સર્વ રોગોની શ્રેષ્ઠ દવા એટલે - હાસ્ય વિષે તમે જે જાણવા માંગો છો એ બધું જ

    ૦૧-મે-૨૦૧૯
 
 
 
હાસ્યનો મહિમા અપાર છે. ખુલ્લા દિલના ખડખડાટ હાસ્યને સર્વ રોગોની શ્રેષ્ઠ દવા ગણવામાં આવે છે. લાફ્ટર ઇઝ ધી બેસ્ટ મેડિસિન. હાસ્ય ચેપી છે. ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય - ઉધરસ, છીંક, બગાસાં કરતાં પણ વધારે ચેપી છે. હસતો માણસ સૌને ગમે. તમને ખબર તો છે કે હાસ્યને ‘ઇન્ટરનેશનલ લેંગ્વેજ’ કહી છે. ઇન્ટરનેશનલ કરન્સી પણ કહી છે. જ્યારે હસતા માણસો ભેગા થાય ત્યારે અરસપરસ બંધુત્વની ભાવના વિકસે છે જેનાથી સુખ, આનંદ અને શાંતિ મળે છે. હાસ્યથી શરીરમાં પણ એવા ફેરફાર થાય છે. શક્તિ, ઉત્સાહ વધે છે. તમારી આંખોની ચમક અને ચામડીની ચુસ્તી વધે છે. તમારી ઇમ્યુનિટી એટલે રોગ-પ્રતિકારક શક્તિ વધે છે. ચેપી રોગો સામે રક્ષણ મળે છે. શરીરના દરેક પ્રકારના દુખાવા દૂર થાય છે. માનસિક તનાવ દૂર થાય છે. સૌથી વધારે અગત્યની વાત છે કે હાસ્યની દવા મફત છે. માનવી જો એનો સરસ રીતે ઉપયોગ કરે તો લાંબુ જીવે છે.
 
૧. હાસ્ય તમારા આખા શરીરને શાંત (રીલેક્ષ) કરે છે : ફક્ત એક જ વખતનું ખુલ્લા દિલથી કરેલ હાસ્ય તમારો માનસિક તનાવ દૂર કરે છે. સ્નાયુ રીલેક્ષ થાય છે અને આ અસર ૪૦ મિનિટ સુધી રહે છે.
 
૨. હાસ્યથી તમારી રોગ-પ્રતિકારક શક્તિ વધે છે : હાસ્યથી મગજમાં રહેલા સ્ટ્રેસ હોર્મોન (કોર્ટાકોસ્ટરોઈડ્ઝ) ઓછા થાય છે અને ઇમ્યુન સેલ્સ અને ચેપ (બેક્ટેરિયા)ને દૂર કરનારા એન્ટી બોડીઝ વધે છે, જેથી રોગ સામે લડવાની શરીરની શક્તિ વધે છે. ચેપી રોગો થવાનો ભય જતો રહે છે.
 
૩. મગજની અંદર આનંદ અને ઉત્સાહ ભરનારા ‘એન્ડોફીન’ નીકળે છે : તમારા શરીર અને મનને આનંદ અને ઉત્સાહથી ભરી દેનારા એન્ડોફોન (નોસ્ફીન - નોટએડૂનેલીન - ટ્રાયપોફને સેરોટીનીન) નીકળે છે, જેનાથી મનને અને શરીરને નુકસાન કરનારા નેગેટિવ ભાવ દૂર જાય છે અને શરીરના દુખાવા દૂર થઈ જાય છે.
 
૪. હાસ્યથી હૃદયને રક્ષણ મળે છે : ખુલ્લા દિલના ખડખડાટ હાસ્યથી રક્તવાહિનીઓની કાર્યક્ષમતા વધે છે, તેથી લોહીનો પ્રવાહ શરીરમાં પહોંચે છે. તે ઉપરાંત હૃદયની કાર્યશક્તિ વધે છે.
હાસ્યના કેટલા બધા ફાયદા છે...
 
