શ્રીલંકામાં આતંકી હુમલો, તૌહીદ જમાત શું છે ?

    ૦૧-મે-૨૦૧૯
 
 
શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. કોલંબોમાં થયેલા સીરિયલ બ્લાસ્ટે એક તરફ ફરી એક વાર દુનિયા સમક્ષ આતંકવાદનો વરવો ચહેરો ખુલ્લો કરી મૂક્યો છે તો બીજી તરફ દુનિયાનો કોઈ દેશ હવે આતંકવાદની અસરથી અલિપ્ત નથી એ સાબિત કર્યું છે. કોલંબોમાં ઈસ્ટરના દિવસે ત્રણ ચર્ચ અને ત્રણ ફાઇવ સ્ટાર હોટલ સહિત આઠ સ્થળોએ થયેલા બોમ્બ-વિસ્ફોટોમાં ૩૦૦થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે.
 
શ્રીલંકામાં એક સમયે તમિલ બળવાખોરોના કારણે અરાજકતા ને અંધાધૂંધીનો માહોલ હતો. એલટીટીઈના પ્રભાકરન અને તેના પોઠિયાઓએ લંકાવાસીઓનું જીવવું હરામ કરી નાંખેલું. આ સિલસિલો વરસોથી ચાલ્યા કરતો ને તેનો અંત આવશે એવું નહોતું લાગતું પણ એકવીસમી સદીની શ‚આતમાં શ્રીલંકાના શાસકોએ એલટીટીઈની ગોળીઓનો જવાબ ગોળીઓથી આપવાની નીતિ અપનાવી અને સ્થિતિ બદલાઈ ગઈ. શ્રીલંકન લશ્કરે એલટીટીઈ પર આક્રમણ કરીને એલટીટીઈની કમર તોડી નાંખી ને ૨૦૦૯ લગીમાં તો શ્રીલંકામાં સાવ શાંતિ થઈ ગઈ. હવે એક દાયકાની શાંતિ પછી લંકાને પાછો આતંકવાદનો પરચો મળ્યો છે તેથી આખી દુનિયા હચમચી જાય એ સ્વાભાવિક છે.
 
હુમલામાં આઈએસઆઈનો હાથ શક્ય નથી
 
શ્રીલંકાના આતંકવાદી હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ (આઈ.એસ.) નામના આતંકવાદી સંગઠને લીધી છે. ઇસ્લામિક સ્ટેટના પ્રવક્તા અબુ હસન અલ-મુઝાહિરે એક વીડિયો જારી કરીને દાવો કર્યો કે, સીરિયામાંથી ઈસ્માકિ સ્ટેટનો સફાયો કરી દેવાયો છે તેવા અમેરિકાના દાવાને ખોટો ઠરાવવા અને ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા હુમલાનો બદલો લેવા તેણે દુનિયાભરમાં હુમલા કરાવ્યા છે. શ્રીલંકાનો હુમલો પણ તેનો જ ભાગ હતો. ગયા મહિને ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ ખાતે મસ્જિદ પર હુમલો થયો હતો અને આ હુમલો ઓસ્ટ્રેલિયાના નાગરિકે કર્યો હતો. આ હુમલામાં ૫૦ મુસ્લિમોનાં મોત થયાં હતાં. ન્યૂઝીલેન્ડમાં મુસ્લિમોની વસતી સાવ ઓછી છે. એક ખ્રિસ્તી આતંકવાદીએ ન્યુઝીલેન્ડના નિર્દોષ મુસ્લિમોને નિશાન બનાવીને હુમલો કર્યો તેથી શ્રીલંકામાં ખ્રિસ્તીઓને નિશાન બનાવીને ચર્ચ તથા ફાઇવ સ્ટાર હોટલોમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા.
 
