આતંક વિરુધ્ધ શ્રીલંકાની ઐતિહાસિક કાર્યવાહી આતંકીઓમાં હાહાકાર

    ૧૦-મે-૨૦૧૯

 
શ્રીલંકામાં ઈસ્ટર પરના હુમલા બાદ ત્યાંની સરકારે કટ્ટરવાદીઓ વિરુદ્ધ રીતસરની ધરબડાટી બોલાવી આતંકવાદ સામે જાણે કે રીતસરનું યુદ્ધ છેડી દીધું છે. ત્યારે આતંકી હુમલા દરમિયાન ભારતમાં પણ આતંક અને તેના આકાઓ વિરુદ્ધ આ જ પ્રકારની કડક કાર્યવાહી થાય તેવી માંગણી બળવત્તર બની છે.
 
શ્રીલંકામાં ચર્ચ અને શોપિંગ મોલ્સમાં શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલા બાદ હુમલાના માસ્ટર માઈન્ડ જહાનહાસિમનું નામ ખૂલતાં જ શ્રીલંકન સરકારે તેના પિતા કરોડપતિ મસાલા કારોબારીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી. શ્રીલંકન સરકારનો આરોપ છે કે તેણે જ તેના દીકરાને જેહાદ માટે ઉકસાવી અને શ્રીલંકામાં હુમલા કરવા ઉશ્કેર્યો હતો માટે તે પણ આ ઘટના માટે એટલા જ જવાબદાર છે જેટલો જહાન. શ્રીલંકન સરકારના આ આકરા વલણથી શ્રીલંકન સરકારે જગતભરને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, અમારા માટે રાષ્ટ્રીય સુરક્ષા જ સર્વોપરી છે અને તેની રક્ષા માટે અમે ગમે તે હદે જઈ શકીએ છીએ. અમને ન તો માનવઅધિકાર આમ કરતાં રોકી શકશે કે ન તો અમને દુનિયાની શરમ નડવાની છે. હાલ શ્રીલંકામાં એવું વાતાવરણ બની ગયું છે કે ત્યાં બુરખા પર તાબડતોબ પ્રતિબંધ લગાવાઈ રહ્યા છે. આતંકવાદીઓને તેમના પરિવાર સમેત ઘરમાં જ ફૂંકી મારવામાં આવી રહ્યા છે. મસ્જિદો, મદ્રેસાઓમાં ધડાધડ છાપા મરાઈ રહ્યા છે. છતાં કોઈપણ વ્યક્તિ, સંગઠન, પક્ષ કે મીડિયા માનવ અધિકારોની રાડારાડ કરી રહ્યું નથી. અફસોસ એ વાતનો છે કે જ્યારે ભારતમાં કોઈ આતંકવાદી હુમલો થાય છે ત્યારે આનાથી તદ્દન ઊલટું દૃશ્ય જોવા મળે છે. પહેલાં તો કોઈ સરકાર મતબેન્કની લાલચમાં આતંકી આકાઓ વિરુદ્ધ પગલાં ભરતાં જ ધ્રૂજે છે અને જો કોઈ સરકાર આ પ્રકારનાં પગલાં ભરવાની હિંમત દાખવે તો પણ વિરોધ પક્ષો, મીડિયા, માનવ અધિકારવાદી સંગઠનો અને બુદ્ધિજીવીઓ હાય તૌબા મચાવી સરકારનું જીવવું હરામ કરી નાખે છે.
આપણા દેશમાં કોઈ આતંકી હુમલા દરમિયાન આતંકવાદી માર્યો જાય કે જીવતો પકડાઈ જાય ત્યારે શું થાય છે ? તેના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિનું રીતસરનું ઘોડાપૂર આવે છે. તેમનો દીકરો તો રાહ ભટકેલો છે. તેને જાણી જોઈને આમાં ફસાવાયો છે. તેઓને મુસ્લિમ હોવાથી નિશાન બનાવાઈ રહ્યા છે ના આરોપો સાથે આતંકીના પરિવારજનોના રડમસ ચહેરા સતત ટીવી પડદે પ્રસારિત થતા રહે છે. પુલવામા હુમલાને યાદ કરો. હુમલામાં આદિલ ડાર નામના આત્મઘાતી હમલાવરે સીઆરપીએફના કાફલા પર હુમલો કરી ૪૦ જેટલા જવાનોને ફૂંકી માર્યાં ત્યારે તેના પિતા ગુલામ દાર કહે છે કે, મારો પુત્ર સેનાના અન્યાયથી પીડિત હતો. પડોસીઓ, સગા-સંબંધીઓથી માંડી કેટલાક રાજકીય પક્ષો પણ આત્મઘાતી હુમલાખોરને શહીદ, જેહાદી બતાવવામાં લાગી ગયા હતા. શ્રીલંકામાં આતંકી હુમલાખોરના પિતાની ધરપકડ કરી તેમને જેલમાં નાંખી દેવામાં આવે છે. કોઈને મળવા સુધ્ધાંની પરવાનગી આપવામાં આવતી નથી. જ્યારે ભારતમાં આતંકી આદિલના પિતા હુમલા બાદ ખુલ્લેઆમ પોતાના દીકરાનો બચાવ કરે છે. ધડાધડ માધ્યમોને ઇન્ટરવ્યુ આપી દેશવિરુદ્ધ પ્રોપેગેન્ડા ચલાવે છે. માધ્યમો મારફતે ભારતના સૈન્ય અને સરકાર પર આરોપો લગાવે છે. માધ્યમો પણ બેશરમીપૂર્વક એ નિવેદનોને સતત પ્રદર્શિત કરતાં રહે છે.
આતંકવાદ સામે કેવી રીતે પગલાં લેવાય તે શ્રીલંકા પાસેથી શીખવાની જરૂર છે. ત્યાંની મસ્જિદો, મદ્રેસાઓ પર અઘોષિત પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.
 
