શું આંખનાં આંસુ નેતાઓને ચૂંટણી જીતાડી શકે ?

    ૧૦-મે-૨૦૧૯

 
 
ચૂંટણીમાં લાગણીશીલ મુદ્દાઓનું પણ એક મહત્ત્વ હોય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ ભાવુક થઈ જતા હોય છે અથવા તો એવા સંજોગો આવતા હોય છે કે લાગણીશીલ ઘટનાઓ બનતી હોય છે. આવો જ એક ચૂંટણીલક્ષી મુદ્દો છે રુદન. ૨૦૧૯ની ચૂંટણી-પ્રક્રિયા ઘણી લાંબી ચાલી છે અને એ દરમિયાન આવું બધું ઘણું જોવા મળ્યું છે. થોડીક ઘટનાઓ જોઈએ.
 
 

 

...અને જયા પ્રદા ભાવુક થઈ ગયાં

 
શરૂઆત જયા પ્રદાના રુદન અને આંસુથી કરીએ. ૮૦ના દાયકાનાં આ અભિનેત્રી બેએક દાયકાથી તો રાજકારણમાં છે જ. ફિલ્મ ઉદ્યોગને રાજકારણ સાથે અને રાજકારણને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડનાર બહુરંગી ઉદ્યોગપતિ અમરસિંહ એક જમાનામાં મુલાયમ યાદવની નજીક હતા. ત્યારે તેમણે Amitabh bachchan , જયા બચ્ચન, jaya prada  જેવી ફિલ્મી હસ્તીઓને મુલાયમના સમાજવાદી પક્ષ સાથે જોડવાનું કામ કર્યું હતું. અમિતાભ બચ્ચન તો સપા સાથે ન જોડાયા, પરંતુ તેમનાં પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન હજુ સુધી સપા સાથે જોડાયેલાં રહ્યાં છે. એ જ રીતે જયા પ્રદા પણ ૨૦૧૦ સુધી સપા સાથે જ જોડાયેલાં હતાં પરંતુ આ વખતે તેઓ ભાજપના ઉમેદવાર તરીકે રામપુરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમનો હરીફ ઉમેદવાર સપાના આઝમ ખાન છે. આઝમનો કટ્ટરવાદ અને તેની દાદાગીરીથી સૌ કોઈ પરિચિત છે. તેણે ચૂંટણી-પ્રચારની શરૂઆતમાં જ જયા પ્રદા વિશે અત્યંત અભદ્ર નિવેદન કર્યું જેને પગલે ઘણો મોટો વિવાદ થયો.
 
એપ્રિલના બીજા અઠવાડિયામાં આઝમ ખાને કરેલી ટિપ્પણી એ હદે અભદ્ર અને છેલ્લી કક્ષાની હતી કે કોઈપણ વ્યક્તિને અસર થાય અને તેમાંય જે મહિલા વિશે એવી ટિપ્પણી થઈ હોય તે વ્યથિત થઈને ભાંગી પડે એ સ્વાભાવિક હતું. ત્યાર પછી પોતાની ચૂંટણીસભામાં આ મુદ્દાને યાદ કરીને જયા પ્રદા ભાવુક થઈ ગયાં હતાં અને આંખમાં આંસુ સાથે થોડો સમય કશું બોલી શક્યાં નહોતાં.
 

 

કુમારસ્વામી રડી પડ્યા

 
કર્ણાટકના મુખ્યપ્રધાન kumaraswamy તો છેલ્લા છ-આઠ મહિનામાં વારંવાર કેમેરા સામે રડી પડ્યા હોવાનું આખા દેશે જોયું છે. તેમની પીડા કર્ણાટકમાં કોંગ્રેસ સાથેના ગઠબંધનની છે. ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની ૨૨૪ બેઠકમાંથી માત્ર ૩૭ બેઠક ઉપર વિજય મેળવનાર જેડી(સેક્યુલર)ના નેતા તરીકે કુમારસ્વામીએ ૭૮ બેઠક ધરાવતા કોંગ્રેસ પક્ષના ટેકા સાથે સરકાર તો બનાવી, પરંતુ કોંગ્રેસે તેના સ્વભાવ મુજબ સાથી પક્ષોના હાથ આમળવાનું ચાલુ રાખ્યું છે, જેને કારણે મુખ્યપ્રધાન કુમારસ્વામી આજે પણ ગમે ત્યારે ટીવી કેમેરા સામે રડી પડે છે. આ વખતે લોકસભા ચૂંટણીની ગરમા-ગરમી વચ્ચે ગત ૧૬ એપ્રિલે પણ કુમારસ્વામીની કોંગ્રેસ સાથેના ગઠબંધનની પીડા કેમેરા સામે આંસુના રૂપમાં છલકાઈ આવી હતી.
 