શારીરિક ફાયદા :
 
૧. તમારી યાદશક્તિ વધે છે.
૨. સ્ટ્રેસ હોર્મોન ઓછા કરે છે.
૩. શરીરના દુખાવા દૂર કરે છે.
૪. સ્નાયુઓ રીલેક્ષ (ઢીલા) કરે છે.
૫. હાર્ટ એટેક સામે રક્ષણ આપે છે.
૬. બી.પી. વધતું નથી.
 
માનસિક ફાયદા :
 
૧. જીવનમાં આનંદ અને ઉત્સાહ વધારે છે.
૨. ચિંતા અને ભય દૂર કરે છે.
૩. માનસિક તનાવ દૂર કરે છે.
૪. મૂડ સુધરે છે.
૫. તમારી સહનશક્તિ વધારે છે.
૬. ચિંતા-ક્ષોભ-હીણપતનો ભાવ બધું જતું રહે છે.
 
સામાજિક ફાયદા :
 
૧. સમાજના અન્ય લોકો (મિત્રો-પાડોશી-સગાવહાલા)ની સાથે સંબંધ બંધાય છે.
૨. હાસ્યથી તમારી માનસિક અને શારીરિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થવાથી લોકોમાં તમે પ્રિય થાઓ છો.
૩. પ્રત્યેક વ્યક્તિ સાથે કુટુંબભાવ વધે છે.
૪. અંદર અંદર તકરાર અણબનાવ અને ગેરસમજ થવાની શક્યતા રહેતી નથી.
૫. એકબીજાના આધારરૂપ બનવાથી પ્રેમ તેમજ પરસ્પર લાગણીમાં વધારો થાય છે.
૬. જીવન જીવવા જેવું છે. હાસ્ય અને રમૂજી સ્વભાવ તમને લાગણીસભર બનાવે છે. કુટુંબની વ્યક્તિ કે બીજાની સાથે હાસ્ય અને રમૂજી સ્વભાવથી એક‚પતા આવે છે. તમારા સારા સ્વભાવની અસર પહેલાં તમારા કુટુંબીજનો પર અને પછી સમાજની બીજી વ્યક્તિઓ પર થાય છે. દુ:ખનો ભાવ અને શારીરિક દુખાવો દૂર થાય છે.
 
હાસ્યની ક્રિયાથી તમારા શરીરમાં આવેલ ઉત્સાહ અને આનંદને કારણે સામાન્ય રીતે મુશ્કેલ લાગતી પરિસ્થિતિ પણ આસાન થઈ જાય છે. કોઈનું હાસ્ય જોઈને કે સાંભળીને તમારા મનમાં પણ આનંદની લહેર ફેલાઈ જાય છે. એટલું જ નહીં પણ તેની તમારા સ્વભાવ પર અસર પડે છે. કાયમ ખુશખુશાલ રહેતી વ્યક્તિને જોઈ તમે જાણે-અજાણે તેની ઉપર થયેલી અસરને ધીરેધીરે અનુભવો છો. તમે થોડાક સમયમાં સ્વભાવથી વાણીથી, વર્તનથી વ્યવહારથી એકદમ સરળ અને લાગણીસભર બની જાઓ છો.
 
હાસ્યક્લબમાં જઈ બધાની સાથે હસવાથી થતા ફાયદા :
 