હવે વિચારો, ભારતમાં કોઈ સરકાર આ પ્રકારના પ્રતિબંધો લગાવી દેવાનું વિચારી શકે ખરી ? અને કરે તે તો પણ તેની પ્રતિક્રિયા કેવી આવે ? માનવ અધિકારવાદીઓ સડકો પર ઊતરી આવે. ઍવોર્ડ વાપસી ગેંગ સરકારી ગેંગને અચાનક આ દેશમાં ડર લાગવા માંડત. વિરોધ પક્ષો લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે નું કહી સત્તા પક્ષના નામનાં રીતસરનાં છાજિયા જ લેત. યાદ કરો પુલવામા હુમલા બાદ માત્ર બે દિવસ ત્યાંના નેશનલ હાઈવેને સામાન્ય લોકોના આવન-જાવન માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે શું થયું હતું ? ઓમર અબ્દુલ્લાથી માંડી મહેબૂબા મુફ્તિ સુધીના લોકોએ રાજનીતિ શરૂ કરી દીધી હતી.
 
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી વચ્ચે જબરજસ્ત વૈચારિક મતભેદ છે. હાલ ત્યાં સત્તા માટે જબરજસ્ત સંઘર્ષ ચાલી રહ્યો છે. છતાં બન્ને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે એક છે. આપણા દેશમાં આ શક્ય બને ખરું ? શ્રીલંકામાં માત્ર આતંકવાદીઓ વિરુદ્ધ જ નહીં, હુમલા દરમિયાન લાપરવાહી દાખવવા બદલ મુખ્ય પોલીસ અધિકારીને ફરજિયાત રજા પર મોકલી દેવામાં આવ્યા છે. ત્યાંના રક્ષામંત્રીએ રાજીનામું આપી દીધું છે, જે સત્તાપક્ષે મંજૂર પણ કરી લીધું છે અને તત્કાળ આ પદે પૂર્વ સેનાપ્રમુખને ગોઠવી દીધા છે.
 
