સાધકના જીવનમાં તેજ અને આંખમાં ભેજ હોવાં જોઈએ

    ૦૪-એપ્રિલ-૨૦૧૯   

 
 
મહમૂદ ગઝનવી જ્યારે જાણીતા તત્ત્વચિંતક હસરત શેખ અબુલહસનને મળવા ગયા ત્યારે એને એમ કે શેખ ભાવવિભોર થઈ જશે પણ થયું એનાથી ઊલટું. શેખે તો એની સામે પણ ન જોયું.
 
અંગરક્ષકે કહ્યું કે સુલતાન ગઝનવી એમની સામે ઊભા છે ત્યારે શેખે કહ્યું કે તો? ‘આપને મળવા માંગે છે.’
એક પુસ્તક વાંચતાં વાંચતાં શેખે કહ્યું કે ‘થોડીવાર પછી મળીએ.’
 
આ સાંભળીને સુલતાનના અહમ્ના ચૂરેચૂરા થઈ ગયા, પણ એ કશું બોલ્યા વિના સમસમીને બેસી રહ્યા. થોડીવાર પછી શેખે પુસ્તક એક બાજુ મૂકી સામાન્ય માણસ સાથે વાત કરતા હોય એમ કહ્યું, ‘બોલો ભાઈ, શું કામ છે ?’
 
સુલતાને કહ્યું કે, ‘હું તમને એ જ કહેવા આવ્યો છું કે કંઈ કામ હોય તો કહેજો.’
શેખે કહ્યું કે ‘કંઈ કામ હોય તો હું ખુદાને જ કહું ને, તને શું કામ કહું...’
 
ગુમાનમાં ગરકાવ સુલતાને સોનામહોર ભરેલી થેલી મૂકી. શેખે એમાંથી એક સોનામહોર કાઢી મોમાં મૂકી ચાવવાનો પ્રયત્ન કર્યો. સોનામહોર ન તૂટી એટલે આખી થેલી પાછી આપતાં કહ્યું કે ‘સોનામહોરથી ભૂખ ન ભાંગી.’
 
સુલતાનને પોતાની ભૂલ સમજાઈ. વાર્યા ન રહે એ હાર્યા રહે એમ સુલતાન શેખના પગમાં પડી ગયો. તમામ સૈનિકોને કહ્યું કે ‘તમે જતા રહો, હું ચાલતો ચાલતો એકલો આવીશ. મારે શેખ સાહેબ સાથે એકાંતમાં સત્સંગ કરવો છે.’ ત્યારે શેખ એને ભેટી પડ્યા તો સુલતાને કહ્યું કે હું આવ્યો ત્યારે આવો ઉમળકો કેમ ન હતો ? ત્યારે શેખે કહ્યું કે ‘હું અહંકારને આવકારતો નથી.’
 
કવિશ્રી રમેશ પારેખ લખે છે કે ‘ગઢને હોંકારો તો કાંગરાય દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે ? હવે તારો મેવાડ મીરાં છોડશે.’ અહંકારી રાણાના રાજપાટને ઠોકર મારીને મીરાં નીકળી પડ્યાં હતા. અહંકાર હોય ત્યાં આસ્થા કદી ન હોઈ શકે. અબુધાબીમાં સાયંકાલીન સભામાં આવી રહ્યો હતો ત્યારે અહીંના એક મિનિસ્ટર બહેનને મળવાનું થયું. એમણે કહ્યું કે હું અહીં સરકારનો એક સ્વતંત્ર પોર્ટફોલીઓ સંભાળું છું. મારી મિનિસ્ટ્રીનું નામ છે મિનિસ્ટ્રી ઓફ હેપીનેસ. મેં પહેલી વાર સાંભળ્યું કે કોઈ સરકારમાં પ્રસન્નતા પ્રધાન પણ હોય. મને બહુ પ્રસન્નતા થઈ. એમણે મને કહ્યું કે ‘બાપુ, મને કંઈક સલાહ આપો.’ મેં એમને કહ્યું કે ‘આપ એક મહત્ત્વના પ્રધાન છો તો સૌપ્રથમ આપ ઉપર બેસો, નીચે ન બેસો. એમણે કહ્યું કે અમારી પરંપરામાં વડીલોના ચરણોમાં બેસવાનું છે.’ એમની અદબને સલામ. એમની સાથે અદ્ભુત સંવાદ થયો. મારી સાયંકાલીન પ્રાર્થના જાણે અહીં જ થઈ ગઈ. એમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં હેપીનેસ મિનિસ્ટ્રી નથી પણ હેપીનેસ ડિપાર્ટમેન્ટ છે.’ હું ખુશ થયો કે आधा ही सही मेरी तरफ जाम तो आया |
 
આપણને કારણ વગર દુ:ખી થવાની આદત થઈ ગઈ છે. માલિકે તમને ઓછું આપ્યું છે ? ‘बड़े भाग मानुष तनु पावा |’ વિકાસ પણ થાય અને વિશ્રામ પણ થાય એ જ સાચું જીવન. એક બાજુ ભૌતિક વિકાસ પણ થાય અને બીજી બાજુ આધ્યાત્મિક વિશ્રામ પણ થાય. જ્યાં સુધી સત્સંગમાં છીએ ત્યાં સુધી કાળથી ડરવાની જરૂર નથી. પણ આપણે સુગ્રીવની માફક ડરતા રહીએ છીએ. જીવ પાસે ઇચ્છા છે પરંતુ સામર્થ્ય નથી અને ઇશ્ર્વર પાસે સામર્થ્ય છે પણ ઇચ્છા નથી. કથા ઇચ્છા અને સામર્થ્યને ભેગા કરે છે. ઋષ્યમુક પર્વત પર જે મિલન થયું એ ઇચ્છાગ્રસ્ત જીવ અને સામર્થ્યમય શિવનું મિલન છે. આ બંનેનું મિલન કરાવનાર કોઈ હનુમાન જેવા બુદ્ધપુરુષ જોઈએ. જો જીવ અભય હોય, નિર્વિષયી હોય, ઇચ્છાથી મુક્ત હોય તો ગુરુની જ‚ર નથી. બાકી દરેકને ગુરુની જરૂર છે. ગુરુનો ઉપયોગ લોકો પોતાના હિત માટે કરે છે. સાધુને ક્યારેય સાધન ન બનાવાય. સાધુ સાધ્ય છે. કોઈ સંતને નામે પ્રાઈવેટ પ્રેક્ટીસ કરવી જોઈએ નહીં. ભગવદ્‌ગીતા કહે છે ‘કોઈ પાસેથી જ્ઞાન લેવું હોય તો મસ્તક ઝૂકાવીને અને હાથ જોડીને લેવું જોઈએ.’ આપણે પણ પરમતત્વ પાસે ઝૂકીશું અને વડીલોને વન્દીશું તો દશે દિશામાંથી શુભ પ્રાપ્ત થશે.
 
- આલેખન - હરદ્વાર ગોસ્વામી