પોથીનાં રીંગણાં અને સસલાનાં શીંગડાં

    ૦૧-મે-૨૦૧૯   
 
 
 
એક ગામમાં પંડિતની કથા ચાલતી હતી. પંડિતે કથામાં કહ્યું કે રીંગણાં ન ખાવાં જોઈએ. એક ભક્તને પંડિતની પરીક્ષા કરવાનું મન થયું. એમણે મહારાજની પોથી પર પોતાની વાડીમાંથી તાજાં તાજાં અને કૂણાં કૂણાં રીંગણાં ધર્યાં. પંડિત એ રીંગણાં ઘરે લઈ ગયા. ગોરાણીને રીંગણાંનું શાક કરવા કહ્યું. પેલો ભક્ત બરાબર જમવાના સમયે પંડિતના ઘરે પહોંચ્યો. પંડિતને રીંગણાંનું શાક ખાતા જોઈ કહ્યું કે અરે મહારાજ, તમે રીંગણાંનું શાક ખાવ છો ? કથામાં તો તમે ના કહી હતી.
 
પંડિતજીએ હસતાં હસતાં કહ્યું તમે અર્થઘટન બરાબર નથી કર્યું. પોથીનાં રીંગણાં ન ખવાય, પણ તમારી વાડીનાં તો ખવાય. કોઈ ભક્તની પ્રેમપૂર્વક લાવેલી વસ્તુ સ્વીકારવી જ રહી.
 
પોતાના સ્વાર્થ માટે મનઘડંત અર્થો કાઢવા એ આજના સમયની ફિતરત છે. અભી બોલા અભી ફોકની બોલબાલા છે. અંગત હિત માટે શાસ્ત્રમાં છૂટછાટ ન લઈ શકાય. હા, જાહેર હિત હોય તો જુદી વાત છે. કૃષ્ણએ ક્યાંક શાસ્ત્રને તોડ્યાં-મરોડયાં છે. પણ એ સર્વજનહિતાય હતું. ગીતા એ કોઈ મતનું ખંડન નથી કર્યું. આપણે તો અનેક જન્મોની વાસનાની ગ્રંથિઓ લઈને આવ્યા છીએ. પછી એના પર મેલ ચડતો ગયો. એ ગ્રંથિઓ બહુ મજબૂત થઈ.
 
અર્જુન, ભગવાનશ્રી કૃષ્ણ અને ગીતા - આ ત્રિવેણી છે. અર્જુન ન હોત તો કદાચ ભગવાન કૃષ્ણનો આપણને આટલો મોટો લાભ ન મળતો હોત. કૃષ્ણ ન હોત તો અર્જુનને કોઈ ઓળખત નહીં અને એ બંને ન હોત તો આપણને ગીતાનો કોઈ દિવસ પરિચય થાત નહીં. આ ત્રણેય એક બીજાના આધ્યાત્મિક ત્રિકોણ છે. અને તેથી મારા આંતરિક વિકાસ અને વિશ્રામ માટે, જવાબદારી સાથે મારે ગીતા માટે કંઈક કહેવું હોય તો હું એમ કહું કે, અર્જુન એ સાધક છે. ભગવાન શ્રી કૃષ્ણ એ તો બધું જ છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ એ સિદ્ધ છે., પરંતુ ભગવદ્ ગીતા એ શુદ્ધ છે.
 
અર્જુન સાધક છે. સિદ્ધિનો ભેટો કરવો હોય અને એ શુદ્ધ તત્ત્વ પામવું હોય તો પહેલી શરત છે સાધક થવું. મેં ઘણી વખત કહ્યું છે, આપણે સિદ્ધ ન થઈ શકીએ તો કંઈ નહીં, પણ કમસેકમ વિષયી પણ ન રહીએ, વચ્ચે સાધક બની જઈએ. જે માણસ સાધક બને છે એને આ બાજુથી વિષયો પણ મદદ કરે છે અને એ બાજુથી સિદ્ધોનો સહકાર પણ મળે છે. આપણને એમ થાય કે વિષયો કેમ મદદ કરે ? સાહેબ, જેનો સિદ્ધ જમણો હોય એને ડાબા વિકારો પરેશાન ન કરી શકે. વિશ્ર્વામિત્રજી કહે, દક્ષિણે લક્ષ્મણો યસ્ય. સિદ્ધ એટલે જાગ્રત, કોઈ લક્ષ્મણ જેવો જતિ. ગોરખજતિ, લક્ષ્મણજતિ, હનુમાનજતિ એમ ગામડાંના માણસો કંઈ ન ભણ્યા હોય પણ આવું જતિ, જતિ કહીને વાતો બહુ તોડી નાખે એવી કરતા હોય છે ! અને સાહેબ, વેદ સીધા નથી સમજાતા. એટલે કોઈ વિદ્વાનનો આશ્રય કરવો પડે. પણ વેદ કરતાં ય વિદ્વાનો કઠિન થયા. ! બધા નહીં પણ કોક કોક તો છે જ. આટલું જ આ બધું ગહન રહ્યું હોત તો મારા દેશની ભરવાડણોનું શું થાત, આયરાણીઓનું શું થાત ? અને વિદ્વાનો પછી આ બધી વસ્તુઓને સરળ કરી છેલ્લા માણસ સુધી આ વાત પહોંચાડે છે. બધા વિદ્વાનો આ ન કરી શકે. એને વેદ કદાચ સરળ પડે, પણ લોકોની વેદના બહુ અઘરી પડે.
 
આ પંથ વેદનાનો પંથ છે. જે દેશ પાસે વેદ હોય પણ સંવેદના ન હોય તે દિવસે આ દેશનું શું થશે ? એક શિક્ષક્ને એના વિષયનું પૂરેપૂરું જ્ઞાન હોય પણ એના હૃદયમાં જો સંવેદના ન હોય તો જે ચેતનાનું વાહન થવું જોઈએ એ કેમ થશે ? અને સંવેદના હોય તો નજીક બેસવાની પણ જ‚ર નથી. દૂરથી સંદેશા મળે. રામસુખદાસજીએ સંજીવની ગીતામાં સુહૃદનો અર્થ આપ્યો છે... પ્રતિભાવની અપેક્ષા કર્યા સિવાય કરેલું હિત નેકી કર ઔર દરિયામેં ડાલ... કૃષ્ણ જેમ સારું કાર્ય કરીને ભૂલી જાઓ, ભૂંસી નાખો...
 
આલેખન : હરદ્વાર ગોસ્વામી