ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યોનો ઉદ્ભવ અને વિકાસ

    ૨૭-એપ્રિલ-૨૦૧૯


 

ગુજરાતની ભૂમિ પ્રાચીન સંસ્કૃતિનો વિશાળ વૈભવ વારસો ધરાવે છે. તેનો ૧૬૦૦ કિ.મી. લાંબો સાગરકાંઠો અને ફળદ્રુપ ભૂમિ. આ બંનેના લીધે જળ અને સ્થળ એમ બંને માર્ગોથી અસંખ્ય લોકજાતિઓ અહીં આવીને સ્થિર થઈ છે.
 
આમ તો ગુજરાત હંમેશાથી તેની લોકકલાઓ અને લોકનૃત્યોથી જ ઓળખાયું છે. સામાજિક ઉત્સવો અને ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલાં ગુજરાતનાં લોકનૃત્યો જેવાં કે ગરબો, ગરબી, રાસ, ટિપ્પણી, જાગ નૃત્ય, ભવાઈ, હીંચ, ટીટોડો, મેર રાસ, તલવાર રાસ જેવાં અસંખ્ય લોકનૃત્યોમાં ગુજરાતના લોક પ્રાંતો અને તેની ઊર્મિનો ધબકાર છે.
 
ગુજરાતમાં રાસ માટે તો એવું કહેવાય છે કે, આજથી ૫૦૦૦થી વધુ વર્ષો પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ અને યાદવકુળના સૌરાષ્ટ્ર આગમનથી તેની શરૂઆત થઈ. તો દુનિયાના ખૂણે-ખૂણે પહોંચેલો ગુજરાતનો ગરબો આજે તેની વૈશ્ર્વિક ઓળખ બની ગયો છે.
 
લોકનૃત્યોમાં ખૂબ જ વિવિધતાઓ ધરાવતું અને હજારો વર્ષોથી નૃત્યકલા જેનું અભિન્ન અંગ છે તેવા ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યનો ઉદ્ભવતો ના કહી શકાય પણ પ્રવેશક્ષમતા તો કહેવાય.
 
ભારતનાં મુખ્ય ૮ શાસ્ત્રીય નૃત્યો જેવાં કે ભરતનાટ્યમ્, કથક, કથકલી, કૂચીપુડી, મોતાપુરી, ઓડિસી, મોહિનીઅટ્ટમ, છાઉડાન્સ, જેમાંથી એક પણ શાસ્ત્રીય નૃત્ય ગુજરાતનું પોતાનું નથી. તેમ છતાં અત્યારે ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યો ખાસ કરીને ભરતનાટ્યમ્ અને કથક ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયેલો જોવા મળે છે. ગુજરાતના કલાકારો આ બે નૃત્યશૈલીઓના ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ સ્થાપી ચૂક્યા છે.
 
ગુજરાતની કલાપ્રેમી પ્રજાએ શાસ્ત્રીય નૃત્યોને ખૂબ જ પ્રેમથી અપનાવ્યાં છે. આજે શહેરોમાં તો લગભગ દર ચોથા ઘરે એક દીકરી શાસ્ત્રીય નૃત્યની તાલીમ લઈ રહી છે ત્યારે અચૂક પ્રશ્ર્ન થાય કે ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યની શરૂઆત ખરેખર ક્યારથી થઈ ?
 
ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યનાં પગરવ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં થયાં
 
ઈ.સ. ૧૮૮૦માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)નાં લગ્ન તાંજોરના ચિમ્નાબાઈ (લક્ષ્મીબાઈ મોહિતે) સાથે થયાં. ચિમ્નાબાઈ ભરતનાટ્યમ્ નૃત્યકાર અને કર્ણાટકી સંગીતના જાણકાર હતાં. તેમનાં લગ્ન સમયે તાંજોરથી તેમની સાથે બે દેવદાસી નૃત્યકાર કાંતિમતિ અમ્મા અને શારદાઅમ્માને તેમની સાથે વડોદરા લાવ્યાં હતાં અને ત્યાર પછીથી જ સયાજીરાવ (ત્રીજા)ના સમયમાં ઘણા પ્રસંગોએ નૃત્ય રજૂ કરવાની શરૂઆત થઈ હતી.
 
આમ, ભારત સ્વતંત્ર થયું તે પહેલાં ચોક્કસ જ શાસ્ત્રીય નૃત્યનો પ્રવેશ થઈ ગયો હતો. પણ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં તેની રજૂઆત થતી હતી.
 