ભારતમાં શું થાય છે ? યાદ કરો ૨૬/૧૧ના મુંબઈ પરના હુમલાને પાકિસ્તાનને ખૂબ જ ચાલાકીપૂર્વક આતંકીઓના હાથ પર લાલ દોરા બંધાવ્યા હતા, જેથી કરીને આતંકીઓ હિન્દુ હોવાનું સાબિત થાય અને ભારત આ મુદ્દે તપાસમાં ગોથું ખાઈ જાય. તત્કાલીન સરકારના અનેક મંત્રીઓ ન માત્ર પાકિસ્તાની ષડયંત્રમાં ફસાઈ મતબેન્કની લાલચમાં તેઓએ હિન્દુ આતંકવાદ શબ્દ વહેતો કર્યો. જો કે વાત અલગ છે કે પાકિસ્તાન અને ભારતના કથિત બિનસાંપ્રદાયિક પક્ષ હિન્દુઓને આતંકવાદી ચિતરવાનું ભારે પડ્યું. પહેલા સામાન્ય ચૂંટણીઓમાં જનતાના હાથની જોરદાર ખાધી, ત્યારબાદ માંડ કળ વળી ત્યાં પાછા ન્યાયાલય તરફથી પણ હિન્દુ આતંકવાદ તરીકેના શબ્દનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે.
છેલ્લા સમાચાર મુજબ શ્રીલંકાએ પોતાના દેશમાં રહેતા ૨૦૦ મૌલવીઓ સહીત ૬૦૦ જેટલા વિદેશી મુસ્લિમોની હકાલપટ્ટી કરી છે. હવે આપણે ત્યાં શુ થાય છે તે જુઓ. દિગ્વિજયસિંહે જેવા નેતાઓ ખુલ્લેઆમ કટ્ટરવાદના ભાષણો માટે કુખ્યાત મુસ્લિમ ધર્મગુરુ જાકિર નાયિક સાથે જાહેરમાં મંચ શેર કરી તેના વખાણ કરે છે. કોંગ્રેસ જેવા પક્ષો આતંકવાદના પોષક એવા કાશ્મીરી અલગાવવાદીઓ સાથે વાતચીત કરવાની તરફેણ કરે છે અને આતંકની આગમાં ભડકે બળતા કાશ્મીરી વિસ્તારોમાંથી આસ્ફા જેવા કાયદા હટાવવાના વચનો આપે છે. જ્યારે બાંગ્લાદેશી ઘૂસણખોરોના દેશ નિકાલની વાત કરવામાં આવે છે ત્યારે મમતા બેનર્જી જેવા નેતાઓ બાંગ્લાદેશીઓને હાથ લગાવનારના હાથ તોડી નાખવાની ધમકીઓ આપે છે. મ્યામારના શરણાર્થી મુસ્લિમોને ભારતમાં રહેવા દેવાની કાનૂની અરજીઓ અપાય છે.
સમય ચેતવી રહ્યો છે. જો ભારતે કે પછી વિશ્ર્વના કોઈપણ દેશે આતંકવાદને નાથવો હશે તો તેઓએ આતંકવાદીઓ અને આતંકના આકાઓ સાથે ઈઝરાયેલ અમેરિકા અને શ્રીલંકાવાળી કરવી જ પડશે નહીં તો ભારતથી શ્રીલંકા બહુ છેટું નથી.
 

 
ભારત માટે ખતરો
શ્રીલંકામાં બ્લાસ્ટની ઘટના બાદ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ પોતાની ગુપ્ત માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરતા કેરળ અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં છાપા માર્યાં. એજન્સીએ કેરળમાં રિયાઝ અબુ બકરની ધરપકડ કરી જેના પર આઈએસ પ્રેરિક કાસરગોડ મોડ્યુલના કેટલાક સભ્યો સાથે જોડાયેલા હોવાના અને રાજ્યમાં આત્મઘાતી હુમલાની યોજના બનાવવાના આરોપ છે. રિયાઝ છેલ્લા એક વર્ષથી શ્રીલંકાના હુમલાના માસ્ટર માઇન્ડ ઝાહરાન હાશિમના વીડિયો અને ભાષણો જોતો - સાંભળતો હોવાની જાણકારી પણ મળી. આ સેલ તામિલનાડુના કેટલાંક હિન્દુ નેતાઓની હત્યા કરવાની યોજના બનાવી રહ્યું હતું. રિયાઝ ઇસ્લામિક સ્ટેટના પ્રભાવમાં આવીને સીરિયા કે અફઘાનિસ્તાન જતા રહેલાં લોકોના સંપર્કમાં પણ હતો.
એનઆઈએને ઝાહરાન હાશિમની કોલ ડિટેલ પરથી એ પણ જાણવા મળ્યું હતું કે તે લાંબા સમયથી કેરળ અને તામિલનાડુમાં સક્રિય હતો અને ત્રણેક મહિના ભારતમાં રહ્યો પણ હતો. કાસરગોડમાં અન્ય બે સંદિગ્ધોના ઘરો પર મારવામાં આવેલા છાપામાં હાશિમના વીડિયો ઉપરાંત મોબાઈલ ફોન તેમજ અન્ય ડિજિટલ ડિવાઈસની સાથે સાથે કેટલીક ડાયરીઓ અને ઝાકિર નાઈક અને સૈયદ કુતેબની ડીવીડી પણ મળ્યાં હતા. ઇસ્લામિક સ્ટેટનો મનપસંદ રસ્તો સોશિયલ મીડિયાનો છે. સોશિયલ મીડિયા મારફતે તે પ્રોપેગેન્ડા વીડિયો અને ઉશ્કેરણીજનક માહિતી વહેતી કરે છે. પકડાયેલા શખ્સોની તપાસમાં બહાર આવ્યું કે તેઓ ઇસ્લામિક સ્ટેટની હિંસક કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતા અને સોશિયલ મીડિયા પર તેને ફેલાવવામાં લાગ્યા હતા.
કાસરગોડ મોડ્યૂલના ભાગેડૂ નેતા અબ્દુલ્લા રાશિદ અબ્દુલ્લાએ કાસરગોડના ૧૬ જણાને પોતાની સાથે જોડાવા માટે પ્રેર્યા હોવાનું બહાર આવ્યું. એનઆઈએ હવે એ તપાસમાં લાગી છે કે શ્રીલંકાના વિસ્ફોટો સાથે તેમનો કોઈ સંબંધ છે કે કેમ. શ્રીલંકાના વિસ્ફોટોમાં જેનો હાથ હોવાનું બહાર આવ્યું છે એ નેશનલ તૌહિદ જમાતના ભારતના સંદિગ્ધો સાથે સંપર્ક હતો કે નહીં એની તપાસ પણ થઈ રહી છે. એનઆઈએ અને અન્ય ગુપ્તચર એજન્સીઓ એ તપાસમાં પણ લાગી છે કે ઇસ્લામિક સ્ટેટે કેરળ, તામિલનાડુ અને અન્ય દક્ષિણ ભારતીય રાજ્યોમાં ઘૂસણખોરી કરી છે કે કેમ ?
 