ન્યુઝીલેન્ડમાં થયેલા હુમલાનો બદલો લેવા માટે શ્રીલંકામાં હુમલા કરાવવા પાછળનો તર્ક ગળે ઊતરે તેવો છે પણ ઇસ્લામિક સ્ટેટે હુમલા કરાવ્યા એ વાત ગળે ઊતરે તેવી નથી. તેનું કારણ એ કે શ્રીલંકામાં ઇસ્લામિક સ્ટેટનું અસ્તિત્વ જ નથી. બીજું એ કે, ઇસ્લામિક સ્ટેટે હુમલાના બહુ લાંબા સમય પછી જવાબદારી સ્વીકારી. આ ઇસ્લામિક સ્ટેટની સ્ટાઇલ નથી. આઈ.એસ. તો હુમલો થાય કે તરત હુમલાખોરોનાં નામ અને તસવીરો સાથે જવાબદારી લેવા માટે જાણીતું છે. આ સંજોગોમાં આ હુમલા પાછળ આઈ.એસ. નથી એવું સૌ માને છે.
 
નેશનલ તૌહિદ જમાત, સમગ્ર દક્ષિણ એશિયા માટે ખતરો
 
શ્રીલંકાની સરકાર તો આ મુદ્દે વધારે સ્પષ્ટ છે ને ઇસ્લામિક સ્ટેટે નહીં પણ નેશનલ તૌહિદ જમાત નામના આતંકી સંગઠનનો હાથ હોવાનું જાહેર કર્યું છે. નેશનલ તૌહિદ જમાત શ્રીલંકામાં ઝપથી ઊભરી રહેલું મુસ્લિમ આતંકવાદી સંગઠન છે. ગયા વર્ષે આ સંગઠન બુદ્ધ ભગવાનની કેટલીક મૂર્તિઓને તોડીને ચર્ચામાં આવ્યું હતું. આ સંગઠનને તૌહિદ-એ-જમાત નામે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય માન્યતા એવી છે કે, આ સંગઠન શ્રીલંકામાં સ્થપાયું પણ વાસ્તવમાં આ સંગઠનનાં મૂળિયાં ભારતના તમિલનાડુમાં છે. તમિલનાડુ તૌહીદ જમાત (ટીએનએલજે) તરીકે ૨૦૦૪માં પી. જૈનુલબદીને તેની સ્થાપના કરી હતી. આ સંગઠન બહારથી બિન રાજકીય સંગઠન છે ને સામાજિક સેવાનો દાવો કરે છે પણ અંદરખાને તેની પ્રવૃત્તિઓ ઇસ્લામનો પ્રચાર અને પ્રસાર કરવાની છે. જૈનુલબદીને ભૂતકાળમાં મુસ્લિમોનો રાજકીય પ્રભાવ વધારવા રાજકીય પક્ષ પણ સ્થાપેલો. તેમની કટ્ટરવાદી વિચારધારાના કારણે સમસ્યાઓ સર્જાતાં છેવટે તે પક્ષમાંથી નીકળી ગયા ને આ સંગઠનની સ્થાપના કરી હતી.
 
આ સંગઠન પછીથી શ્રીલંકામાં પણ શરૂ થયું. કેમ કે શ્રીલંકામાં તમિલ મુસ્લિમોની સંખ્યા નોંધપાત્ર છે. શ‚આતમાં આ સંગઠનની કોઈ નોંધ નહોતી લેવાઈ પણ ૨૦૧૩માં આ સંગઠન આઈ.એસ. સાથે જોડાયેલું છે તેવા ગુપ્તચર અહેવાલ મળ્યા તેથી બધાંનું તેના તરફ ધ્યાન ખેંચાયું. જો કે શ્રીલંકા તૌહીદ જમાતે આ વાતને ખોટી ગણાવી હતી. શ્રીલંકામાં બૌદ્ધ ધર્મનાં લોકોની સંખ્યા ૭૦ ટકાની આસપાસ છે. બૌદ્ધધર્મીઓ શ્રીલંકામાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ જાળવવા આક્રમકતાથી કામ કરે છે તેથી કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનો પર બૌદ્ધધર્મીઓનાં સંગઠનો હુમલા કરતાં. શ્રીલંકા તૌહીદ જમાતનાં કટ્ટરવાદી પરિબળો તેનો મુકાબલો કરવાના મતના હતાં પણ જમાત તૈયાર નહોતી તેથી આ સંગઠનના કટ્ટરવાદીઓ ભડક્યા. અબ્દુલ રેઝિકે તેમની આગેવાની લીધી ને ૨૦૧૪માં તેમણે શ્રીલંકા તૌહીદ જમાતથી છેડો ફાડીને નેશનલ તૌહીદ જમાતની સ્થાપના કરી.
 
