જે.આર.ડી.તાતાની વિનમ્રતા જોઇ દિલીપકુમાર સન્ન રહી ગયા

    ૦૪-એપ્રિલ-૨૦૧૯

 

માય નેમ ઇઝ દિલીપકુમાર

 
બોલિવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા દિલીપકુમારના જીવનની એક સાચી ઘટના છે. ખુદ તેમણે જ ટ્વિટર પર આ ઘટના શેયર કરી હતી.
 
વાત એ દિવસોની છે, જ્યારે હું કારકિર્દીના શિખર પર હતો. લોકો મારી એક ઝલક મેળવવા પડાપડી કરતા. એ દિવસે હું હવાઈ જહાજમાં મુસાફરી કરી રહ્યો હતો. મારી પાસે જ વૃદ્ધ જેવા લાગતા એક વ્યક્તિ બેઠા હતા. એકદમ સાદા પહેરવેશ અને દેખાવથી લાગતું હતું કે તે કોઈ સામાન્ય પરિવારના હશે. હવાઈ જહાજના તમામ લોકોની નજર મારી સમક્ષ હતી, પરંતુ પેલા વ્યક્તિ મારી તરફ નજર સુધ્ધાં પણ નહોતા કરતા. હું એમની સામે જોઈ હસ્યો, તે પણ હસ્યા અને અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ. મેં કહ્યું, તમે ફિલ્મો જુઓ છો ? તેમણે કહ્યું, હા, ખૂબ વર્ષો પહેલાં જોઈ હતી. મેં કહ્યું હું ફિલ્મોમાં કામ કરું છું. તેઓએ કહ્યું, ખૂબ જ સરસ. તમે ફિલ્મોમાં શું કરો છો ? હું અભિનેતા છું. મેં વટભેર કહ્યું, હજુ પણ તેમણે સાવ સામાન્ય પ્રતિક્રિયા જ આપી અને કહ્યું, સારું. મને થોડું અજુગતું લાગ્યું.
 
હવાઈ જહાજમાંથી ઊતરતી વખતે મેં તેમને મારો પરિચય આપતાં કહ્યું, ‘માય નેમ ઇઝ દિલીપકુમાર’. પેલા વ્યક્તિએ મારી સાથે હસીને હાથ મિલાવ્યો અને કહ્યું, આભાર. આય એમ જે.આર.ડી. તાતા. હું સન્ન રહી ગયો. તે દિવસે મને અહેસાસ થયો કે તમે કેટલા પણ મોટા કેમ ન હો, કંઈ જ ફરક નથી પડતો. તમારાથી પણ મોટાં માથાં આ દુનિયામાં હોય જ છે. માટે કોઈ ને કમતર ન આંકવા જોઈએ અને હંમેશા વિનમ્ર રહેવું જોઈએ.