તેમાંનું એક નૃત્ય પ્રદર્શન તે સમયે નવસારીના મંદિરમાં (હવેલીમાં) મદ્રાસની એક દેવદાસી નૃત્યકારે ગુજરાતી પદ્મ, કાનો મારો ગૌ ચારીને... તેના ઉપર કર્યું હતું, જેની નોંધ લેવાઈ છે.
 
જો કે તે વખતે ગુજરાતના લોકોને શાસ્ત્રીય નૃત્યો અંગે ઊંડો રસ ન હતો. એટલે તેનો વ્યાપ પણ નહીંવત્ જેવો હતો.
પણ સાચા અર્થમાં ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યોની શ‚આત અને વિકાસ, ભારત સ્વતંત્ર થયું તે પછી જ થયો.
 
ભારત સ્વતંત્ર થયા પછી ઈ.સ. ૧૯૪૯માં મહારાજા સયાજીરાવ કોલેજને યુનિવર્સિટી તરીકે માન્યતા મળી. તે વખતના ખ.જ. ઞક્ષશદયતિશિુંના વાઇસ ચાન્સેલર શ્રીમતી હંસા મહેતાની આગેવાનીમાં ૧૯૫૦માં તેઓએ મ્યુઝિક કૉલેજની શ‚આત કરી, જેમાં નૃત્ય (ભરતનાટ્યમ્ અને કથક), નાટક અને સંગીતના વિષયોનું વ્યવસ્થિત શિક્ષણ આપવાનું શરૂ કર્યું.
 
જેમાં ભરતનાટ્યમ્માં કાંતિમતિ અમ્માના દીકરા શ્રી કુબેરનાથ તાંજોરકર, શ્રીમતી ઉમાબહેન મેનન અને કથકમાં સુંદરલાલજી અને કુંદનલાલજી જેવા નૃત્યશિક્ષકોને નૃત્યની તાલીમ આપવા માટે નીમ્યા. આ ગુરુઓ વર્ષોથી ગુજરાતમાં રહેતા હોવાને કારણે, ખાસ દક્ષિણનાં નૃત્યો અને ટેક્નિકની દૃષ્ટિએ નૃત્યનાં પુસ્તકો ‘અભિનય દર્પણ’ વગેરે શીખવા, સમજવા અને શીખવવા સરળ બની ગયા.
 
તો સાથે સાથે ઈ. કૃષ્ણ ઐયર, રીટા ચેટર્જી જેવા નિષ્ણાતોના વર્કશોપ, સેમિનાર અને ઉદયશંકર, ઝવેરી સિસ્ટર્સ, યોગેન્દ્ર સુંદરમ્, સચિન શંકર, સિતારા દેવી જેવાં નૃત્યકારોના નૃત્યના પરફોર્મન્સ પણ યોજાવા લાગ્યાં અને આ બધી જ માહિતીને ભેગી કરી તેને પુસ્તક સ્વ‚પે પ્રકાશિત કરવા લાગ્યા, જેમાં લેખક તરીકે મોહન ખોખરે ખૂબ જ યોગદાન આપ્યું.
 
ગુજરાતમાં ભરતનાટ્યમ્
 
જે વખતે વડોદરામાં M.S. University માં નૃત્ય, નાટક અને સંગીત વિષયોની શ‚આત થઈ તે સમયગાળામાં અમદાવાદમાં ઈ.સ. ૧૯૪૮માં ભરતનાટ્યમ્નાં નિષ્ણાત નૃત્યાંગના શ્રી મૃણાલિનીબેન સારાભાઈએ દર્પણ નામે પોતાની નૃત્ય સંસ્થા શરૂ કરી, જેમાં તેમણે નૃત્યનાં વિદ્વાનો અને વાદ્ય કલાકારોને નૃત્ય શીખવવા ખાસ દક્ષિણ ભારતમાંથી બોલાવ્યા અને પછીના વર્ષોમાં તેઓએ ભરતનાટ્યમ્ ઉપરાંત બીજી શાસ્ત્રીય નૃત્યશૈલીઓ કથકલી અને કૂચીપુડી શીખવવાની પણ શ‚આત કરી.
એટલે એવું કહી શકાય કે ૧૯૫૦ પછીથી ગુજરાતમાં સારા ઘરની દીકરીઓ પણ કલાનું - ખાસ નૃત્યકલાનું શિક્ષણ લેવામાં રસ દાખવવા લાગી. તેમાં M.S. University માંથી માસ્ટર્સની ડિગ્રી લઈને આવેલાં શ્રીમતી ઈલાક્ષીબહેન ઠાકોરે ઈસ. ૧૯૬૦માં અમદાવાદમાં નૃત્યભારતી સંસ્થાની સ્થાપના કરી અને અંજલિબહેન મેઢે વડોદરામાં રહીને નૃત્યક્ષેત્રે સક્રિય કામગીરી કરી. આ બંને નૃત્યકારોએ ગુજરાતના લોકો સુધી ભરતનાટ્યમ્ નૃત્યને સરળતાથી પહોંચાડી શકાય તે માટે ગુજરાતી ભાષાનાં પદો અને કાવ્યોમાં પણ તેની રજૂઆત કરી, ગુજરાતમાં ભરતનાટ્યમ્ને લોકભોગ્ય બનાવવામાં તેમણે સિંહફાળો આપ્યો.
 