નેશનલ તૌહીદ જમાતના સેક્રેટરી અબ્દુલ રેઝિકે એ વખતે ભગવાન બુદ્ધ વિશે ભયંકર વાંધાજનક કોમેન્ટસ કરી હતી. રેઝિકની ઉશ્કેરણીના કારણે જમાતના કાર્યકરોએ ૨૦૧૪માં ભગવાન બુદ્ધની સંખ્યાબંધ મૂર્તિઓ તોડી હતી. શ્રીલંકામાં તેના કારણે ભારે તણાવનો માહોલ પેદા થઈ ગયો. તેના કારણે પીસ લવિંગ મુસ્લિમ્સ ઇન શ્રીલંકા નામના સંગઠને નેશનલ તૌહિદ જમાત પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
  
આ માટે તેમણે યુ.એન. અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ સહિત અનેકને પત્ર પણ લખ્યા હતા. તેમનો દાવો હતો કે, નેશનલ તૌહિદ જમાત દેશમાં અસહિષ્ણુતા ફેલાવવાની સાથે સાથે ઇસ્લામિક કટ્ટરવાદનો માહોલ પણ ઊભો કરી રહ્યું છે. જો કે રેઝિક પર તેની કોઈ અસર ના થઈ ને તેમણે ઝેર ઓકવાનું ચાલુ રાખ્યું. તેના કારણે હિંસા ભડકાવવાના આરોપસર ૨૦૧૬માં અબ્દુલ રૈઝિકની ધરપકડ પણ કરાઈ હતી. આ બધાં સંગઠનોના કારણે તૌહીદ જમાત સૌની નજરે ચડેલી જ હતી ને તેમાં આ બ્લાસ્ટ થયો તેથી તેનાં કરતૂતો જગજાહેર થઈ ગયાં. આ સંગઠનમાં શિક્ષિત અને ઇસ્લામના જાણકાર લોકો છે છતાં આતંકવાદ ફેલાવે છે તેના કારણે લોકોમાં ભારે ગુસ્સો છે.
 
શ્રીલંકાના આતંકવાદી હુમલા માટે જમાત તો જવાબદાર છે જ પણ શ્રીલંકાના સત્તાવાળા પણ જવાબદાર છે. આ પ્રકારનો ભયંકર હુમલો થશે તેવી જાણકારી બીજા દેશના ગુપ્તચર તંત્રે ૨ એપ્રિલે આપી હતી. શ્રીલંકામાં પ્રમુખ મૈહરિપાલ સિરિસેના અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને બનતું નથી તેથી યોગ્ય પગલાં લેવા આદેશ જ ના અપાયો. તેની કિંમત ૩૦૦ લોકોએ પોતાના જીવ ગુમાવીને ચૂકવી.
 
શ્રીલંકાનો હુમલો સમગ્ર વિશ્ર્વ અને ખાસ તો દક્ષિણ એશિયા માટે મોટી ચેતવણી છે. નેશનલ તૌહીદ જમાત આઈ.એસ. સાથે સંકળાયેલી છે તે જાણીતું છે ને આ હુમલાનો અર્થ એ થાય કે ઇસ્લામિક સ્ટેટનો પગપેસારો હવે એશિયામાં પણ થઈ ગયો છે. આ ગંભીર બાબત કહેવાય ને ભારતે હવે સતર્ક રહેવું પડે.
 