૧. એકબીજાની સાથે પ્રેમ-લાગણી ભાવ વધે છે. એકબીજાના આધારરૂપ બને છે.
૨. મોટી ઉંમરના લોકોને પણ આ પ્રકારના હાસ્યમાં ભાગ લેવાથી બધાની સાથે બિન્ધાસ્ત હસવાથી ખૂબ આનંદ આવે છે. દુ:ખનો ભાવ જતો રહે છે.
૩. મોટી ઉંમરે પણ હાસ્યક્લબમાં જવાથી તમારા મગજના નેગેટિવ વિચાર જતા રહે છે અને જીવન જીવવા જેવું લાગે છે.
૪. રોજેરોજના જીવનમાં પણ સ્થિરતા આવે છે. સ્વભાવમાં ગજબનું પરિવર્તન આવે છે.
૫. હાસ્યક્લબમાં જવાની શરૂઆત કરતા પહેલાં ચિંતા-ઉતાવળ-ગભરામણ વગેરે રોજિંદા જીવનમાં ખૂબ હતા તે અત્યારે જતા રહેશે.
૬. રોજીંદા જીવનના બધા જ પ્રસંગોને હળવાશથી લેવાની અને દરેકમાંથી હાસ્ય નિપજાવવાની આવડત આવે છે.
૭. કોઈએ તમારી મજાક મશ્કરી કરી હોય તો તેનો પણ એવી જ મજાક મશ્કરીમાં જવાબ (પ્રતિભાવ) આપવાનું સરળ બને છે.
૮. તમારો સ્વભાવ લાગણીસભર બને છે. દરેકને માન, લાગણી આપવાથી તમને પણ એટલું માન લાગણી મળે છે.
૯. દુશ્મનને પણ મિત્ર બનાવવાની કળા તમને આવડી જાય છે.
૧૦. તમારી વિચારશક્તિ, સ્મરણશક્તિ, એકાગ્રતા વધે છે.
 
જીવનમાં હાસ્યવૃત્તિ કેવી રીતે કેળવશો ?
 
૧. ખૂબ હસવું આવે એવી ટીવી સીરીયલ કે ફિલ્મ જુઓ, કુટુંબ સાથે કે મિત્રો સાથે રાજકારણની કે સામાજિક જંજાળોની કે શેરબજારની વાતો કરવાથી હાસ્ય જતું રહેશે. મગજ ભારે થઈ જશે. વિચારો નકારાત્મક થશે અને આનંદ આવવાનો દૂર રહ્યો, અકળામણ વધશે.
૨. તમારા ગામમાં કે શહેરમાં કોમેડી ક્લબ હોય તો તેમાં જાઓ. કોઈ હાસ્યલેખક કે હાસ્ય કલાકારનો કાર્યક્રમ હોય તો તેમાં જાઓ.
૩. હાસ્યપ્રેરક લેખો કે વાર્તાઓ વાંચો.
૪. મહિને બે મહિને કોઈ નવી જગાએ મિત્રો સાથે પિકનિક કરો અને દરેકને પોતાના જીવનના સાચા કે ઊભા કરેલા મજાક મશ્કરીના પ્રસંગો જણાવવા કહો.
૫. તમારી નજીકની હાસ્ય ક્લબમાં જાઓ અને સક્રિય ભાગ લો.
૬. નાના બાળકો સાથે રમતો રમો. તેમના નિર્દોષ હાસ્યને અનુભવો.
૭. હાસ્ય અને હાસ્યવૃત્ત એ તમારો જન્મસિદ્ધ હક છે, માટે રોજરોજ ખુદ હસો.
 
હાસ્યનું ઉત્પત્તિસ્થાન કયું ?
 
આપણાં પુરાણોમાં નવ રસ ગણાવ્યા છે. તેમાં હાસ્યરસ ગણાવેલ છે. શૃંગાર, કરુણ અને વીર આ ત્રણ મુખ્ય રસોના વિભાગમાં શૃંગારરસના એક ભાગ તરીકે હાસ્યરસને ગણ્યો છે. આમ છતાં હાસ્ય રસને રસસભર એટલા માટે કહેલ છે કે પરમેશ્ર્વરે જાણે-અજાણે હાસ્યની પ્રવૃત્તિ અથવા ક્ષમતા ફક્ત મનુષ્યને જ આપી છે. પ્રાણી કે પક્ષી હસી શકતાં નથી. ભરતમુનિએ શૃંગારરસના ભાગરૂપે હાસ્યરસ ગણાવી તેના પેટાવિભાગમાં ૧. સ્મિત, ૨. હસિત, ૩. વિહસિત, ૪. ઉપહસીન, ૫. અપહસીન અને ૬. અતિહસીન એમ છ ભાગ પાડ્યા છે. ગુજરાતમાં ચાલતી બધી જ લાફિંગ ક્લબોમાં વિહસન (ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય) ઉપહસીન (અશ્ર્વહાસ્ય - અવાજ કર્યા વગર હસવું અને સ્મિત (મૌન હાસ્ય) આ ત્રણ પ્રકારના હાસ્યનો સમાવેશ કરેલો છે. કોઈ કારણ હોય કે ના હોય હસવું સહજ છે. આમ છતાં હાસ્યને કોઈની વિચિત્ર પરિસ્થિતિ (કેળાની છાલથી લપસી પડેલી વ્યક્તિને જોઈને આવતું હાસ્ય) અને પરપીડનવૃત્તિમાંથી નીકળે છે. હાસ્ય એ મનની કુદરતી અવસ્થા છે. પોતાની પાસે છે તે બધું સરસ છે. તેમ માનનારા સામાન્ય માણસો સહેલાઈથી હસી શકે છે. જ્યારે અતિ ધનવાન વ્યક્તિ આ રીતે હસી શકતી નથી.
 