આમ, જ્યારે અમદાવાદ અને વડોદરામાં સ્વતંત્ર ભારત પછી તરત જ નૃત્યનો વિસ્તાર થવા લાગ્યો, તેની સમાંતરે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમુભાઈ દોશી, ભાવનગરમાં શ્રી ધરમશીભાઈ શાહ અને સુરતમાં ધીરુભાઈ જરીવાલા પણ શાસ્ત્રીય નૃત્યના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવા લાગ્યા.
 
ઈ.સ. ૧૯૬૦માં મહાગુજરાત જુદું પડ્યું ત્યારે ગુજરાત સરકારનો પ્રથમ શાસ્ત્રીય નૃત્યનો જાહેર કાર્યક્રમ ગુજરાત કોલેજના મેદાનમાં થયો અને પ્રોત્સાહન સ્વરૂપે નૃત્યકારોને ચંદ્રકો પણ એનાયત થયા.
 
ઈ.સ. ૧૯૬૭માં કથકના જાણીતા નૃત્યકાર અને કોરિયોગ્રાફર શ્રીમતી કુમુદિનીબહેન લાખિયાએ અમદાવાદમાં ‘કદમ્બ’ નૃત્ય સંસ્થાની સ્થાપના કરી. તો તે જ સમયગાળામાં મંત્રીશ્રી ચીમનભાઈ પટેલે જનરલ એજ્યુકેશનમાં કૉલેજના વિદ્યાર્થીઓ માટે ‘નૃત્ય’ ફરજિયાત વિષય તરીકે દાખલ કર્યો, જો કે તે કેટલાંક વર્ષો સુધી જ બન્યું હતું.
 
અત્યારે મેં ૧૯૪૯થી ૧૯૭૫ના સમયગાળા વિષે વધારે લખ્યું છે, કારણ કે આ જ સમયગાળામાં વ્યવસ્થિત રૂપમાં ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યો ખાસ કરીને ભરતનાટ્યમ્ અને કથકની શરૂઆત થઈ અને વિકાસ પણ થયો.
હકીકતમાં શાસ્ત્રીય નૃત્યો એટલે સંસ્કૃતિ, સાહિત્ય અને સંગીતનો સુમેળ, શરીર અને મનનું સંતુલન, યોગનાં વ્યવસ્થિત આસનો અને ચિકિત્સાપદ્ધતિનો અભ્યાસ કરીને લખાયેલું શાસ્ત્ર, જેની પદ્ધતિસરની તાલીમ લઈ વર્ષો સુધી રિયાઝ કર્યા બાદ જ તેમાં મહારત મેળવી શકાય.
 
શાસ્ત્રીય નૃત્ય અને અન્ય
 
લોકનૃત્યોની સરખામણીમાં શાસ્ત્રીય નૃત્યનું સંગીત, ભાષા, ઉચ્ચાર, સાહિત્ય, પહેરવેશ, વાદ્ય રજૂઆતની શૈલી વગેરે ખૂબ જ અલગ અને વિશિષ્ટ છે.
 
લોકનૃત્યોની નગરી ગુજરાતમાં આવી બધી જ અડચણોનો સામનો કરી શાસ્ત્રીય નૃત્યોની ગરિમા જાળવીને ઊંડી સમજ સાથે તેને લોકો સુધી પહોંચાડવામાં આ બધાં જ નૃત્યગુરુઓ અને નૃત્યકારોની તપશ્ર્ચર્યા સફળ રહી છે.
 