આતંકવાદીઓને લઈ શ્રીલંકન સરકાર જનતા આકરા પાણીએ
 
શ્રીલંકામાં આતંકવાદી હુમલા બાદ શ્રીલંકન સરકાર અને શ્રીલંકન નાગરિકો આતંકીઓ વિરુદ્ધ આકરા પાણીએ છે. શ્રીલંકન રાષ્ટ્રપતિએ શ્રીલંકાની તમામ મદ્રેસા મસ્જિદો પર આતંકવાદના અડ્ડા હોવાનું કહી પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. તો ઇસ્ટર પર આતંકવાદી હુમલામાં મોટા પ્રમાણમાં મહિલાઓ સામેલ હોવાના અને બુરખા પહેરી ભાગી ગઈ હોવાના અહેવાલો બાદ અહીં બુરખા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આતંકી હુમલાના ૨૪ કલાકમાં જ ૫૦૦થી વધુ મુસ્લિમોને કોઈપણ પ્રકારની જાણકારી વગર ઊઠાવી લેવામાં આવ્યા છે. સરકાર ખુલ્લેઆમ મુસ્લિમ આતંકવાદ શબ્દનો ઉપયોગ કરી રહી છે. દેશમાં કટોકટી લગાવી આતંકવાદીઓ માટે તમામ બંધારણીય અધિકારો છીનવી લેવામાં આવ્યા છે અને પકડાયેલા તમામ શકમંદો વિરુદ્ધ સીધો જ સૈન્ય કોર્ટમાં કેસ ચલાવવાના આદેશ આપવામાં આવ્યા છે.
 
અહીં જનતાએ પણ આતંકીએ સામે રીતસરનું યુદ્ધ છેડી દીધું છે. જનતામાં રોષ એટલો બધો છે કે ત્યાં કોઈ માનવઅધિકારવાદી સંગઠન કે રાજકીય પક્ષ આતંકીઓને કાયદાકીય સહાય આપવાનું નામ લેતો નથી. વકીલોએ પણ પકડાયેલ આતંકીઓના કેસ લડવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. અહીં સિંહાલિ અને ઇસાઈ લોકોએ મુસ્લિમોને આપેલ ભાડા પર સંપત્તિ ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે અને મ્યામાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાનના મુસ્લિમો પર હુમલામાં કરી પોત પોતાના વિસ્તારમાંથી મારી ભગાવવાનું શરૂ કરી દીધું છે.
 
શ્રીલંકાના મુસ્લિમો સાથે મ્યાનમારવાળી થતી જોઈ આતંકીઓ ભારતમાં ઘુસી ન આવે તે માટે ભારતીય નો-સેના અને કોસ્ટગાર્ડને પૂરી છૂટ આપવામાં આવી છે કે સમુદ્ર કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ તેમજ અસૈનિક નાવને તરત જ ફૂંકી મારવામાં આવે
ઈરાન મુદ્દે અમેરિકાની પડખે રહેવું નુકસાનકારક કે ફાયદાનો સોદો ?.
 
ગયા વર્ષે અમેરિકા ઈરાન સાથેના પરમાણુ કરારમાંથી ખસી ગયું તે પછી ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રતિબંધો લાદી દીધેલા. એ પ્રતિબંધોમાં ઈરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદવા પર પણ પ્રતિબંધ મુકાયેલો. ભારતે અમેરિકાની ઉપરવટ જઈને ઈરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું. ભારતના મક્કમ વલણ પછી અમેરિકાએ છેવટે ભારતને પ્રતિબંધોમાંથી છૂટ આપી હતી. અમેરિકાએ ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ગ્રીસ, ઇટાલી, તાઇવાન અને તુર્કી એમ બીજા સાત દેશોને પણ આ છૂટ આપેલી. આ છૂટની મુદત ૨ મેના રોજ પૂરી થાય છે. અમેરિકાએ હવે ફરમાન કર્યું છે કે, હવે આ દેશો ઈરાન પાસેથી પેટ્રોલિયમ નહીં ખરીદી શકે. ભારતે આ વાત સ્વીકારી છે.
 