હાસ્ય વિશે થયેલાં સંશોધનો :
 
૧. લોમા લીન્ડા યુનિવર્સિટી (કેલિફોર્નિયા)માં હાસ્ય વિશે જે સંશોધનો થયાં છે, તે અનુસાર જ્યારે માનવી હસે છે ત્યારે પ્રખ્યાત સંશોધક અને માનસચિકિત્સક
ડૉ. સીબર્કના જણાવ્યા પ્રમાણે સ્ટ્રેસ ઉત્પન્ન કરનારા ત્રણ હોર્મોન :
a. કોલેસ્ટોલનું પ્રમાણ ૩૯ ટકા ઘટે છે.
b. એપીનેફીનનું પ્રમાણ ૭૦ ઘટે છે.
c. ડોમેક નામના હોર્મોન ૩૮ ટકા ઘટે છે.
 
2. અમેરિકાના ડૉ. રોબર્ટ જેમણે હાસ્ય વિશે જે સંશોધનો કર્યાં છે તેમણે નોંધ્યું છે કે ૮૦૦ જેટલાં સ્ત્રી-પુરુષોનો કોમેડી નાટક બતાવ્યા પછી તપાસ કરતાં તેમના શરીરમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરનારા હોર્મોન ઓછા થયા હતા અને તે બધાં જ સ્ત્રી-પુરુષોના મનોભાવ દેખાવ અને વર્તનમાં ખૂબ જ હકારાત્મક ફેરફાર દેખાયો હતો.
 
3. હાસ્ય ચેપી છે એવું દુનિયાના દરેક દેશોમાં જોવામાં આવ્યું છે. કારણ વગર તાન્ઝાનિયાની એક સ્કૂલમાં એક છોકરી હસવા માંડી તો ક્લાસની બધી છોકરીઓ એટલું હસી કે કંટ્રોલ ન કરી શકી. આંખમાં પાણી આવી ગયાં.
 
4. અમેરિકાની ૩૭ યુનિવર્સિટીમાં હાસ્ય વિશે સંશોધન થયા છે. તેમાં અમેરિકન મેડિકલ જર્નલમાં પ્રગટ થયેલા એક લેખ પ્રમાણે ફક્ત ૧૦ મિનિટ હસવાથી બી.પી.નું ૧૦થી ૨૦ જેટલું પ્રમાણ ઓછું થાય છે.
 
5. ડ્યુક યુનિવર્સિટીમાં ડોવી જીયાંગે ૧૦૦૦ હૃદયરોગના દર્દીઓ ઉપર પ્રયોગ કરી નક્કી કર્યંુ છે કે જે લોકો આનંદમાં રહેતા હતા અને ખૂબ હસવાનાં પ્રયોજનો કરતા હતા, તેમાંના ૮૦ ટકા લોકોનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું.
 
- ડૉ. મુકુન્દ મહેતા
લેખક જાણીતા લેખક તથા હાસ્ય કલબના સ્થાપક છે