શાસ્ત્રીય નૃત્યને જોવા લોકો ટેવાયેલા નહોતા. એટલે લોકો સમજી શકે, જાણી શકે તો જ માણી શકે તે માટે ઇલાક્ષીબહેન અને અંજલિબહેન જેવા ગુરુઓના ગુજરાતી સાહિત્ય સાથેના નૃત્યના પ્રયોગોમાં ગુજરાતના જાણીતા સાહિત્યકારો જેવા કે સ્નેહરશ્મિ (ઝીણાભાઈ), ઉમાશંકર જોષી, યશવંત શુક્લ, પુરુષોત્તમ માવલંકર વગેરેએ પણ ખૂબ જ રસ લીધો.
 
તો સાથે સાથે ન્યૂઝ પેપર્સ, પુસ્તકો, નાની-નાની પત્રિકાઓએ પણ આ ઉમદા કાર્યોની નોંધ લેવા માંડી.
 
એકંદરે આઝાદી પછીનાં ૨૫-૩૦ વર્ષોમાં શાસ્ત્રીય નૃત્યની પદ્ધતિસરની શરૂઆત કરી, તેનો વિકાસ કરી, ગુજરાતમાં તેના પાયા મજબૂત કરનાર આ બધા જ કલાકારોનું ગુજરાત હંમેશા ઋણી રહેશે.
 
અને ત્યાર બાદ વીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીને સ્વાયત્તતા મળી એટલે ઘણા નૃત્યકારો બહાર આવ્યા. તો સમાંતરે દર્પણ, નૃત્યભારતી, કદમ્બ, કલાક્ષેત્ર જેવી માતૃસંસ્થાઓમાંથી પણ બહાર આવેલા અનેક વિદ્યાર્થીઓએ નૃત્યના વર્ગો શરૂ કર્યા, જેના પરિણામે શાસ્ત્રીય નૃત્યો ઘરે ઘરે પહોંચ્યાં.
 
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં નૃત્યની અનેક યુનિવર્સિટી પણ ખૂલી છે. તો ઓડિસી અને મોહિનીઅટ્ટમ નૃત્યશૈલીના વર્ગો પણ શરૂ થયા છે.
 
૨૦૦૦ની સાલથી સમગ્ર દેશમાં ખૂબ જ ઝડપથી થઈ રહેલું પશ્ર્ચિમીકરણ, ટેલિવિઝન અને ઇન્ટરનેટનો વધતો વ્યાપ અને માત્ર હરીફાઈલક્ષી નૃત્યની રજૂઆત વગેરેના કારણે લોકો જાઝ, સાલસા, ફિલ્મી નૃત્યો, પશ્ર્ચિમનાં નૃત્યો તરફ ઢળી રહ્યા છે. ત્યારે સમયની સાથે શાસ્ત્રીય નૃત્યોની રજૂઆતમાં પણ બદલાવ આવ્યો છે, જેમાં ગુજરાતના અનેક યુવા નૃત્યકારો ખૂબ જ સજાગતાથી - મહેનતથી શાસ્ત્રીય નૃત્યોનો વિસ્તાર કરવા માટે સતત કાર્યરત છે, જેમાં કથકના જાણીતા યુવા દંપતી મૌલિક શાહ - ઇશિરા પરીખ, ભરતનાટ્યમ્માં યુવા નૃત્યકાર અને દિગ્દર્શક ચંદન ઠાકોર વગેરે, તો નૃત્યમાં ગુજરાતી, હિન્દી ભાષાઓનો ઉપયોગ કરી, ગ્રુપ ફોર્મમાં કલાત્મક અને પ્રયોગાત્મક ‚પમાં તેની રજૂઆતો કરી લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે.
 
આજે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા, નૃત્ય સંસ્થાઓ દ્વારા, યુનિવર્સિટીઓ દ્વારા નૃત્યના અનેક કાર્યક્રમો, સેમિનાર, લેક્ચર્સ, વર્કશોપ સતત યોજાતાં રહે છે, જેના થકી લોકોનું જોડાણ શાસ્ત્રીય નૃત્યો સાથે વધી રહ્યું છે અને એટલે જ ગુજરાતની પોતાની કોઈ શાસ્ત્રીય નૃત્ય શૈલી ના હોવા છતાં શાસ્ત્રીય નૃત્યના ક્ષેત્રે ઘણો જ વિકાસ દેખાઈ રહ્યો છે.
 
શાસ્ત્રીય નૃત્યો જેવા ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા અને કલાની ધરોહર આજે ગુજરાતમાં પૂર્ણરૂપે સ્થાન પામી છે અને અનેક શાસ્ત્રીય નૃત્યકારોની પ્રયત્નશીલતા અને સજાગતાને કારણે ભવિષ્યમાં પણ તેની ઊંચાઈ વધતી જ રહેશે.

નિરાલી ઠાકોર