ઈરાન ઉપરના પ્રતિબંધોના કારણે ભારત પર ઘણી પ્રતિકૂળ અસરો પડશે તે કહેવાની જરૂર નથી. ભારત ઈરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરે એટલે દેશના અર્થતંત્ર પર અવળી અસર થવાની જ છે. ભારત ઈરાનથી મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ આયાત કરે છે ને એ સ્રોત બંધ થાય એટલે તકલીફ પડવાની જ. ઇરાક અને સાઉદી અરેબિયા બાદ ભારત સૌથી વધારે પેટ્રોલિયમની આયાત ઈરાનથી કરે છે. ઈરાન આપણને સસ્તું પેટ્રોલ આપતું ને ઉધાર આપતું. ડૉલરના બદલે ભારતીય ચલણ પણ એ સ્વીકારતું તેથી આપણા માટે ઈરાન પાસેથી ક્રુડની ખરીદી ફાયદાનો સોદો હતો. અમેરિકાનું ફરમાન આવતાં ભારતે બીજા દેશો પાસેથી મોંઘા ભાવે ક્રુડ ખરીદવું પડશે, તેના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે. ભારતમાં બધી ચીજોની હેરફેર માટે ડીઝલ વપરાય છે તેથી બધી ચીજો મોંધી થશે ને સરવાળે આપણી કમર તૂટી જશે. મોંઘું વિદેશી હૂંડિયામણ ક્રુડ ખરીદવામાં વપરાશે તેના કારણે અર્થતંત્રને ફટકો પડશે. મોંઘવારી વધશે તેના કારણે લોકોની પણ હાલત બગડી જશે.
 
ભારત અને ઈરાન બીજાં ક્ષેત્રોમાં પણ સહકાર સાથે આગળ વધી રહ્યાં છે. ઈરાને ભારતને પોતાનું ચાબહાર બંદર વિકસાવવાની અને તેના ઉપયોગમાં ભાગીદારીની તક આપી છે. ચાબહાર બંદરના માધ્યમથી ભારત અફઘાનિસ્તાન અને યુરોપિયન દેશો સાથે વેપાર વધારી શકશે. એ સિવાય બીજાં પણ ક્ષેત્રોમાં બંને દેશ વચ્ચે સહકાર થાય છે ને એ બધા પર અસર પડશે. ટૂંકમાં ભારતનાં આર્થિક હિતોને આ પ્રતિબંધો મોટા પ્રમાણમાં અસર કરશે જ.
જો કે સામે ભારત મોટા ફાયદા પણ લઈ શકે છે. ઈરાન સાથેનો વેપાર બંધ કરીને ભારત અમેરિકાને પડખે ઊભું રહે એટલે અમેરિકાએ આપણાં હિતો સાચવવાં જ પડે. પાકિસ્તાન સામેની આતંકવાદની લડાઈ, ચીન સામેની દુશ્મનાવટ કે પછી બીજી તમામ બાબતોમાં અમેરિકા આપણા પડખે ઊભું જ રહે. ભારતમાં રોકાણ વધારવામાં પણ અમેરિકાને રસ પડે ને બીજી રીતે પણ એ ભારતને મદદરૂપ થાય જ. એ રીતે નરેન્દ્ર મોદી સરકારે બુદ્ધિપૂર્વકનું પગલું ભર્યું છે. પહેલી નજરે ઈરાન પરનાં નિયંત્રણોથી આપણને નુકસાન જાય એવું લાગે પણ સાવ એવું નથી. અમેરિકા સાથે રહેવાથી આપણા માટે જે તક ઊભી થાય તેનો ફાયદો બહુ મોટો હશે એ ભૂલવા જેવું નથી.