે, માત્ર આશીર્વાદ આપે. અપરિગ્રહનું વ્રત - કંઈ સ્વીકારે નહીં. વાત દરબાર સુધી પહોંચી. પ્રધાન, સેનાપતિ, દરબારીઓ થાળમાં સુવર્ણમુદ્રાઓ લઈને પહોંચ્યા, પણ અવધૂતે તેનો સ્વીકાર ન કર્યો. બધું પાછું વાળ્યું. એ અવધૂત બીજું કોઈ નહીં પણ પેલો બહુરૂપી કલાકાર જ હતો.
 
ત્રણેક દિવસ આ ખેલ ચાલ્યો, પછી બહુરૂપી દરબારમાં પ્રગટ થયો અને કદરરૂપે પાંચ સોનામહોર આપવા વિનંતી કરી. રાજાએ પૂછ્યું કે કાલે સોનામહોરોના થાળ પાછા ઠેલ્યા અને આજે પાંચ જ સોનામહોર માગે છે ? એવું કેમ ? બહુરૂપીનો જવાબ હતો, ‘પ્રભુ, ગઈ કાલ સુધી મારે મારા વેશની - અપરિગ્રહી સાધુત્વની મર્યાદા જાળવવાની હતી. આજે માત્ર મારી કલાની કદરરૂપે પારિશ્રમિક માગું છું. મને એટલો જ હક્ક છે.’ કલાકારનું આ જ આંતરિક સૌંદર્ય છે. સચ્ચાઈ અને આડંબરરહિત સરળતા જ કલાને શોભાવે છે.