કુમારસ્વામીના પિતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન હરદનાહલ્લી દોદેગૌડા દેવેગૌડ (એચ.ડી. દેવેગૌડા) પણ આ વખતે ચૂંટણી-પ્રચારના પ્રારંભે કેમેરા સામે આંસુ સારી ચૂક્યા છે.
કર્ણાટકની હાસન બેઠક ઉપરથી અત્યાર સુધી જીતતા રહેલા દેવેગૌડાએ ૧૩ માર્ચે એ વિસ્તારમાં પ્રથમ સભા યોજી હતી અને આંખમાં આંસુ સાથે જાહેર કર્યું હતું કે પોતે આ વખતે આ બેઠકનું બલિદાન આપે છે અને તેમના સ્થાને તેમના પૌત્ર પ્રજ્વલ રેવાન્ના ચૂંટણી લડશે. દેવેગૌડાએ સાથે સાથે એવું પણ નિવેદન કરી દીધું હતું કે આ કદાચ તેમની છેલ્લી ચૂંટણી હશે. દાદા દેવેગૌડાને આંસુ પાડતા જોઈ પૌત્ર પ્રજ્વલ પણ ભાવુક થઈ ગયા હતા અને તેમણે પણ કારકિર્દીની શરૂઆતમાં જ જાહેર મંચ ઉપર કેમેરા સામે બે-ચાર આંસુ સારી લીધાં હતાં.
 

 
 

સ્મૃતિ ઇરાનીનું લાગણીનું પાણી

 
તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ઉમેદવાર Smriti Irani અમેઠીમાં એક સભાને સંબોધી રહ્યાં હતાં એ જ વખતે થોડે દૂર ખેતરમાં ઊભા પાકમાં આગ ફાટી નીકળવાના સમાચાર મળ્યા. સ્મૃતિ ઈરાનીએ તરત જ પોતાનું ભાષણ અટકાવી દીધું અને કાર્યકરો સાથે આગ લાગી હતી તે ખેતરમાં પહોંચી ગયાં. ત્યાં ફાયરબ્રિગેડના બંબા આવે તે પહેલાં તેમણે પોતે હેન્ડપંપ ચલાવીને પાણી કાઢ્યું હતું અને ભાજપના અન્ય કાર્યકરો ડોલ-અન્ય વાસણો ભરી આગ ઓલવવા પ્રયાસ કરતાં જોવા મળ્યાં હતાં. આ બધી બાબતોની મતદારો ઉપર કેવી અસર થાય છે, અથવા ખરેખર અસર થાય છે કે નહીં એ તો ૨૩મી મેએ પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે.
 

 
 

સુશીલકુમારની અને મુલાયમસિંહની ભીની અપીલ

 
આવું જ કંઈક દૃશ્ય ૧૭ એપ્રિલે મહારાષ્ટ્રના સોલાપુરમાં જોવા મળ્યું હતું. કોંગ્રેસ-યુપીએના શાસનકાળમાં કેન્દ્રીય ગૃહપ્રધાન તરીકે હિન્દુ આતંકવાદ શબ્દપ્રયોગ કરનાર સુશીલકુમાર શિંદેએ પણ પોતાની આ છેલ્લી ચૂંટણી છે એમ કહી સોલાપુરના મતદારો સમક્ષ ભાવૂક દૃશ્ય ઊભું કરી દીધું હતું. તેમણે આંખમાં આંસુ સાથે મતદારોને અપીલ કરવા ઉપરાંત એનસીપીના શરદ પવારનો ટેકો મળવાની પણ આશા વ્યક્ત કરી હતી. તો બીજી તરફ ઉત્તરપ્રદેશમાં મેનપુરીથી ચૂંટણી લડી રહેલા ૮૦ વર્ષના મુલાયમ યાદવે પણ મતદારો સમક્ષ પોતે છેલ્લી વખત ચૂંટણી લડતા હોવાની ભાવુક વાત કરીને આંસુથી આંખો પલાળવાનો પ્રયાસ કરી લીધો હતો. જોકે મૂળભૂત રીતે કુસ્તીબાજ પહેલવાન અને ત્યાંથી રાજકારણમાં આવેલા Mulayam singh yadavરાજકીય કુસ્તીના પણ પાકા ખેલાડી છે તેથી તે દિવસે તેમનાં આંસુ ખુદ માયાવતી તેમના માટે પ્રચાર કરવા આવ્યાં હતાં એ કારણે હતાં કે અન્ય કોઈ કારણે એ રાજકીય પંડિતો સમજી શક્યા નહોતા. ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પણ આ વખતે ઓછામાં ઓછી બે વખત જાહેરમાં આંસુ સારી ચૂક્યાં છે. પ્રથમ વખત તેમને ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં ત્યારે પ્રતિભાવ આપતી વખતે પોતાની નવ વર્ષની જેલયાતનાઓને યાદ કરીને ભાવુક થઈ ગયાં હતાં. ત્યારબાદ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ પ્રજ્ઞા ઠાકુરને સાચાં સાધ્વી ગણાવ્યાં પછી બંનેની મુલાકાત થઈ ત્યારે સાધ્વી ભાવુક થઈ ગયાં હતાં. તે સમયે ઉમા ભારતીએ સાધ્વી પ્રજ્ઞાનાં આંસુ લૂછ્યાં હોવાના દૃશ્યો પણ મીડિયામાં પ્રકાશિત થયાં હતાં.
 
- અલકેશ પટેલ