એનઆઈએની તપાસમાં એ પણ બહાર આવ્યું કે અબ્દુલ્લા અને તેની પત્નીએ ફેબ્રુઆરી ૨૦૧૬માં શ્રીલંકાની મુલાકાત લીધી હતી અને ઇસ્લામિક સ્ટડીના ક્લાસોમાં ભાગ લીધો હતો. જો કે તેઓ ઇસ્લામિક સ્ટેટની વિચારધારા ફેલાવતા હોવાનું જણાતા તેમને કાઢી મૂકવવામાં આવ્યા હતા. ભારત આવ્યા બાદ અબ્દુલ્લાએ પોતાના ૧૬ સાથીદારોની મુસાફરીનો બંદોબસ્ત કર્યો હતો. કાસરગોડ મોડ્યૂલ ઝડપાયા બાદ જ ભારતીય એજન્સીઓને ઇસ્લામિક સ્ટેટના અફઘાનિસ્તાન અને સીરિયા કેમ્પ માટે દક્ષિણ ભારતના યુવકોની ભરતીની યોજના વિશે જાણવા મળ્યું હતું.
 
હવે શ્રીલંકાના સેનાપ્રમુખ લેફ્ટનન્ટ જનરલ મહેશ સેનાનાયકે કહ્યું છે કે સીરિયલ બ્લાસ્ટમાં સામેલ આતંકવાદીઓએ કેરળ અને કાશ્મીરમાં તાલિમ લીધી હતી. તેમણે કહ્યું કે ગુપ્તચરોની માહિતી અનુસાર આત્મઘાતી હુમલાખોરો કાશ્મીર ઉપરાંત કેરળ અને બેંગાલુરુમાં પણ ગયા હતા. તેમના મતે આતંકવાદીઓ બીજા આતંકવાદી સંગઠનો સાથે સંપર્ક કરવા માંગતા હતા. તેમણે એ વાતની પુષ્ટિ કરી કે સીરિયલ બ્લાસ્ટને અંજામ આપવા માટે આતંકવાદીઓએ સ્થાનિક નહીં પરંતુ બાહ્ય તત્ત્વોની મદદ લીધી હતી. શ્રીલંકામાં થયેલા વિસ્ફોટો બાદ ભારતીય એજન્સીઓ વધારે સાવચેત બનીને તપાસ કરી રહી છે. શ્રીલંકા હુમલાના તાર ભારત સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યા બાદ ભારતની સુરક્ષા સામે પણ જોખમ હોવાના અણસાર છે. એનઆઈએના હાથ લાગેલા વીડિયોમાં શ્રીલંકા, તામિલનાડુ અને કેરળમાં ઇસ્લામિક શાસન સ્થાપવાની વાત કરવામાં આવી હતી. જેમાંના શ્રીલંકામાં વિસ્ફોટો થઈ ચૂક્યાં છે. જેના પગલે કેરળ અને તામિલનાડુમાં કોઈ આતંકવાદી હુમલો ન થાય એ માટે ગુપ્તચર એજન્સીઓએ કમર કસી છે. જોકે ઇસ્લામિક સ્ટેટ જે ઝનૂનથી ઇન્ટરનેટ મારફતે પોતાનો પ્રોપગેન્ડા ફેલાવે છે. એ જોતાં ભારતે દક્ષિણ એશિયાના અન્ય દેશો સાથે મળીને પ્રયાસ કરવાની જરૂર છે. જાણકારોના મતે ઇસ્લામિક સ્ટેટ ઉપરાંત અન્ય કટ્ટરપંથી જૂથો પણ ભવિષ્યમાં માથું ઉચકી શકે છે. સીરિયલ બ્લાસ્ટનો ઘા ખમ્યા બાદ શ્રીલંકાએ સુરક્ષાના અનેક પગલાં ભર્યાં છે. ભારતે પણ માહોલ બગડે એ પહેલાં સાવચેતીના પગલાં લેવાની જરૂર છે.